શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ દૈવાસુરસમ્પદ્વિભાગયોગના બીજા શ્લોક પરના પ્રવચન પર આધારિત.

(નોંધ: આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણિત સંપત્તિઓ વિષેના પ્રવચનો આગળના અંકોમાં છપાયા છે )

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् |
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ||

– भ.गी. १६:२

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને (મનુષ્ય માટે) જણાવેલી દૈવી સંપત્તિઓમાં અહિંસાનું આગવું એવું ખાસ સ્થાન છે, મહર્ષિ પતંજલિએ એમના અષ્ટાંગ યોગના પ્રથમ અંગ યમ-માં પણ અહિંસાને સૌ પ્રથમ મુક્યું છે – अहिंसासत्यमस्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः (प.यो.सू. २:३०). જૈન પરંપરામાં अहिंसा परमो धर्म, અહિંસાને પરમ ધર્મ કહ્યો છે.

આ અહિંસાના સંબંધમાં આપણે આગળ ચર્ચા કરી હતી એમાં જોયુ હતું કે હિંસાનો થોડો પણ ભાવ જો આપણી અંદર જાગે છે તો એ એક ચેન-રિએક્શનની માફક કામ કરતો હોય છે. અશુદ્ધ વિચારો હોય એની અસર ચારે બાજુ ફેલાઇ જાય, એવી રીતે અહિંસાના ભાવનો પણ પ્રભાવ છે અને એની વિપરીત હિંસા હોય તો એનો પણ એવો જ પ્રભાવ હોય. મારા મનમાં જો હિંસાનો ભાવ જાગે છે અને જો એ તીવ્ર હોય તો એ ભાવ પછી મારા શરીરના કણેકણમાં, દરેક કોશોમાં પ્રસરે જ છે; પછી હું જ્યાં ઉઠું-બેસું, હું જે પરિવેશમાં હોઉં, જે વાતાવરણમાં હોઉં, હું જે વસ્તુઓ વાપરતો હોઉં એ બધા’યમાં મારી અંદર રહેલા એ હિંસાના ભાવ અસર કરી એમાં પ્રવેશતા હોય છે. અહીં સુધી જોવામાં આવ્યું છે કે કોઈ જગ્યાએ ઝઘડો થયો હોય, પાંચ-દશ જણ ઝઘડયા હોય તો થોડીવાર પછી બીજા લોકો ત્યાં આવે તો એ લોકોમાં ઉગ્રતાનો ભાવ વધી જાય છે. તમે જોયું હશે કે રસ્તામાં અમુક જગ્યાને ‘એકસીડન્ટ ઝોન’ કહેવાતી હોય છે. આમ જોઈએ તો એ રસ્તો, એ જગ્યા સાદી, બીજી હોય એવી જ દેખાય, પ્રથમ નજરે ક્યાં’ય કોઈ મુશ્કેલી ના હોય… પણ એ સ્થળે ઘણા એકસીડન્ટ થતા હોય, કેમ કે એક એકસીડન્ટ જે થયો હોય એની જે વેદના, એનો જે ભાવ ત્યાંના વાતાવરણમાં રહી ગયા હોય એ ત્યાં અટકી જતા હોય અને એ ત્યાંના વાતાવરણમાં હોવાને કારણે પછી ત્યાં વધારે એકસીડન્ટ થતા હોય, ક્યારે’ક હિંસા પણ થતી હોય … આવી રીતે ત્યાંનું એ કલુષિત વાતાવરણ વધારે બગડતું જ જાય. એટલે, મહર્ષિ પતંજલિ એને જ કહે છે दु:खाज्ञानानन्तफ़ला  (प.यो.सू. २:३४). આ જે હિંસા વગેરે ભાવો છે એ અનંત દુઃખોને આપનારા છે, એવા દુઃખોનો અંત જ નથી થતો, એ નિરંતર ચાલુ જ રહે છે. એક જન્મમાં મેં કોઈની હિંસા કરી હોય, એ વ્યક્તિ પછી એના બીજા જન્મમાં મને શોધીને મારી હિંસા કરીને બદલો લે છે; પછી મારી અંદર એ જ હિંસાના ભાવ જાગે, હું ફરી હિંસા કરું, એ પણ કરે…આમ જન્મો-જન્મ સુધી એ પ્રતિભાવનાની સાંકળ લંબાતી જાય… જન્મો-જનમ સુધી એનો કોઈ દિવસ અંત જ ના આવતો હોય.

એક જુની વાર્તા છે – એક રાજા જયારે પણ એના રાજ્યના એક માર્ગપરની એક દુકાન સામેથી પસાર થાય ત્યારે એ દુકાનદારને જોઇને એના મનમાં એવો ભાવ આવતો કે ‘હું આ દુકાનદારને ફાંસીએ લટકાવી દઉં’, જયારે પણ આ દુકાન સામેથી નીકળે અને દુકાનદારને જુએ એટલે આવો ભાવ એની અંદર જાગે. હવે રાજા પરેશાન થાય કે આવું બીજી કોઈ જગ્યાએથી પસાર થાઉં કે બીજા માટે મને આવો વિચાર નથી આવતો, અને આ રસ્તાપરની આ દુકાનના દુકાનદાર માટે જ મને આવા વિચાર કેમ આવે છે? થોડા દિવસો પછી રાજાએ પેલા દુકાનદારને બોલાવ્યા અને એમણે એમના મનની વાત કરીએ કે મને તારા માટે આવા વિચારો આવે છે, સમજાતું નથી કે આમ કેમ થાય છે.

એ દુકાનદારે વાત સાંભળીને તરત જ ક્ષમા માંગતા રાજાને કીધું કે હું ચંદનના લાકડાનો વેપાર કરું છું, અને એ કાંઈ બહુ વેચાતા નથી, તો હું તમને જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે ક્યારે આ રાજા મરે, અને મારા બધા ચંદનના લાકડા વેચાય જાય.

આમ, આપણી અંદર કોઈ માટે હિંસાનો ભાવ આવ્યો કે એની તીવ્રતાને આધારે એ જ ભાવ સામેવાળાની અંદર પ્રતિક્રિયા આરંભે છે.

હું જયારે જોધપુર હતો, ત્યારે ત્યાં ભૂતનાથ મહાદેવ મંદિરમાં રહેતો. થોડા દિવસો રહ્યા પછી મેં જોયું કે ત્યાં બે-ચાર કૂતરાઓ હતા, એ કૂતરાઓ એક નિશ્ચિત ભાઈ ત્યાં આવે તો તેમની પાછળ પડી ભસવા માંડે. ત્યાંથી કેટલા લોકો પસાર થતા હશે, પણ એ કૂતરાઓ કોઈને ના ભસે, પણ આ ભાઈને જુએ અને અચૂક એની પાછળ ભસતા-ભસતા દોડે. એક દિવસ મેં જોઈ વિચાર્યું કે આવું કેમ થાય છે. હું દૂરથી જોતો હતો, જોયું તો એ ભાઈ દૂરથી આવે અને કૂતરાઓને જોઇને તરત જ પથ્થર-બત્થર શોધવા લાગ્યા, લાકડી શોધવા લાગ્યા (કૂતરાઓને મારવા માટે, સ્વ-બચાવ કરવા માટે). એટલામાં એમની નજર અને કૂતરાની નજર મળી ગઈ, અને કૂતરાઓને જોઈ એ ભાઈ તો ગભરાયા… અને સામે કૂતરાઓએ પણ ભસવાનું શરુ કરી દીધું, કારણ એ પણ એને જોઈ ગભરાયા.

