શ્રીમદ્ ભગવદ્ગીતા માનવીને જીવન-ઘડતરની કળા શીખવે છે. જીવન ઘડતર એવા પ્રકારનું હોય જેથી મનુષ્યમાં જે સ્વાભાવિક સુંદરતા રહેલી છે તે અભિવ્યક્ત થાય. કોઇ શિલ્પી એક પથ્થરમાંથી મૂર્તિ કંડારતો હોય ત્યારે તે પથ્થરની અંદર જે સ્વાભાવિક સુંદર પ્રતિમા છુપાયેલી છે તેનું દર્શન તે કરી શક્તો હોય છે. આ દર્શનના આધારે તે સુંદર મૂર્તિ અભિવ્યક્ત કરે છે. મૂર્તિ અભિવ્યક્ત કરવા માટે તે પથ્થરમાં બિનજરૂરી અંશ હતો તેને જ તે દૂર કરે છે. શિલ્પી તેમાં નવું કશું પ્રદાન કરતો નથી. પથ્થરમાં જે સ્વાભાવિક હતું, વિદ્યમાન હતું એને જ તેણે વર્તમાન કર્યુ, અભિવ્યક્ત કર્યુ, જીવન ઘડતરની કળા આ પ્રકારની જ છે. મનુષ્યની અંદર જે વિદ્યમાન છે, પરંતુ કોઇ કારણસર જે વ્યક્ત થતું નથી એને વ્યક્ત કરવું.

આ પ્રમાણે મનુષ્યે બહારથી સુંદરતા પ્રાપ્ત કરવાની છે એવું નથી. એનામાં માનવતા તો છે જ, એટલે તો એને માનવ કહે છે. માનવતાનો અર્થ છે સૌમાં આત્મવત્ દૃષ્ટિ રાખવી. સત્-ચિત્-આનંદ સ્વરૂપ આત્મા મારી અંદર છે એ જ સૌની અંદર છે. આ ભાવ સાથે જીવવું છે. આ ભાવ સાથે કરેલો વ્યવહાર કર્મમાં કુશળતા અને ભક્તિમાં પરમાત્માના સ્પર્શની અનુભૂતિ કરાવે છે. આમ જીવનમાં કર્મની કુશળતા અને ભક્તિ ચરિતાર્થ થતાં ‘સ્વ’ની, ‘આત્મા’ની અનુભૂતિનો બોધ થાય છે.

આ જ્ઞાનને સમજાવવાની સાચી પ્રક્રિયા ગીતાજીમાં છે. માગસર સુદ એકાદશી, ગીતાજીની જન્મજયંતી છે. આપણે સૌ ગીતાજીના જ્ઞાનને આચરણમાં ઉતારીએ. સુદર્શનચક્રધારી ભગવાન શ્રીકૃષ્ણના ચરણ-કમળમાં પ્રાર્થના.