પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૩મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે.

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशनम् |
दयाभूतष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् || १६:२

શ્રુતિ, ભગવતીમાં, વેદોમાં ક્યાં’ય આળસની વાત જ નથી, એવી રીતે કે જેમ એક મા હોય તો એને એના બાળકની વાતો કે પ્રશ્નોમાં સ્હેજે’ય આળસ ના હોય; એનું બાળક એક-ને-એક સવાલ પૂછતું હોય, તો પણ એ મા એ પ્રશ્નોનો એ જ ઉત્તર કંટાળ્યા વગર આપતી હોય – નાદાન બાળક પૂછે કે મા, આ શું છે? મા કહે “કાગડો છે.” થોડી વાર પછી બાળક એ જ સવાલ પાછો પૂછે છે અને એની મા એ જ ઉત્તર પાછો આપશે, બાળક જો દશ વખત પૂછશે તો પણ મા ઉત્તર આપતા કંટાળતી નથી. વળી, બાળક જો કાંઈ સારું કરતું હોય તો મા એને ઘડીએ-ઘડી એ વાત એની પાસેથી કરાવે છે. બાળક બોલતું થાય અને એને શીખવવામાં આવે કે “જય શ્રીકૃષ્ણ”, એ બોલે કે તરત મા એને પાછુ ને પાછુ બોલાવે, કોઈ આવે ત્યારે એના બાળકને કહે, “જય શ્રીકૃષ્ણ કરો, “જય શ્રીકૃષ્ણ કરો.” આમ, પાંચ વખત કરાવે, “જય શ્રીકૃષ્ણ કરો, “જય શ્રીકૃષ્ણ કરો,” આમ, સંસ્કાર આપતા પણ માને આળસ ના હોય, એમ ભગવાનને પણ અર્જુનને જ્ઞાન આપતા કોઈ આળસ કે કંટાળો નથી આવતો.

ઘણા લોકોને, વિદ્વાનોને આપણા શાસ્ત્રો, ગીતા વિગેરે વાંચી એમ થાય કે એ-ની-એ વાત આવ્યા કરે છે; આવે છે, કારણ કે એ કોઈ વિદ્વાનની વાત નથી, માત્ર શાસ્ત્રની જ વાત નથી, એ એક માની વાત છે, અને માની વાત છે તો ઘડીએ-ઘડીએ આવશે જ. અને ગીતામાં તો ભગવાન આપણને દિવ્ય સંપત્તિઓ આપી રહ્યા છે, એ પણ ઉદારતાથી, એક-બે નહીં, જાત-જાતની, કેટલી બધી સંપત્તિઓ આપી છે. એ બધી સંપત્તિઓમાંથી આપણે થોડી’ક સંપત્તિઓની થોડી ચર્ચા કરી છે, આજે આપણે એ સંપત્તિઓમાં કહેલા ‘ત્યાગ’ ઉપર ચર્ચા કરીશું.

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् | ‘ત્યાગ’ માટે શ્રુતિ કહે છે त्यागेनैकममृतत्त्वमानषु: – ‘ત્યાગેન એકમ્’ કે ત્યાગથી જ અમૃતત્ત્વ મળશે એવું કહે છે. અન્ય દૈવી સંપત્તિઓ કહી છે, પણ ‘ત્યાગ’ માટે શ્રુતિ કહે છે કે જે અમૃતત્ત્વ છે એ તો ત્યાગથી જ મળશે. ત્યાગ રૂપી જે દૈવી સંપત્તિ છે એ બહુ વિશિષ્ટ સંપત્તિ છે, કારણ કે ‘ત્યાગ’ સીધો મોક્ષ અપાવનારો છે, જ્ઞાન અપાવનારો છે – તેથી જીવનમાં એક માત્ર ત્યાગ, ત્યાગ અને ત્યાગ જોઈએ, જો મોક્ષ મેળવવો હોય તો.

રામકૃષ્ણ પરમહંસ કહે કે તમે ભગવદ્ગીતામાંના ‘ગીતા’, ‘ગીતા’, ‘ગીતા’, ‘ગીતા’, ‘ગીતા’, રટણ કરશો  તો અનાયાસે એ ‘તાગી, ‘તાગી’ ‘તાગી’… થઇ જશે, એટલે કે ‘ત્યાગી, ત્યાગી, ત્યાગી… તો, ત્યાગ કરો, ત્યાગ કરો. તમે જે છોડો છો એ ત્યાગ છે, એ ત્યાગ પરમતત્ત્વ સુધી જવાનો એક પ્રકારનો જાણે મોટર-વે છે, હાઈવે (highway) છે, એક્ષ્પ્રેસ્સ વે (way) છે.

ભગવાને કહેલી અન્ય સંપત્તિઓની વાત આપણને સહેલાઇથી સમજાય છે, અને જીવનમાં એનો પ્રત્યક્ષ ફાયદો પણ દેખાય છે – જેમ કે ક્રોધ નહીં કરવાથી ઘણી બધી વાતો સુધરી જાય છે; અહિંસા છે, સ્વાધ્યાય છે, તપ છે, જ્ઞાન છે, યોગ છે એ બધાનો જો અભ્યાસ કરીએ તો એ પ્રત્યક્ષ ફાયદો આપણને દેખાય, પણ ત્યાગનો કોઈ સીધો ફાયદો દેખાતો નથી, ઉલ્ટાનું નુકશાન જ દેખાય છે – ઘર-બંગલો-ગાડી વિગેરે છોડવાથી મને શું ફાયદો થશે? ભૌતિક સંપત્તિ, પૈસા છોડીશ તો મને શું ફાયદો મળવાનો?

ત્યાગથી આપણને કોઈ સીધો ફાયદો નથી દેખાતો, પણ જીવનનું એક રહસ્ય છે કે ત્યાગથી જ બધા ફાયદાઓ છે; જો ત્યાગ નહીં હોય તો આપણને જેટલા ફાયદાઓ દેખાય છે એ કોઈ ફાયદા નહીં મળે. આપણા જીવનમાં ત્યાગ બહુ સહજ રીતે વણાયેલો છે, એ વાત આપણને આપણી ઉંઘથી સમજાશે. આપણે જ્યારે ઉંઘવાની તૈયારી કરીએ છીએ, ત્યારે બહારની બધી વસ્તુઓનો આપણે ધીરે-ધીરે ‘ત્યાગ’ કરીએ છીએ – આપણા વેપાર-ધંધા-નોકરીના વિચારો, કામો,પૈસા, મિલકત… બધું જ ભૂલી જઈએ છીએ, એટલે કે માનસિક રીતે છોડીએ છીએ – આ પણ એક પ્રકારનો ‘ત્યાગ’ જ કરીએ છીએ. ત્યાર પછી, બહારના રૂમમાંથી બેડરૂમમાં આવીએ પછી શરીર, બીજી વસ્તુઓ, ઘરની વ્યક્તિઓ, સ્વજનો, વડીલો, અન્ય સંબંધો વિગેરે પણ ભૂલતા જઈએ છીએ, કહો કે છોડીએ છીએ; ધીરે-ધીરે શરીરને પણ ભૂલી જઈએ છીએ, શરીરનું કશું ભાન નથી રહેતું… પછી શરુ થાય છે સ્વપ્ન જગત, જાત-જાતના સ્વપ્નો શરુ થાય છે… પછી, એક અવસ્થા એવી આવે છે કે આપણા સ્વપ્નોનો પણ ‘ત્યાગ’ થઇ જાય છે. ત્યારે આ શરીરમાં આત્મા સિવાય કશું જ જાગતું નથી, અને જો કોઈ વિચાર વિગેરે જાગે પણ છે તો એ પણ પછી સૂઈ જાય છે, અને એ વખતે બધું જ ઠપ્પ થઇ જાય છે. તો આ સમયે કોઈ તો એવું તત્ત્વ છે જે જાગે છે, જે તમારા આખા શરીરના તંત્રને ચાલુ રાખે છે, નહીં તો એના વગર શરીરનું કોઈ તંત્ર ચાલે જ નહીં. તો, ત્યાં જે જાગે છે એ છે ‘આત્મા’, ત્યાં આત્મા જ જાગતો રહે છે, આપણે જયારે ઉંઘી જઈએ છીએ ત્યારે એ આત્મા જ આપણી સાથે રહી જાગતો રહે છે.

