આ સંસ્કૃતિએ,એની સભ્યતાએ આપણને જે પરમજ્ઞાન અને પરમ વૈભવ આપ્યા હતા એમાં બંને પ્રકારનો વૈભવ હતો – બાહ્ય અને આંતરિક. એ બંને પ્રકારના વૈભવનું મહત્ત્વ આ સંસ્કૃતિના જીવનમાં એકસરખું જ હતું. હજારો વર્ષોથી જીવંત આ સંસ્કૃતિમાં ઘણી વિશેષતાઓ હતી અને આજે પણ છે; આજે ભારતીયોનું વિશ્વમાં જે એક આગવું સ્થાન છે એના મૂળમાં પણ આ સંસ્કૃતિની જ વિશેષતાઓ છે, ભલે આ તરફ આપણું ધ્યાન ના જતું હોય.

આપણે ગઈ વખત વાત કરી હતી કે આપણા ઋષિઓએ આપણને એવી ભાષા આપી છે જે ફોનેટિક છે,ઉચ્ચાર શાસ્ત્રને આધારે ઉચ્ચતમ કહી શકાય એવી છે. એ ભાષા છે સંસ્કૃત અને એને આધારે આ દેશમાં ઉદ્ભવેલી અન્ય પ્રાદેશિક ભાષાઓને કારણે આજે ભારતમાં ભણેલી કોઈ પણ વ્યક્તિ વિશ્વના અન્ય દેશમાં જાય છે તો ત્યાંની ભાષા એ સહેલાઈથી બોલી શકે છે, અને એ પણ એ દેશના લોકોની જેમ બોલી શકે છે. વળી, ઘણા ભારતીયો વિદેશોમાં જઈને સફળ થયા છે એનું એક કારણ આ સંસ્કૃત ભાષા અને એની વિશેષતાઓ પણ છે,જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ.

શિક્ષણ અને ભણતરની વાત કરીએ તો પુરાતન સમયમાં આપણી શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષણ નિ:શુલ્ક અપાતું હતું, જેમાં કોઈ ભૌતિક વસ્તુઓ કે પૈસાની લેવડ-દેવડ ન્હોતી. બાળક સાત-આઠ વર્ષનું થાય એટલે એનું ઉપનયન (જનોઈ)સંસ્કાર થાય, જે ગુરુકુળમાં પ્રવેશ માટેનો સંસ્કાર હતો. આ ઉપનયન સંસ્કાર વિધિ ત્રણે વર્ણના બાળકો માટે હતી; આજે કમ-સે-કમ બ્રાહ્મણો તો આ વિધિ કરે છે. તમને ધ્યાન હશે કે આ વિધિમાં બટુક ઉત્તર દિશામાં (કાશી તરફ) જાય છે, અને પછી તરત જ એના મામા એને પાછા તેડી લાવે છે અને કહે છે કે “નથી જવાનું”.

આપણે ત્યાં કાશી એ સંસ્કૃત અને શાસ્ત્રો ભણવા માટેનું સૌથી ઉચ્ચતમ ધામ ગણાતું હતું, અને ધર્મની બાબત માટે તો કાશી સુપ્રીમ કોર્ટ ગણાતું. કાશીના વિદ્વાનો ધર્મની બાબતમાં જે નિર્ણય આપી દે એ અંતિમ નિર્ણય.

ઉપનયન સંસ્કાર ગુરુકુળ વ્યવસ્થામાં પ્રવેશ માટેનું મહત્ત્વનું સોપાન ગણાતું, એ દિવસથી એ બાળકને સંધ્યા-વંદનનો અધિકાર મળતો, વેદમંત્ર, ગાયત્રી મંત્ર, ઉપાસના વિગેરે કરતો. ગુરુકુળમાંનું અધ્યયન પૂરુ થઇ જાય પછી એનો સમાવર્તન સંસ્કાર પણ થતો, કે હવે સંસારમાં પ્રવેશ કરવાનો. એ સમયમાં ગુરુકુળમાં રહેતા બાળકોને વેકેશન ન્હોતું મળતું, ગુરુકુળના અધ્યયન અને સમાવર્તનના વચગાળામાં વિદ્યાર્થીએ ગુરુની પાસે જ રહેવાનું હતું. વેકેશન કેવું, અને શેને માટે હોય? આપણે ખાવામાં વેકેશન પાડીએ છીએ? કે રાતે ઉંઘવામાં વેકેશન હોય છે? તો ભણવામાં વેકેશન કેમ હોય? ગુરુના સાન્નિધ્યમાં રહીને શિષ્ય અધ્યયન કરતો, ગુરુ જયારે જોતા કે આ હવે સમાવર્તન માટે યોગ્ય થઇ ગયો છે તો ગુરુ એનું સમાવર્તન સંસ્કાર કરતા, જો વિદ્યાર્થીની યોગ્યતા નહીં હોય તો એને સમાવર્તન નહીં મળે. આમ, ગુરુ નિર્ણય કરતા કે કયા શિષ્યને ક્યારે સમાવર્તન સંસ્કાર આપવો.

સમાજના ઉત્કર્ષ, વિકાસનો મુખ્ય આધાર છે શિક્ષણ. આપણે ત્યાં આવું શિક્ષણ નિ:શુલ્ક હતું. સમાજના બાળક કે વ્યક્તિએ કોઈ પણ કામ કરવું હોય– ટેકનિકલ, મેનેજમેન્ટ, વિગેરે- તો એણે એ પ્રમાણેનું શિક્ષણ તો લેવું જ પડે. વિદ્યાર્થી માત્ર અર્થલક્ષી ના બની જાય એ માટે આપણે ત્યાં શિક્ષણ નિ:શુલ્ક રખાયું હતું. જો શિક્ષણ શુલ્ક (ફીસ) વાળું હશે તો વિદ્યાર્થીએ શિક્ષણ ક્ષેત્રમાંથી બહાર આવીને અર્થલક્ષી બન્યા વગર છૂટકો જ નથી, પછી‘અર્થ’ને એ છોડી નહીં શકે.

અમે ઘણીવાર વાતો કરતા કે ડોકટરીનું ભણવા માટે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી પાસેથી MBBS  / MD માટે શરૂઆતમાં જ રૂ.૨-૨.૫ કરોડ લેવામાં આવે છે. માનો કે એ રૂ.૨.૨૫ કરોડમાં MD થઇ ગયો, ત્યાર પછી સાત-દશ વર્ષમાં એના ડબલ તો થાય. એટલે લગભગ રૂ. ચાર-પાંચ કરોડ થાય જેનું મહીને વ્યાજ પાંચેક લાખ થાય. તો, આ MDની મહીને જો પાંચ લાખની પ્રેક્ટિસ ના હોય તો એ વ્યાજ પણ ના ચૂકવી શકે, એટલે, ભણવા માટે પોતાના રોકેલા કે વ્યાજે લીધેલા જે પૈસાનું investment કર્યું હોય એનું એ વ્યાજ પણ ના ભરપાઈ કરી શકે તો કેમ ચાલે?