આપણી અંદર હિંસાનો ભાવ આવે કે તરત જ એ શરીરમાં પ્રસરે જ છે, પછી એ ત્યાંથી આગળ આજુ-બાજુના વાતાવરણમાં પ્રસરે છે… તે ત્યાં સુધી કે એ નજીકના વૃક્ષોમાં પણ એ પ્રસરે છે. ટોનોગ્રાફીથી જે શોધો થઇ છે તેમાંથી એવું પણ સમજાય છે કે આપણે જયારે અમુક વૃક્ષ પાસેથી પસાર થઈએ છીએ અને એને કાપી નાંખવાનો ભાવ કરીએ કે આજે આ વૃક્ષને કાપી કાઢવું છે, બાળી દેવું છે, તો તરત જ એ વૃક્ષ એની રીતે પ્રતિક્રિયા કરે છે અને … અને પછી તો આવા ભાવોની ચેન રોકાતી નથી.

એટલે, અહિંસાનો ભાવ, પરમ સત્ય તરફ લઇ જવા માટેનો ભાવ છે, અને તેથી એ ખૂબ જ અમૂલ્ય ભાવ છે, અમૂલ્ય સંપત્તિ છે. આપણે જો ધ્યાનથી જોયું હોય તો સમજાશે કે ભગવાને જેટલી સંપત્તિઓ કીધી છે, એમાં લૌકિક વૈભવની સંપત્તિ તો ક્યાં’ય નથી કીધી. ભગવાને જે સંપત્તિઓ કીધી છે એમાંની અહિંસાની વાત તો એવી છે કે હું કોઈને મારુ નહીં, કોઈને હેરાન ના કરું, શરીરથી, વાણીથી, મનથી પણ કોઈને દુઃખ કે તકલીફ ના આપુ. એનાથી પણ આગળ વધીને મારી અંદર એવી સંવેદનાઓ વિકસે કે સામેવાળાને તકલીફ થશે એને તકલીફ થાય એ પહેલા મને એ વાતની સભાનતા આવે. બીજાને મારા થાકી તકલીફ થાય અને હું સભાન થઉં, એના કરતા તકલીફ થાય એ પહેલા જ મારી સંવેદનશીલતા એવી સજાગ હોય કે મારા થકી સામેવાળાને બિલકુલ તકલીફ ના થવી જોઈએ. આ જાતની જાગરૂકતા જ મને સત્ય તરફ લઇ જતી હોય છે, કેમ કે હું જો ખૂબ સભાન ના હોઉં મારા વ્યવહાર પ્રત્યે, મારી વાણી પ્રત્યે, મારા વિચારો પ્રત્યે ત્યાં સુધી મને એ જાતની પરિસ્થિતિનો  ખ્યાલ જ નથી આવતો. સંતો જાગ્રત હોય છે એટલે એ લોકોને આવી વાતોનું ધ્યાન આવે છે.

બીજા પ્રત્યેની સભાનતાની વાતો કરતી વખતે હું એક સંતની વાત કાયમ કરું છું. એ સંતને કોઈ એક ભાઈએ ચા પીવા માટેનું આમંત્રણ આપ્યું. એ સંત તો પોતાના બે-ચાર શિષ્યો સાથે એમના ઘરે ગયા, ત્યાં બધા’ય રકાબીમાં લઈને ચા પીતા હતાં. એ સંતે પણ  રકાબીમાં ચા લીધી અને અવાજ કરીને પીવા લાગ્યા. શિષ્યોએ જોયું, પણ એમને સમજાયું નહીં કે આજે જ આ સંત આમ અવાજ કરીને કેમ ચા પીએ છે.  બહાર આવ્યા પછી શિષ્યોએ પૂછ્યું કે આજે તમે ચા અવાજ કરીને કેમ પીતા હતા? ત્યારે એમણે સ્પષ્ટતા કરી કે આપણે જેને ત્યાં ગયા હતા એ ભાઈને સબડકા લઈને ચા પીવાની ટેવ હતી. ઘણાં દાળ પણ આવી રીતે સબડકા લઈને પીવે, બધી આંગળીઓ દાળમાં નાંખી દે, અને ખૂબ અવાજ કરીને દાળ પીવે. સંતે કીધું કે આપણે બધા’ય શાંતિથી ચા પીવા લાગ્યા, બિલકુલ અવાજ ના થાય એવી રીતે, તો એ બિચારો બહુ જ પ્રયત્ન કરે કે એનાથી ચા પીતા અવાજ ના થાય તો પણ અવાજ નીકળી જતો હતો, એટલે પછી હું પણ એમની સાથે સામેલ થઇ ગયો, અને અવાજ સાથે ચા પીવા લાગ્યો જેથી કરીને એને ક્ષોભ ના થાય.

અહિંસાનું મૂળ ત્યાં છે કે બીજી વ્યક્તિને હું સ્હેજ પણ ક્ષોભમાં ના મૂકી દઉં, એને કોઈને ક્ષોભ થાય એવું પણ હું ના કરું, એટલી સભાનતા મારામાં આવવા લાગે દરેક વાતમાં એ મહત્ત્વનું છે.

આપણે ત્યાંના સાધ્વીજી કોઈ સંસ્થામાં ગયા હશે તો મને વાત કરી, કે ત્યાં જમવાની વ્યવસ્થા હતી, અને જમ્યા પછી બધાએ હાથ ધોવા બહાર જવાનું હતું, પણ એમનાથી હાથ ત્યાં થાળીમાં જ ધોવાઈ ગયા, પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો ભૂલ થઇ ગઈ, મેં તો હાથ થાળીમાં જ ધોઈ લીધા. તો, સામે જે બે’ન બેઠાં હતા તરત જ બોલ્યા. “કશો વાંધો નહીં, ઘણાં લોકો અહીં પણ હાથ ધોઈ લે છે, વાંધો નહીં, તમે એની ચિંતા ના કરો.” હવે જો હિંસાની વૃત્તિ હોય તો તરત જ એ બે’ન બોલ્યા હો’ત કે “હા, જમ્યા પછી હાથ તો બહાર જ ધોવા જોઈએ, અહીં તો ના જ ધોવાય ને, પણ તમે ધોઈ લધા છે તો ઠીક,” પછી બે જણને એ વાતો’ય કરે કે જો, આટલું’ય નથી સમજતા…

મારી અંદર અહિંસાની વૃત્તિ એવી હોવી જોઈએ કે હું બીજી વ્યક્તિને ક્ષોભમાં ના મુકુ. એક દિવસ આશ્રમમાં એક છોકરી હતી ત્યારે કથ્થક નૃત્યના એક મોટા ટીચર ત્યાં આવવાના હતા. આ છોકરી વર્ષો પહેલા એ ટીચર પાસે જ કથ્થક નૃત્ય શીખવા જતી હતી. તો, એ ટીચર જયારે આવ્યા ત્યારે છોકરીને મેં પૂછ્યું કે તું આમને ઓળખે છે?” કહે “ના, હું નથી ઓળખતી.” હવે, એમની જ પાસે કથ્થક નૃત્ય શીખી હતી તે છતાં એના જ ટીચરને એ નો’હતી ઓળખતી!! પછી જયારે બધા બેઠા હતા, વાત-ચીત ચાલતી હતી, ત્યારે એ છોકરીએ પેલા ટીચર-બે’નને બધાની વચ્ચે પૂછ્યું, “મને ઓળખો છો, બે’ન? મને ઓળખો છો? હું તમારી પાસે પહેલા કથ્થક શીખવા આવતી હતી ” ટીચર-બે’ન બિચારા એકદમ ક્ષોભમાં પડી ગયા કે અરે! હું તો આને નથી ઓળખતી.