હવે, વિચાર કરીએ કે જો બે-ત્રણ દિવસો સુધી ઉંઘ જ ના આવે તો? બધું છોડી સ્વપ્ન-જગતમાં અને એની પાર ના જઈએ તો? આપણું સ્વાસ્થ્ય જળવાશે? તો આપણી ફેક્ટરી ચાલવાની છે? આપણો બીઝનેસ ચાલવાનો છે? ઘરના સંબંધો રહેશે? અખતરો કરી જો’જો માત્ર બે-પાંચ દિવસો ના ઉંઘીએ તો પછી કશું જ નહીં ચાલશે, અને જે બધું ચાલે છે, ચાલી રહ્યું છે એ બધું આપણા ‘ત્યાગ’ને કારણે ચાલે છે. ઉંઘમાં આપણને પ્રત્યક્ષ ફાયદો નથી દેખાતો; ઉંઘ બહુ કિંમતી છે, તે છતાં આપણે એને ક્યાં’ય પણ વટાવી નથી શકતા, એની રોકડી કરી શકતા નથી. હું કોઈ કંપનીમાં જઉં, સાથે મારો સરસ બાયોડાટા પણ લઇ જઉં, અને કંપનીવાળાને કહું કે “હું તમારે ત્યાં ખૂબ સરસ રીતે ઉંઘી જઈશ, મારી પથારી લઇ આવીશ, તમારી પથારી પણ નહીં લઉં… તો કહો, તમે મને કેટલો પગાર આપશો?” તો, ઉંઘને કોઈ રીતે પણ વટાવી નહી શકીએ, આપણી ઉંઘ માટે આપણને કોઈ એક પૈસો’ય ના આપે, અને આપણે માત્ર પૈસાની જ વાત સમજીએ છીએ, પૈસા સિવાય આપણને ક્યાં’ય ફાયદો દેખાતો નથી, મને શું અને કેટલો ફાયદો થશે, એ જ ભાષા સમજીએ છીએ.

તમે જોયું હશે કે બાળકને ફાયદો ચોકલેટમાં જ દેખાય છે, એ ‘ચોકલેટ’ની જ ભાષા સમજે. ‘મંદિરમાં જવું છે, ચોકલેટ મળશે?, કોઈ સંત પાસે જવું છે, ચોકલેટ મળશે?, આશ્રમમાં જવું છે, ચોકલેટ મળશે? . . . એમ આપણે વયસ્કો કશું પણ કરવા જઈએ તો સૌથી પહેલા એ જ વિચારીએ કે પૈસા મળશે? કોઈ આર્થિક ફાયદો ખરો? અને ઊંઘ જેમાંથી કશો આર્થિક ફાયદો દેખાતો કે નથી મળતો તે છતાં આપણે તો બધું મૂકીને બસ, ઉંઘી જઈએ છીએ. એટલે, ઉંઘ એ આપણા જીવનનો એક બહુ અગત્યનો ભાગ છે, અને એ આપણાથી અલગ નથી. જાગ્રત અવસ્થામાંથી જોઈશું તો આ વાત તદ્દન વિરોધી જ દેખાશે. આ એવી વાત છે કે આપણા જાગતાની સાથે બધું પ્રકાશવાળુ થઇ જાય, આપણે ઉંઘી જઈએ એટલે બધું અંધકારમય! જાગીએ તો આખો સંસાર ઉભો થઇ જાય છે, અને જેવા ઉંઘી જઈએ કે એ જ સંસાર વિલીન થઇ જાય છે!! આપણે જાગીએ ત્યારે આપણું મન, આપણી ઇન્દ્રિયો, આપણા અવયવો, આપણુ શરીર બધું જ સક્રિય થાય છે, ઉંઘમાં આ બધા નિષ્ક્રિય થઇ જાય છે. જાગીએ છીએ ત્યારે બધું પ્રકાશવાળુ થઇ જાય, ઉંઘી જઈએ એટલે બધું અંધકારમય!

જે પ્રમાણે આ પ્રકાશ અને અંધકાર આપણા જીવનના બે અગત્યના પાસાઓ છે, એ એકબીજાના પૂરક છે, વિરોધી નથી, આવી જ રીતે, જ્યાં સુધી ત્યાગ આપણા જીવનનો ભાગ નથી બનતો ત્યાં સુધી આપણે જીવનમાં સાચા અર્થમાં સફળ નથી થતા; જયારે ત્યાગ પણ આપણા જીવનનો અગત્યનો ભાગ સમજાઈ, સ્વીકારાતો થવા લાગે ત્યારે સફળતા પછી વધારે દિવ્ય બને છે.

આપણે જ્યારે ઉંઘી જઈએ છીએ ત્યારે અંદર જે જાગતો રહે છે એની તો આપણને કાંઈ ખબર જ નથી કે જેના જાગતા રહેવાથીએ બધું જ જાગે છે. અત્યારે પણ ‘એ’ જાગે છે તો જ આપણું મન, આપણી બધી  ઇન્દ્રિયો કાર્યરત રહી છે, તો જ આપણું આ શરીર પણ કાર્યરત છે; અને જો ‘એ’ ના જાગે, આત્મા ના હોય તો પછી ત્યાં બીજું કશું જ ના હોય. तस्य भाषासर्वमिदं विभाति – એ સ્વયં પ્રકાશિત છે, તેથી એ જાગે છે અને એના પ્રકાશમાં બધું’ય, બધાં’ય પ્રકાશિત થાય છે.

જગત છે, એ સ્વયં સંચાલિત કે સ્વયં પ્રકાશિત નથી, એ જે રૂપે દેખાય છે એ માટે એને સૂર્યનો કે બીજો કોઈ બાહ્ય પ્રકાશ જોઈએ, બાહ્ય પ્રકાશ ના હોય તો બધે અંધારું જ હોય. આંખ છે, એને ઈન્દ્રિયનો પ્રકાશ ના હોય, અને માત્ર બાહ્ય પ્રકાશ જ હોય તો એવી આંખનો કોઈ મતલબ ના રહે, પછી આંખ, આંખ ના હોય, આંખ દેખતી હોય તો જ કામની. એવી જ રીતે બહારના પ્રકાશને પણ પ્રકાશિત કરવા માટે આંખનો પ્રકાશ જોઈએ. વળી, બહારના પ્રકાશનો અનુભવ કરવા માટે પણ આંખનો પ્રકાશ જોઈએ, સાથે ઇન્દ્રિયનો પણ પ્રકાશ હોય, આંખ પણ હોય, પણ મન જ ના હોય, મન નથી તો આંખ કોઈ અનુભવ ના કરી શકે.

આપણે જયારે ઉંઘી જઈએ છીએ ત્યારે મન સહિત બધા અવયવો સુષુપ્ત, અચેતન થઇ જાય છે – કાન ખુલ્લા હોય છે, પણ ત્યારે કાંઈ સંભળાતું નથી, શરીર પર કોઈ સ્પર્શ પણ નથી વર્તાતો કારણ કે ત્યારે ત્યાં મન જાગ્રત નથી હોતું. આમ, ઇન્દ્રિયોને પણ કાર્યરત થવા માટે મનનો પ્રકાશ જોઈએ, પરંતુ આત્મા જ ના હોય તો મન પણ કશું કામ ના કરી શકે, મનને પણ સ્વયં-પ્રકાશિત આત્માનો પ્રકાશ જોઈએ. અને આ મન, ઇન્દ્રિયો બધા કાર્યરત રહે એ માટે આત્માનો પ્રકાશ જોઈએ. આપણા શરીરની માંહે કોઈ એક સત્તા છે જે મનને જુએ છે, મનના વિચારોને પણ જુએ છે, મનને પણ અનુભવે છે એ સત્તા એટલે સ્વયં-પ્રકાશિત આત્મા. એટલે, આત્માનો પ્રકાશ હોય તો જ બીજા બધા’યનો પ્રકાશ સાર્થક છે. આત્માનો પ્રકાશ જ ના હોય તો બધું જ નિરર્થક છે. પણ આપણી કરુણતા છે કે આત્મા, જેના પ્રકાશથી બધું જ પ્રકાશિત અને કાર્યરત થાય છે એનો તો આપણને કોઈ અનુભવ જ નથી.

એટલે, ભગવાને કીધું છે “या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ” – કે જયારે જે સ્થિતિ બધા માટે રાત છે, ત્યારે સંયમી, જ્ઞાની પુરુષ આત્માના પ્રકાશમાં જાગે છે. આમ તો બધા જાગે છે પણ સંસારના બાહ્ય પ્રકાશમાં, જ્ઞાની જાગે છે આત્માના પ્રકાશમાં.

એક વખત એક સંત બેઠા હતા, થોડી વ્યક્તિઓ એમની પાસે બેસી સત્સંગ કરતી હતી. એટલામાં ધરતીકંપનો થોડો આંચકો જેવો લાગ્યો. બધાં’ય દોટ મૂકીને ભાગી ગયા, પણ એ સંત તો શાંતિથી ત્યાં જ બેસી રહ્યા. ધરતીકંપના આંચકાની અસર શાંત થઇ ત્યારે બધા પાછા આવી ગયા. એ લોકોએ પૂછ્યું, “અમે તો બધા ભાગી ગયા, તમે ભાગ્યા નહીં?” સંતે કહ્યું, “હું પણ ભાગ્યો હતો, તમે બધા બહાર ભાગી ગયા, હું અંદર ભાગ્યો, હું અંદર જઈને સ્થિર થઇ ગયો, આત્મામાં જઈને સ્થિર થઇ ગયો.”