હવે, આપણે આવા ડોક્ટર પાસેથી અપેક્ષા રાખીએ કે એ સમાજની સેવા કરે, તો એ અન્યાય છે. જો ડોક્ટરની પાસેથી સેવા જ કરાવવી હતી, તો, સમાજે એની પાસેથી ફીસ લીધા વગર એને નિ:શુલ્ક ભણાવવો જોઈતો હતો. એના ભણવાના વખતે એની પાસેથી કરોડો રૂપિયા લીધા, અને એને સેવા કરવાનું કહો તો એ અન્યાય છે.

આ અર્થલક્ષી વિચારધારા તો સમાજના દરેક ક્ષેત્રે પ્રસરી છે. આવા સમાજમાં દરેક વ્યક્તિ માત્ર પૈસાની દૃષ્ટિથી જ વિચારતો હશે, તો દરેક વ્યક્તિ અને વર્ગમાં છળ-કપટ આવશે જ, એને આપણે નહીં રોકી શકીએ. એટલે, જ્યાં જરૂરી નહીં હશે ત્યાં સર્જરી પણ થશે, અને દવાની જરૂરીયાત નહીં હોય ત્યાં દવા પણ અપાશે. આવી વાતોને આપણે રોકી નહીં શકીએ.

આપણે બધા’ય જાણીએ છીએ કે દરેક ક્ષેત્રમાં શું થઇ રહ્યું છે. આજે સમાજમાં દરેક વ્યક્તિ એ જ વિચારે છે કે એ ક્યાંથી,કઈ રીતે જલ્દી પૈસા મેળવી શકશે. આવા સમાજના લક્ષ્યમાં પૈસા જ હશે, એ સિવાય બીજું કશું જ નહીં હશે. પૈસા જ લક્ષ્યમાં હશે. આપણે માત્ર કલ્પના કરીએ કે આવા સમાજમાં લોકો કઈ રીતે સુખી અને શાંત, તદ્દન નિર્ભય રહેશે. સમાજમાં એવી કોઈ વ્યક્તિ કે જગ્યા નહીં હોય કે જ્યાં કોઈ શંકા ના થાય, કે કોઈ પર શ્રદ્ધા કે વિશ્વાસનો ભાવ કરી શકાય એવો સમાજ કદી પણ ના બની શકે. આવા સમાજમાં અમીરો પણ આપણા પૈસા માટે રાહ જોતા હોય, અને ધાર્મિક સંસ્થાઓ પણ પૈસાની જ રીતે વિચારતી હોય.

સમાજમાં જો દરેક વ્યક્તિમાત્ર પૈસાને જ કેન્દ્રમાં રાખીને વ્યવહાર કરતી હોય તો એવા સમાજમાં સાચી દિશા, સાચુ સુખ, સાચુ સમાધાન આપણને મળી જ નહીં શકે. આવા સમાજમાં મારી સમસ્ત બુદ્ધિ, શક્તિ માત્ર મારી જીવન-જરુરિયાત પૂરી કરવામાં જ વપરાઈ જતી હોય છે, એટલે દરેક વસ્તુ છે એ બહુ જ મોંઘી થતી જાય, જીવન-યાપન અને life-style ખર્ચાળ થઇ જશે, વળી, માણસનું જીવન પણ વિચારો-ચિંતાના વમળમાં હોય, તેથી સ્વાસ્થ્ય સારું ના રહે તેથી ડોક્ટર પાસે કે હોસ્પીટલમાં પણ જવું પડે, બાળકોના સારા ભણતર માટે પણ મારે ખૂબ કમાવું પડે.

એટલે, આજે પશ્ચિમના વિકસિત દેશોમાં જોઈએ છીએ કે માત્ર જીવન ચલાવવા માટે જ પરિવારમાં જેટલા સભ્યો હોય એ બધાએ કમાવું પડે, પરિવારની એક વ્યક્તિનો પગાર ગમે એટલો ઉંચો હોય, તો પણ એ પગાર તો મકાન માટે બેંક પાસેથી લીધેલા પૈસાના હપ્તા ભરવામાં, ભાડા ચુકવવામાં, બાળકોના ભણતરની ફીસમાં વપરાઈ જતો હોય છે; અને બીજી વ્યક્તિ કામ કરી પૈસા લાવે ત્યારે એ લોકોનું ઘર માંડ-માંડ ચાલતું હોય, પછી કાંઈ બચે તો એમાંથી ગાડી કે એવી બીજી સુવિધા-સગવડોનો વિચાર કરી શકાય. આમ, પેટ, ઘર, ગાડી, ભણતર વિગેરેમાંજ સવારથી સાંજ સુધી વરસો-ના-વરસ જીવન પૂરું થઇ જતુ હોય છે, બીજું કશું વિચારવા માટે તક કે શક્તિ જ ના હોય.

જીવનને વિશેષ રીતે વિચારી શકાય એવું ક્યારે શક્ય હોય, કે જયારે માણસ નિશ્ચિંત હોય ત્યારે, એનું મન-મગજ ખાલી હોય ત્યારે, પણજો માણસ free જ ના થાય તો એને એના જીવનમાં ઉચ્ચતમ કોઈ ભાવ આવે જ નહીં. વિચાર કરો, આખું જીવન ખૂબ દોડા-દોડ કરી,પોતાનું ઘર બનાવે, બાળકોને સારું ભણતર આપી, પરણાવે… પરંતુ, છેવટે એ મેળવે છે શું? પોતાનું તો જીવન આમ જ પસાર થઇ ગયું હોય, એને પોતાને માટે જરા સરખો સમય મળતો નથી, તેથી બીજી જે મુશ્કેલીઓ સર્જાય છે તેનાથી પણ આપણે પરિચિત છીએ – પરિવારમાં માતા-પિતા બંને કમાવા જાય પછી બાળકોનું શું? બેબી-સિટિંગની સંસ્થામાં મૂકવા સિવાય છુટકો જ નહીં હોય, બાળકોને સંસ્કાર ના આપી શકાય, તેથી એમનામાં પણ ધીરે-ધીરે માનસિક સમસ્યાઓ ઉભી થાય, સાયકિક સમસ્યાઓ ઉભી થાય, પછી ગુનાખોરી જેવા બીજા અપકૃત્યો પણ કુટુંબ અને સમાજમાં વધતા જાય, અને સમાજ ધીમે-ધીમે stress વાળો થવા માંડે.

