નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૫મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે.
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् |
दया भूतष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् || १६:२
ભગવાન શ્રીકૃષ્ણએ જે બધી દૈવી સંપત્તિઓ વર્ણવી છે એ બધી જ સંસારથી મુક્ત કરાવનારી છે તેથી એ બધી સંપત્તિઓની પૂર્ણતા મોક્ષ, બોધ કે પરમ શાંતિમાં છે. દરેક સંપત્તિ વસ્તુત: ત્યાં જ પૂર્ણ થતી હોય છે, પરંતુ જેવી રીતે એક સત્ય એના અનંત દિવ્ય રૂપોમાં વ્યક્ત થાય છે, એ જ રીતે આપણે મૂળ સ્થિતિથી જો ચ્યુત થઈએ તો એ જ સત્યની વિકૃતિઓ પણ અનંતરૂપે બહાર આવતી હોય છે. આ વિકૃતિઓને કારણે વિવિધતામાં રહેલા એક જ સત્યના ઐક્યને બદલે એમાં રહેલી અલગતાનો આભાસ કરાવતી હોય છે. સત્યના એ અનંત દિવ્ય રૂપોમાંથી આપણે કોઈ પણ એક રૂપને આધારે સત્ય સુધી પહોંચી શકીએ છીએ, એવી જ રીતે વિકૃતિની વાત કરીએ તો એ વિકૃતિને જો સુધારીએ તો જ એ દિવ્ય સંપત્તિ બની શકે, અને પછી જ એના માધ્યમથી દિવ્યતાના, આધ્યાત્મના માર્ગમાં આગળ વધી શકાય… અને પૂર્ણતા સુધી પણ પહોંચી શકાય.
આપણે શાંતિ ઉપર વિચાર કર્યો હતો, ભગવાને કીધું છે કે ત્યાગ પછી જ શાંતિ આવી શકે, કારણ કે શાંતિના મૂળમાં ત્યાગ છે. “…त्यागाच्छान्तिरनन्तरम् || (१२:१२). શાંતિ માટે સર્વત્યાગ, વસ્તુત: ત્યાગ જ કરવાનો હોય. અને શાંતિ મેળવવાની ના હોય, આપણને શાંતિ તો ઉપલબ્ધ છે જ, શાંતિ તો આપણું સ્વરૂપ છે, એ આપણો સ્વભાવ છે. એટલે, બધું છોડતા જવાનું… ધીમે-ધીમે, અને અંતે દેહભાવ પણ, કે હું દેહ છું એ ભાવ પણ છૂટી જાય તો જ પૂર્ણ સત્ય બચે છે એ જ પૂર્ણ શાંતિ છે.
આ શાંતિની સ્થિતિ પામવી ધારીએ એટલી સહેલી નથી, એ સ્થિતિ મેળવવી ખૂબ અઘરી છે, ભગવાને પણ કીધું છે કે बहूनां जन्मानामन्ते ज्ञानवान्मां प्रपद्यते | (७:१९), અઘરું છે. તેમ છતાં જો આપણે એ સ્થિતિમાં ક્યારે’ક જઈએ, કયારે’ક એનો સ્પર્શ પણ થાય, અનુભવ પણ થાય… પરંતુ આપણે એ સ્થિતિમાં વધુ વખત ટકી શકીએ નહીં… ફરી દેહભાવ આવી જાય… અને આપણે આપણા મૂળ સ્વભાવને ભૂલી જઈએ છીએ…અને પછી આપણી અંદર અલગ-અલગ જાતની વિકૃતિઓ આવતી હોય, કેમ કે આપણે આપણા મૂળ સ્વભાવને ભૂલી જઈએ છીએ. અહીં એ પણ સમજવાનું કે મૂળ સ્વભાવને પામ્યા વગર કોઈ દિવસ સંતોષ નથી થવાનો. ચેતનાના જેટલા ગુણો છે – આનંદ, શાંતિ, ચૈતન્ય… એમાં એક ગુણ છે પૂર્ણતાનો, વિરાટનો… વિરાટ, વિભુ, ભૂમા, અનંત. તો આ પૂર્ણતાને આપણે જ્યાં સુધી પામતા નથી ત્યાં સુધી આપણી અંદર સંતોષ નથી થતો. અને, આપણે જેા મૂળ સ્થિતિથી ચૂકી ગયા, મૂળ સ્વભાવ ભૂલી ગયા કે વિરાટ એ આપણો સ્વભાવ છે, એ વિસ્મૃતીને લીધે આપણી ચેતના વિરાટ થવા મથતી હોય છે; આપણે વિરાટ આત્માને ના ઓળખીએ એટલે આપણે પછી એ વિરાટ આત્માને પામવા માટે આપણી ઇન્દ્રિયોથી આપણને જે દેખાય, મનથી જે સમજાય, આપણા સંસર્ગમાં જે આવે, જેટલી આપણી સમજ હોય એ બધાને આધારે આપણે પછી પૂર્ણતા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ જ્ઞાનથી આગળ વધે છે, એ જેટલું અધ્યયન કરતો જાય, જપ-ધ્યાન કરે, એ થોડું-થોડું જાણતો થાય, પણ એને સમાધાન ના થાય તેથી એ વધુ ને વધુ જાણવાનું ચાલુ રાખે છે, એ જાણતો જ જાય, જાણતો જ જાય… પછી કોઈ પૈસાના માધ્યમથી આગળ વધે છે, એનાથી એ મોટો થવાનો, ભૂમા (વિરાટ) થવાનો પ્રયાસ કરે… એટલે, આપણે પણ અનુભવ્યું હશે કે એક વખત આટલા પૈસા આવી જશે એટલે હાશ…પછી એટલા પૈસા મળી જાય, પણ ફરી પૂરું નથી થતું તેથી ફરી આગળને આગળ દોડવાનું ચાલુ રાખીએ છીએ.