કેટલી વખત આપણે એવું કરતાં હોઈએ છીએ કે કોઈને અચાનક મળવાનું થાય એટલે ઘડી-એ-ઘડી આંગળી કરીને પૂછીએ, “તમે મને ઓળખો છો”, અરે! નથી ઓળખતા? મને નથી ઓળખતા?” હવે, પેલા ટીચર-બે’ન એ છોકરીના સવાલથી ક્ષોભમાં પડી ગયા. એમના ગયા પછી મેં કીધું, “તું તો એમની વિદ્યાર્થિની હતી અને એ ટીચર હતાં, ટીચર પાસે ઘણાં વિદ્યાર્થીઓ આવતા હોય, તેથી વિદ્યાર્થીએ ટીચરને ઓળખવ જોઈએ કે ટીચરે વિદ્યાર્થીને? તું વિદ્યાર્થિની થઈને તારા ટીચરને નથી ઓળખતી અને એમને આગ્રહ કરે છે કે એ તને ઓળખે?” આમ, આપણે સામાવાળાને ક્ષોભમાં મૂકી દઈએ છીએ.

અમારી સાથે ઉલટું થતું હોય છે. એક દિવસ, ભિક્ષા માટે કોઈ એકા-દ ઘરમાં હું ગયો હતો, ત્યાં એક બે’ન મળ્યા. વાત-વાતમાં ત્યાંના એક બીજા બે’ને કીધું કે એ બે’ને પણ સત્ર કર્યું છે. એમને પૂછ્યું કે કોણે સત્ર કરાવ્યું હતું? કોણ શીખવાડતું હતું? કહે, એ તો ખ્યાલ નથી. એવી ખબર પડી કે હું જ એ સત્ર લે’તો હતો, એ બે’ન મારી સામે જ બેઠા હતા… પણ એમને ખ્યાલ નથી કે કોઈ સ્વામીજી સત્ર લેતા હતાં, કે કોણ લેતુ હતું એ પણ ખ્યાલ નથી… કશું જ ખ્યાલમાં નથી. હું કશું બોલ્યો નહિ, મને થયું, ‘કંઈ નહી, ભૂલી જાય, ભૂલવું એ માણસનો સ્વભાવ છે’.

આપણો સ્વભાવ, આપણી વૃત્તિ હોય છે કે આપણે સામેવાળાને ક્ષોભમાં મૂકી દઈએ. સંતોની વાત જૂદી હોય, પેલા સંતે જોયું કે યજમાન અવાજ કરીને ચા પીતા હતા, તેથી એમણે પણ અવાજ કરીને ચા પીવાની શરૂઆત કરી. નાની-નાની વાતોમાં મારી સભાનતા, અવેરનેસ, જાગૃતિ એ રીતે વધે કે સામેવાળાને તકલીફ ના થાય. આપણે રોડપરથી જતા હોઈએ ત્યારે સમજી શકાય કે ગાડી ચલાવનાર ડ્રાઈવરનું આ અંગે કોઈ ધ્યાન ના હોય અને એ બીજાનો ખ્યાલ ના રાખે, પોતાનો જ ખ્યાલ રાખે, તમારે તો સ્વબચાવ કરવાનો હોય. હવે ડ્રાયવીંગ કરતા ડ્રાઈવરે સાઈડમાં જવા માટે હાથથી નિર્દેશ આપી દીધો અને એ ગાડી સાઈડમાં વાળી લે છે, એ પાછળ જુએ નહીં, કે પાછળ કોઈ વાહન સ્પીડમાં આવે છે. ના, એણે તો હાથ કરી દીધો અને વળી ગયો; જો કશું’ક થાય તો કહે જોતા ન હતા કે અમે હાથ કર્યો હતો?” ક્યાં’ય કોઈ સેન્સ જ નથી, કોઈ સંવેદના જ નથી આપણે, ગમે ત્યાં ગાડી પાર્ક કરી દઈશું; ઘરે પાર્ટી હોય તેથી ડીજે-ને બોલાવીને મોટ્ટે અવાજે ગીતો વગાડીશું, કોઈ વાંધો ના ઉઠાવે તો આખી રાત વગાડ્શું, એમાં બીજાને તકલીફ શું કામ થાય છે? અરે! કેટલી જાતની તકલીફ થાય છે, પણ આપણને સંવેદના નથી, અને આપણા જ દેશમાં અહિંસાની વાતો સૌથી વધારે થાય છે. અહિંસાના પ્રયોગો જે અહીં થયા છે એ દુનિયામાં ક્યાં’ય નથી થયા.

સ્વામી સચ્ચિદાનંદજીએ એમનો એક અનુભવ કીધો હતો. એક વખત તેઓ લંડન કે ક્યાં’ક પરદેશમાં ગયા હશે. એમને ત્યાં ફરવા જવા માટે જે સાધકભાઈ હતા તેમણે એમની ગાડી એક જગ્યાએ પાર્ક કરી અને થોડું ફરવા ગયા. ફરીને આવ્યા તો જોયું કે ગાડીમાં ગોબો પડી ગયો છે કોઈની ગાડી અથડાઈ હતી તેથી. એ ભાઈએ કીધું કે હવે મોટો ખર્ચો કરવો પડશે કેમ કે એ દેશોમાં નવું લઈએ એના કરતા રિપેરિંગ નો ખરચો વધારે થતો હોય. પણ જયારે કારની નજીક જઈને જોયું તો ગાડીના કાચ ઉપર એક ચબરખી ચોંટાડેલી હતી. એ ચબરખીમાં એવું લખેલું હતું કે ‘આજે મેં થોડું વધારે ડ્રીંક લીધું હતું એટલે મારાથી મારી ગાડી તમારી ગાડી સાથે અથડાઈ છે. મને માફ કરજો, અને પ્લીઝ, તમે તમારી ગાડીને રિપેર કરાવી લે’જો અને મને બિલ મોકલી આપજો, મક્રો મોબઈલ નંબર . . . છે, હું પૈસા આપી દઈશ.” આ ભાઈએ તો એની ગાડી રિપેર કરાવી એનું બિલ પેલા ભાઈને મોકલ્યું, અને એણે તો એ બિલ ચૂકતે પણ કરી દીધું.

સ્વામીજીએ કીધું કે અહીં એ ભાઈ દારુ પી’ને આવું કરી શકે છે, આપણે ત્યાં તો ગંગાજળ પી’ને પણ આવું ના કરીએ; અરે, ગંગાજળ પી’ને વિચારી પણ ના શકીએ કે આવું થાય. આપણા લોકો પરદેશમાં જઈને આવી તો ઘણી ભૂલો કરે છે. ત્યાંની સરકારે આવી ભૂલો કરનારાઓ માટે કડક કાયદાઓ બનાવ્યા છે અને એ કાયદાઓનું ચુસ્તપણે પાલન પણ થાય છે.

હમણાં અહીં નજીકનો એક છોકરો કેનેડા ગયો, ત્યાં એણે રાત્રે એની ગાડી એવી જગ્યાએ પાર્ક કરી કે બે-ચાર જણને તકલીફ થાય – એને એમ કે સવારે તો મારે ગાડી લઇ લેવી છે. હવે જેને આ પાર્ક કરેલી ગાડીથી તકલીફ થઇ તેણે તો સીધો પોલીસને ફોન કર્યો, પોલીસ આવી અને માત્ર ૨૫૦ ડોલરનો દંડ ફટકારી દીધો! હવે કોઈ દિવસ, સ્વપ્ને’ય એ આવી ભૂલ તો નહીં કરે.