જયારે જીવન અને સમાજના લક્ષ્યમાં માત્ર પૈસા જ હોય તો આવી બધી અવ્યવસ્થાઓ ઉભી થવાની. આપણે ત્યાં શિક્ષણનો જે મૂળ આધાર હતો, ધ્યેય હતું એ મોક્ષ-લક્ષી હતું, જ્ઞાન-લક્ષી હતું, એ તો આજે ક્યાં’ય શક્ય જ નથી. આજે કોઈ પણ વ્યક્તિ ભણે છે તો એક જ લક્ષ્ય હોય – જોબ, નોકરી. આજે ભણીને ડોક્ટર, વકીલ, ઈન્જીનીયર કે કોઈ પણ થઇ જાય કે એ ઉભા જ હોય નોકરીની શોધ માટે. એટલે, પછી નોકરી આપનારી કંપનીઓ ઉભી થશે, અન્ય વ્યવસ્થાઓ એ પ્રમાણેની ઉભી થશે, સરકારો એ પ્રમાણે હશે… અને હવે જયારે બધા જ આ પ્રમાણે વિચારે છે તેથી, નોકર વધારે અને નોકરી ઓછી, તેથી જોબ-નોકરી હોય,પણ અનિશ્ચિતતાવાળી હોય, કંપનીઓ પણ એવી હોય કે નોકરી તો આપે, પણ એ કમજોરોનું શોષણ કરનારી થતી જાય.

અમેરિકામાં ૨૦૦૯ની સાલમાં જયારે જનરલ મોટર્સ, ક્રાઈસ્લર કાર કંપનીઓ bankrupt થઇ એ અરસામાં હું ત્યાં ડેટ્રોઈટમાં એક ભાઈને ઘરે રોકાયો હતો. આ ભાઈ GMમાં પહેલા ઊંચા પદપર હતા. મેં એમને પૂછ્યું કે જે કંપનીના શેરનો ભાવ એક સમયે ૧,૦૦૦ ડોલર હતો એ જ કંપની જે દિવસે નાદાર જાહેર કરાઈ, એ કેમ નાદાર થઇ ગઈ,એવું તે શું થયું કે એના શેરના ભાવ તે દિવસે માત્ર ૨૨ સેન્ટ થઇ ગયા… તમને શું લાગે છે?

એ ભાઈ ભારતીય હતા, તેથી ભારતીય ભાષામાં કીધું કે “સ્વામીજી, કંપની એના પાપે ડૂબી, અગર કંપની નુકશાન કરતી હોય તો બધાનો પગાર ઘટવો જોઈએ, પણ ઉચ્ચ હોદ્દેદારોના પગાર તો ઓછા ના થાય, નિશ્ચિત બોનસ, વિગેરે ભથ્થાઓ પણ ઓછા ના થાય…તેથી નુકશાન કરતી કંપનીઓ નીચેના લોકોને કાઢી મૂકે, અને નાદારી નોંધાવી દે, એવું કરે કંપનીઓ.”

એ જ (૨૦૦૮ના) અરસામાં, ત્યાંની અન્ય માતબર બેંકો સહીત CitiBank પણ જયારે મોટું નુકશાન કરી ડૂબવા લાગી ત્યારે ત્યાંની સરકારે CitiBankને લગભગ અંદાજે એક અબજ ડોલર આપી બચાવી લીધી હતી. તો, બધા મોટા હોદ્દેદારો પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં બેસી સરકારી મદદ લેવા પહોંચી ગયા!! અબજો ડોલરની સહાય કર્યા પછી સરકારે એમને કીધું કે તમે તમારી સિસ્ટમને સુધારવા, improve કરવા તો કશું કર્યું જ નથી. તો એ લોકોએ કીધું કે “ના, અમે બધાને જે increment, બોનસ વગેરે જે આપવાનું હતું એ બધું આપી દીધું, બધું ચૂકતે કરી દીધું છે.” તો, આમ મોટા લોકો તો લહેર જ કરે, કંપની, બેંક ડૂબી જાય તો ભલે ડૂબતી,પોતાને માટે કશું ઓછું ના કરે, નીચેના લોકોને એ લોકો રખડતા મૂકી દે. આવા લોકોના ઘરબાર હોય, છોકરા-છૈયા હોય, સંસાર હોય એ લોકોના જીવનનું શું? મોટી કંપનીઓ, બેંકો લાખો લોકોને આમ અચાનક બેઘર કરી નાંખે, તો એ સર્વાઈવ કઈ રીતે કરે? બસ, આવા લોકોને પછી બીજી કંપનીઓ પોતાને ત્યાં નોકરી તો આપે પણ શોષણ કરશે, કારણ બધાના લક્ષ્યમાં પૈસા જ છે, એ સિવાય કોઈ વાત જ નથી.

એટલે,આ સિસ્ટમમાં માણસ ક્યાં છે? માણસ આ પૃથ્વી ઉપર સૌથી મૂલ્યવાન જીવ છે, અને તેથી એનું જીવન પણ મૂલ્યવાન છે. આ અર્થ-લક્ષી સિસ્ટમ જે માત્ર ને માત્ર અર્થની જ ભાષા સમજે છે એ આ મૂલ્યવાન માણસને એક resource (સાધન) માત્ર બનાવી દે છે; એટલે લોહ-ધાતુના products ઉત્પાદન કરતી કંપનીઓ માટે જેમ મિનરલ્સ ખનીજ એક પ્રકારનું પૈસા કમાવાનું સાધન છે, અમુક કંપનીઓ માટે ખનીજ તેલ અને ગેસ એક resource છે, electricity એક resource છે, તેવી જ રીતે બેંકો, કમર્શિયલ કંપનીઓ માટે માણસ પણ એક resource, tool, instrument માત્ર છે. આ મૂલ્યવાન માણસ કંપનીઓ માટે એક tool / resource થી વધારે કાંઈ નથી– તમને જેટલો માલ જોઈએ એના કરતા વધારે આવી જાય તો થોડો બાજુએ મૂકી દો, કે પછી કાઢી પણ નાંખો, તેમ માણસ વધારે થઇ જાય તો થોડાને કાઢી મૂકો.