એવી જ રીતે કોઈ અમુક કળાથી, કોઈ નૃત્યથી, કોઈ ગાયનથી, કોઈ સંગીતથી આગળ વધવા માંગતા હોય છે, અલગ-અલગ ગુણોથી આગળ થઇ જાઉં, ભૂમા થઇ જઉં… પરંતુ વિરાટને પામવાની, ભૂમા થવાની આ દિશા જ ખોટી છે તેથી એ બધા પ્રયત્નોથી એવું થવું શક્ય નથી. તમે વિચાર કરો કે કોઈને ખૂબ ધન જોઈએ છે, અને જો એને આખી પૃથ્વીનું ધન પણ કદાચ મળી’યે જાય, તો પણ બીજા ગ્રહો તો રહી જ ગયા! અને ગ્રહોનો તો કોઈ અંત જ નથી. કોઈ એક ક્ષેત્રના જ્ઞાનની વાત કરીએ કે મારે આ ક્ષેત્રમાં આગળ વધવું છે, મોટા થવું છે તો જેમ-જેમ એ ક્ષેત્રના જ્ઞાનની દિશામાં હું આગળ વધુ છું, તેમ-તેમ મને સમજાય છે કે મારું અજ્ઞાન પણ એટલું ને એટલું વધે છે. કોઈ એક વ્યક્તિ ગ્રહો-નક્ષત્રોની બાબતમાં થોડું-ઘણું જાણે છે, ત્યારે એને લાગે કે હું આ વિષે ઘણું જાણું છું; પછી, જેમ-જેમ એ દિશામાં વધુ માહિતી મેળવે છે, તેમ-તેમ એને લાગે છે કે હું તો કશું જ જાણતો નથી. મોટા વૈજ્ઞાનિકો પણ એમ કહે છે કે આપણી સમજ તો દરિયામાંના એક ટીપા જેટલી જ છે, કે પછી રાયનો ડુંગર હોય તો એમાંની એક નાની રાય જેટલું જ આપણું જ્ઞાન છે.
ગીત-સંગીતની દિશામાં થોડું શીખ્યા પછી એક-બે ગીતો રેકોર્ડ થાય એટલે પોતાને મોટો ગાયક સમજે… આ જ વ્યક્તિ જેમ-જેમ એના ક્ષેત્રમાં આગળ વધે છે, તેમ-તેમ એને થાય છે કે એ ગીત-સંગીતની બાબતમાં કશું જ નથી; તો, આ રીતે સંગીતમાં ભૂમા (વિરાટ) થવું શક્ય નથી, તેવી રીતે અનંતને પામવું પણ શક્ય નથી. એક્સટરનલ વસ્તુથી, બહારના અવલંબનોથી વિરાટ થવા મથતો માણસ હોય, તો એ માટે એ બીજાની વાહ! વાહ! પ્રોત્સાહન, અપ્રિસીએશન માંગતો હોય, સંગીતના ક્ષેત્રમાં હોઉં તો હું બીજા પાસેથી સ્વીકૃતિ માંગતો હોય કે હું સંગીતમાં આગળ છું, અને પછી એવું પણ ઈચ્છું કે દશ જણ મને કહે કે હું સરસ ગાઉ છું …
કોઈ વળી વૈભવથી આગળ વધવા માંગતો હોય, તો એ ગાડી લાવે, બંગલો બનાવે… અને એને થાય કે કોઈ એને અપ્રિસીએટ કરે. આપણે એકાંતમાં, જંગલ જેવા વિસ્તારમાં રહેતા હોઈએ, ત્યાં કોઈની અવર-જવર ના હોય, તો આપણી મર્સિડીસમાં આપણને ફરવાનો આનંદ ના આવે, એ માટે કોઈ અપ્રિસીએટ કરવાવાળું જોઈએ, કોઈ એને કહે કે “વાહ! સરસ ગાડી છે!” કોઈ સિંગર હોય એને દશ જણની વચ્ચે ગાવાનું ના ગમે, એને તો ત્યારે આનંદ આવે કે જયારે એને સાંભળનારાઓની મોટી મેદની હોય, એ અપ્રિસીએશન માંગે… હવે, એના જ ક્ષેત્રમાં જો કોઈ બીજું આગળ વધે છે, લોકો એને અપ્રિસીએટ કરતા હોય તો પછી એની અંદર એક પ્રકારનો અજંપો, અસંતોષ, ડર ઉભો થાય છે… અને એની આગળ વધવાની, મોટા થવાની પ્રોસેસ અટકી જાય. બસ, આમાંથી ઈર્ષાનો જન્મ થાય અને હવે એમાંથી બહાર નીકળવાના બે ઉપાયો છે.
આ સંદર્ભમાં મેં એક વાર્તા સાંભળેલી – એક શિક્ષકે બોર્ડ ઉપર એક લીટી દોરી, અને વિદ્યાર્થીઓને કીધું કે આને લૂછ્યા વગર લીટીને નાની કરી ‘દો. વિદ્યાર્થીઓને આ વાત ના સમજાઈ, પણ એક વિદ્યાર્થી ઉભો થયો, બોર્ડ ઉપરની લીટીની નીચે જ બીજી એક એના કરતા લાંબી લીટી એણે દોરી દીધી, અને પેલી લીટી નાની થઇ ગઈ.
તો એક તો આ ઉપાય છે કે તમે તમારા પ્રતિસ્પર્ધી કરતા તમારી કળાની ગુણવત્તા વધારો અને આગળ વધો. હવે આ તો અઘરું કામ છે, કેમ કે પ્રતિસ્પર્ધી એક નહીં દશ હશે તો તમે કોની-કોની સાથે સરખામણી કરી કોમ્પીટ કરશો? કોના-કોનાથી મોટા થઇ આગળ જશો? આવું તો દરેક ક્ષેત્રમાં થશે.
બીજો એક સીધો, ટૂંકો રસ્તો એ છે કે એ લીટીને જ એ ભૂંસી નાંખે, તો મારી લીટી મોટી જ રહે. બસ, આમાંથી જન્મે છે પૈશુન્ય. હું સારો ગાયક છું, અને જો કોઈ મારી હરીફાઈ કરે છે અને હું મોટો થઇ નથી શકતો તો હું એને ‘લૂંછી’ નાંખીશ, એટલે કે હું એનામાં દોષ કાઢીશ, એની ઉણપો બધાને કહીશ, એનો જે દોષ છે એનો પ્રસાર કરીશ, અને એની ઉણપોને જાહેર કરીશ, કેમ કે મારે બીજા લોકો સામે મોટા થવું છે, બધા મને અપ્રિસીએટ કરે એ જોઈએ, ના કે બીજાને કરે. તેથી, હું મારા પ્રતિસ્પર્ધીની ખામીઓ, ઉણપો જાહેર કરીશ.