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी – જ્ઞાની પુરુષ આત્માના પ્રકાશમાં જાગે છે, આત્મામાં જ્ઞાની પુરુષને સર્વસ્વ દેખાય છે, એ આત્મામાં જાગે છે, સતત. જયારે, સંસારી માણસ હોય છે એને આત્માનો પ્રકાશ નથી દેખાતો, એને તો બહાર જગતમાં જ પ્રકાશ દેખાય છે કેમ કે આપણી ઇન્દ્રિયો અંદર નથી જો’તી, બહાર જ જુએ છે – આંખ અંદર નથી જો’તી, કાન અંદરના ધ્વનીને નથી સાંભળતા, કારણ કે આપણી કોઈ પણ ઇન્દ્રિયો અંદર તરફ વળી નથી, તેથી એને અંદરનો અનુભવ નથી. અને ‘यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुने:’ જ્યાં જગતના, સંસારના લોકો જાગે છે ત્યાં જ્ઞાનીને અંધકાર દેખાય છે, ત્યાં જ્ઞાનીને અંધારું દેખાય છે. સંસારથી જ્ઞાનીનું ઊલટું છે.

હું એક સંતને મળ્યો હતો, એ જયારે બાર (૧૨) વર્ષની ઉંમરના હતા ત્યારે જ સંન્યાસ લેવાનું નક્કી કર્યું, અને ગયા ગુરુજી પાસે. ગુરુજીએ એને ના પાડી, એને ખૂબ સમજાવ્યો, પણ એણે તો ફરી-ને-ફરી સંન્યાસની જ જીદ કરી. ગુરુજીએ એને પૂછ્યું કે થોડા સમય પહેલા તને બીજી કોઈ ઈચ્છા હતી?” કહે, “હા, એક-બે વર્ષ પહેલા મને ડોક્ટર થવાની ઈચ્છા થયેલી.” ગુરુજીએ કહ્યું, કે જા, મેડીકલ પૂરું કરીને મારી પાસે આવજે.

એ તો પાછા ઘરે આવ્યા, મેડીકલનું ભણીને ડોક્ટર પણ થઇ ગયા, અને  સર્ટીફિકેટ લઈને ગુરુજી પાસે ગયા. ગુરુજીએ સર્ટીફિકેટ જોયું, અને કહ્યું, “જા, એને ફાડીને ફેંકી આવ.” એ તો ગયા અને પોતાનું સર્ટીફિકેટ ફાડીને ફેંકી આવ્યા, અને ગુરુજીના ચરણોમાં પડી ગયા; તે પછી ગુરુજીએ એમને સંન્યાસ આપ્યો.

આમ, જે મેડિકલ ડિગ્રી મેળવવા હજારો વિદ્યાર્થીઓ સ્વપ્ન જો’તા હોય, એમાં આત્મ-જીજ્ઞાસુને પ્રકાશ ના દેખાયો.

એટલે, બહારનો જે ત્યાગ છે, બહારનું બધું ત્યાગવું છે એ આપણને નથી સમજાતું કેમ કે આપણને આત્માનો ખ્યાલ જ નથી, આપણે આત્મામાં, આત્માના પ્રકાશમાં નથી જાગતા. એટલે કોઈ સંન્યાસની તરફ વધે, ત્યાગની તરફ વધે તો આપણને થાય છે કે એ ભાગી જાય છે, પોતાની ફરજ-જવાબદારીઓથી ભાગી ગયો. કેમ કે રિસ્પોન્સિબિલિટી એટલે જોબ કરશે, પૈસા કમાશે, પરણશે, બાળકો થશે, ઘર થશે, ગાડી-બંગલો થશે… આપણને રિસ્પોન્સિબિલિટી આવા બધામાં જ દેખાય છે, આત્મા જે આપણા સમસ્ત અસ્તિત્વનો એકમેવ આધારસમ પાયો છે એને માટે આપણી કોઈ જ રિસ્પોન્સિબિલિટી નથી દેખાતી.

એક દિવસ એક સાધક આશ્રમમાં આવતા રહ્યા, કહે દીક્ષા લઈશ, અહીં જ રહીશ. એના ઘરવાળાને થયું, અમને કાંઈ વાંધો નથી પણ થોડો સંસાર ભોગવી લીધો હો’ત, સંસારનું થોડું સુખ માણ્યું હો’ત પછી સંન્યાસ લીધો હો’ત તો!

એટલે, સંન્યાસમાં, ત્યાગમાં આપણને સુખ દેખાતું જ નથી, બહાર જ સુખ દેખાય છે. એટલે, ત્યાગને થોડું વધારે સમજવું. ત્યાગ થોડો વિશષ્ટ છે, બીજી દૈવી સંપત્તિઓ કરતા ત્યાગ વધારે મૂલ્યવાન છે.  त्यागेनैकममृतत्त्वमानषु: ત્યાગથી જ અમૃતત્ત્વ મળે છે. આ વાત જેને સમજાવા લાગે છે કે આત્મામાંજ અમૃતતત્ત્વ છે, એ સિવાય કશું જ નથી, તો એને ત્યાગની ગભરામણ નથી થતી, એને ત્યાગથી ડર નથી લાગતો, અને આત્માને પામવો છે એટલે બધું છોડવું જ છે એ સમજવું કે આત્માને કશું ત્યાગ કરીને પામવાના છીએ. આપણે કોઈ વસ્તુને પામવાનું જયારે કહીએ છીએ, કે હું કશુંક મેળવું છું એનો અર્થ છે કે જે વસ્તુ મારી પાસે પહેલા નહીં હતી એ હવે મારી પાસે છે. ઘર મળી ગયું, ગાડી મળી ગઈ એનો અર્થ એ કે મારી પાસે પહેલા ના તો ઘર હતું, ના તો ગાડી હતી. આત્માને માટે એવું નહીં કહી શકીએ કે મારી પાસે આત્મા નહીં હતો અને હવે એ મળી ગયો છે, ના આવું નહીં કહી શકીએ કેમ કે આત્મા તો સદા સર્વદા છે, જે આપણને સમજાતું હતું એ તો સંસારનું આત્મા ઉપરનું આવરણ છે, અને જેનો ત્યાગ કરવાનો છે એ તો આ અજ્ઞાન-જનિત સંસારનો ત્યાગ કરવાનો છે, આત્મા સિવાય જે બધું છે એનો ત્યાગ કરવાનો છે, આત્મા તો જ્યાં છે ત્યાં છે જ. અને, ત્યાગ જ કરીશું તો આત્માનુસંધાન, આત્મા મળી જ જવાનો.

આત્માને મેળવવા માટે આત્મા સિવાય જે બધી વસ્તુઓ છે એનો ત્યાગ કરવો છે, અને એ બધીજ વસ્તુઓનું મૂળ છે “હું”. આ બહુ સરસ વાત છે કે તમે આભૂષણોમાંથી સુવર્ણ કાઢી નાખો, છોડી દો તો સુવર્ણના દરેક આભૂષણો એની મેળે છૂટી જ ગયા, પછી અલગ-અલગ આભૂષણો છોડવાની જરૂર નથી. તમે ખાંડ છોડી દીધી એટલે ખાંડની બધી મીઠાઈ છોડી જ દીધી, પછી પેંડા છોડી દીધા, લાડુ ખાઉં છું, લાડુ ચાલશે. ના, ખાંડ છોડી દીધી તો એ સાથે જે બધી વાનગીઓ ખાંડથી બને છે એ બધું છોડી દીધું; રૂ છોડી દીધા પછી એમાંથી બનતા દરેક પ્રકારના કપડાં છોડી દીધા… બધું છોડી દીધું.

બસ, આવી જ રીતે “હું દેહ છું” એ વિચાર, એ સમજ, દૃઢ માન્યતા છૂટી ગઈ, હું મન છું, એ છૂટી ગયું, હું ઇન્દ્રિયો છું, શરીર છું, એ છૂટી ગયું, હું પ્રાણ છું, એ છૂટી ગયું. તો, જો જ્યાં “હું” નામનો દેહ જ નથી તો પછી “મારું” ઘર પણ નથી, “મારા” સંબંધીઓ, સંબંધો પણ નથી, “મારો” કોઈ સંસાર નથી. “હું” છૂટી ગયું કે બધું જ છૂટી ગયું, એની સાથે બધું જ છૂટી જાય.