પરંતુ, અહિંસાની વાત જુદી છે, કારણ કે અહિંસાનું પાલન માત્ર દંડથી નથી કરી શકાતું, દંડ આકરા હોય તેથી કોઈ હિંસા ના કરશે એની હિંસા જતી રહેશે એવું નથી. વિશ્વમાં લંડનની પ્રજા સૌથી વધુ શિસ્તવાળી પ્રજા ગણાય છે, અને છતાં એ જ લંડનમાં ૨૦૧૧ના લોહીયાળ કહી શકાય એવા રમખાણોએ, લૂંટફાટ, ચોરી, હિંસા દ્વારા એ સિદ્ધ થયું હતું કે દંડ આકરા હોય તે છતાં ત્યાં આવા રમખાણો થયા. એ રમખાણોને લંડનના પોલીસ, ઉચ્ચ અધિકારીઓ, રાજકારણીઓ, ત્યાંની પ્રજા સહિત આખી દૂનિયા નિ:સહાય બનીને જોઈ રહ્યાં, પણ કશું કરી ના શક્યા. અમેરિકાના લૂસીયાનામાં ના ૨૦૧૬ના સૌથી ભયંકર કહી શકાય એવા પૂર પછી ત્યાંની પ્રજાએ જે લૂંટફાટ, અંધાધૂંધી ફેલાવી હતી એ બધું જોઈ આપણને વિચાર આવે કે ખરેખર આ સભ્ય અને અમીર કહેવાય એવા દેશો છે, કે જ્યાં કાયદાઓ એવા તો કડક છે કે ત્યાં કોઈ કોઈની હિંસા ના કરી શકે?

આ પ્રસંગના સંદર્ભમાં ત્યાંના એક ભાઈ મને કહે, “સ્વામીજી, અહીં અમેરિકાની હિંસાને રોકવા માટેના જે બધા કડક કહેવાય એવા કાયદાઓ છે એ આપણે (બહારથી આવેલા લોકો) માટે નથી, પણ એમના જ લોકો માટે છે, કારણ કે જો આવા કાયદાઓ ના હોય તો બધા’ય એક-બીજાને ગોળી મારી દે’. એટલે,

માત્ર કાયદાઓથી અહિંસાનું પાલન નહીં કરાવી શકાય, કાયદાઓ મને કે મારા હૃદયને અહિંસકમાં રૂપાંતરિત નથી કરી શકતા. હૃદયને અહિંસક, સંવેદનશીલ બનાવવા માટે એવી સજાગતા કેળવવી પડે છે કે મારું હૃદય સંવેદનશીલ બની જાય, મારી સજાગતા અને સંવેદનશીલતા એ રીતે વધી જાય કે એ કોઈને મારા થકી સ્હેજ પણ તકલીફ ના થાય.

આપણા દેશમાં આવી અહિંસા માટેના જે પ્રમાણેના પ્રયોગો થયા છે એ અદ્ભુત પ્રયોગો થયા છે, એટલું જ નહીં, અહીં એક સંપ્રદાયમાં એક પરંપરા જ એવી ઉભી થઇ છે કે જ્યાં અહિંસા ઉપર એ પ્રકારના પ્રયોગો કર્યા છે કે એક નાનું અમસ્તું જીવ હોય તો એની પણ હિંસા ના થાય, શ્વાસ લેવામાં પણ હિંસા ના થઇ જાય તેથી મુહપત્તિ બાંધીને ફરે છે, કે ભઈ શ્વાસ લેવામાં પણ હિંસા ના થાય; ચાલતી વખતે બધું સફાઈ કરતા ચાલે કે નાના-નાના જીવજંતુઓને ઈજા ના થાય.

મહાવીર સ્વામીની બાબતમાં કહેવાય છે કે જ્યારે એ ઘાસ ઉપર પણ ચાલતા ત્યારે તકેદારી રાખતા, પગ સાચવીને મૂકતા કે એ ઘાસને પણ તકલીફ ના થાય, અહીં એ જાતના પ્રયોગો થાય છે.

      આપણે જોયું કે અહિંસાના મૂળમાં આત્મનિષ્ઠા છે, બધાની અંદર એક જ તત્ત્વ છે, એ એક તત્ત્વ સિવાય બીજું કશું જ નથી – આ ભાવ સિવાય પૂર્ણ અહિંસા શક્ય જ નથી. અહિંસાના મૂળમાં આ નિષ્ઠા છે એ જ સૌથી મહત્ત્વની છે, બાકી વ્યવહારની હિંસાની વાત છે તો એ કોઈ દિવસ પૂરેપૂરી નાબૂદ થાય એવું શક્ય નથી. 

અહિંસાનો બીજો પક્ષ પણ મહત્ત્વનો

અહિંસાની આ જે બધી વાતો કરી એ અહિંસાના એક પક્ષની વાત થઇ કે મારી અંદર અહિંસાનો ભાવ હોવો જોઈએ, કોઈને મારવું નહીં, કે દુઃખ પણ  ના પહોંચાડવું, કોઈ હિસાબે નહીં, દરેકના દુઃખ પ્રત્યે સભાન થવું જે ભક્ત નરસિંહ મહેતાએ કહ્યું તેમ ‘પીડ પરાઈ જાણે રે…’ પરંતુ, સાથે-સાથે આ જ અહિંસાનું એક બીજું પણ પાસું છે જેના વગર અહિંસાનો વિચાર જ અધૂરો છે. અહિંસાના આ બીજા પક્ષમાં બહારથી હિંસા દેખાતી હોય પણ એ હિંસા ના હોય, બહારથી એવું લાગતું હોય કે હિંસા થઇ રહી છે પણ એ હિંસા ના હોય. આ બીજા પાસાને પણ સમજવું, એના વગર મને લાગે છે કે અહિંસાનો વિચાર જ અધૂરો છે, એને સમજીએ.

આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે લાખો સૂક્ષ્મ જીવાણુઓ આપણા શરીરની અંદર પ્રવેશે છે, અને એ શરીરની અંદર જઈને એટલા તો ઝડપી રીતે વધી જઈ મલ્ટીપ્લાય થઇ શકે છે કે એ થોડી વારમાં જ આખું શરીર નષ્ટ કરી શકે, એવા-એવા બેક્ટેરિયાઓ છે. દરેક જાતની બિમારીના બેકટેરિયા આપણી અંદર હોય, દરેક વ્યક્તિની અંદર TBના બેક્ટેરિયા હોય… તમારા કફનો ટેસ્ટ કરવામાં આવે તો એમાં પણ TB ના બેક્ટેરિયા હશે, પણ એ અમુક પર્સન્ટેજથી ઓછા હશે, એટલે એ એક્ટીવ નથી ગણાતા. તો, આ જીવાણુઓ શરીરમાં કેમ મલ્ટીપ્લાય નથી થતા? કેમ કે આપણું જ શરીર એ બધાને મારી-મારીને કંટ્રોલમાં રાખે છે, અમુક તો બધા જ મારી નાંખે છે, તો આપણા શરીરની અંદર જ કેટલી બધી હિંસા થઇ રહે છે? બેક્ટેરિયા આપણા શરીરમાં ના જાય એ માટે આપણે કેટલી બધી સાવચેતી રાખીએ છીએ – મારા સ્વાસ લેવાથી અંદર ના જાય, મારા ચાલવામાં નાના જંતુઓ ના મરે, કેટલી કાળજી રાખીએ છીએ? તે છતાં જંતુઓ, જીવાણુંઓ આપણા શરીરમાં જતા જ હોય છે, અને કુદરતની રચના જ એવી છે કે આ શરીર અમુક જીવાણુંઓ રાખી મુકે છે અને બાકી બીજા બધાને મારી નાંખે છે, પ્રકૃતિની જ એવી વ્યવસ્થા છે જે WBC white blood cells સફેદ કોશો જ શરીરના રક્ષણ માટે અપાયા છે જે શરીરના રક્ષણાર્થે આવશ્યક હોય એને રાખે, બાકીનાને મારી નાંખે છે. જો આ WBC ના હોય તો આ શરીરનું અસ્તિત્વ જ શક્ય નથી.