તો, આપણા ક્ષેત્રમાં ઉભા થતા પ્રતિસ્પર્ધીઓને, અડચણો, કોમ્પિટિશનને કોઈ પણ રીતે ખાળવાના, ખોટી રીતે આપણે આગળ આવવાનો જે ભાવ-ઈચ્છા, પ્રયત્નો છે એ જ છે પિશુનતા. અને તેથી ભગવાન કહે છે કે અપૈશુનમ પણ એક દિવ્ય સંપત્તિ છે. સામાન્ય રીતે આવશ્યક એ છે કે પ્રતિસ્પર્ધામાં હું મારી ગુણવત્તા વધારીને આગળ વધુ, પરંતુ, હું એવું નથી કરી શકતો તેથી હું બીજા માટે દોષ-દૃષ્ટિ રાખું છું, મારી આ દોષદૃષ્ટિ પછી જાહેર પણ થાય છે કે બીજામાં ઉણપો છે, એ ભૂલો કરે છે, એનામાં આવી બધી ખામીઓ છે… આવી ભાવના પિશુનતા છે, એ આપણો મોટામાં મોટો શત્રુ છે.
એટલે, ‘અપૈશુનમ્’ કેળવવાની વાત ભગવાન કહે છે, કે અન્ય કોઈ માટે પણ દોષદૃષ્ટિ નહીં કરવી, કોઈના દોષો ઉજાગર નહીં કરવા, નિંદા (ઉજાગર) નહીં કરવી, અને આ બાબતમાં બહુ સાવચેતીની જરૂર છે, કેમ કે એ આપણને ખબર ના પડે એ રીતે ધીમે ધીમે આ પૈશુન્યતા આપણો સ્વભાવ બની જાય છે. આપણી અંદર જે બીજી બુરાઈઓ છે ક્રોધ, ચિંતા વિગેરે એ આપણને દુઃખ આપે છે તેથી ખબર પડે છે, પરંતુ કોઈની નિંદા કરવી, કોઈ માટે ખરાબ બોલવું એમાં આપણને એક પ્રકારનો છૂપો આનંદ આવતો હોય છે, એ એક પ્રકારનો રસ છે જે આપણને છુપું સુખ આપે છે. કોઈની નિંદા કરીએ તો એમાં એક પ્રકારનો આનંદ આવતો હોય છે…એટલે, આ સ્વભાવ એક પ્રકારનો silent killer કહેવાય છે. આ સ્વભાવ પછી અલગ-અલગ રીતે વ્યક્ત થાય છે, અને એમાં એને છુપો આનંદ તો મળે છે, ક્યારે’ક સાથે ઘમંડ, અહંકાર પણ ઉમેરાય છે, કે હું એના કરતા સારો માણસ છું.
કોઈ માટે ખરાબ બોલવું, નિંદા કરવી, ઉણપો જાહેર કરવી એ ખોટું છે, “તમે એના દોષો જાહેર કરો છો, એ સારું નથી કરતા” એમ જો કોઈ એને કહે તો એ માટે પણ એની પાસે તર્ક હોય છે; એ કહેશે, “હું સાચું જ તો કહું છું, ક્યાં ખોટું કહું છું.”
ખોટું કહેવું એ પિશુનતા નથી, પણ બીજાની જે ખામીઓ છે, ઉણપો છે, દોષો છે, એ સાચી વાત હોય તો પણ એ બધું જાહેરમાં કહેવું એ પિશુનતા છે. આવું કરવાથી માણસને જે એક પ્રકારનો છુપો આનંદ મળે છે, એ પિશુનતાના રસનું સેવન પછી એને ગમવા માંડે છે, એ પછી એનો સ્વભાવ બની જાય, કે કોઈની પણ ઉણપ હોય, દોષ હોય એ’ય શોધી કાઢે, અને પછી આખા ગામને કહેતો ફરે, નૈઋત્યમાં પડેલા વઘારની જેમ આખી જગ્યામાં એ વાત ફેલાઈ જાય… બસ, પછી તો એ ‘રસાસ્વાદ’ લેવામાં, બીજી દિશામાં અટવાઈ જાય છે.
હિન્દી ભાષામાં એક કહેવત છે – आये थे हरि भजन को, ओटन लागे कपास’, કે કરવા શું આવ્યા હતા, અને શું કરવા લાગ્યા, કશી ખબર જ ના પડે. તો, આ વાત, આવા સ્વભાવને કોઈ પણ હિસાબે સજાગ રહી સમજવું કે એમાંથી બહુ મોટું નુકશાન થાય છે. એ કાંઈ તત્કાળ ખબર ના પડે કે મને મારા ગુણો માટે અહંકાર આવે છે, બીજાના દોષો હોય એ ભલે કોઈને ના કહું, તો પણ સામેની વ્યક્તિના દોષો, ઉણપોને લીધે એ વ્યક્તિ પ્રત્યે મારી અંદર ઓછો-વત્તો તિરસ્કારનો ભાવ આવી જ જતો હોય.
કોઈ એક અધિકારી હોય અને એ ઈમાનદાર હોય, કોઈ પ્રકારના કરપ્શન ના કરતો હોય, લાંચ-રુશવત ના લેતો હોય તેથી એની અંદર એક પ્રકારનો અહંકાર હોય કે હું લાંચ નથી લેતો, હું ઈમાનદાર છું. આ સાથે એને બીજા સહકર્મચારીઓ પ્રત્યે એક જાતનો અણગમો, કે તિરસ્કાર પણ હોય, એ બીજા સાથે ભળી ના થઇ શકે. બીજા લોકો પ્રત્યેનો એનો જે નેગેટિવ એટિટ્યુડ છે એ એના વ્યવહારમાં કોઇ-ને-કોઇ રીતે છતો થઇ જતો હોય; પછી એ ધીમે-ધીમે એ લોકોથી વિખૂટો પડી જાય, એને બીજા માટે તિરસ્કાર હોય, બીજા લોકોને એના પ્રત્યે અણગમો, તિરસ્કાર હોય. આમ સૌથી પહેલા દુશ્મન તો એના પોતાના જ સહકર્મચારીઓ, સ્ટાફના માણસો જ હોય, તેથી એ લોકોને એમ જ થાય કે આને ગમે-તેમ પણ અહીંથી કાઢો.
આમ, એની અંદર સૂક્ષ્મ અહંકાર વધે છે એ ખબર જ ના પડે, એ જુદી-જુદી રીતે એના વ્યવહારમાં વ્યક્ત થવા લાગે; પહેલા તો અણગમો ઉદ્ભવે, પછી બીજાના દોષો, ઉણપો દેખાવા માંડે, પછી એ દોષો, ઉણપો, બીજાને જાહેરમાં પણ કહેતો ફરે…તે ત્યાં સુધી કે એ બીજાના દોષ અને ઉણપો જોવામાં એટલો ડૂબી જાય છે કે એ સ્વભાવ જ પછી એની અંદર એક પ્રકારની નેગેટિવિટી ઘર કરી જાય છે, એ પણ ખબર ના પડે.