પેલા ભાઈએ વાત સમજાવતા કહ્યું, “સ્વામીજી, પહેલા એવું હતું કે કોઈ પણ કંપનીમાં છ-૧૨ મહિના કામ કર્યા પછી એ કંપનીમાં એની નોકરી પરમેનન્ટ થઇ જતી; ૮-૧૦ વરસ ત્યાં કામ કરે તેથી એને એ કંપની પોતાની લાગે, કે આ મારી કંપની છે, સાથે કામ કરતા માણસોને ઓળખતા થાય, એમની સાથે આત્મીયતા પણ બંધાતી, ઉપલા ઓફિસરો સાથે પણ પરિચય થાય, પોતાના ડીપાર્ટમેન્ટના લોકો સાથે ઘરોબો થાય, એમના સુખ-દુઃખમાં સાથે હોય… આમ એક પ્રકારનો કૌટુંબિક ભાવ પણ હોય. આજે તો આમાંનું કશું જ નહીં, અને કંપની માટે જો માણસ એક સાધન હોય, તો સામે માણસ માટે પણ કંપની પૈસા કમાવા માટેની એક જગ્યા છે, એ પણ હવે લાગ શોધે છે કે કઈ કંપની અત્યારના કરતા વધારે પગાર આપશે, અને લાગ મળ્યે જમ્પ કર્યો જ છે ને! આમ બંને ને ખબર છે કે એક બીજાને કેવી રીતે વાપરી શકાય – કંપનીને પણ ખબર છે કે સારો માણસ બે-ત્રણ વરસમાં તો જમ્પ મારવાનો જ છે, એટલે એ કંપની પણ એ માટે તૈયાર જ હોય છે.

એટલે, બધા પૈસા સિવાય બીજું કશું વિચારતા જ નથી, અને આ સિસ્ટમમાં માણસ એક વાંદરાની માફક જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એક કંપનીમાંથી બીજી કંપનીમાં જમ્પ કર્યે રાખે છે એમાં જ એનું જીવન પણ પૂરું થઇ જાય, આમ માણસ પોતે પણ જીવનમાં માત્ર પૈસાને કેન્દ્રમાં રાખીને જ વિચારતો થશે. આવું જીવન બહારથી દેખાશે રૂપાળુ, પણ અંદરથી એ રૂપાળુ ના હોય, અંદરથી એને અસંતોષ, અતૃપ્તિ, એક-બીજા માટે શંકા-અવિશ્વાસ, વિવિધ પ્રકારના શોષણની ભાવના હોય છે.

જેનું જીવન જ્ઞાન-બોધ લક્ષી હશે તો એને એના જોબથી, નોકરીથી સંતોષ હશે, માત્ર પૈસાથી જ સંતોષ ના હોય, એને એના જોબથી સંતોષ હોય, એ સંતોષ એની અંદરથી પેદા થતો હોય. એની પાસે પૈસા હોય કે ના હોય, એને સંતોષ હશે. જેમ સાધુ છે, જ્ઞાની છે એમ, એની પાસે કશું હોય કે ના હોય, એને સંતોષ હોય. એમ દરેક વ્યક્તિ છે એ જે પણ જોબ કરતી હોય એની અંદર એક પ્રકારનો સંતોષ હશે.

આપણા ઋષિઓ જ્ઞાની હતા, આજે આપણી પાસે જે શાસ્ત્રો-ગ્રંથો છે તો એ બધા આ ઋષિઓને કારણે છે, પરંતુ એમની પાસે કાંઈ બહુ પૈસા ન્હોતા, પણ તેઓ અંદરથી આનંદિત અને સંતુષ્ટ હતા. મને એક ભાઈ માન્ચેસ્ટરમાં મળ્યા હતા, એમણે કીધેલું કે ભારતની જે જ્ઞાનની સંપત્તિ છે તે અદભુત અને અકલ્પનીય છે. અહીં જો કોઈ દવા બનાવવી હોય તો કેટલો બધો સમય લાગે, પાંચ-સાત વરસો તો R&Dમાં લાગે, લાખો ડોલર ખર્ચો પણ થાય, જયારે ત્યાં તમારા ભારતમાં તો આયુર્વેદ શાસ્ત્રમાં તો દવાનો જાણે ભંડાર છે, આવશ્યક દવા માટેનું જ્ઞાન-વિજ્ઞાન તૈયાર છે… આવું જ્ઞાન પણ જે ઋષિઓએ શોધી આપણા સુધી પહોંચતું કર્યું છે એમની પાસે પણ કાંઈ બહુ પૈસા ન્હોતા, પણ એ લોકો સંતુષ્ટ હતા.

મેં આગળ એક કૈયટની વાત કરી હતી. એ સંસ્કૃતના બહુ જ મોટા વિદ્વાન વ્યક્તિ હતા, એ રહેતા હતા એ રાજ્યમાં એક વખત બનારસથી થોડા વિદ્વાનો આવેલા, એમણે ત્યાંના રાજાને કીધું કે અમારે કૈયટને મળવું છે,એ ક્યાં રહે છે?” હવે આ રાજા આ કૈયટને જાણતા પણ ન્હોતા, તેથી આ વિદ્વાનો એમના પર નારાજ થયા, કહે “કેવા રાજા છો? રાજા તો પ્રજાના ઉત્કર્ષ માટે હોય અને તમારા જ રાજ્યમાં એક મોટા વિદ્વાન છે, તમને શરમ આવવી જોઈએ કે તમને એ પણ ખબર નથી કે એ ક્યાં રહે છે.”

રાજાને લાગ્યું કે કૈયટ ક્યાં રહે છે તે જાણવું તો જોઈએ, તપાસ કરતા ખબર પડી; પછી જાતે મળવા ગયા અને ત્યાં જઈ ઋષિ સામે ઉભા રહ્યા, જોયું તો કૈયટ કશુંક લખી રહ્યા હતા. થોડી વાર પછી કૈયટે ઉપર જોયું તો એમની નજર રાજા ઉપર પડી, પૂછ્યું “શું જોઈએ છે?” રાજાએ પોતાનો પરિચય આપ્યો, કીધું કે તમે મને કાંઈ સેવા કરવાની તક આપો. કૈયટે વિનંતી કરી માત્ર એટલું જ કીધું કે “તમે અત્યારે અહીંથી જતા રહો, મને લખવામાં વિક્ષેપ પડે છે”.

આ વિદ્વાન કૈયટ પાસે આજીવિકાનો કોઈ સ્રોત ન હતો, તેમના પત્ની, એ પણ મોટા વિદ્વાનના પત્ની! તો પણ એ જાતે જંગલમાં જઈ લાકડા કાપીને લાવતા, એ લાકડા વેચીને જે મળે એમાંથી ઘરનો ખરચ કાઢતા. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ માણસ ત્યાં સંતુષ્ટ છે, એને સંતોષ છે, અને એ જે કર્મ કરતા એમાં, પોત-પોતાના કર્મમાં સંતોષ હતો, એટલે જ આ દેશમાં જીવન અને જ્ઞાનના દરેક ક્ષેત્રમાં આટલો વિપુલ ભંડોળ આપણને મળ્યો છે. આ જ સમાજમાં વૈભવ પણ જોવા મળશે, શિલ્પ-કળા-કારીગરી જુઓ તો એ પણ અદભુત હતી! તમે પહેલાના મંદિરો જુઓ, હજારો કારીગરો કેટલા’ય વર્ષો સુધી કામ કરતા ત્યારે એક ભવ્ય મંદિરનું નિર્માણ થઇ શકતું! આજે આપણે એવા ભવ્ય મંદિરો બનાવી શકીએ ખરા? ના, કારણ કે એવા ઉમદા કારીગરોને એમને જોઈતી કિંમત આપણે નથી આપી શકતા.

