દુનિયાનું સૌથી ઊંચું શિખર ‘માઉન્ટ એવરેસ્ટ’ તેની ઊંચાઇ 8848 મીટર છે. તેને પ્રથમ વખત સર કરનાર વ્યક્તિનું નામ એડમંડ હિલેરી હતું. આ હિલેરીનું સન્માન કરવા માટે ન્યુઝીલેન્ડમાં એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો. ત્યાં પોતાના અનુભવોનું વર્ણ કરતાં તેમણે કહ્યું : ‘હું મારા રૂમમાં માઉન્ટ એવરેસ્ટનું એક ચિત્ર રાખતો હતો… તે ચિત્ર સામે હું રોજ જોતો હતો, તેની સાથે મનથી ખૂબ વાતો કરતો હતો. ચિત્ર સામે જોઇને હું કહેતો કે, ‘માઉન્ટ એવરેસ્ટ ! તને જે મુશ્કેલી નડે છે તે મુશ્કેલી મને નડવાની નથી. તારી ઊંચાઇ હવે 8848 મીટરથી વધી શકે તેમ નથી પણ હું મારી ધીરજ અને સતત પરિશ્રમથી 8848 મીટરથી પણ વધારે ઊંચાઇએ જઇ શકું છું.’

કોની ઊંચાઇ વધારે છે ? માનવીના દૃઢ મનોબળની કે માઉન્ટ એવરેસ્ટની ? આપણી સામે આવતી મુશ્કેલીઓની પણ એક મર્યાદા હોય છે, જ્યારે ભગવાને આપેલી આપણી માનવશક્તિની કોઇ મર્યાદા નથી. આપણી અંદર પણ અનંત શક્તિનો ધોધ વરસી રહ્યો છે.

ભગવાને આપણને અદ્ભૂત શક્તિ આપી છે તો શા માટે આપણે વાસ્તવિક પરિસ્થિતિથી દૂર ભાગીએ છીએ ? માનવીના જીવનમાં વિચાર પ્રક્રિયા એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેવું વ્યક્તિ વિચારે છે તેવો જ તે બની જાય છે.

સંઘર્ષવાળી પરિસ્થિતિ આવે ત્યારે હતાશ, નિરાશ ન થતાં, તે ક્ષેત્ર છોડી ન દેતાં તેનો સામનો કરવાની આપણે ટેવ પાડવી જોઇએ. આવતી મુશ્કેલીઓનો આપણે હકારાત્મક બની ઉકેલ શોધીશું તો મન વધુ મજબૂત અને દૃઢ થશે.