આપણા એક સાધકનો મને ખ્યાલ છે કે જયારે આપણે કોઈ પણ પ્રોગ્રામ કરવાનો વિચાર કરીએ, કોઈ પણ કાર્યક્રમનું આયોજન વિચારીએ તો એ તરત જ દશ બાધાઓ કહેશે કે આ તો નહીં થાય, આ કરવામાં અડચણ આવશે, આવું નહીં થાય… એની પાસે એક-થી-દશ બાધાઓ તૈયાર જ હોય, કે આ નહીં થાય, આ નહીં થાય આમ ના થઇ શકે.
જેને બીજાના દોષો-ઉણપો જોવાની ટેવ, સ્વભાવ હોય એ ક્યારે’ક તો એવું પણ કરે કે એ દોષો-ઉણપોમાં વધારો કરી, એને મોટી કરીને કહેતા હોય. સંસ્કૃતમાં એક ઉક્તિ છે – ‘खलः सरसमात्राणि परछिद्राणि पश्यति’; आत्मनः बिल्वमात्राणि पश्यन्नपि न पश्यति’ કે અમુક ખાસ પ્રકારના ‘ખલ’ લોકોને બીજાના રાયના દાણા જેટલો દોષ હશે તો પણ દેખાશે, પણ પોતાના બિલીપત્ર જેટલા મોટા દોષોને એ અણદેખ્યા કરે છે, પોતાના દોષો પ્રત્યે આંખ-આડા-કાન કરે છે એને પોતાના દોષો છે તે પણ એને દેખાતા નથી.
તો, આવા નેગેટિવ સ્વભાવ અને વર્તનથી જયારે ઉંધુ થવા લાગે, ત્યારે જ સંતત્વ આવે, તો જ સંતના લક્ષણો જન્મે. કબીર કહી શકે છે કે बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय, जो दिला खोजा अपना, मुझसे बुरा न कोय’.
હવે, કોઈ વ્યક્તિ અમુક પ્રકારે જ કેમ વર્તે છે, એનો સ્વભાવ આમ કેમ છે ખાસ કરીને નેગેટિવ હોય, તો એ શું કામ કરે એવું છે, એના ઉપર પણ નિર્ભર રહે છે. મહદંશે, વ્યક્તિના કામથી એની માનસિકતા અને સ્વભાવ બંધાતા હોય છે. આપણે જે સાધકની વાત કરી તો એ સાધકની બાબતમાં મેં જયારે જાણ્યું ત્યારે મને ખબર પડી કે એ પોતે પહેલા IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી)ના ક્ષેત્રમાં કામ કરતા હતા, ત્યાં એ એક સોફ્ટવેર પ્રોગ્રામર હતા. એનું કાર્ય કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવવાનું હતું, તેથી પ્રોગ્રામ બનાવતા એમાં કોઈ ઉણપો, ખામીઓ હોય તો એના રક્ષણ, પ્રોટેક્શન કરવાનું પણ એણે ધ્યાન રાખવાનું હોય. તો, એ સાધકની આ પાશ્ચાદ્-ભૂ (background) ને લીધે એનો સ્વભાવ એવો થઇ ગયો હતો કે એને બધી બાબતોમાં પહેલા ઉણપો, અડચણો દેખાવા લાગે… અને એ પછી એના પોતાના સ્વભાવમાં વણાઈ ગઈ. એ જ પ્રમાણે સામેવાળાના દોષો જોતાં-જોતાં આપણા જીવનમાં એ દોષો ક્યારે આવી જાય, ખબર જ ના પડે.
હું જો બીજાની ઉણપો-ખામીઓ જ જોતો હોઉં, એને માટે દોષદૃષ્ટિ રાખું, અને એ દોષોને એન્લાર્જ કરી, મોટા કરીને બીજાને કહું તો એવું પણ થતું હોય કે મારી અંદર ક્યારે’ક એસ્કેપિસ્ટ (ભાગેડુ) વૃત્તિ પણ ઉદ્ભવતી હોય, કે હું મારી જ ખામીઓ, ઉણપોથી દૂર ભાગતો હોઉં, હું જાણવા માંગતો ના હોઉં, એ ઉણપો, ખામીઓનો હું સામનો નથી કરવા માંગતો, અને એ મને ખબર જ ના પડે…તો મારો જે વિકાસ થવો જોઈએ એ નથી થઇ શકતો. જીવનમાં માણસનો વિકાસ ત્યારે જ થાય છે કે જયારે એ સભાન થઇ પોતાની ઉણપોને સમજે અને એને સુધારવાના સજાગ પ્રયત્નો કરે. આવું કરવાને બદલે હું જો બીજાના દોષો જ જોઉં છું, તો પછી એ વૃત્તિ મને મારા દોષો પ્રત્યે અજાણ રાખે છે, અને કદાચ જાણતો પણ હોઉં તો હું એને દબાવું, છુપાવું છું, મારા જ દોષોને હું સ્વીકારવા માંગતો નથી, હું મારી જ ક્ષતિઓથી દૂર પણ ભાગતો હોઉં… જયારે આવું થાય છે ત્યારે મારી અંદરની ક્ષતિઓ, ખામીઓ હું દૂર નથી કરતો, તેથી મારો વિકાસ સાચા માર્ગે નથી થતો, હું કોઈ દિવસ જીવનમાં આગળ નથી વધી શકતો.