બધાં’નો આધાર આત્મા છે, પરંતુ આત્મા કાર્ય કરે છે તો દેહને જ આધારે; આમ

દેહ જગતની બધી વાતો-સંબંધોનું મૂળ છે. એટલે, જે સજાગ લોકો છે, સભાન લોકો છે એ લોકો આ મૂળને (“હું”-મારાપણું, દેહાધ્યાસ) જ છોડે છે, એ લોકો આત્માને જ પકડે છે. એવા લોકોને આપણે સંન્યાસી કહીએ છીએ, એ જ સંન્યાસી છે. ‘ન્યાસ’ જ કરવો છે, ત્યાગ જ કરવો છે, સારી રીતે ત્યાગ કરો, સારી રીતે ન્યાસ એટલે સંન્યાસ. “सम्यक् न्यास: इति संन्यास:સારી રીતે ત્યાગ કરી દો એ જ સંન્યાસ.

બૃહદારણ્યક ઉપનિષદમાં ઋષિ યાજ્ઞવલ્ક્ય અને એમના પત્ની મૈત્રેયીની વાત આવે છે. બે પત્નીઓને પરણેલા યાજ્ઞવલ્ક્ય સંન્યાસ લેવાનું નક્કી કરે છે. બંનેને બેસાડીને કહે છે “મારી સંપત્તિ તમને વહેંચી દઉં, પછી સંન્યાસ લઉં.” કાત્યાયની કશું બોલતા નથી, પણ મૈત્રેયી પૂછે છે કે “તમારે શા માટે સંન્યાસ લેવો છે?” ઋષિ યાજ્ઞવલ્ક્ય કહે છે, “બસ, હવે મારે આત્મામાં જ રહેવું છે એટલા માટે સંન્યાસ લઉં છું.” મૈત્રેયી બીજો પ્રશ્ન કરે છે, “ તમે મને જે આપીને જવાના છો, એનાથી મને અમૃતત્ત્વ મળશે? જેને માટે તમે સંન્યાસ લઇ રહ્યા છો એ મને મારા ભાગની સંપત્તિથી મળશે?” “ના, એવું શક્ય નથી. હા તમે સામાન્ય રીતે સુખી જરૂર રહી શકશો.” ત્યારે મૈત્રેયીનું વાક્ય છે “किं अहं तेन कुर्याम् येनाहं नामृता स्याम्?” કે હું એ સંપત્તિને લઈને શું કરીશ જેનાથી મને અમૃતત્ત્વ નહીં મળશે, જેનાથી મને આત્મા નહીં મળશે? એવી સંપત્તિ લઈને હું શું કરીશ? મને એ ના જોઈએ, મને પણ આત્મા જ જોઈએ, અમૃતત્ત્વ જ જોઈએ.”

કઠોપનિષદમાં બાળક નચિકેતાની વાત છે. નચિકેતાને પણ આવું જ થયું. એ ગયા યમરાજ પાસે અને એમને પ્રશ્ન પૂછ્યો કે “મૃત્યુ પછી શું થાય છે?” એ પ્રશ્ન સાંભળીને યમરાજ આ પ્રમાણે કહે છે કે “બાળક, તું આ પ્રશ્ન રહેવા દે, ઉત્તરને બદલે હું તને સ્વર્ગ આપી દઉં, સ્વર્ગની બધી અપ્સરાઓ તને મળી જાય, તને ધન-ધાન્ય મળી જાય બધું જ સુખ તને મળે.” પણ નચિકેતા કહે, “મને કહો, મૃત્યુ પછી શું થાય છે? આત્મા શું છે? એ જ જ્ઞાન જોઈએ, મને એના સિવાય બીજું કશું ના જોઈએ.”

તો, આવા જે આત્માઓ છે એ સીધો સરળ ત્યાગ કરે છે, બધું જ છોડે છે, એમને નાશવાન અને લૌકિક કોઈ વસ્તુ, પૈસા, ઘર કશું પણ નહીં જોઈએ, કહે, અમારે એ બધું લઈને શું કરવું છે?

એમ કહેવાય છે કે જયારે સિકંદર બીજા દેશો જીતવા નીકળવાનો હતો, એ પહેલા એ એના ગુરુ પાસે ગયેલો, આશીર્વાદ લેવા. ગુરુ તો આરામથી સુતા હતા, સૂતા-સૂતા જ પૂછ્યું, “તું ક્યાં જાય છે?” સિકંદરે એક દેશનું નામ લીધું, કહે એને જીતવા માટે જાઉં છું.” “પછી શું કરીશ?” સિકંદરે બીજા બે-ત્રણ દેશોને જીતવાની વાત કહી. “પછી શું કરીશ?” “પછી આવીને અહીં શાંતિથી રહીશ.” સાંભળીને ગુરુ તો હંસવા લાગ્યા, જોરથી હંસવા લાગ્યા, કહે, “જો તારે આવીને શાંતિથી રહેવું જ હોય તો અત્યારે જ રહે ને; પછી આવીને રહેવાનો છે તો અત્યારે જ રહી જા.”

વિશ્વવિજયી બનવાને નીકળેલા સિકંદરના આખરી શબ્દોની વાત તો તમને પણ ખ્યાલ હશે. કહેવાય છે કે એણે મરતી વખતે એવું કહેલું કે મારી જે શબ-પેટી છે એમાંથી મારા બંને હાથ બહાર રાખજો, દુનિયા જોઈ શકશે કે સિકંદર જેવો સિકંદર પણ ખાલી હાથે જઈ રહ્યો છે.

એટલે, જે જાગૃત પુરુષો છે એમને તો આત્મા જ જોઈએ, એ સિવાય કશું જ ના જોઈએ. એ લોકો સીધા સંન્યાસ લેતા હોય છે, પણ એ અઘરું છે. સીધા ચેતના સાથે રહેવું, ચેતનામાં જ રહેવું, ચેતના માટે જ જીવવું, એ અઘરું છે. એટલે શ્રુતિ બહુ ઉદાર છે, ભગવાન બહુ ઉદાર છે. ભગવાને કેટલી સરસ વાત કરી કે સત્યને પામવા માટે, સત્યમાં રહેવા માટે ગીતાના ૧૨માં અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે – “मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय”, મારામાં જ રહેવું, મન, બુદ્ધિ મારામાં જ રાખવી. એટલે, આત્મામાં જ રહેવું એ જ સાચું છે, એ જ સત્ય છે, આત્મામાં જ રહેવું. એ પછી ભગવાન કહે છે – “अभ्यासेsप्यसमर्थोsसि मत्कर्म परमो भव”, જો તું આ નથી કરી શકતો તો એના માટે અભ્યાસ કર, અને અભ્યાસ પણ નથી કરી શક્તો તો તું મારે માટે કર્મ કર.

એટલે, આપણા ઋષિઓએ એવી વ્યવસ્થા ગોઠવી હતી કે ભગવાનનું મંદિર ઘરમાં જ હોય, અને એમ સમજવું કે હું ભગવાન માટે કામ કરી રહ્યો છું.

થોડા દિવસો પહેલા હું કર્ણાટક ગયો હતો, ત્યાં એક પરિવારને ત્યાં રોકાયો હતો. એમના ઘરમાં જોયું તો એક મોટો રૂમ માત્ર ભગવાનના મંદિર માટે હતો, બાજુનો રૂમ માત્ર પૂજા, સામગ્રી અને ભગવાનના શૃંગારના વસ્ત્રો-પરિધાન વિગેરે માટે; બીજા બે રૂમોમાં જાત-જાતના ફૂલોનો ઢગ! આવા ઘરમાં રોજ સવાર-સાંજ પૂજા-ઉપાસના વિગેરે થાય. આ ઘરના ઇષ્ટદેવના દર્શન કરવા આજુબાજુના કેટલાક લોકો આવે, પૂજા-પાઠ-આરતી વિગેરે કરે.

એ ઘરના ભાઈએ કીધું કે “સ્વામીજી, આ મારું ઘર નથી, અમે તો એમ માનીએ છીએ કે આ તો મંદિર છે, અને આ મંદિરના અમે સેવક છીએ, અમે અહીં ભગવાનની સેવા કરીએ છીએ.”

ગીતામાં ભગવાને અર્જુનને કીધું છે “मदर्थ” કે તું મારે માટે કર્મ કર, અને જો તું એ નથી કરી શકતો, તો સર્વ કર્મફળનો ત્યાગ કર, કરેલા કર્મોના ફળ ને છોડી દે.

