બૃહદ્-યોગ (સ્વામી અચ્યુતાનંદ સરસ્વતી)
ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् |
तेन त्यक्तेन भुञ्जीथा मा गृध: कस्यस्विद्धनम्।।
ईशावास्य उपनिषद्– १–१
આ જગતમાં જે પણ કાંઇ સ્થાવર-જંગમ સંસાર છે, તે સર્વ ઈશ્વરથી જ આચ્છાદિત છે (અર્થાત્, તેને ભગવત્-સ્વરૂપ અનુભવવું જોઈએ) એ બધાનો ત્યાગપૂર્વક ઉપભોગ કરો, (અને) કોઈના ધનની ઈચ્છા ના કરો
एकोहं बहुस्याम – આ વૈદિક અને ઔપનિષદિક ઉક્તિ અનુસાર ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઇચ્છા થઈ, અથવા સંકલ્પ થયો, ત્યાર પછી જે ‘એક’ હતા એ ચતુર્દશ બ્રહ્માણ્ડના રૂપમાં એકમાંથી અનેક થયા. જે ક્ષણે પરમાત્મા એકમાંથી અનેક થયા, તે જ ક્ષણે તે પરમાત્માને પામવાના અનેક માર્ગો પણ પ્રશસ્ત થયા, એટલે કે અનેક પ્રકારની ઉપાસના પદ્ધતિઓ, અનેક પ્રકારની દેવોપાસના, અનેક મતના સંપ્રદાયો, ભિન્ન પંથો, મત-મતાંતરો એવું બધું પણ શરૂ થઈ ગયું – આનો અર્થ એ થયો કે આ બધાં જ પ્રકારોથી, પંથો-માર્ગોથી, રીતોથી પરમાત્માને પામી શકાય, કેમ કે તે બધું જ પરમાત્માથી જ ઉદ્ભવ્યું છે, અને આ બધાં માધ્યમોથી પરમાત્મા સુધી જઇ શકાય, આને જ આપણે બૃહદ્-યોગ કહીશું.
પરમાત્મા માટેનું આ આખું અલૌકિક દર્શન-ફિલોસોફી-વિચારધારા આપણા પ્રાચીન ઋષિઓની વિશ્વને અદ્ભુત દેન છે. ભગવાન શિવજીની અદ્ભુત સ્તુતિ શિવમહિમ્ન સ્તોત્રના રચયિતા શ્રી પુષ્પદંતજીએ ગાયું છે કે
रूचीनां वैचित्र्याद्दजुकुटिलनानापथजुषां ।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ।।
અર્થાત, હે શંભો! ભિન્ન-ભિન્ન રુચિવાળા સાધકો વાંકા-ચુકા અનેક પ્રકારના રસ્તાઓથી પણ છેવટે તો આપને જ પામે છે, જેમ કે વાંકા-ચુકા રસ્તેથી વહેતી નદીઓ છેવટે સમુદ્રને મળે છે.
આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રાચીન દિવ્ય વિચારધારાને આધારે જ પ.પૂ સ્વામી વિવેકાનંદજીએ અમેરીકામાં વિશ્વધર્મ સમ્મેલનમાં પશ્ચિમી જગતને વૈદિક ધર્મનું ઘેલું લગાડવામાં સફળતા મેળવી હતી; રામકૃષ્ણ પરમહંસજીએ પણ બધા મુખ્ય ધર્મોના માર્ગોથી પરમાત્માનો સાક્ષાત્કાર મેળવ્યો હતો, અને કહ્યું હતું કે બધા જ માર્ગો એક જ સત્યમાં જઈને મળે છે.
આજે પણ આપણા સંતો વિશ્વમાં હિન્દુ-ધર્મ પ્રસારના કાર્યમાં સફળ થયા છે તે આ સનાતન સત્યને આધારે જ સફળ થયા છે.
ભગવાન શ્રીકૃષ્ણજીએ પણ ગીતાના અઢાર અધ્યાયોના માધ્યમથી અઢાર પ્રકારના માર્ગો તો સ્પષ્ટરૂપે બતાવ્યા જ છે, તે ઉપરાંત, તેમાં બીજી નાની-મોટી અનેક ઉપાસના પદ્ધતિઓનું પણ ગીતાના બૃહદ્-યોગનું સમર્થન છે, તેમ આપણે કહી શકીએ.