આધુનિક સમય અને સમાજમાં જ્યાં માત્ર પૈસા જ જીવનનું લક્ષ્ય છે તો એમાં કેટલી બધી વિદ્યાઓ, કેટલી ઉત્તમ કળાઓ, સંગીત જેવા વિવિધ પ્રકારના જ્ઞાન કે જેનું આર્થિક રીતે ખાસ કાંઈ મૂલ્ય નથી એ બધું ધીરે-ધીરે લુપ્ત થઇ રહ્યું છે. આજે ઇકોનોમિક વેલ્યુ કોની છે – મેડીકલની, IT,  ઇન્જીનિયરિંગની, ફાઇનાન્સ, MBA, વિગેરેની તેથી સમાજમાં આજ ક્ષેત્રોનું જ્ઞાન રહેશે, બીજું બધું જ જ્ઞાન અધ્યાત્મ, કળા, સંગીત, શિલ્પ, વિગેરે જે જીવનની વિવિધતા છે એ બધા’ય વિષયોનું જ્ઞાન જેનું આર્થિક રીતે મૂલ્ય નથી એ બધું નષ્ટ થઇ જશે. આજે માણસને એવું જ્ઞાન જોઈતું નથી તેથી એ જ્ઞાન સમાજમાં નહીં રહેશે. આપણા દેશમાં ગીત-સંગીતના ક્ષેત્રમાં જોશો તો માત્ર સંગીતમાં જ કેટલા અદભુત વાદ્યો હતા, આજે એમાંના ઘણા વાદ્ય લુપ્ત થઇ રહ્યા છે. પહેલા આપણા ગામોના દરેક પ્રાંતોમાં કાંઈ કેટલી’ય કળાઓ વિકસી હતી, જીવનને વૈવિધ્ય આપતી હતી, હજારો લોકો એ કળા શીખતા પણ હતા, આજે એમાંની માત્ર થોડી જ બચી છે, કારણ કે એ કળાઓની આર્થિક રીતે ઉપયોગિતા નથી, તેથી એની માંગ, demand ના અભાવે એ બધી નષ્ટ થઇ ગઈ છે. આજે માણસના જીવનમાં સંતોષ નથી, પરંતુ પ્રાદેશિક કળા વૈભવથી માણસને બહુ પૈસા મળવાના નથી, તો એ કળા શીખવા શું કામ પ્રયત્ન કરે?

આપણા દિવ્ય જ્ઞાનની જ વાત કરીએ તો આપણે ત્યાં વેદોની કેટલી બધી શાખાઓ હતી, આજે એમાંની ઘણી શાખાઓ લુપ્ત થઇ ગઈ છે. આપણે ત્યાં વેદાધ્યયન એક પ્રકારની તપસ્ચર્યા છે, બ્રાહ્મણો પંદર-પંદર વર્ષો મહેનત કરે છે, અને એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એનો નિયમિત અભ્યાસ કરવો પડે; ઉપરાંત, એણે રોજ ચાર-પાંચ કલાક મંત્રોચાર (chanting) પણ કરવાના હોય છે, જો નહીં કરે તો સ્વરો આગળ-પાછળ થવા માંડે. હવે, આ જ્ઞાન, મંત્રોચારની વિદ્યા વિગેરેનું આર્થિક મૂલ્ય નહીં હોય તો અને શીખનારા નહીં હશે તો આ જ્ઞાન પણ ધીરે-ધીરે લુપ્ત થઇ જશે.

ઘણી વખત એવું પણ બને છે કે અમુક કામ વધારે મહેનત માંગી લે છે, તેથી પણ એ છોડી દેવાય છે, કારીગરો ઓછા થઇ જાય છે, અને જો હોય તો પૈસા ખૂબ માગે છે. પરદેશોમાં નાના-મોટા કામ હવે ત્યાંના લોકો જાતે કરતા થઇ ગયા છે. સુથાર, કડિયા, ઇલેક્ટ્રિક કામો વિગેરે જાતે કરતા થઇ ગયા છે. ત્યાં પરદેશમાં લોકોએ જાતે કડિયા બની કિચનના ટાઈલ્સ લગાવવી પડે,ક્યારે’ક દીવાલ પણ જાતે ચણવી પડે, બાથરૂમમાં નળ કે પાઈપ પણ જાતે બદલવા પડે; ટીવી કે લાઈટ કનેક્શન એવું બધું જાતે કરવું પડે. આવું જીવન હોવાને કારણે જે વૈયક્તિક, પર્સનલાઈઝ્ડ કળાઓ, હસ્ત-કળા છે એ બધી નષ્ટ થઇ રહી છે; અમુક જે બચી છે કે નવી વિકસી છે એની કારીગરીના પ્રોડક્ટ્સની માંગ હોય તો પણ એના ભાવ તોતિંગ કહેવાય એવા હોય, જેમ કે ગ્લાસ સ્કલ્પચર!

એટલે, આપણા ઋષિઓએ શિક્ષણ-વ્યવસ્થામાં શિક્ષણ નિ:શુલ્ક જ રાખ્યું હતું, કોઈ ફી જ નહીં. આજે પણ free educationની વ્યવસ્થા શક્ય છે, અશક્ય નથી, બસ, આપણે (અને સાથે સરકારી તંત્ર પણ, બંને) નિર્ણય કરે તો જરૂર થઇ શકે. આપણામાંથી કેટલા લોકો છે જે પચાસ વર્ષ પછી (રિટાયર) થયા પછી સાંસારિક જવાબદારીઓથી મુક્ત-ફ્રી હોય એ પછી ૧૦ વર્ષ સમાજ માટે કશું કરવા તૈયાર હોય? આપણે ત્યાં વાનપ્રસ્થાશ્રમની જે વ્યવસ્થા હતી તે આ જ હતી, કે જેના દ્વારા વડીલો એમના ૧૦-૧૫ વર્ષો સમાજ માટે આપી કશું’ક સારું કરતા. આજે તો રિટાયર થયા પછી મોટા ભાગના લોકોનો જીવનક્રમ સવારે ઉઠ્યા, ચા-પાણી કર્યું, છાપું વાંચ્યું, TV જોયું, બાળકોને નિશાળે મૂકી આવ્યા, જમ્યા, આરામ કર્યો, શાકભાજી લઇ આવ્યા, ઘરકામમાં થોડી મદદ કરી, TV જોયું, રાત્રિ-ભોજન પછી સૂઈ ગયા. આમ જ આપણું જીવન પસાર થઇ રહ્યું છે.