આમ, ભગવાને મનુષ્ય માટે જીવન કેટલું સરળ કરી દીધું છે! કે સીધું સર્વસ્વ, બધું જ છોડી દે’વાનું અને આત્મામાં જ રહેવું. હવે, આ તો બધા માટે શક્ય નથી, પણ દરેક વસ્તુઓ કોઈ-ને-કોઈ આધારે ટકેલી હોય છે, તેમ  દરેક ઇન્દ્રિયો પણ જે-તે વિષયોને આધારે ટકે છે, વિષયોને લીધે એ સ્પંદિત થાય છે, એમાં મન જોડાય એટલે આસક્તિ ઉભી થાય. જો સામે મીઠાઈ જ ના હોય તો મીઠાઈ માટે મને આસક્તિ ના થાય, ઇન્દ્રિયોનો સંયમ હોય તો પછી આસક્તિ ના થાય. મનનો સંયમ હોય તો ઇન્દ્રિયોની આસક્તિ ના થાય. ઇન્દ્રિયો તો કુદરતી રીતે મળી હોય છે, એ તો માત્ર હોય છે અને વિષયોને લીધે એ સ્પંદિત થાય છે એટલું જ, એમાં આસક્તિ તો મનને કારણે ઉદ્ભવે છે, તેથી મનની આસક્તિ ઇન્દ્રિયોને લીધે ટકી છે. જો સાંભળવાનું બંધ થઇ જાય તો મનને પછી સાંભળવામાં આસક્તિ ના રહે, જીભમાં સ્વાદ જ ના રહે તો પછી મનને એની આસક્તિ ના થાય. આમ, ધીરે-ધીરે સ્થૂળ વસ્તુઓનો ત્યાગ કરવો.

રામકૃષ્ણ એક સરસ વાર્તા કહેતા કે સાપ અને નોળિયો જ્યારે આપસમાં લડે છે તો વચ્ચે-વચ્ચે નોળિયો લાગ જોઇને જંગલમાં જઈને એક વનસ્પતિ સૂંઘી આવે છે, જેને લીધે એને સાપનું ઝેર ચઢતું નથી. એમ, આ સંસાર છે એ સાપના ઝહેર જેવો જ છે, તેથી ગૃહસ્થે જીવન-વ્યાપન અને પોતાની વ્યસ્તતામાંથી કર્મ કરતા થોડા-થોડા સમયાંતરે ક્યાં’ક એકાંતમાં જઈને, થોડું એકાંતમાં રહીને, ભક્તિ કરીને, સાધના રૂપી એ ‘બુટ્ટી’ સુંઘી આવવાની, પછી એને સંસારનું ઝેર નહીં ચઢે. વચ્ચે-વચ્ચે એકાંતમાં રહેવાનું. એકસાથે સર્વસ્વ નથી છોડી શકતા તો મહિનામાં એક-બે દિવસ તો ત્યાગ કરી શકીએ છીએ, તો એક-બે દિવસનો ત્યાગ કરવાનો, આમ પણ આપણે રોજે-રોજ આઠ કલાકનો ‘ત્યાગ’ તો કરીએ જ છીએ, એના વગર છૂટકો જ નથી. આવા જરૂરી ત્યાગ સાથે રોજ બે કલાક, કે અઠવાડીયા-મહિનામાં બે દિવસનો ત્યાગ થઇ શકે છે. એટલે, આપણા ઋષિઓએ શીખવાડ્યું અને કીધું કે પહેલા વિષયો છોડો. એટલે આપણને વ્રત કરતા શિખાવાડ્યું કે, ભઈ,આજે મીઠાઈ નહીં ખાવાની, આજે રસોઈમાં મીઠું નથી નાખવાનું, આજે સાદાઈથી રહેવાનું, એકાદશીને દિવસે પછી સાદું ખાવાનું, ફળાહાર કરવાનો.

સમયાંતરે આપણે આપણા ભૌતિક જીવનની જેમ મનને પણ કેવું ચાલાક કરી દીધું છે, એને પણ આપણે અપડેટ અને અપગ્રેડ કરી દીધું છે; એકાદશીને અપડેટ કરી દઈએ, ફળાહારનો નિયમ છે, હલકો ખોરાક લેવો, પણ હવે તો બધી જ વાતો પછી ફળાહારી થઇ ગઈ – ફળાહારી શીરો, ફળાહારી પુરી, ફળાહારી ભજીયા બધુ જ ફળાહારી થઇ જાય! ભૌતિક જીવનમાં બધું અપગ્રેડ કરીએ તેમ આ સોફ્ટ-સાધના જેવા ઉપવાસ પણ અપગ્રેડ કરી દીધા! હજુ દ્વાદશી આવવાની હોય અને એકાદશીથી યોજના શરુ થઇ જાય, કે કાલે શું બનાવીશું?

એટલે, બહારની વસ્તુઓનો ત્યાગ કરો, વિષયોનો ત્યાગ શક્ય હોય એટલો કરવો, એક દિવસ માટે હું કોઈ એકાદ વાનગી કે વ્યંજનનો ત્યાગ કરી શકું, એક દિવસ હું પથારીનો ત્યાગ કરી શકું, એક દિવસ ACનો ત્યાગ કરી શકું, એક દિવસ હું TVનો ત્યાગ કરી શકું છું. થોડો-થોડો, ધીમે-ધીમે ત્યાગ કરવાનો, એમાં થોડી સ્થિતિ થાય તો ઇન્દ્રિયોનો ત્યાગ શીખવો, ઇન્દ્રિયોનો ત્યાગ કરવો, વાણીનું મૌન એ રીતે વાણીનો ત્યાગ કરવો, ચાર કલાક મૌન રહેવું. જાતને કહો, આજે હું બે કલાક મૌન રહીશ. આંખની ગુપ્તી હોય, તો આંખનું મૌન લઈએ, હું અમુક કલાક કશું જોઇશ નહીં. એટલે કેટલા વ્રતી લોકો આંખે પાટો બાંધી રાખે; ચાલતી વખતે પોતાની આગળ ૧૦-૧૫ ફીટથી વધારે હું જોઇશ નહીં; એવી રીતે કાનનું પણ મૌન લઇ શકાય. આમ પછી બધી ઈન્દ્રિયોનું મૌન કેળવી શકાય. ઇન્દ્રિયોના મૌનમાં સ્થિતિ આવે ત્યાર પછી મનનું મૌન, વિચારોનો નિગ્રહ કરવો, વિચારોનો સંયમ કરવો.

આમ કરતાં-કરતાં ધીમે-ધીમે મનનું જે મૂળ છે, જે “હું”પણું છે એ “હું”પણાનો ત્યાગ કરવાનો. આ રીતે ધીરે-ધીરે દરેક વસ્તુઓનો ત્યાગ કરતા જઈએ, ત્યાગ કરતા જઈએ… પણ અંતે આત્માનો ત્યાગ થઇ શકતો નથી, જેનો ત્યાગ ના કરી શકીએ, દરેક વસ્તુઓના ત્યાગ પછી અટકી જવાય એ આત્મા સુધી ક્યારે પ્હોંચી જઈએ એ ખબર પણ ના પડે. તેથી ભગવાને અર્જુનને કીધું કે “त्यागाच्छान्तिरनन्तरं”, ત્યાગથી જ પરમ શાંતિ છે, ત્યાગથી જ સુખ છે.

આપણે ભગવાન દત્તાત્રયની બાબતમાં સાંભળીએ છીએ ને કે એમણે ઘણાં ગુરુ કર્યા હતાં, એ બધામાં સમડી પણ એમની ગુરુ હતી. એક દિવસ ભગવાન દત્તાત્રય નીકળ્યા, જોયું તો એક સમડીએ ક્યાં’કથી માંસ લીધું અને ત્યાંથી ઉડી ગઈ. તો, બીજી જે સમડીઓ ત્યાં આંટા-ફેરા કરતી હતી એ બધી સમડીઓ એના મ્હોંમાના માંસને ઝૂંટવા એની પાછળ પડી, એને હેરાન-હેરાન કરી દીધી. એ જ્યાં જાય ત્યાં પાછળ-પાછળ દશ સમડીઓ! છેવટે, એ સમડીએ માંસ છોડી દીધું અને શાંતિથી બેઠી, એકદમ બધું શાંત થઇ ગયું. મ્હોંમાં માંસ હતું ત્યારે કેટલી બધી તકલીફ હતી, એ માંસ છોડી દે’વાથી બધી તકલીફો, મુશ્કેલીઓ જતી રહી. તો, આમ ભગવાન દત્તાત્રયે સમડીને ગુરુ કર્યા, કે ત્યાગ કરીએ, છોડીએ તો સુખ મળે. તેથી, છોડવું, નાની-નાની લૌકિક આકાંક્ષાઓ છોડવાની.

એક દિવસ એક સંત પાસે એક ભાઈ આવ્યા; કહે કે પૈસાને લીધે અમારા બે ભાઈઓમાં ખૂબ ઝઘડો છે. સંતે કીધું કે બે સ્થિતિ હશે – એક, તો તમારે આપવાનું હશે, અથવા બીજું, તમારે લેવાનું હશે. જો તમારે આપવાનું છે તો આપીને છૂટા થઇ જાવ, ત્યાગ કરો. જો તમારે લેવાનું છે તો છોડી દો’ એ તમારો ભાઈ જ છે ને, ભાઈના જ ઘરમાં પૈસા રહેશે, તો છોડી દો.