એક બહેનને માંસાહાર પ્રત્યે ખૂબ નફરત, કોઈને માંસ ખાતા એ જુવે તો એના પ્રત્યે એને ધિક્કારની લાગણીઓ થાય, એ વ્યક્તિ પછી એને માટે ખરાબ, તદ્દન નકામી થઇ જાય, આમ એ બહેન માંસાહારથી સતત વિરુદ્ધ જ હોય, અને જે ખાતું હોય એની બાબતમાં જ એ કાંઈ-ને-કાંઈ કહેતી જ હોય. એક દિવસ એમને ત્યાં એક મહેમાન આવ્યા, રોકાયા, ત્યારે ઘરે બીજું કોઈ હતું નહીં. એ રાત્રે એ બહેન ઉઠ્યા, અને એ પણ ઉંઘમાં, રાતે અંધારામાં પોતાના આંગણામાંના તળાવમાંથી માછલી કાઢી, સમારી, રાંધી અને ખાધી…અને પછી સૂઈ ગયા. સવારે ઉઠીને જોયું તો રસોડામાં માછલીના ટુકડા વિગેરે પડ્યા હતા, એ જોઇને તો એમને ખૂબ ગુસ્સો આવ્યો. એને થયું કે આ જે મહેમાન આવ્યા છે એમણે જ આ ગરબડ કરી છે. જેવા એ મહેમાન ઉઠ્યા કે તરત જ એ બહેને તો બુમાબુમ-ગાળાગાળ શરુ કરી દીધી. હવે એ મહેમાન હતા ભાદરણવાળા સ્વામી કૃષ્ણાનંદજી. બહેનના બળાપાને સાંભળીને શાંત રહ્યા. થોડા સમય બાદ એના પતિ આવ્યા, એમને સ્વામીજીએ વાત કરી. તો એ ભાઈ કહે “સ્વામીજી, એમને (એ બહેનને) કહેશો નહીં, મને’ય ખબર છે કે રાત્રે ઉંઘમાં જ ઉઠીને એ માછલી ખાય છે, પણ જયારે જાગે છે ત્યારે એને માછલી પ્રત્યે ખૂબ તિરસ્કાર હોય છે.”
કોઈ માણસ દારુ પીતો ના હોય, અને એ પણ જો સતત દારૂને વિષે જ વિચારતો હોય, તો એવું પણ બને કે એને દારૂમાં ક્યારે રસ પડતો થઇ જાય એ ખબર જ ના પડે. જે વસ્તુ નથી ગમતી, તે છતાં એનું સતત ચિંતન થાય છે તો વહેલે-મોડે એ વસ્તુ પછી ગમવા માંડે છે. આ વાતને સમજજો… કોઈ જુઠું બોલે છે, કાયમ જુઠું બોલવાની ટેવ છે, તો એને એમાં કાંઈ’ક તો આનંદ આવતો હશે, તો જ એ જુઠું બોલે છે ને? એટલે, એને પણ લાગે કે જુઠું બોલવામાં પણ આનંદ છે, અને તમે જો જુઠું છે એના જ વિચાર કરો તો તમને પણ એ જુઠું બોલવાનો ‘રસ’ ગમવા લાગશે, તમે પણ પછી કયારે જુઠું બોલતા થઇ જશો, એ તમને પણ ખબર નહીં પડે… દારુ ના પીતો માણસ કયારે દારુ પીતો થઇ જાય એ ખબર જ ના પડે.
હું નાનો હતો ત્યારે મેં એક વાર્તા વાંચેલી કે બે મિત્રો હતા, એક સારો, સંસ્કારી, અને બીજો થોડા ખરાબ સંસ્કારવાળો. એક સાંજે બંને મિત્રો ઘરેથી નીકળ્યા; જે સારો, સંસ્કારી હતો એ કોઈ ભક્તિનો કાર્યક્રમ થતો હતો ત્યાં ગયો, બીજો જે ખરાબ સંસ્કારવાળો હતો એ ખોટી જગ્યાએ, એક સ્ત્રી પાસે ગયો. પણ કહેવાય છે કે જયારે બન્નેનું મરણ થયું ત્યારે સારા છોકરાને લેવા માટે નરકમાંથી દૂતો આવ્યા, અને જે ખરાબ હતો એને લેવા સ્વર્ગથી દૂતો આવ્યા. હવે જે સારો હતો એણે ફરિયાદ કરી કે હું તો આટલો સારો, સંસ્કારી છું, તો આમ કેમ? તો, નરકના દૂતોએ કીધું કે જયારે તું ભક્તિના કાર્યક્રમમાં બેઠો હતો ત્યારે તું સતત એવા વિચાર કરતો હતો કે મારો મિત્ર કેવી મજા કરતો હશે, અને હું અહીં ક્યાં ભરાઈ ગયો? બીજો જે ખરાબ હતો, એને વિચાર આવતા હતા કે મારો મિત્ર કેટલો સારો, કેટલું સાત્ત્વિક કામ કરે છે, અને હું કેવું ખોટું કામ કરું છું? આમ, ખરાબ મિત્રને ખોટી જગ્યામાં પણ ભક્તિના વિચારો આવ્યા હતા, જયારે, સારા મિત્રને સારી જગ્યામાં ખરાબ વિચારો આવતા હતા.
એટલે, ખરાબ માણસમાં એની પ્રકૃતિથી વિરુદ્ધના સારા વિચારો પણ આવવા માંડે. જે વસ્તુને આપણે ખરાબ ગણતા હોઈએ એને માટે માણસ જે કરતો હોય, એની અંદર પણ એને માટે અભાવ પેદા થતો હોય છે.
હું એક અઘોરી પાસે કયારે’ક ક્યારે’ક જતો, ત્યાં રોકાતો. એમનુ શરીર પડછંદ, ને આખો દિવસ ચલમ પીધા કરે, અને એ પણ મોટી ચલમ. હું શાંતિથી એમની પાસે બેસી રહું, તો મને કયારે’ક-ક્યારે’ક કહે, “સ્વામીજી, તમારું જીવન બહુ સારું છે, હું ઈચ્છું છું કે સંન્યાસ લઇ લઉં, પણ આ ચલમ મને છોડતી નથી.” દરેક વ્યક્તિને એના અવગુણો છોડી, એમાંથી બહાર નીકળવાનો ભાવ થતો જ હોય, પણ આપણી અંદર જે દોષ-દૃષ્ટિ છે એ અંદર રહેલા ગુણદર્શનના ભાવને દાબી ‘દે છે, કેમ કે આપણે ગુણદર્શનનો સ્વભાવ ખોઈ બેસીએ છીએ. પણ, બહુ મોટા-મોટા મહાપુરુષો હોય તો’ય એમનામાં એકા’દ તો કોઈ ઉણપ હોઈ શકે છે.
આવું કેમ? તો, ભગવાન એમના ભક્તોને કોઈની નજર ના લાગે એટલા માટે એનામાં એકા’દ ઉણપ રાખે છે. મા હોય તો એ એના નાના બાળકને કોઈની નજર ના લાગે તે માટે એના ગાલ પર, કે કપાળ પર, કે કાન પાછળ એક કાળું ટપકું કરે જ છે કે એના બાળકને કોઈની નજર ના લાગે. અને ગુણ-દોષની વાત કરીએ તો એ તો સાપેક્ષ, રિલેટિવ હોય છે, જ્યાં એકને દોષ દેખાય એ કોઈને માટે ગુણ પણ હોઈ શકે છે.