એવી જ રીતે વિરાટમાં થતું હોય છે- તમે જુઓ, કુદરતમાં તમને ઠેક-ઠેકાણે હિંસા દેખાશે. નાની ચકલી છે, એણે કેટલા પ્રેમથી એનો માળો બનાવ્યો હોય અને પલકવારમાં કાગડો આવીને એમાંના ઈંડા, બચ્ચાંને લઇને જતો રહે, કાગડો નહીં તો સાપ આવીને ઈંડા, બચ્ચાંઓને લઇ જાય છે. હવે આ જ ચકલીને જોઈએ તો એ નાના-નાના જીવડા દેખાય કે પટ-પટ ખાઈ જાય, કરોળિયો જોયો કે એ પણ નાની જીવતો ખાઈ જાય. આમ કુદરતમાં તમને ઠેક-ઠેકાણે હિંસા દેખાતી હોય છે. એક બાજુ આપણે ત્યાં એવા પ્રયોગો થયા છે કે લીલું શાકભાજી નહીં ખાવું, એમાં હિંસા થાય, આ વસ્તુ નહીં ખાવી એમાં હિંસા થાય, દહીં નહીં ખાવાનું, એમાં હિંસા થાય… અને બીજી બાજુ જોઈએ તો ગાય-ભેંસ કેટલું બધું ઘાસ ખાઈ જાય છે, એમાં કેટલા જીવાણુંઓ મરી જતા હશે? વાઘ છે, સિંહ છે એ પ્રાણીઓ કેટલી ક્રુરતાથી અન્ય પ્રાણીઓને મારી નાંખતા હોય, એ બિચારા પ્રાણીઓ સ્વબચાવ માટે કેટલું તરફડે, ચીસો પાડે, જીવ લઈને ભાગે… પણ છેવટે, એને વાઘ, સિંહ મારી જ નાંખે છે. આમ, સમસ્ત પ્રાણી જગતમાં કેટલી બધી હિંસા થઇ રહી છે તે છતાં આવી હિંસાને કોઈ પણ શાસ્ત્ર હિંસા નથી કહેતું, બાળકથી થતી હિંસાને પણ કોઈ શાસ્ત્ર હિંસા નથી ગણતું.

આપણા શાસ્ત્રોમાં એક વાર્તા આવે છે કે માર્કણ્ડેય ઋષિ જયારે નાના હતા ત્યારે રમતા-રમતા લાલ કીડીઓને લઈને સોયથી દોરામાં પરોવીને આપણે માળા બનાવીએ એવી લાલ કીડીઓની એક માળા બનાવતા હતા! કહેવાય છે કે આ જોઇને યમરાજને બહુ ગુસ્સો આવ્યો, કહે, અરે! આ તો જીવ-જંતુઓ બધાને જાણે શૂળીએ ચઢાવે છે, તેથી યમરાજે માર્કણ્ડેય ઋષિને દંડ આપ્યો, એટલે વર્ષો બાદ ઋષિ મોટા થયા હતા ત્યારે એમણે પણ કોઈ કારણસર શૂળીએ ચઢવું પડ્યું હતું. ઋષિએ પૂછ્યું કે મને કયા  ગુના માટે આવો સખત દંડ મળ્યો, તો યમરાજે કીધું કે તમે નાના હતા ત્યારે તમે આવું-આવું કર્યુ હતું તે કારણે. ઋષિએ કહ્યું, અરે! ત્યારે તો હું નાનો હતો, મને ત્યારે સમઝણ જ ન હતી તેથી એ કૃત્ય મારો ગુન્હો કહેવાય જ નહીં; અને જો ગુન્હો જ ના ગણાય તો પછી મને સજા પણ ના થવી જોઈએ. તેથી માર્કણ્ડેય ઋષિએ ઉલટો યમરાજ ને શ્રાપ આપ્યો, તેથી યમરાજે શુદ્રને ત્યાં જન્મ લેવો પડ્યો, અને દાસીપુત્ર વિદુર થઇને જન્મ્યા.

નાના બાળકથી થતી હિંસા, હિંસા નથી ગણાતી, અજાણતા મારાથી થતું હોય, ઉંઘમાં તમે મચ્છર આવે અને એને પટ દઈને મારો તો એ હિંસા નથી ગણાતી. ઉંઘમાં  હિંસા થઇ જાય, બેભાન અવસ્થામાં હિંસા થઇ જાય એને પણ હિંસા નથી ગણતા.

એટલે, વૈદિક સિસ્ટમ જે છે, આપણા ઋષિઓએ જે જીવન-શૈલી આપણને આપી છે એ કાંઈ ઈમોશન્સ કે આદર્શવાદના ખાલી પોલા સિદ્ધાંતો જ માત્ર નથી. આ વૈદિક જીવનશૈલી પૂર્ણ રીતે તર્ક-સિદ્ધ છે, જે જીવન સાથે નભી શકે, જે સત્ય હોય એવા સિદ્ધાંતો ઉપર જ વૈદિક સિસ્ટમની રચના થઇ છે. આપણા શરીરમાં બધાંજ અંગોથી હિંસા થઇ શકે છે – જીભથી થઇ શકે, આંખથી થઇ શકે, હાથ- પગથી થાય છે, માથુ સુદ્ધાં હિંસા કરી શકે છે, એક માત્ર હિંસા નથી કરતો એ આત્મા જ છે, આત્મા કોઈ દિવસ હિંસા ના કરી શકે, એ તો બસ, અલિપ્ત રહી, સાક્ષી બની શરીર દ્વારા થતા કાર્યો, કર્મો જોયા કરે છે, પણ એ હિંસા ના કરે.

એવી જ રીતે, આપણા સમાજમાં ઋષિઓએ એવી પણ વ્યવસ્થા કરી હતી કે જે આત્મા સાથે જ જીવે છે, આત્મરૂપ થઇ જીવે છે, જે સંન્યાસી વર્ગ છે એણે તો આત્માની રીતે જ જીવવાનું હોય, પછી ભલે કોઈ એના કાનમાં ખીલા ઠોકી દે’, એણે તો પણ શાંતિથી જ ઉભા રહેવાનું છે; ભલે કોઈ ગરદન પણ કાપી દે’, તો’ય એણે તો શાંત જ ઉભા રહેવાનું છે, કોઈ પ્રતિક્રિયા નથી કરવાની. આ બધાંમાં એ જ વૈદક સિસ્ટમે ક્ષત્રિયોને એવું શિખવાડયું છે કે એક વ્યક્તિ જો કોઈ અધર્મ કરે, દુરાચાર કરે, તો એનું માથું વાઢી નાંખો. તો આમાં, કાંઈ હિંસા નથી, એ અહિંસા છે. તેથી, ઋષિઓએ એના માટે વિધિ આપી હતી કે ભઈ, વૈદિકકાર્યમાં દેવો માટે જો કોઈની બલિ પણ થતી હોય તો એ હિંસા નથી.