આત્મા તરફની દૃષ્ટિ ના હોય તો આ વાત ના સમજાય એમ લાગે, ન્યાય તો મારે કરવો જ છે. આ તો ધર્મની લડાઈ છે, આ તો ધર્મ છે, છોડી દો. ત્યાગની ભાવના ના હો’ત તો ભગવાન રામનો અને ભાઈ ભરતનો પ્રેમ રહ્યો ના હો’ત, બંનેમાં ત્યાગનો કેવો ભાવ છે!! વનવાસ ભોગવવા જતા રહેલા ભગવાન રામને જયારે ભરત લેવા જાય છે, તો એ કેવા ભાવ સાથે જાય છે!! કહે, મારે તો રાજ્ય ના જોઈએ, જો રામને રાજ્ય નથી મળ્યું, તો મારે પણ ના જોઈએ. ભરતજી રામજી પાસે પ્રસ્તાવ મૂકે છે કે ભાઈ, તમે આવતા રહો, જેને રાજ્ય મળ્યું છે એ જ આ પ્રમાણેનો પ્રસ્તાવ મૂકે છે! હવે આમાં ભરત ત્યાગ કરે છે કે નહીં? ભગવાન રામચંદ્રજીએ એ વાત તો ના સ્વીકારી, ઉલ્ટાનું  કહ્યું કે ભરત તું રાજ્ય કર. બંને ભાઈઓ એક-બીજા માટે રાજ્યનો ત્યાગ કરે છે…તો કેટલી સુખ-શાંતિ થઇ જાય? જો આ બે ભાઈઓમાંથી એક પણ જો ત્યાગ કરવા તૈયાર ના હો’ત તો કદાચ ભારતનો ઈતિહાસ જુદો જ હો’ત. ત્યાગ જ કરવો, છોડી ડો, કેમ કે જેમ ઉંઘમાં બધું ત્યાગ કરવાથી આત્માનું સાન્નિધ્ય મળે છે, એવી રીતે ધ્યાનમાં બધું છોડવાથી આત્માનું સાન્નિધ્ય મળે છે, એમ લૌકિક જીવનમાં પણ જાગ્રત રહીને છોડવાથી સુખ, શાંતિ મળશે. ધ્યાનના સુખ જેવું કોઈ સુખ નથી, સમાધિ સુખથી મોટું કોઈ સુખ નથી, પણ એ સુખ, એ શાંતિ તો બધું ત્યાગ કરવાથી જ મળે છે. લૌકિક જીવનમાં પણ ત્યાગ કરીએ છીએ તો એ ભાવ થકી, એ કાર્ય થકી આપણે આત્મા તરફ વધીએ છીએ.

આપણા એક પરિચિત સાધક છે એની વાત મને યાદ છે. એ લોકો એક બીઝનેસ કરતા હતા, ડાયમંડથી કટર્સ બનાવતા. એક બે-જણ અમદાવામાં રહીને માર્કેટિંગ કરતા, અને એક બીજા પાર્ટનર પેટલાદ પાસે ત્યાં કારખાનું હતું જ્યાં મેન્યુફેક્ચરીંગ કરતા. ધીમે-ધીમે એ ભાઈ જે મેન્યુફેક્ચરીંગ કરતા એમને ખબર પડી એ આ લોકોને કોઈને ખબર નથી કે કઈ રીતે મેન્યુફેક્ચરીંગ કરવાનું, એ લોકો તો માત્ર માર્કેટિંગ જ કરે છે. ધીમે-ધીમે એ ભાઈની નિયત ખરાબ થઇ, એમણે એ મેન્યુફેક્ચરીંગ યુનિટ જ આખી પોતાના હાથમાં લઇ લીધી, અને પોતે જુદી રીતે એનું માર્કેટિંગ કરવા લાગ્યા. એ લોકોને જાણ કર્યા વગર આ બધું કરી લીધું. પછી, જયારે એ લોકોને ખબર પડી ત્યારે મોટો ઝઘડો થાય, આખો બીઝ્નેઝ પડી ભાંગે. તો એ સાધકે શું કર્યું કે પેલા ભાઈને કશું જ નથી કીધું, એ જાતે મેન્યુફેક્ચરીંગ કરવાનું શીખી ગયા, નાનું યુનિટ પણ ઉભું કરી દીધું, જુના કારખાને ગયા જ નહિ, નાં તો હિસાબ કરવા કે બીજું કશું કરવા, કહે “લે, તું લઇ લે બધું.” બધું જ છોડી દીધું.

એક-બે વખત મેં એમને પૂછ્યું કે પેલા ભાઈનું શું થયું? કહે, “સ્વામીજી, એ તરફ વિચારવાનું કે જોવાનું જ મેં છોડી દીધું, એ તરફ કોઈ સંકલ્પ જ નહીં કરવાનો.” તો આ ભાઈએ શું કર્યું? બધું છોડી દીધું. આજે એ ભાઈનો સારામાં સારો બીઝનેસ છે, પોતાની યુનિટ છે; જો એ લોકોએ ઝગડો કર્યો હો’ત તો એ ઝઘડામાં આખું જીવન જતું રહ્યું હો’ત.

ત્યાગ. ત્યાગ, એ રીતે નાની-નાની વાતોમાં તો ત્યાગ કરી જ શકીએ છીએ, પછી નાની-નાની વાતોમાં ધ્યાન શીખીએ, તો પછી મોટો ત્યાગ થઇ શકે, વ્યવહારમાં પણ ત્યાગ આવે.

શ્રીમદ્ રાજચંદ્ર એમના પૂર્વાશ્રમમાં હીરા-ઝવેરાતના વેપાર સાથે જોડાયા હતા. એમ કહેવાય છે કે એક વખત એમણે એક મોટો સોદો કરેલો. થોડા દિવસોમાં ભાવમાં એટલો બધો ઉલટ-ફેર થયો કે એ સોદો રાજચંદ્રના ફેવરમાં આવ્યો, અને એ સોદાને જો સામેવાળો વળગી રહે તો એ બરબાદ થઇ જાય એટલો બધો ભાવ-ફેર આવ્યો. પેલા ભાઈ તો ગભરાઈ ગયા કે જો આ સોદાની રકમ ચૂકવવી પડશે તો હું પાયમાલ થઇ જઈશ. થોડા દિવસો સુધી એ પૈસા ના આપી શક્યો, વિચારતો થઇ ગયો કે હવે શું થશે. રાજચંદ્રને ખબર પડી તો સામે ચાલીને એ ભાઈ પાસે ગયા. એમને જોઇને જ એ ભાઈ તો એકદમ ઢીલા થઇ ગયા, કહે કે હવે તો તમને પૈસા આપવા જ પડશે. ત્યારના લોકો આજના જેવા ન્હોતા કે બધા કપડા કાઢીને ઉભા થઇ જાય, કે જાવ હું પૈસા નહીં આપુ, જે કરવું હોય એ કરી લો. આજ ની માફક એ માણસો ન્હોતા. તો, રાજચંદ્રએ જોયું કે એ ભાઈ બહુ જ ગભરાઈ ગયા છે, અને એમણે એ કરારનામું કાઢ્યું, અને કીધું “તમે આ કરારનામાથી જ ગભરાવ છો?” અને, તરત જ એ કરારનામું ફાડીને ફેંકી દીધું, “લો, હવે શાંત થઇ જાવ.” તો, આ ત્યાગ છે.

ઝઘડાઓ થવાનું કારણ છે બંને પક્ષનો પોત-પોતાના વિચાર પ્રત્યેનો આગ્રહ, આપણે આગ્રહ કરીએ છીએ એમાં જ ઝઘડા કરીએ છીએ, જીવન ખરાબ કરીએ છીએ. ત્યાગથી માણસ એના મૂળ લક્ષ્ય તરફ વધતો હોય છે. ક્રોધનો ત્યાગ કરો, બધી વસ્તુઓનો ત્યાગ કરો, આસક્તિઓનો ત્યાગ કરો.

મને એક વાત સમજાય છે – માનો કે આપણી કોઈ અંગત વ્યક્તિ હોસ્પિટલમાં એડ્મિટ થઇ હોય, ICUમાં રાખી હોય, અને અચાનક ખબર પડે કે એ વ્યક્તિ તો આપણા પરિવારની, નિકટની જ પ્રિય વ્યક્તિ છે તો તમે દોટ મૂકીને એને જોવા ભાગો છો, એને જોવા, એને મદદ કરવા; અને રસ્તામાં તમને કોઈ સાયકલવાળો અથડાય કે તમને કોઈ અકારણ ધક્કો મારી દે’ તો ત્યારે તમે એની સાથે ઝઘડો કરવા ઉભા રહેશો? શું કરશો? બાંય ચઢાવશો? ના, તમે એવું કશું પણ નહીં કરી શકશો, તમારું ત્યારનું લક્ષ્ય છે હોસ્પિટલ. આ જ પ્રસંગ બીજી રીતે જોઈએ – માનો કે તમે નવરા હો, આમ જ અમસ્તા રસ્તામાં ચાલતા હો, અને કોઈ તમને ધક્કો મારી દે, સાયકલ અથડાવે તો ત્યારે તમે એની સામે બાંય તો જરૂર ચઢાવો.