આજે પણ free education થઇ શકે છે; પરંતુ પહેલાની શિક્ષણ વ્યવસ્થામાં આજે છે એ પ્રમાણે સુખ-સાહ્યબીની સગવડો, AC, TV ન્હોતા. સંસ્કૃતમાં એક પ્રચલિત માન્યતા અને કહેવત છે કે सुखार्थिन: कुतो विद्या, विद्यार्थिन: कुत: सुखम्– સુખ એટલે શારીરિક સુખ જેને જોઈતું હોય એને વિદ્યા ક્યાંથી પ્રાપ્ત થાય, અને જેણે વિદ્યા જોઈતી હોય એને સુખ, લૌકિક સુખ ના હોય. વિદ્યાર્થીના જીવનમાં બહુ ભૌતિક સુવિધાઓ ના હોય, જીવન સાત્ત્વિક, સરળ હોવું જોઈએ, ત્યારે તો ક્લાસરૂમમાં બેસવા માટે ટેબલ-ખુરશી પણ ન્હોતા, જયારે આજે તો schools, universitiesના ક્લાસરૂમમાં AC હોય, બેસવા માટે, ખાવા માટે અન્ય સગવડો પણ ખરી… અને પછી તગડી ફીસ, આના વગર ચાલે જ નહીં. તમે જ વિચાર કરો કે ભણતરના ક્ષેત્રે આવી સગવડો હોય તો પછી એને કારણે સમાજ કેટલો વિભાજીત થતો જશે? એક વર્ગના બાળકને આમાંની કોઈ જ સગવડ ના હોય, એણે તો નીચે બેસીને ભણવાનું હોય, ઉપર છાપરું પણ ના હોય… જયારે બીજા વર્ગના બાળકો AC રૂમમાં ભણે!! આ બે વર્ગોના બાળકો મોટા થાય પછી સાથે વિચારી કે કામ કેવી રીતે કરી શકે?

પહેલાના ગુરુકુળની વ્યવસ્થામાં દરેક શિષ્ય માટે એક જ પ્રકારની વ્યવસ્થા હતી, અને એ પણ નિ:શુલ્ક, પછી ત્યાં રાજા દ્રુપદ હોય કે ગરીબ બ્રાહ્મણ દ્રોણ હોય, કે ગરીબ સુદામા હોય, કે રાજા કૃષ્ણ હોય, રાજાનો છોકરો હોય કે ગરીબનો, ગુરુને ત્યાં બધા શિષ્યો એક સરખા હોય, બધા’ય સાથે જ ભણતા હતા,એવી એ શિક્ષણ વ્યવસ્થા હતી. આવી શિક્ષણ વ્યવસ્થાને કારણે ગુરુકુળની બહાર સંસારમાં પણ જીવનમાં એક પ્રકારનું ઐક્ય હતું, જીવન સાદગીપૂર્ણ હતું.

આજે તો દરેક ક્ષેત્રના શિક્ષણ માટે ફીસ હોય છે, તે ત્યાં સુધી કે એક વર્ગ એવો છે કે જે મહિનાના રૂ.૧૦,૦૦૦ થી રૂ.૨૫,૦૦૦ સુધી આપીને પણ યોગ શીખતો હોય, બીજી તરફ એવો પણ વર્ગ છે જે બિચારો કશું જ આપી ના શકતો હોય એને યોગ શીખવાની તક કદાચ જ મળતી હોય.

મંદિરોમાં પ્રસાદ વિતરણ પણ પૈસાને આધારે થઇ ગયું છે – અમુકને એક ખાસ પ્રકારનો પ્રસાદ અપાય, બીજાને બીજા પ્રકારનો, ત્રીજાને એવો. આમ, મંદિરોમાં પણ પૈસા-આધારિત વર્ગ-વિભાજિત થઇ ગયો છે અને આવું થયું છે પૈસા કેન્દ્રમાં છે તેથી પૈસાને કારણે સમાજના દરેક ક્ષેત્રમાં વર્ગ-વિભાજન થતું રહ્યું છે.

આજે પુરાતન ગુરુકુળની અમુક વાતો આધુનિક પશ્ચિમના દેશોના ભૌતિક જીવનમાં જાણતા-અજાણતા વણાઈ ગઈ છે. ત્યાં વિદ્યાર્થી બધા ભલે પોત-પોતાના ક્લાસરૂમમાં ભણતા હશે, ત્યાં સુવિધાઓ પણ હશે, પરંતુ, એ જ વિદ્યાર્થીને એવી training પણ મળે છે કે એ વખતો-વખત અડધી ચડ્ડી પહેરીને ટ્રેકિંગ માટે ઉપડી જાય,કુદરતના સાંનિધ્યમાં રહે,ત્યાં તંબુમાં રહે જ્યાં કોઈ જ સુવિધાઓ ના મળે. આમ, ત્યાંના બાળકોને નાનપણથી સુવિધા વગર રહેવાની training મળી જતી હોય છે.

એક વખત અમે કેલિફોર્નિયામાં યોગ શિબિર કરવા માટે એક camp-site જોવા ગયેલા. ત્યાં જોયું તો લાકડાની નાની-નાની કોટેજો બનાવેલી,અંદર કોઈ જ સુવિધાઓ નહીં, લાઈટ પણ નહીં, અને આજુ-બાજુ બધે જ જંગલનો વિસ્તાર. ત્યાંના વ્યવસ્થાપકોએ દરેક કોટેજોની બહાર લોખંડના મોટા box મૂકેલા. ત્યાં અંદર રહેનારા લોકો આ boxમાં ખાવાની વસ્તુઓ મૂકી રાખે અને જો ત્યાં રીંછ કે એવું પ્રાણી આવે તો એને ત્યાં ખાવાનું મળી રહે, અને પછી એ ત્યાં ઓરડામાં ના આવે, (જો આવે તો નુકશાન કરે).

આપણે ત્યાં જો આવી વ્યવસ્થા અને તે પણ જંગલમાં કરવામાં આવે તો ત્યાં તો કાગડા જ ઉડે, ત્યાં કોઈ ના જાય, અને અહીં કેલિફોર્નિયામાં જોયું તો અમને કોઈ રૂમ જ ના મળી, vacancy જ નહીં, બધા ઓરડાઓ ભાડે અપાઈ ગયા હતા. ત્યાં લોકો weekend, Saturday-Sundayમાં બાળકોને લઈને પહોંચી જાય, અને બધાને ખબર છે કે ત્યાં જંગલનો વિસ્તાર છે, ત્યાં કોઈ જ સુવિધાઓ નથી મળવાની, અને ત્યાં રીંછ પણ આવે છે, તો ખાવાની વસ્તુ એ લોકો અંદર ના લઇ જાય, બહાર રાખેલા boxમાંજ મૂકી દે. આમ, ત્યાં બાળકોને નાનપણથી સુવિધા વગર પણ જીવવાની આવી training મળી જતી હોય છે.