ગીતાના પહેલા અધ્યાયમાં જોઈએ તો અર્જુનના વિષાદને ભગવાન યોગમાં રૂપાંતરિત કરે છે, એટલે કે કોઈ પણ ભાવને યોગના રૂપમાં, પરમાત્માને પામવાના માર્ગના રૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. મહાભારતનું ઘોર યુદ્ધ પોતાના પુત્રો પાંડવો જીત્યા પછી કુંતીજીએ ભગવાન પાસે તો વરદાનમાં દુ:ખ જ માંગ્યું કેમ કે તેમને દુ:ખમાં પ્રભુનું સતત સ્મરણ રહેતું હતું
બીજી દૃષ્ટિ કરીએ તો એ પણ દેખાશે કે શિવ-ભક્ત રાવણ, દાનવરાજ હિરણ્યકશ્યપ જેવા મોટા-મોટા રાજાઓએ ભગવાનને વેરભાવે યાદ કર્યા હતા, તો પણ એ લોકો અંતે પરમાત્માને પામ્યા; રાજા ઉત્તાનપાદના પુત્ર સાવકી મા-થી અપમાનિત થયા, અને એમણે ઈશ્વર-પ્રાપ્તિ કરી; ગોકુળમાં ગોપીઓ વિરહભાવથી ભગવાનને ભજતી હતી… આમ, મનુષ્ય કોઈ પણ ભાવથી ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે.
આવા બધા માર્ગો ઉપરાંત, ગીતામાં પરમાત્માને પામવા માટે ભગવાન શ્રીકૃષ્ણે ચાર બીજા માર્ગો પણ દર્શાવ્યા છે – કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ, જ્ઞાનયોગ – આ ચારે’ય માર્ગો સંક્ષેપમાં આ પ્રમાણે છે –
૧. કર્મયોગ – કર્મ દ્વારા ઈશ્વરની પૂજા, ઈશ્વર આરાધના અને ભગવાનને યાદ કરતાં-કરતાં રોજિંદા જીવનમાં જે પણ કાંઇ કર્મો કરવાના હોય એ કરતાં રહેવું –यद्-यद् कर्म कारोमि तद्-तद् अखिलं शम्भो तवाराधनम्–આમ, આ બધા કાર્યો કર્મયોગ જ છે;
૨. ભક્તિયોગ– શુદ્ધ મન અને ભાવ સાથે, પૂર્ણ સમર્પિત થઈને પોતાના ઇષ્ટદેવની ઉપાસના, પોતાના આરાધ્ય દેવની પૂજા, ભગવાન શ્રીરામે રામાયણમાં શબરીને સમજાવેલી નવધા ભક્તિ-રૂપ, તમામ ભાવો સાથેની પૂજા, નવધા-ભક્તિ;
૩. રાજયોગ– મહર્ષિ પતંજલિજીનો અષ્ટાંગયોગ, (એટલે રાજયોગ) – યમ, નિયમ વિગેરેથી સમાધિ સુધી પહોંચવાનો માર્ગ છે; હઠયોગ એ રાજયોગમાં પ્રવેશ કરવા માટેનો માર્ગ છે. એ ઉપરાંત, કુંડલિની-યોગ, ક્રિયા-યોગ, જપ-યોગ, નાદ-યોગ, આમ વિવિધ પ્રકારની યોગોપાસનાઓથી પણ ઈશ્વર-પ્રાપ્તિ કહી છે;
૪. જ્ઞાન-યોગ– મોક્ષ-પ્રાપ્તિ માટે વેદાંતાદી શાસ્ત્રોનું અધ્યયન, શ્રવણ, મનન નિદિધ્યાસન-રૂપ અભ્યાસ એ જ્ઞાનયોગ; આત્માની પરમાત્મારૂપે ઉપાસના, આત્માનું જ પરમાત્મા રૂપે સાક્ષાત થવું, તે જ્ઞાનયોગ, सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि – એટલે જ્ઞાનયોગ.
આમ, ઉપરોક્ત માર્ગો અને તે સિવાયના પણ જે બીજા માર્ગો છે એ બધા માર્ગોથી પરમાત્માને પામી શકાય છે, તે સનાતન સત્ય, એટલે જે સર્વને સમાવિષ્ટ કરતો, સર્વને સ્વીકારતો અને સર્વને સ્વીકાર્ય પણ છે, આ બૃહદ્-યોગ.