આવી જ રીતે જેને જીવનનું લક્ષ્ય સમજાઈ જાય કે જીવનનું આ લક્ષ્ય છે, આત્માની ઉપલબ્ધિ એ જ લક્ષ્ય છે… અને તે છતાં જીવન તો વહી રહ્યું છે, ક્ષણે-ક્ષણે જઈ રહ્યું છે. તેથી પછી એ સંસારની લૌકિક નાની-નાની વાતોમાં ના અટવાઈ રહે. જેને લક્ષ્યની ખબર ના હોય તો પછી એ નાની-નાની વાતોમાં ઝઘડો કરવા બેસી જાય, નાની-નાની વાતોમાં વિવાદ કરવા લાગે, નાની વાતને મોટું સ્વરૂપ આપીને પોતાનું અને બીજાનું પણ મગજ ખરાબ કરે. જ્યાં આત્મજ લક્ષ્ય હોય, પ્રભુજ લક્ષ્યમાં હોય ત્યાં તેમાં એ બધી જ લાગણીઓનો, બધી જ આસ્ક્તિઓનો ધીમે-ધીમે ત્યાગ હોય અને એ એના જીવનમાં પણ વ્યક્ત થતો હોય.

ચૈતન્ય મહાપ્રભુના જીવનમાં એક પ્રસંગ આવે છે. એમના એક મિત્ર રઘુનાથ શિરોમણિ. બંને તે વખતના મહાન નૈયાયિકો હતા. એક દિવસ બંને મિત્રો મળ્યા, એ દિવસોમાં ચૈતન્ય મહાપ્રભુએ ન્યાય ઉપર એક પુસ્તક લખેલું. બંને નૈયાયિક મિત્રો નજીકની ગંગાજીમાં નૌકાવિહાર  કરતા હતા, ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ વાત કરતા-કરતા કીધું કે “જુઓ, મેં આ પુસ્તક લખ્યું છે.” રઘુનાથ શિરોમણિએ એ પુસ્તક જોયું, અને જોતાં જોતાં એમની આંખમાં આંસુ આવી ગયા. જલ્દીથી એમણે આંસુ છુપાવી, એને લૂછવાનો પ્રયાસ કર્યો, પણ ચૈતન્યની નજરમાં એમના આંસુ આવી ગયા. પૂછ્યું, “તમે કેમ રડ્યા?” રઘુનાથજીએ કીધું, “ના, ના કશું નથી”, કહી વાતને ટાળવાનો પ્રયાસ કર્યો. “ના, તમે મને કહો, કૃપા કરી કહો કે તમને આંસુ કેમ આવ્યા?” પછી, રઘુનાથ શિરોમણિએ બહુ સંકોચ સાથે કીધું કે “મેં પણ આ જ વિષય ઉપર એક પુસ્તક લખ્યું છે, અને બહુ વર્ષોની મહેનત કરી એ પુસ્તક લખ્યું છે, વિષય આ જ છે, પણ તમારું આ પુસ્તક એટલું સરસ છે કે એ જો બહાર આવશે તો મારા પુસ્તકની કોઈ કિંમત નહીં રહે. એટલે મને એવું ના થવું જોઈએ, પણ મને દુઃખ થયું અને આંખમાં આંસુ આવી જ ગયા, મને માફ કરો, મારી ભૂલ થઇ છે.” ચૈતન્યજીએ કહ્યું, “બસ, આટલી જ વાત છે?” એમ કહીને એ પુસ્તક એમણે તો ગંગાજીમાં નાંખી દીધું.

તો, આ પણ એક પ્રકારનો ત્યાગ છે, કેમ કે ચૈતન્ય મહાપ્રભુએ આત્મામાં નિવાસ કર્યો છે. આ વાત સાંભળી, કોઈએ મને પ્રશ્ન કર્યો કે “તમને એવું નથી લાગતું કે આપણે ન્યાયશાસ્ત્રનો એક મોટો ગ્રંથ ગુમાવ્યો?”  તો, મારા મ્હોંમાંથી સહજ રીતે નીકળી ગયું કે “ના, આપણે ગ્રંથ નથી ગુમાવ્યો, પણ આપણે ચૈતન્યને મેળવ્યા છે, એ ગ્રંથ જો રહ્યો હો’ત તો આપણને ચૈતન્ય ના મળ્યા હો’ત; આપણને ચૈતન્ય મળ્યા એ ગ્રંથ એમણે છોડ્યો એટલે એ ચૈતન્ય થયા.” તો, આ રીતે ત્યાગ કરવાનો, શરૂઆત ધીમે-ધીમે બહારની વસ્તુઓ, ઈચ્છાઓ, આસક્તિઓ છોડી, ત્યાગ કરવાનો.

ઘણાને એમ થાય કે સંન્યાસ કાંઈ બહારથી થોડો હોય? એ તો અંદરથી હોય, ત્યાગ તો અંદરથી હોય, બહારથી ત્યાગની ક્યાં જરૂર છે”? આમ કહી, ઉલ્ટું પોતાને બહાદુર માને કે ‘આ તો એમની પાસે કશું નથી તેથી ત્યાગ કર્યો છે, અમે તો બધું હોવા છતાં ત્યાગમાં રહીએ છીએ, ત્યાગયુક્ત રહીએ છીએ.’ આવી વૃત્તિવાળા ક્યારે ધીમે-ધીમે ભોગમાં સરી પડે છે એ એમને પણ ખબર નથી પડતી, એવા જે બૌધિક જ્ઞાનીઓ છે એ પછી ધીમે-ધીમે ક્યાં જતા રહે છે, કોઈને ખબર પણ નથી પડતી.

એટલે, ત્યાગ અંદરનો તો જોઈએ, બહારનો પણ જોઈએ. સંન્યાસ એટલે ધીમે-ધીમે બહારનો ત્યાગ, બધી જ વસ્તુઓનો ત્યાગ, ભલે, શરૂઆત નાની-નાની વસ્તુઓથી થાય.

તેથી, જયારે લોકો કહે છે કે ભઈ, ત્યાગ તો અંદરનો હોય, તો હું એમને પૂછુ છું કે ભોગ પણ અંદરનો થઇ શકે છે ને? જો સંન્યાસ માત્ર અંદરથી થઇ શકે છે તો ગૃહસ્થાશ્રમ પણ અંદરથી થઇ શકે છે, લગ્ન પણ અંદરથી થઇ શકે છે, બેસીને ભાવથી કરી લો, કોઈ જોડે, પરણવાની ક્યાં જરૂર છે?

ના, એ લોકો કહે કે ત્યાગ, સંન્યાસ તો અંદરથી જોઈએ, પણ ભોગ તો બહારથી જોઈએ, અસ્સલ, નક્કર જોઈએ, બહારથી જોઈએ, અને ત્યાગ માત્ર મનથી કરી દે’વાનો? ના, એક-એક વસ્તુઓનો ત્યાગ, ધીમે-ધીમે એ વસ્તુ વગર તમે રહી શકો છો, અને તમે નીજાનંદમાં રહી શકો છો તો જ સાચું.

હું એ જ વિચારું છું કે પહેલા સાધુ-સંતોનું જીવન કેવું હતું,કે ક્યાં’ય રહેતા હોય, ભિક્ષાનો સમય થાય એટલે નજીકના ગામમાં જાય, બે-ચાર ઘરેથી ભિક્ષા લઇ લે. ભોજનથી પેટને આધાર મળી રહેતો, પછી આરામથી નિજમાં, આનંદમાં રહેતા હોય, શાંતિથી રહેતા હોય. તો આવી સ્થિતિમાં એમને ઉપદેશ આપવાની જરૂર છે ખરી? ત્યાગમાં સુખ છે, ત્યાગમાં શાંતિ છે એનું જીવન જ બોલતું હોય, એનું જીવન જ દાખલો હોય કે જો એની પાસે કાંઈ નથી છતાં મસ્તી છે. આજે પરીસ્થિતિ એવી થઇ ગઈ છે કે સંસ્થાઓ આવી, અમારી બધાની સાથે સંસ્થાઓ આવી. તો ભલે અંદરથી જેવી પણ સ્થિતિ હોય, બહારથી લોકો તો એમ જ માને ને કે અમારાં કરતાં તો આ સાધુઓ સુરક્ષિત છે, વધારે સુરક્ષા, વધારે પૈસા એ લોકો પાસે છે.