થોડા દિવસો પછી અમે એક બીજી camp-site જોવા ગયા, ત્યાં શિબિર રાખી હતી; જોયું તો ત્યાં લાઈટ હતી, પંખા ન્હોતા. આખી સાઈટ વિશાળ ૧૦ એકર જેટલી જમીન પર હતી, અને ત્યાં ૧૦-૨૦ કોટેજો બનાવી હતી, જેમાં ૫૦-૬૦ માણસો રહી શકે એ માટેની મૂળભૂત સુવિધાઓ હતી. (અહીં આપણે બે-ત્રણ શિબિર રાખી ચુક્યા છીએ). આ સાઈટ પર અમે જયારે પહેલી વખત ગયા ત્યારે મને એ જગ્યા ખૂબ ગમી હતી, પણ સાથે આવેલા ભાઈઓએ કીધું કે “સ્વામીજી, આપણા લોકો અહીં કોઈ જ નહીં આવે.” મેં પૂછ્યું “કેમ?” તો કહે,“આપણા લોકોને મોટેલ વગેરેમાં બધી સુવિધાઓ હોય તો જ આવે, સરસ ખાવાનું મળે, AC હોય, સારા બેડ હોય, સારો બાથરૂમ હોય એવી સુવિધાઓ હોય તો આવશે.” બધી વાત સાંભળ્યા પછી મેં કહ્યું, “જેને આવવું હશે તે આવશે, આપણે શિબિર અહીં જ રાખવી છે. આમ પણ આપણી શિબિરોમાં ૨૫-૫૦ લોકો જ હોય છે, તેથી જેને ગમશે એ આવશે.”

ત્યારે મને થયું કે આપણે ભારતમાં આપણા બાળકોને કેવી રીતે તૈયાર કરીએ છીએ, અને પશ્ચિમની પ્રજા એમના બાળકોને કેવી રીતે તૈયાર કરે છે!?

તો, સાદાઈની જે ટ્રેનિંગ પહેલા ગુરુકુળમાં મળતી હતી તે આજે પશ્ચિમી જીવનમાં અનાયાસે વણાઈ ગઈ છે. વળી, ગુરુકુળમાં બધું કામ જાતે કરવાનું હતું , ત્યાં કોઈ નોકર-બોકર નો’તા; ચૂલા માટે, કે યજ્ઞ માટે જંગલમાંથી લાકડા જાતે કાપી લાવવા પડતા, પછી યજ્ઞવેદી તૈયાર કરે, યજ્ઞ કરે, ભોજન જાતે બનાવે… શિષ્યો બધું કામ જાતે જ કરતા હતા, આજે પશ્ચિમમાં ઘણું-ખરું આવું જ છે, હા ત્યાં યજ્ઞ જેવું કશું નથી.

આશ્રમમાં આપણે શિબિર રાખીએ છીએ ત્યાં આવનારાઓમાં કેટલાકની તો ૬૦-૭૦ વર્ષની ઉંમર થઇ ગઈ હોય, એણે કોઈ દિવસ વાસણ જ સાફ ના કર્યા હોય, કોઈ દિવસ ઘરમાં કચરો’ય વાળ્યો ના હોય, અને આશ્રમમાં શિબિર કરવા આવે તો આવું બધું પણ કરવું પડે, ત્યારે કહે, “અમે તો પહેલી વખત આવું કરીએ છીએ, ઘરે આવું ક્યારેય ના કરીએ…” આશ્રમમાં બહેનો અને ભાઈઓ માટે રોકાવાની અલગ વ્યવસ્થાઓ છે, તો પણ બેહેનો છાના-માના ભાઈઓના કપડાં ધોવા માટે લઇ આવે, પછી પહોંચાડી દે. હવે ભાઈ ૭૦ વર્ષના થઈ ગયા હોય, કોઈ દિવસ જાતે વાસણ કે કપડાં ધોયા ના હોય.. તો, આપણી અંદર આત્મવિશ્વાસ કઈ રીતે જાગે? હું એકલો હોઉં તો મારે શું-શું કરવું પડશે, હું શું કરી શકીશ, હું એકલો આગળ વધી શકીશ? એ બધી વાતો વિચાર માંગી લે એવી છે, ખાસ કરીને પશ્ચિમના દેશોમાં જઈએ ત્યારે ત્યાં રહેવાનું આવે ત્યારે ભલે તમે મોટા ડોક્ટર હો, ઘરની સફાઈતો જાતે જ કરવી પડે, વાસણ પણ માંજવા પડે.

હું જયારે લંડન ગયો હતો ત્યારે ત્યાં રહેતા એક પરિવારમાં હું રોકાયો હતો, એ ભાઈ આંખના specialist ડોક્ટર હતા, અને એમના પત્ની ગાયનેક. એ ભાઈ જો મારી સાથે બેસીને વાતો કરતા હોય, તો અંદરથી બૂમ સંભળાય, “ચલો, બહુત બાતે કરતે હો, અબ મદદ ભી કરો.” તો એ ભાઈ અંદર જઈને શાક-બાક સુધારવા લાગે, પછી જમી રહીએ પછી ફરી ભાઈ મારી જોડે વાત કરવા લાગે, અને ફરી અંદરથી બૂમ સંભળાય “ચલો, બાતેં બહુત હો ગયી…” ભાઈ બિચારા જાય અંદર, ત્યાં એક જણ વાસણ ઘસે, બીજો ધૂએ. પશ્ચિમના દેશોમાં આવું તો કરવું જ પડે.

પશ્ચિમની સિસ્ટમમાં બાળકને દસમાં ધોરણ પછી અઠવાડિયામાં ૨૦ કલાક કામ કરવાની રજા આપે. મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ કામ કરે, ઘણાને નોકરી તો કરવી જ પડે, નહીં તો એ એની ફીસ વગેરે કેવી રીતે ભરી શેકે? હવે, એને કોઈ skilled job તો મળે નહીં, એણે કોઈ રેસ્ટોરાંમાં વેઈટરનું કામ કરવું પડે, કે સફાઈ કામ કરે, વાસણ ઘસવાનું કામ કરે,નાની ઉંમરના માટે એવા જ કામો મળે, અને ત્યાં રહેવું હોય તો એ પણ કરવું જ પડે.