મને ખ્યાલ છે, નડિયાદના એક ભાઇની વાત છે, જયારે પૂ. મોટા હયાત હતા. આ સંત મોટાએ તો આખું જીવન સમાજ માટે ઘણા કાર્યો કર્યા હતા, એમણે એકે-એક ક્ષણ સમાજ માટે વિચાર્યું હતું. સમસ્ત ગુજરાતમાં જેટલું દાન શ્રી મોટાની સંસ્થાએ કર્યું હશે એટલું કોઈ પણ નાની સંસ્થાઓએ નહીં કર્યું હોય, હા, મોટી સંસ્થાઓએ કર્યું હશે, પણ નાની સંસ્થાઓએ પોતાના આશ્રમમાં કશું જ ના કર્યું હોય, અને બહારના સમાજ માટે પણ કર્યું હોય એવું ભાગ્યે જ બનતું હશે. શ્રી મોટાના આશ્રમમાં મૌન મંદિર સિવાય કશું જ નથી, પણ ચારે બાજુ અલગ-અલગ સંસ્થાઓમાં દાન કર્યું છે – જે આવે એ દાનમાં આપી દે’વાનું… આમ,એમની સંસ્થાએ જે કર્યું છે એવું બીજી કોઈ સંસ્થાએ નથી કર્યું.
શ્રી મોટાએ આ પ્રમાણેના દાન માટે ફંડ ભેગું કરવા પોતાની એક રીત ઉભી કરી કે મને પધરામણી માટે જેને લઇ જવાની ઈચ્છા હોય એ મને રૂ.૫૦૦/- આપે, એમને ઘરે હું પધરામણી માટે જઈશ. હવે એ ભાઈને સમાચાર મળ્યા કે શ્રી મોટા નડિયાદમાં છે, એમને થયું કે હું દર્શન કરવા જઉં, મોટા સાથે સત્સંગ કરું, પણ પછી એ પણ ખબર પડી કે શ્રી મોટા તો દક્ષિણાના રૂ.૫૦૦ લે છે, અને જે આપે એને ત્યાં જ પધરામણી કરે. બસ, એ ભાઈને થયું, આ તે કાંઈ સાધુ છે? અને પછી એમની પાસે ગયા જ નહીં.
થોડા વર્ષો પછી જયારે શ્રી મોટાનું શરીર શાંત થઇ ગયું, અને ત્યાર પછી એ ભાઈ મોટાના આશ્રમના મૌન મંદિરમાં રહેવા ગયા, ત્યાં શ્રી મોટાનું સાહિત્ય વાંચ્યું, એમની જીવની પણ વાંચી, એમની સાધના વિષે વાંચ્યું, ત્યારે એમને પસ્તાવો થયો કે અરે..રે… મેં કેટલી મોટી ભૂલ કરી હતી કે મને શ્રી મોટાનો એક દોષ દેખાઈ ગયો અને હું એમના બીજા બધાં’ય ગુણોથી અજાણ રહી ગયો.
ઘણી વખત એવું બનતું હોય કે માણસને મહાપુરુષોમાં પણ એકાદ ભૂલ તો દેખાય જ છે. ગાંધીજી વિષે પણ આવું કહી શકાય કે એમની એકાદ-બે ભૂલો ઉપર જ લોકો વધુ ધ્યાન દે’તા હોય છે અને તેથી એમનુ આખું વ્યક્તિત્વ એ લોકો માટે ખરાબ થઇ જાય, એમની બધી જ સારપ, એમના બીજા સારા ગુણો એક બાજુએ રહી જાય અને એમની એકા’દ-બે ખામીઓ, ભૂલો જ વધારે દેખાતી હોય.
કોઈ મહાપુરુષની પણ એકાદ ઉણપ મને દેખાય જાય અને એ ઉણપનું વિશ્લેષણ જ હું કરતો હોઉં તો એમાં મારો અહંકાર જ વધે, અને તેથી હું એ મહાપુરુષમાં રહેલી સારી વાતો ના જોઈ શકું, મને ઉણપ જ દેખાય. આવું જયારે થાય છે ત્યારે ઉણપ જોનાર માટે મોટું નુકશાન થાય છે. આવી દોષ-દૃષ્ટિ પિશુનતા છે, અને સાધકે ગમે તે રીતે એમાંથી બહાર નીકળવું. મને મારી અંદર રહેલા મારા જ દોષો જોવાની દૃષ્ટિ હોય તો બીજામાં દોષો જોવાની મારી દોષવૃત્તિ ધીમે-ધીમે ઓછી થાય.
બીજામાં આપણે ગુણો જોઈ શકીએ, આપણે ગુણગ્રાહી બનીએ એ માટે મને એક વાત બહુ સારી લાગે છે કે પરમાત્માએ આટલી સરસ અને મોટી સૃષ્ટિની રચના કરી છે એમાં કેટલી વિવિધતા છે… અધધધ… આપણે એ પ્રકૃતિને જોઈએ છીએ, માણીએ પણ છીએ તો પણ આપણને એવો વિચાર કોઈ દિવસ નથી આવતો કે પરમાત્માની સૃષ્ટિમાં ક્યાં’ય કાંઈ જરા-સરખી’ય ઉણપ છે. માણસના શરીરને જોઈએ તો એવું ક્યારે’ય નથી લાગતું કે માણસના નાકની જગ્યા શરીરમાં બીજે ક્યાં’ક હો’ત તો સારું; અમુક પ્રાણીઓમાં આંખ સામે નહીં, પણ બાજુમાં હોય છે, તો પણ એવું નથી લાગતું કે એ આંખ સામે હોવી જોઈએ. સમગ્ર સૃષ્ટિમાં અપાર વૈવિધ્ય છે. એમાંની ઘણી વસ્તુઓ જેવી છે એવી જ આપણે વાપરીએ પણ છીએ, દા.ત. કારેલા છે તો એ તો કડવા છે, તો પણ એની કડવાશ સાથે આપણે કારેલાને સ્વીકારીએ છીએ; મરચાં તો તીખા છે, તો એ તીખાશવાળા મરચાંને પણ આપણે સ્વીકારીએ છીએ.