એટલે, બાહ્ય ત્યાગ પણ આવશ્યક છે, પરંતુ એ ધીમે-ધીમે થવો જોઈએ, અને એ ધીમે-ધીમે સર્વસ્વ ત્યાગ, સંન્યાસ જ હોવું જોઈએ, આવો ત્યાગ ક્યારે આપણને આત્મા સુધી લઇ જશે, ક્યારે આત્મામાં સ્થિતિ થઇ જશે… ખબર નહીં પડે. ફાયદો પ્રત્યક્ષ નથી દેખાતો, પણ અપ્રત્યક્ષ રૂપમાં બધી જ સંપત્તિઓના મૂળમાં ત્યાગ છે.

એક વિચારવા જેવી વાત છે કે જે વસ્તુ માટે આપણે બહુ જ દોડીએ છીએ, એને મેળવવા ગાંડાની માફક રહીએ છીએ, એ વસ્તુનો પણ વધારે ફાયદો જે થોડું-થોડું વચ્ચે-વચ્ચે ત્યાગ હશે એનાથી જ થવાનો છે. આ વાતને સમજજો. કોઈ કવિને કવિતાઓ ક્યારે સૂઝે? જ્યારે એ બહુ વ્યસ્ત હોય ત્યારે કે બધું મૂકીને આંખ બંધ કરીને શાંત બેઠો હોય ત્યારે? ગણિતજ્ઞ આંકડાઓના કોયડાઓ ક્યારે ઉકલશે? જ્યારે એ શાંત બેઠો હશે ત્યારે. તમે વિચાર કરો, આટલા બધા વૈજ્ઞાનિકો છે એમને એમના ક્ષેત્રના વિજ્ઞાનની શોધ ક્યારે થઇ? એ જ્યારે બહારના પ્રયત્નો કરતા હોય છે, તો વચ્ચે વચ્ચે, સાથે-સાથે એ એકાંત, મૌન પણ પાળે છે ત્યારે એ જીવનમાં સફળ થાય છે. જો એ એકાંત, મૌન ના લે તો એ સફળ ના થાય.

નેપોલિયન બોનાપાર્ટે (ઈ.સ. ૧૭૬૯-૧૮૨૧), ફ્રાન્સના સૌપ્રથમ સર્વેસર્વા મહારાજા (emperor), જે એ સમયના સમસ્ત યુરોપના પ્રખ્યાત મુત્સદ્દી અને સફળ મિલિટરી કમાન્ડર પણ હતા, એ નેપોલિયન એના જીવનમાં અધિકાંશ યુદ્ધો જીત્યા, પરંતુ છેલ્લે-છેલ્લે (૧૮૧૪-૧૮૧૫) વિવિધ કારણોસર હારવા લાગ્યા. કહેવાય છે કે, કોઈએ એમને પૂછ્યું કે “પહેલા તમારી પાસે એટલું સૈન્ય ન હતું, એટલું બળ પણ ન હતું, ત્યારે તમે કોઈ યુદ્ધ હાર્યા ન્હોતા, અને આજે તમારી પાસે બધું જ છે છતાં તમે યુદ્ધ કેમ હારી રહ્યા છો?” બહુ ટૂંકા, પણ મહત્ત્વના શબ્દોમાં એમણે ઉત્તર વાળ્યો કે “હવે મને એકાંત નથી મળતું, હવે બધું છોડીને અલગ થઇ શકું એવો મને સમય નથી મળતો. પહેલા હું મારા કામમાંથી ફ્રી થઇ શકતો હતો, સફળ યુદ્ધનીતિ વિચારી-ઘડી શકતો હતો, ત્યાર પછી હું યુદ્ધ કરતો.”

પાશ્ચાત્ય જગતમાં તો બીઝનેસ પણ એક પ્રકારનું યુદ્ધ જ ગણાય છે એમાં સફળ થવું હોય, ધનપતિ થવું છે તો ત્યાં પણ ત્યાગ જોઈએ; મારે દિવસ સારી રીતે ગાળવો છે, તો મારે રાત જોઈએ જ. સારી રાત વગર સારો દિવસ નહીં જાય, ત્યાગ વગર મારું લૌકિક જીવન પણ જોઈએ એટલું સફળ નહીં થાય. એક વાત વિચારવા જેવી છે કે આપણા કરતા પશ્ચિમી દેશોમાં ભૌતિકતા, સર્વાંગીણ ડેવલપમેન્ટ ખૂબ થયું છે એની પાછળ બીજી બધી વાતો તો છે, પણ એક મહત્ત્વની વાત એ પણ છે કે એ લોકો વિક-એન્ડમાં ખૂબ માને છે, એ લોકો વિક-એન્ડમાં કોઈ કામ નથી કરતા. એ વિક-એન્ડનો જો સરવાળો કરવામાં આવે તો એ લોકો વરસમાં લગભગ ચાર મહિના કામ નથી કરતા, બિલકુલ નહીં, પછી ગમે એવો તગડો જોબ હોય, વિક-એન્ડમાં નહીં.

વડોદરાના આપણા એક સાધક છે, એમને કોઈ મશીનના ઇન્સ્ટોલેશન માટે ફ્રાન્સથી કોઈ ટેકનોક્રેટને બોલાવવાનું થયું. એ કહે, “સ્વામીજી, એ ફ્રાન્સથી આવ્યા હતા, અહીં હતા ત્યાં સુધી દર શુક્રવારે એ ફ્લાઈટ પકડી મુંબઈ જાય, ત્યાંથી એ પેરીસ જતો રહે, અને શનિ-રવિ ત્યાં રહે, રવિવારે ત્યાંથી ફ્લાઈટ પકડીને સોમવારે અહીં જોબ પર આવી જાય. એણે કંપની સાથે શરત કરેલી કે અઠવાડિયામાં બે દિવસ હું મારા ફેમિલી સાથે રહીશ, બે દિવસ હું જોબ નહીં કરું.” વિચાર કરો, આપણે આવી કોઈ કલ્પના પણ કરી શકીએ? અહીંથી ફ્રાન્સ કોઈ જોબ માટે જઈએ, ત્યાંથી દર અઠવાડીએ બે દિવસ માટે ઘરે આવી જઈએ? ના, આપણે જીવનમાં આરામ નથી કરતા, રાહત નથી લેતા.

ભારતમાં આપણે આરામ નથી લેતા તેથી કોઈ પણ કામ પ્રત્યે ઉંડો વિચાર નથી કરી શકતા, તેથી આપણે ઇનોવેટિવ પણ નથી, અહીં નવી શોધો નથી થતી જે પશ્ચિમના દેશોમાં ખૂબ થાય છે, કેમ કે એ લોકો એકાંત, શાંતિમાં જાય છે ત્યારે જ જે-તે વિષયોમાં કામ કરતા હોય એ વિષયની નવી-નવી વાતો એમને અંદરથી સ્ફુરે છે. આપણે એવી સ્ફૂરણા આવે એ માટે સમય જ નથી આપતા, ખૂબ વ્યસ્ત જ રહીએ છીએ.

જે દિવસે આપણે એકાંત માટે સમય કાઢીશું, એકાંતમાં રહેતા થઈશું તો આપણી પાસે તો ઋષિઓએ કેટલું વિશાળ વિઝન આપ્યું છે, આપણને ઇનસાઇટ (insight) કેળવવાની કૂંચી પણ આપી છે. પશ્ચિમના લોકો એકાંતમાં જશે તો શું કરશે? દારુ પી’શે, ક્યાં’ક હોટલ-બોટલમાં રહેશે, બીચ પર જશે, મસ્તી કરશે, થોડું વાંચશે, અધ્યયન કરશે, પણ એમની પાસે ઇનસાઇટ નથી એની અંદર. આપણને તો ભગવાને, પરમાત્માએ, ઋષિઓએ ઇનસાઇટ માટેની ચાવી (યોગ-ધ્યાન વિગેરે) પણ આપી છે. તો બે દિવસ ક્યાં’ક એકાંતમાં જાઓ, ત્યાં જપ કરો, યોગ-પ્રાણાયામ-ધ્યાન કરો, શક્ય હોય તો, સત્સંગ પણ કરો… પછી જો’જો કે કેટલી ઇનસાઇટ મળી શકે છે.

તો, ત્યાગ લૌકિક રૂપે પણ આપણને સફળ કરશે, અને એ છેક પરમાત્મા સુધી પણ લઇ જશે. એ ત્યાગ ભલે નાના ત્યાગથી શરુ થાય, અને સર્વસ્વના ત્યાગમાં પૂર્ણ થાય. “હું”નો ત્યાગ થાય, મારા-પણાનો ત્યાગ થાય, દેહાધ્યાસ છૂટે એ ત્યાગ બને… તો, ત્યાગની યાત્રા અહીં સુધીની છે.