પ્રકૃતિમાં આપણે જોઈએ છીએ કે મોટો જીવ નાના જીવની હત્યા કરીને જીવે છે, આ પ્રકૃતિનો નિયમ છે, મોટા પ્રાણીઓ, નાના પ્રાણીઓનો ભોગ લે જ છે. સમસ્ત પ્રાણી જગતમાં મનુષ્ય સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે, સૌથી શ્રેષ્ઠ ‘પ્રાણી’ છે, હા, એ નિમ્ન પ્રાણીઓ જેટલો શારીરિક રીતે બળવાન નથી, પણ છે શ્રેષ્ઠ. મનુષ્યની આ શ્રેષ્ઠતાનો બચાવ સૌથી મહત્ત્વનો, પ્રથમ હોય છે. રાજા શ્રીરામચંદ્રજી છે અને રાજાના રક્ષણાર્થે એનું સૈન્યબળ છે; એવામાં જો કોઈ અન્ય વ્યક્તિ, કે રાજા આ રાજા ઉપર એટેક કરે છે, ત્યારે આ રાજાને બચાવવા માટે એના સૈન્યમાંના બે-પાંચ સૈનિકો મરી જાય છે, તો આ કાંઈ હિંસા નથી ગણાતી, એ તો અહિંસા જ છે. એવી જ રીતે ધર્મના રક્ષણ કાજે વિરોધી સૈન્યના સૈનિકો સાથે લડતા-લડતા સૈનિકોનું મરણ પણ થાય… ક્યારે’ક એવું પણ કરવું પડે કે જો બુલેટ (ગોળી) ના હોય, તો bayonet બંદુકના અગ્ર ભાગથી લડવું પડે, bayonet પણ ના હોય તો તલવાર, ભાલા, કિરપાણ, છરી, એનાથી પણ લડાઈ થાય… તો આ બધી હિંસા કાંઈ ઉગ્રતા કે ક્રૂરતા વગર થઇ નથી શકતી, પણ એણે તો ધર્મ રક્ષા કાજે, દેશના રાજાના રક્ષણ માટે, દેશ માટે, સ્વ-રક્ષણ માટે લડાઈ કરી, હિંસા કરી તેથી આ હિંસા નથી ગણાતી… ધર્મ માટે કરાયેલી હિંસા અહિંસા ગણાય છે, એ હિંસા નથી, અહિંસા છે.

કાયદાની દૃષ્ટિએ જોઈએ તો પણ અમુક કારણોસર થયેલી હિંસા એ હિંસા નથી ગણાતી – માનો કે તમે તમારી કારમાં જઈ રહ્યા છો, અચાનક બ્રેક ફેલ થઇ જાય, સામે જુઓ છો તો દશ જણ દેખાય છે, એમને તમે બચાવવા ગાડી ડાબી તરફ વાળી દો’ છો પણ એવું કરતાં ત્યાં બાજુમાં ઉભેલા બે જણ તમારી ગાડીને અડફેટમાં આવશે જ એવી પરિસ્થિતિ છે, અને એ બે જણ કદાચ મરી જશે, તો પણ કોર્ટ એને ગુનો નથી ગણતી કેમ કે તમારે દશ જણને બચાવવા માટે એવું કરવું પડયું હતું. એવી જ રીતે જીવનને બચાવવા માટે માત્ર તત્પુરતા આહાર માટે જો ક્યારે’ક હિંસા કરવી પડે તો એ હિંસા નથી ગણાતી, પરંતુ જો ક્રૂરતા, વેર, દ્વેષ, વિગેર માટે કરાયેલી હિંસા છે, એ હિંસા જ કહેવાય.

આમ, હિંસાના આ બીજા પક્ષને સમજ્યા વગર અહિંસાનો વિચાર કે વાત અધૂરી છે, તેથી માત્ર બાહ્ય સ્વરુપમાંજ અહિંસાનો વિચાર કરીએ કે મારાથી કોઈ જીવ-જંતુને પીડા ના થવી જોઈએ, મારા થકી કોઈ જીવ મરવું ના જોઈએ એ શક્ય જ નથી, કોઈથી પણ આવું એક-પક્ષીય અહિંસા શક્ય નથી. હા, આવી વિચારધારાથી સમાજમાં હિંસાનું પ્રમાણ ઓછું કરી શકો, મિનીમાઇઝ કરી શકો, પણ હિંસાને ન્યુટ્રલાઈઝ, ઝીરો કે સાવ નાબૂદ તો ના જ કરી શકો.

તમે વિચાર કરો, શ્વાસ લો છો તો શરીરની અંદર કેટલા જીવાણુઓ જતા હશે? તમે પાણી ઉકાળીને પીવો છો, અનાજ, શાકભાજી રાંધો છો તો એમાં કેટલી જીવાતો મરતી હશે? આવી હિંસાને તમે રોકી નથી શકતા; કોઈ પણ પાક લો એમાં હિંસા હશે જ. અહીં હું ગામમાં જોઉં છું તો ડાંગરની ખેતી થાય છે અને પાક તૈયાર થાય ત્યારે એક-એક છોડમાં ૪૦૦-૫૦૦ મસીઓ થાય છે, ખેડૂતો દવા છાંટે છે ત્યારે મસીઓ મરી જાય, અને આવી ટ્રીટમેંટ પાછી ત્રણ-ચાર વખત કરે ત્યારે આપણને ડાંગરના એક છોડમાંથી માંડ ૨૦-૨૫ ચોખાના દાણા મળતા હોય છે – એટલે સરેરાશે બે હજાર મસીઓ મરે ત્યારે આપણને ચોખાના ૨૦ દાણા મળે!! હવે ચોખા ખાનારો એમ વિચારે કે હું હિંસા નથી કરતો, તો એ સાચુ કહેવાય? મેં જાતે કર્યું હોય કે બીજા કોઈએ મારે માટે હિંસા કરી હોય વાત તો સરખી થઇ. આવું તો ડગલે-ને-પગલે થાય છે, તમે હિંસાને કેવી રીતે રોકી શકશો? માનો કે ખેડૂત દવા ના છાંટે, તો પણ એ જયારે એનું ખેતર ખેડે છે ત્યારે  ત્યાં કેટલા જીવ-જંતુઓ મરતા હોય? આપણે કોઈ-ને-કોઈ અનાજ તો વાપરીએ જ છીએ.

એટલે, આ અહિંસાની, અહિંસાના પ્રયોગોની જે વાત છે એ માટે એવું કહી શકાય કે સમાજનો એ વર્ગ આખા શરીરનો કોઈ એક ભાગ હોઈ શકે – આંખ-કાન-નાક-હાથ-પગ વગેરે હોઈ શકે – પણ આખું શરીર નહીં; એ વ્યવસ્થા સમાજના એક ભાગમાં હોય છે, આખા સમાજમાં એ ન હોઈ શકે. એમ કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ વર્ગ જે એ જાતના અહિંસાના પ્રયોગ કરતા હોય તો એ સમાજનો એક વર્ગ હોઈ શકે, પૂર્ણ સમાજ, પૂર્ણ વ્યવસ્થા ના હોઈ શકે.