એટલે, સંતોનું કામ જુદું જ હોય, સંતો બધાંને જેવા છે એવા જ સ્વીકારતા હોય… ધીમે-ધીમે એ સ્થિતિ આવતી હોય કે દોષદર્શન બિલકુલ ના હોય, એનો સ્વીકાર હોય, દોષ બાજુએ રાખીને, કે કાઢીને સ્વીકારતા હોય. વૈદ્ય હોય એની પાસે કોઈ બીમાર વ્યક્તિ આવે તો એ પહેલા એની બીમારી દૂર કરે કે એ ચોર છે, કે ઈમાનદાર છે, કે ગુનેગાર છે, કે શાહુકાર છે એ નથી જોતો. વૈદ્ય એની પાસે આવનાર વ્યક્તિ કેવી, કે કોણ છે વૈદ્ય એ નથી જોતો, એ જોવાનું એનું કામ નથી. તો, સામી વ્યક્તિમાં એના દોષો જોવાને બદલે હું એવું વિચારું કે એની અંદર પરમાત્માનો કાંઈ’ક તો અંશ છે, ચેતના છે, આત્મા છે એ રીતે સજાગ રહીને હું જો જોતો થઉં, તો એ સૌથી સારામાં-સારો ઉપાય છે; આમ કરવાથી હું એના દોષો જોવાની ટેવમાંથી નીકળી જઉં, અને એ વ્યક્તિ જેવી છે એવી પૂરેપૂરી આખે-આખી સ્વીકારી શકું. જો હું એને એ જેવી છે એ નથી સ્વીકારી શકતો તો પછી હું એને પ્રેમ પણ નથી કરી શકતો. એની અંદર એ જ તત્ત્વ છે જે મારી અંદર છે, હું એ તત્ત્વને જોવાનો પ્રયાસ કરું તો જ એને હું સ્વીકારી શકું છું. અને જો કોઈમાં દોષ દેખાય છે, તો, ઠીક છે, એની અંદર દોષ છે, ખરાબ વાત છે, એ જવી જોઈએ, તો આ વાત હું એને પ્રેમથી પણ તો કહી શકું છું.
સંતો કયારે’ય પ્રત્યક્ષ રીતે કોઈને ના કહેતા હોય. સ્વામી શિવાનંદજીના એક શિષ્ય હતા, એમને સ્મોકિંગની (સિગારેટ પીવાની) ટેવ, એ બહુ સ્મોક કરતા, તે છતાં શિવાનંદજીએ એમને પ્રત્યક્ષ રીતે કોઈ દિવસ કશું કીધું નહીં. એક દિવસ એ શિષ્યને ઉત્તરકાશી ચાલતા જવાનું હતું, તો શિવાનંદજીએ કહ્યું કે “જતાં પહેલા તમે મારી પાસે આવજો, હું રસ્તા માટે તમને કાંઇક ભાથું આપીશ તો તમને સારું રહેશે.” જતાં પહેલા એ શિષ્ય તો ગયા સ્વામીજી પાસે, તો સ્વામીજીએ એક મોટું, ભારે પેકેટ આપ્યું. શિષ્યે તો ખુશ થઇને એ પેકેટ એમના થેલામાં મૂકી ચાલવાનું શરૂ કર્યું. બપોરના ૧૨-૧ વાગ્યા હશે, જોરથી ભૂખ લાગી હતી, એને થયું કે હવે હું જમી લઉં, સાથે ખાવાનું તો છે જ, ખાવાની તો કાંઈ ચિંતા જ નથી. પછી એક જગ્યાએ શાંતિથી બેસીને એમણે તો એ પેકેટ ખોલ્યું, જોયું તો એમાં માત્ર સિગારેટો જ હતી, એન સિવાય બીજું કશું જ ન હતું! સ્વાભાવિક છે કે ગુસ્સો આવે, પણ એમને તો એટલો બધો ગુસ્સો આવ્યો કે એમણે બધી સિગારેટો ગંગાજીમાં નાંખી દીધી. બસ, એ દિવસથી એમણે સિગારેટ પીવાની છોડી દીધી. આ શિષ્ય હતા મહાન સંત સ્વામી ચિન્મયાનંદજી!
કોઈ માણસ સિગારેટ પીતો હોય, આપણે ના પીતા હોઈએ, તો આપણને એને માટે કેવો તિરસ્કારનો ભાવ થાય? આપણે કોઈને ઘરે જઈએ અને એ પૂછે “ચા પીશો?” આપણે કહીએ “હા, પીશું.” પછી જયારે ચા પીતા હોઈએ ત્યારે એ શાંતિથી કહે કે “અમને તો કોઈ વ્યસન જ નથી, ચાનું પણ વ્યસન નથી, અમે તો કોઈ મહેમાન આવે ત્યારે જ ચા બનાવીએ છીએ; અમે તો બિલકુલ વ્યસની નથી.” તો શું આપણે વ્યસની? હવે આપણાથી ચા કેમની પીવાય? તો, આમ ખબર જ ના પડે માણસની અંદર કઈ રીતે અહંકાર આવી જતો હોય, વિકૃતિઓ આવી જતી હોય.
સ્વામી શિવાનંદજીના એક બીજા શિષ્ય હતા એ તો વળી ગાંજો-ચરસ પણ પીવે, તો પણ સ્વામીજીએ એમને કોઈ દિવસ ટોક્યા નથી, એમની ટેવ માટે શિવાનંદજીએ એમને કશું કોઈ દિવસ નથી કીધું, કે ન્હોતો એમને માટે તિરસ્કારનો ભાવ, કે એ નાલાયક છે કે ચરસ-ગાંજો પીવે છે! તો, આ શિષ્ય હતા મારા ગુરુજી પરમ પૂજ્ય સ્વામી સત્યાનંદ સરસ્વતીજી! વિચાર કરો કે જો સ્વામી સત્યાનંદની આ એક ટેવને લીધે જ જો સ્વામી શિવાનંદજીએ એમને આશ્રમમાંથી કાઢી મૂક્યા હો’ત તો સ્વામી સત્યાનંદજીમાં એ મહાનતા કેવી રીતે પ્રગટ થા’ત? સ્વામી સત્યાનંદજી જયારે યોગનિદ્રાનો પ્રયોગ કરતા, ત્યારે એમણે પોતાની જાત ઉપર દરેક જાતના નશીલા પદાર્થોના પ્રયોગો પણ કર્યા હતા – ચરસ, ગાંજો, હેરોઈન, મારીજુઆના, LSD, વિગેરે.
