સંવત્સરી એ પર્યુષણ મહાપર્વનો અંતિમ અને ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય છે. જેમ મંદિરનું શિખર ધ્વજ અને કળશથી સુશોભિત લાગે છે. તે પ્રમાણે પર્યુષણ મહાપર્વ પણ સંવત્સરીની ભાવપૂર્ણ આરાધનાથી સફળ બને છે.

ક્ષમાપના સંવત્સરીનો પ્રાણ છે અને પર્યુષણ મહાપર્વનું સારભૂત તથ્ય છે. પર્યુષણ કે બીજા કોઇ પર્વની ઉજવણી કરવી સહેલી છે પણ ક્ષમાના પરિપેક્ષ્યમાં સ્વંત્સરીની સાધના કરવી ખૂબ અઘરી છે. ક્લપસૂત્રમાં ભગવાન મહાવીરસ્વામી ક્ષમાની મહત્તાનુ વર્ણન કરતાં કહે છે, ‘પોતાની થઇ ગયેલી ભૂલો માટે સાચા હૃદયથી ક્ષમા માગવી જોઇએ, તેનું પ્રાયશ્ચિત કરવું જોઇએ અને બીજાની ભૂલો થઇ હોય તો તેમને ઉદાર હૃદયથી ક્ષમા આપવી જોઇએ.’ આજ અર્થમાં ક્ષમા એ વીરનું ભૂષણ છે. કાયર મનુષ્ય ક્યારેય કોઇને ક્ષમા આપી શકતો નથી.

મહાવીર સ્વામીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ક્ષમા માંગે અને બીજાને ક્ષમા આપે, તે જ વ્યક્તિની સાધના યોગ્ય ગણાય. ક્ષમાપના વગરની ધર્મ-આરાધના વ્યર્થ જતી હોય છે. ક્રોધ, ઇર્ષા, અસૂયા આ બધું જ અગ્નિજ્વાળા છે. તે પોતાને પણ દઝાડે છે અને બીજાને પણ દઝાડે છે. સંસારમાં થતાં મોટા ભાગના અપરાધો ક્રોધાવસ્થામાં થાય છે. શાંત અને પવિત્ર મન ક્યારેય અપરાધ કરવાનો વિચાર કરતું નથી.

મનમાં વારંવાર આવતો ક્રોધ, વેરમાં પરિણમે છે. આ વેરવૃત્તિ બહુ ભયાનક છે. એના ગંભીર પરિણામો આ જન્મમાં તેમજ જન્મોજન્મ ભોગવવા પડતા હોય છે. રોષ, ઘૃણા, તિરસ્કાર, ઇર્ષા, નિંદા વગેરે દુર્ગુણો ક્રોધના પરિવારજનો છે. આ બધા અવગુણો કુટુંબની શાંતિ છીનવી લે છે, ક્લેશ ઉત્પન્ન કરે છે. કોઇની પ્રગતિ થવા દેતા નથી. ક્ષમા અને સંતોષની ભાવનાથી જ આ દુર્ગુણો દૂર થતા હોય છે.

ક્ષમાની ભાવનામાં મૈત્રીનું ઝરણું વહેતુ હોય છે. એમાં જ ડૂબકી લગાવવાથી સંસારમાં સુખની લાગણી અનુભવી શકાય છે. ક્ષમાની લાગણી વગર જીવનમાં શાંતિ અને આનંદનું આગમન શક્ય નથી. ક્ષમા માગ્યા પછી કે આપ્યા પછી મનની સ્થિતિ જુદી જ બની જાય છે.

હંમેશા ભયમાં જીવતા મનુષ્યને કોઇ ક્ષમા આપે તો તે પ્રસન્નતા અનુભવે છે. તેને હાશ થાય છે. ક્ષમાની સાથે સાથે જીવન પ્રત્યે સાચી સમજ મળે. હું કોણ છું, અહીં શા માટે આવ્યો છું. શું કરી રહ્યો છું. જે કરી રહ્યો છું એ કેટલું સાચું છે. શું મારા આ કર્મો મને અને બીજાને શાંતિ આપશે? આ પ્રમાણેના વિચારો મનન ચિંતન જીવનને બદલી નાંખે છે.

શત્રુતામાં કાયમ ભય રહેતો હોય છે. વેરભાવના ક્યારેય કોઇને શાંતિથી જીવવા દેતી નથી. એક બીજાનો બદલો લેવો, એક સામે ચાર સંભળાવી દેવા આવા અશાંત મનની અંદર ક્ષમાનો ભાવ જ શાંતિ આપી શકે છે. ક્ષમાના ભાવથી બે દુશ્મન, બે પક્ષ દુશ્મન મટી મિત્ર બની જતા હોય છે.

સંસારમાં ‘ક્ષમાની ભાવના’ શાંતિ, મિત્રતા, સહિષ્ણુતા અને વિશ્વાસ જેવી લાગણીઓ માટે એક સંજીવની જડીબુટ્ટી છે.

પર્યુષણનો અર્થ છે ‘પરિવસન’. એટલે કે એક જ સ્થાન પર મનની સ્થિરતાપૂર્વક રહેવું બીજો અર્થ છે સંસારની અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિની વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવા. સદીઓથી માનવ મનમાં અનેક પ્રકારના કષાયો અને વિકારો છૂપાયેલા છે એને દૂર કરી મનને નિર્મળ કરવું.

પર્યુષણ પર્વ એ આત્મસિદ્ધિનું પર્વ છે. તે સમય દરમ્યાન ચિત્તને ઉપવાસ, ધર્મશ્રવણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન જેવી ધર્મસાધનામાં પરોવવું.