કોઈ જીવાત નથી મારતા એવી અહિંસામાં માનનારા અને પાળનારા સંપ્રદાયના લોકોને હું ક્યારે’ક પૂછું છું કે કલ્પના કરો કે તમે કોઈ એક દ્વીપ-ટાપુ પર રહેતા હો, અને ત્યાં માત્ર તમે અને તમારા જેવા અહિંસક લોકો જ રહેતા હો, બીજી કોઈ જાતિ કે સંપ્રદાયના લોકો ત્યાં ના હોય તો તમે મને કહેશો કે તમે ત્યાં ખાશો શું? તો કોઈ ઉત્તર નથી હો’તો. તમે ખાવા માટે સમર્થ નથી, અને તમારી સમાજ-વ્યવસ્થા તો તમને ભોજન નથી આપી શકતી, તો તમે ત્યારે શું કરશો? તમે જો આ અહિંસાને પૂર્ણ વ્યવસ્થા ગણતા હો, તો માનો કે એ સમાજમાં કોઈ બહારથી કે અંદરથી એટેક, હુમલો કરી દે, કોઈ સેના ત્યાં આવીને એટેક કરી દે તો તમારા રક્ષણ માટે તમે શું કરશો?

એક ભાઈ સાથે આ ચર્ચા થતી હતી, ત્યારે એ ભાઈએ કીધું કે જો આવું થાય તો અમે મરી જઈશું. તો મરી જાવ, આ વ્યવસ્થા તમારું રક્ષણ નથી કરી શકતી તો એ કેવી વ્યવસ્થા કહેવાય? વૈદિક સિસ્ટમમાં આવી વ્યવસ્થા માત્ર સંન્યાસીઓ માટે આપી છે, કે જે માત્ર આત્મામાં જીવે છે, એણે એવી હિંસા નથી કરવી, એને કોઈ પ્રતિષ્ઠા નથી જોઈતી, પણ એના રક્ષણ માટે એ સિસ્ટમમાં સૈનિકો રાખ્યા છે; એ સિસ્ટમમાં ઋષિઓના ભોજન માટે ગૃહસ્થીની વ્યવસ્થા છે, રક્ષણ કાજે ક્ષત્રિઓને રાખ્યા છે, ત્યારે એ વ્યવસ્થા પૂર્ણ વ્યવસ્થા થાય છે. એકલા સંન્યાસીઓનો સમાજ એ પૂર્ણ વ્યવસ્થા નથી, સંન્યાસી તો સમાજનો એક ભાગ, પાર્ટ છે. એટલે, તમારો સંપ્રદાય તમારી વ્યવસ્થા સમાજનો એક ભાગ છે, એ એક વિરાટ સનાતન વ્યવસ્થાનો એક ભાગ છે, એ અલગ વ્યવસ્થા નથી. તમારી વ્યવસ્થામાં અમુક પ્રયોગો થયા છે – હા, એ પ્રયોગો ગજબના કહેવાય એવા છે, દુનિયામાં આવા પ્રયાગો ક્યાં’ય થયા નથી કે નાની-નાની, નાના-નાના જીવાતનો પણ વિચાર કરવા પ્રેરે, કે પાટલો મૂકે તો એ હલે નહીં એવો હોવો જોઈએ, જો હલે તો એની નીચે જીવાત દબાઈ જશે!! આ વ્યવસ્થા એક પ્રયોગ તરીકે, એક સાધના તરીકે, એક માર્ગ તરીકે તમે સાચા, તમે ઠીક, પણ એ પૂર્ણ વ્યવસ્થા નથી, એ વ્યવસ્થા અનિવાર્ય હિંસાથી મુક્ત નથી થઇ શકતી.

વૈદિક સંપ્રદાયમાં આ અનિવાર્ય હિંસાને સ્વીકારી છે, એમાં ગૃહસ્થને કીધું છે કે એનાથી અનિવાર્ય હિંસા થાય છે – અને ગૃહસ્થના જીવનમાં રોજે પાંચ જગ્યામાં અનિવાર્ય હિંસા થતી હોય છે – એ ઘરનો ચૂલો કરે ત્યાં, લોટ દળવાની ઘંટી, ઝાડું મારવામાં, ખંડણિયામાં છડવાથી અને જ્યાં પાણી રાખીએ એટલે કે પાણિયારાથી, પાણી ઊકાળીએ તેનાથી એ સિવાય ખેતી વગેરેથી થતી હિંસા અનિવાર્ય હોય છે. એટલે એને પંચયજ્ઞનું પાલન કરવાથી ગૃહસ્થી એના અનિવાર્ય એવી હિંસાના દોષોથી મુક્ત થઇ શકે છે. અને ક્ષત્રિયોને કીધું છે કે ધર્મનો જે વિરોધ કરે તો એને તમે મારો, એમાં કોઈ હિંસા નથી.

આમ, અહિંસાનો એક બીજો આયામ પણ છે. એક બાજુથી પ્રશ્ન છે કે જ્યાં બહારથી હિંસા થતી હોય, અંદરથી કશું જ ના થતું હોય… મને ખ્યાલ છે કે વર્ષો પહેલા હું એક અઘોરી સંત પાસે ક્યારે’ક ક્યારે’ક મળવા જતો, ક્યારે’ક એમની સાથે રહેતો, ત્યાં મે જોયું કે એમની પાસે ચપ્પુ, છરી, બરછી, તલવાર, ભાલા સુધી બધાં જ પ્રકારના હથિયારો હતા, સાથે એક નાની રિવોલ્વર, નાની બંદૂકથી લઇ મોટી ગન સુધી બધા હથિયારો સાથે એ જંગલમાં રહેતા. ચારે બાજુ  એમની ધાક હતી એમની પર્સનાલિટી જુઓ તો પડછંદ કાયા, મોટા, લાંબા વાળ, એ ચલમ પીવે, અને એ અવાજ કરે તો બે-એક કિ.મી. સુધી તો સંભળાય.

એક દિવસ અમે બે ભિક્ષા કરતા હતા, એટલામાં એક ભરવાડ આવ્યો. આ ભરવાડને જોઇને એ સંત તો લાલધૂમ થઇ ગયા. એમણે થોડાં દિવસો પહેલા એમના નજીકના ખેતરમાં શાકભાજી ઉછેર્યા હશે, એમાં આ ભરવાડે ભેલાણ કરી દીધેલું, તેથી એને જોતાં જ એ અઘોરી-સંતે તો ભોજન છોડીને એક ધારીયું લઈને એની પાછળ દોટ મૂકી, રાડ પાડી, અને ધારીયું જોરથી વિંઝીને માર્યુ… તો ચાર-પાંચ જણ બાપુ-બાપુ-બાપુ… આ તો તમારો દીકરો છે…” કહીને દોડ્યા, બાપુને પકડી લીધા, ધારીયું જમીનમાં પડયું… અને પેલો ભાગી ગયો, બચી ગયો.

પછી એ સંતે તો ધારીયું એની જગ્યાએ મૂકી દીધું, અને આવીને જમવા લાગ્યા, કહે, “સ્વામીજી, આવુ નહીં કરીએ ને તો આ લોકો જીવવા નહીં દે.” પછી મને ધીમે રહીને કહે કે “સ્વામીજી, એક કામ કરજો કે તમે કોઈ દિવસ કોઈને શ્રાપ ના આપતા, તમને ગમે તે થાય, કોઈને તમે શ્રાપ ના આપતા, કોઈનું અહિત પણ વિચારતા નહીં, કોઈનું પણ નુકશાન થાય એવું ના વિચારશો.” મને થયું, કે અરે! થોડી વાર પહેલા જ જોયા તો એવું લાગ્યું હતું કે કેટલા હિંસક માણસ છે આ, અને અત્યારે હવે કહે છે કે કોઈને શ્રાપ પણ ના આપતા. તો, અહિંસાનું આવું પણ એક સ્વરૂપ હોય.