આપણે ત્યાં આવી બધી ટ્રેનિંગ બાળપણમાં ગુરુકુળમાં રહીને મળતી હતી, આજે પશ્ચિમના સમાજમાં એવી જ ટ્રેનિંગ લોકોને બીજી રીતે મળી જતી હોય છે. આજે આપણા બાળકોને એ ટ્રેનિંગ નથી મળતી, અને આપણા લોકોને પણ નથી મળતી, તેથી ભારતના લોકો જે બીજા દેશોમાં જાય છે ત્યાં એ ક્યાં’ય ઊંચા  હોદ્દા પર administrationમાં કે લીડર નથી હોતા, એ લોકો માત્ર કામ કરી જાણે છે, ફોલોઅર્સ છે, સારા નોકરો છે. દુનિયામાં ક્યાં’ય ભારતીયો જેવા સારા નોકરો નહીં મળે..

અંગ્રજોના શાસનમાં આપણને આપણી વિશેષતા ખબર ન્હોતી, પરંતુ, અંગ્રેજોને એ વાતની ખબર પડી ગઈ હતી કે ભારતીયો જેવા મજૂરો, લેબરર્સ બીજે ક્યાં’ય નહીં મળશે, તેથી એ લોકો ફિજીમાં, આફ્રિકામાં, કેન્યામાં, જે ભારી-શારીરિક કામો–ખેતી કરવાની હોય, જંગલો કાપવાના હોય ત્યા જંગલી જનાવરો હતા, તો પણ ભારતીયો જતા, મજૂર બનીને. આવા બધા કામો કરવા માટે એમને લેબર જોઈતા હતા, અને એ બધા ભારતમાંથી, બિહાર-યુ.પીમાંથી મજુરો લઇ જતા હતા.

આજે પણ એમ જ છે, કોઈએ અમેરિકાના બિલ ગેટ્સને પૂછ્યું કે તમે જો નાદાર થઇ જાઓ તો શું કરશો? તમે જો રસ્તા પર આવી જાવ તો શું કરશો? બિલ ગેટ્સે કીધું, “હું ભારત જઈશ, ત્યાંથી ૪૦ IT ટેકનીશિયનોને લઇ નવી કંપની શરુ કરીશ.” આમ, આજે પણ ભારતના લોકોની કાબેલિયત કહીએ કે જે પણ કહીએ, માત્ર લેબર તરીકેની જ છે, અને તે પણ બેસ્ટ લેબરર! એ ભારતમાં જ મળશે. ભારતના લોકો જાતે કશું નવું કરતા નથી, એમની અંદર આત્મવિશ્વાસ બિલકુલ નથી, આપણી શિક્ષણ વ્યવસ્થામાં creativityની વાત તો બિલકુલ શીખવવામાં આવતી જ નથી.

આ બધું જોઇને મને તો એમ જ થાય કે આપણે ચકલી જેવું કરીએ છીએ. ચકલી શું કરે છે? અહીં-તહીં જઈને ચાંચમાં જેટલું માય તેટલું લઇ આવી, ચાંચમાંથી કાઢી એના બચ્ચાંઓને ખવરાવે છે. ભારતમાં જે શિક્ષક હોય એ જુદી-જુદી જગ્યાએથી જોઈતી વાતો વાંચી લઇ, બધી માહિતી ભેગી કરે, એની નોટ્સ તૈયાર કરે…અને પછી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓની સામે ઓકી કાઢે, અને વિદ્યાર્થીઓ એ બધું note-down કરી લે, એ બધું સંઘરી લે…બસ, આટલું જ કરી શકે, આપણામાં creativity બિલકુલ નથી.

પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા જ એવી છે કે એમાં creativity વણાઈ ગઈ હોય અને એ વિદ્યાર્થીઓને અનાયાસે મળે છે. બાળકોને એક પ્રોજેક્ટ આપી દે, એ એની રીતે એ પ્રોજેક્ટ પૂરો કરે. હું એક વખત કેનેડામાં એક પરિવારમાં ગયેલો, ત્યાં પહેલા ધોરણમાં ભણતી એક દીકરી હતી, એની મમ્મીએ કીધું કે સ્વામીજી, એને સ્કૂલમાંથી એક પ્રોજેક્ટ કરવા આપ્યો છે. મેં પૂછ્યું, “બેટા, શેનો પ્રોજેક્ટ છે?” તો કહે, “નર્સિંગનો.”

એ દીકરી એની બધી વસ્તુઓ લઇને આવી, જોયું તો એક પ્લાસ્ટિકનો ડબ્બો હતો, એમાં ડોક્ટરનું stethoscope, થર્મોમીટર, એવું બધું હતું. મેં એને પૂછ્યું “આ શું છે?” કહે stethoscope છે.” “એનું શું કરવાનું?” એ કહે, “એનાથી હાર્ટ બીટ્સ માપવાના”. “કઈ રીતે?” તો એણે બતાવ્યું, “કઈ બાજુ?” તો એ પણ બતાવ્યું, કહે “આ બાજુ, લેફ્ટ બાજુ મૂકીને જોવાનું. મેં મારા હાથને જમણી બાજુ મૂકતા કહ્યું, મારું તો આ બાજુ?,” તો કહે, “ના, લેફ્ટમાં છે.”પછી, એણે થર્મોમીટર કાઢ્યું. “આ શું છે?” એ કહે, “આનાથી શરીરનું temperature માપવાનું.” મેં પૂછ્યું, “કઈ રીતે?” તો કહે, બે રીતે મપાય,મોઢામાં મૂકીને અને ડાબા કે જમણા ખભા નીચે બગલમાં મૂકીને temperature માપી શકાય”.

પછી મેં એને પૂછ્યું, “બેટા, તને આ બધું કોણે સમજાવ્યું?” તો કહે, કોઈએ નહીં, internet પરથી બધું શોધી કાઢ્યું.” વિચાર કરો, પહેલા ધોરણનું આ બાળક!

તો, પશ્ચિમની શિક્ષણ વ્યવસ્થામાં creativity નાનપણથી જ કેળવાતી હોય છે. ગુરુકુળમાં પણ આવું જ હતું, કે ગુરુ શિષ્યને કોઈ એક સેક્શન આપી દે, એની જવાબદારી હોય, એટલે બાળકની creativity, વિચારશક્તિ બધું વિકસતું જાય. મહત્ત્વની વાત તો એ કે ગુરુ જે હતા એ શિષ્યો સામે પોતાનું જ્ઞાન ઓકતા ન્હોતા, આજના શિક્ષકો ભેગી કરેલી માહિતીઓ વિદ્યાર્થીઓ સામે બધું ઓકી કાઢે, પછી કહે, ખાઓ. પહેલાના ગુરુઓ એવું ન્હોતા કરતા, હા, ગુરુકુળમાં શિષ્યોએ સાદાઈથી રહીને, બધું કામ જાતે કરીને ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરવાની હતી, એ વિશેષતા હતી ગુરુકુળની. એ વિષે વધુ વાત પછી કરીશું.