આપણને થાય કે સાધુ થઈને આવું બધું પણ કરે છે?! એક જર્મન ફિઝિશિયન, નામે સેમ્યુઅલ હનેમાન (Samuel Hahnemann, 1755-1843), જે હોમીઓપેથી દવાના જનક-પિતા કહેવાય, એમણે તો ઘણા ઝહેર જાતે ખાઈને પોતાની જાત ઉપર જીવલેણ અખતરાઓ કર્યા હતા કે કયા ઝહેરની માણસના શરીર ઉપર કેવી, કેટલી અસર થાય છે એ જોવા માટે! તો, આવા જીવલેણ અખતરાઓ કર્યા પછી એમણે હોમીઓપેથીની દવાઓ બનાવી છે. એમણે પ્રયોગોમાં ગંધક, પારાના પણ ઝહેરના અખતરાઓ પોતાની ઉપર કરીને પછી એમાંથી પણ દવાઓ બનાવી છે, તો એમણે પહેલા પોતાની જાત ઉપર ઝહેરના પણ પારખાં કરી, પ્રયોગો કર્યા હતા!
તો, જો સ્વામી શિવાનંદજીએ એમની દોષદૃષ્ટિને કારણે જ સ્વામી ચિન્મયાનંદજી કે સ્વામી સત્યાનંદજીને એમની આદતો માટે જો કાઢી મૂક્યા હો’ત તો એ મહાન વિભૂતિઓ આપણને ના મળી હો’ત.
એટલે, મને જો સામેવાળી વ્યક્તિ માટે ભાવ છે, અને મને એનામાં દોષ દેખાય છે, તો હું એને એકલા બેસાડીને પ્રેમથી સમજાવી શકું છું, તો ધીમે-ધીમે એને પોતાને ખ્યાલ આવશે, એ જાતે સમજશે અને જો મારું જીવન, મારું વર્તન, મારો પ્રેમ, એને માટે એવો છે તો એ પોતે સમજશે અને પોતાનામાં આવશ્યક બદલાવ જરૂર લાવશે.
મેં હમણાં જે ચલમ પીતા અઘોરી સંતની વાત કરી એ સંત એક વખત ચલમ સળગાવતા હતા, હું નજીકમાં શાંતિથી એમની સાથે બેઠો હતો. જોયું તો ચલમ સળગતી ન્હોતી તેથી મેં કીધું કે “લાવો, હું સળગાવી આપું.” એમણે તરત જ કીધું, “નહીં, નહીં, આપ ઇસકો છુઓ નહીં, આપ તો જૈસે હો વૈસે હી ઠીક હો”…કહે, “આપ જૈસે હો વૈસે હી ઠીક હો, આપ ઉસકો છુઓ મત…દેખો મૈં ઇસકો ઠીક કરતા હું.”
તો, માણસની અંદર ક્યારે એ અવળા રૂપાંતરણની પ્રક્રિયા શરુ થઇ જાય એ ખબર ના પડે. એટલે, મેં એક-બે વખત વાત કરી હતી કે મારા ગુરુજી કાયમ અમને કહેતા કે કોઈને “ના કરો” એવું ક્યારે’ય નહીં કહેવાનું, “આમ ના કર, આમ ના કર”, એવું નહીં કહેવાનું, પણ એવું કહેવાનું કે “આ કર…, આ કર”. મને જો કોઈની અંદર કોઈ દોષ દેખાય છે, ઉણપ દેખાય છે, તો હું એને પ્રેમથી કઈ રીતે દૂર કરી, એને હું મદદરૂપ થઇ શકું, મારે એ રીતે વિચારવાનું હોય. અને સાધનાની શરૂઆત આવા જ ભાવથી થાય છે. એટલે, નરસિંહ મહેતાએ ગાયું છે ને કે “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે…” પછી એ પણ કીધું છે કે “નિંદા ના કરે કે’ની રે…” એ કોઈની નિંદા ના કરે, કેમ કે હું જયારે સાચે રસ્તે છું, જ્ઞાનના માર્ગે છું તો મારો ઉદ્દેશ્ય છે કે હું મારા આત્મા-સ્વરૂપને ઓળખું, જાણું, મારે મારા આત્મા સ્વરૂપને જાણવું છે, એટલે જો હું બીજાની અંદર પણ એ આત્મા-સ્વરૂપને જોઇશ તો જ મારો એ ભાવ દૃઢ થશે.
વિનોબાએ કીધું છે કે મેં ઘણી વાતો મારી મા પાસેથી શીખી છે. કહે, એક વખત કોઈ ભિખારી આંગણે આવ્યા, તો મા-એ એને થોડો વધારે સામાન આપી દીધો. મને લાગ્યું કે મા-એ વધારે આપ્યું, અને એ વ્યક્તિ મને યોગ્ય પણ ના લાગી. તેથી, મેં મા-ને પૂછ્યું કે “મા, આપતા પહેલા તેં કાંઈ વિચાર્યું કે આ માણસને જે આપ્યું તેને એ યોગ્ય છે કે નહીં? મા-એ કીધું, “જો મેં તો નારાયણને આપ્યું છે, હવે યોગ્યતા-અયોગ્યતાનો વિચાર તું કર, હું નથી કરતી.”
એટલે, ભક્ત બધી જગ્યાએ નારાયણને જુએ, કર્મયોગી પણ એનું જે લક્ષ્ય છે એ બધાં’યની અંદર એ લક્ષ્ય (આત્મા-સ્વરૂપ) જુએ છે. તો, ધીમે-ધીમે મારી અંદરથી એ પિશુનતાની વૃત્તિ જાય, અને આત્મગ્રાહી, સર્વગ્રાહી, સર્વ માટે પ્રેમ ઉત્પન્ન થાય, જે મને સત્ય સુધી લઇ જઈ શકે.
ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી અંદરથી દ્વેષબુદ્ધિ, દ્વેષદૃષ્ટિ જાય, ઈર્ષાવૃત્તિ જાય, બીજાના દોષો જોવાની વૃત્તિ જાય. હા, ક્યારે’ક દોષદર્શન હોય, એ પણ સમજાય છે કે એની અંદર દોષ છે, પણ એની સાથે એ વ્યક્તિ માટે પ્રેમ પણ હોય, એના પ્રત્યે આત્મીયતા હોય, સ્વીકૃતિ હોય… તો આપણે ધીમે-ધીમે આપણા પરમ લક્ષ્યને પામી શકીશું.
ॐ तत् सत्