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અહીં સુધી કીધું છે કે

यस्य नाहङ्कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते |
हत्वापि स इमांल्लोकान्न हन्ति न निबध्यते || १८:१७

અર્થાત્, કર્મોમાં જેને ‘હું કર્તા છું’ એવો અહંકારનો ભાવ નથી, અને (ફળની લાલસાથી) જેની બુદ્ધિ લેપાતી નથી, તે આ બધા લોકોને મારી નાંખે તો પણ ખરી રીતે એ મારતો નથી, કે બંધનમાં પડતો નથી.

આપણને અહીં આ વાત સમજાય છે? આપણું દિલ, હૃદય એટલું મોટું છે કે ભગવાનના આ સંદેશ, એમના ભાવને સમાવી શકીએ? ભગવાન કહે છે કે જેને અહંકાર નથી, અહં નથી દેહભાવ નથી, જે દેહાતીત છે, ગુણાતીત છે, જેની બુદ્ધિ ક્યાં’ય લેપાયમાન થતી નથી, ક્યાં’ય લિપ્ત નથી થતો, એ આખા લોકને, આખા સંસારને પણ મારી નાંખે તો’ય એ કોઈને મારતો નથી, અને એને કોઈ બંધન નથી લાગતું.

આ અહિંસા આપણને સમજાશે? કેમ કે મૂળમાં તો જે પરમ તત્ત્વથી જુદું છે એને, હું નષ્ટ કરું, આ ભાવ જ હિંસા છે, પરંતુ એનાથી કશું જુદું છે જ નહીં ત્યાં કશું નષ્ટ નથી થતું. . . એટલે, ભગવાન અર્જુનને કહે છે કે, “આત્મા તો મરતો જ નથી, જે જશે એ શરીર જ જશે, તું શું કરવા ચિંતા કરે છે, તું કોને મારશે?”

એટલે, મૂળમાં આત્મભાવ એ જ સાચી અહિંસા છે, આત્મભાવ સાથે જો બહારથી હિંસા દેખાતી પણ હશે તો એ હિંસા નથી હો’તી, એ અહિંસા જ હોય છે. એટલે, ભગવાનને આપણે એવું નથી કહેતા કે એમણે રાવણની હિંસા કરી નાંખી, રાવણને એમણે મોક્ષગતિ આપી એવું કહીએ છીએ, ભગવાને કંસને મોક્ષ આપી દીધો એવું કહીએ છીએ.

તમે ધ્યાન આપ્યું હશે, હાલમાં પણ mercy killingની વાત થતી રહે જ છે ને? કે ભઈ, અમુક વ્યક્તિ કોઈ કારણોસર એટલું બધું પીડાય છે, એને એટલી બધી વેદના છે કે હવે એ જ કહે છે કે “મને મુક્ત કરી દો, મને ઈન્જેકશન આપી દો, મારે મરી જવું છે.”

થોડા સમય પહેલાં એવું ગણવામાં આવતું કે જો કોઈ આત્મહત્યા સુઈસાઈડ કરવાનો પ્રયત્ન પણ કરતો, તો એને ગુનેગાર ગણીને જેલ ભેગો કરાતો હતો. પણ હવે એ કાયદો હટાવી લીધો છે. બિચારો આખી દુનિયાથી દુઃખી થઈને મરવા જતો હોય, એને મરવા પણ ના દે’ અને એને જેલમાં નાંખી દે’. તો, આગળ કહ્યું તે ભગવાનનું આ mercy killing છે, કે અમુક લોકોના પાપ કર્મો એટલા બધા વધી ગયા છે, એનું મન એટલું બધુ બગડી ગયું છે કે હવે એનાથી કોઈ પુણ્યકર્મ, સારું કર્મ થઇ શકતું જ નથી, આ જન્મમાં તો એ શક્ય જ નથી. એટલે ભગવાન એનું એ શરીર લઇ લે છે, એને પછી બીજા શરીરમાં તક આપશે, ભલે. કેમ કે એને અંદરથી ભાવ છે, feelings છે, એને ખબર છે કે હું ખોટું કરું છું, પણ એ પોતાના સંસ્કારોને લીધે, કર્મોના પ્રવાહના લીધે પોતાની જાતને નિવૃત્ત કે બદલી નથી શકતો. દુર્યોધને જ કીધેલું કે ‘जानामि धर्मं न च मे प्रवृत्तिः जानामि अधर्मं न च मे निवृत्तिः’ કે હું ધર્મને જાણું છું, પણ એમાં મારી પ્રવૃત્તિ થતી નથી, અને હું અધર્મ પણ જાણું છું, પણ એમાંથી મારી નિવૃત્તિ થતી નથી, તો આમ, અંદરથી માણસ જાણે છે કે સાચું શું અને ખોટ શું, એ પ્રયત્ન કરે પણ છે કે હું મારી જાતને બદલું, પણ એનાથી એ શક્ય નથી.

રાવણની બાબતમાં કહેવાય છે કે એમને થયું કે હું ભગવાનથી આ જન્મમાં તો સ્નેહ નહિ જ કરી શકું, એમની ભક્તિ નહીં કરી શકું, તો દ્વેષ કરીને પણ હું ભગવાનની ભક્તિ કરીશ. એટલે, રાવણને એની સ્થિતિની ગ્લાનિ તો છે, પણ એ પોતાની જાતને બદલી શકતા નથી, તેથી ભગવાન એની મદદે આવે છે, એની મદદ કરે છે, ભગવાન એનું શરીર લઇ લે છે.

જેની આત્મનિષ્ઠા છે, જે આત્મામાં નિષ્ઠ છે, એનાથી જો ક્યાં’ય હિંસા થઇ પણ હશે, તો એમાં હિંસા નહીં હોય, કેમ કે એ કોઈને મારતો નથી, આત્મનિષ્ઠ માટે મારવા જેવું કશું છે જ નહીં. એ જે પણ કરતો હશે, એ સામેવાળાના હિત માટે કરતો હશે – જેમ ડોક્ટર ઓપરેશન કરતી વખતે છરી ચલાવે છે તો દર્દીના હિત માટે જ કરે છે, કેમ કે એની અંદર દર્દીને નુકશાન કરવા માટેનો ભાવ નથી.

તો આ અહિંસાના બંને પાસાને, બંને પક્ષને સમજીશું, કેમ કે અહિંસાની બાબતમાં જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એવો જ વિચાર કરીએ છીએ કે કોઈને મારવું નહીં. એટલે, ઘણાં લોકો એમ પણ કહે છે કે સેના જ ના હોવી જોઈએ!! હમણાં હું ચેન્નાઈ ગયો હતો, તો ત્યાં એક બહેન કહે કે કાશ્મીરમાં આખી જે સેના છે એ લઇ લેવી જોઈએ. દાયકાઓ પહેલા નહેરુએ પણ આવું જ વિચાર્યુ હતું, અને પરિણામે આપણે દેશનો એક ભાગ ગુમાવ્યો. આવી અહિંસા આપણી વૈદિક સિસ્ટમમાં નથી. એવી અહિંસા એ ક્રૂર માણસોને ક્રૂરતા કરવા માટે વધારે તક આપતી હોય છે. એવું કરવાથી કાંઈ ક્રૂરતા થતી અટકાવી શકવાના છીએ? ઈરાકમાં જે પ્રમાણેની ક્રૂરતા થઇ રહી છે, કે પછી સિરિયામાં જે કતલેઆમ થઇ રહ્યું છે એ (સેના હટાવી લેવાથી) એવી ‘અહિંસા’થી બંધ થશે?

એટલે, વૈદિક સિસ્ટમ પૂર્ણ સિસ્ટમ છે, અહિંસાના બંને પાસાઓની આવશ્યકતાની તટસ્થતાથી વાત કરે છે, આપણે આ બંને પાસાઓને સમજવાના છે.

ॐ तत् सत