બૃહદ્-યોગ વૈશ્વિક આવશ્યકતા–આજની અસહિષ્ણુ થતી જતી વૈશ્વિક પરિસ્થિતી જોતાં એવું લાગે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ ધર્મના નામે થશે. પારસ્પરિક ધાર્મિક અસહિષ્ણુતા, કટ્ટરતા ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ બને તો કાંઇ નવાઇ નહીં, કેમ કે અમુક સંપ્રદાયોના અનુયાયીઓનું એવું ચુસ્તપણે માનવું છે કે અમારો જ ધર્મ સાચો, અમારો જ ધર્મ સ્વર્ગ અપાવશે – આવી જે ધર્મ માટેની વૈશ્વિક હોડ, હરીફાઈ વિભિન્ન ધર્મો – ખાસ કરીને ઈસાઈ અને ઇસ્લામ ધર્મો વચ્ચે ચાલી રહી છે અને તે અંતર્ગત સેવાના નામે પૈસાની લાલચ અને તલવાર-બંદૂકના ધાકથી થતાં ધર્મ-પરિવર્તનના જે વ્યાપક કાર્યો ચાલી રહ્યા છે તે એક દિવસ વિશ્વને મહાયુદ્ધના ગર્તમાં ધકેલશે તો નવાઈ નહીં.
વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જે આતંકવાદની ભીંસમાં સપડાયું છે તેના મૂળમાં પણ ધર્મ જ છે, આ સત્ય નિર્વિવાદ છે. ઈસાઈ ધર્મ અને ઇસ્લામ ધર્મ વિશ્વના બે મોટા ધર્મો છે, અને બંને ધર્મોના ચુસ્ત અનુયાયિઓ પોતાના ધર્મને પ્રથમ ક્રમે રાખવા, વિશ્વ ઉપર પોતાના ધર્મની પતાકા લહેરાવવા, ધાક બેસાડવા પૈસા-લાલચ-તલવાર-બંદૂકની તાકાતથી ધર્મ-પરિવર્તનના વિવાદિત કાર્યોમાં રાજકારણીઓના ઉત્તેજન અને સમર્થનથી ખુલ્લેઆમ, નિર્લજતાથી રત છે. આશ્ચર્ય તો એ વાતનું પણ છે કે આવું બધું માત્ર એક-બે ધર્મો વચ્ચે જ નથી, પરંતુ એક જ ધર્મ-પંથની ભિન્ન માન્યતાઓ અને આસ્થાના પડેલા ફાંટાઓના ચુસ્ત મતાવલંબીઓ, અનુયાયિઓ વચ્ચે પણ ઉઘાડો ભીષણ સંઘર્ષ વધી રહ્યો છે, અને આ પરિસ્થિતિથી હિન્દુ સિવાય કોઈ પણ ધર્મ-પંથો બાકાત નથી.
આમ, આજે બધા જ ધર્મો વધતે-ઓછે અંશે આંતરિક અને બાહ્ય મત-મતાંતરની ઝેરીલી જાળમાં ફસાયા છે, અને દરેક ધર્મો બાહ્ય રીતે આપસમાં પ્રેમ-ભાઇચારાની વાતો ભલે શીખવતા કે કરતાં હોય, તે છતાં આપસી અને બીજા તરફની અસહિષ્ણુતા, કટ્ટરતા વધતી જાય છે. આ બધાના મૂળમાં છે ધાર્મિક કટ્ટરતા અને સાચા અધ્યાત્મની સમજનો, વિવેકનો અભાવ, તથા અન્ય ધર્મ તરફની સહિષ્ણુતાનો અભાવ. આવી મનોદશા, વૈચારિક કૃપણતાનું સાચું સમાધાન છે માત્ર અને માત્ર વૈદિક ચિંતનરૂપ બૃહદ્-યોગ.
આપણા પ્રાચીન ઋષિઓ દ્વારા સમજાવેલ બૃહદ્-યોગ-રૂપ સનાતન સત્યને જ્યાં સુધી વિશ્વના વિભિન્ન ધર્મો નહીં સમજે, નહીં સ્વીકારે ત્યાં સુધી વિશ્વ શાંતિની કોઈ જ સંભાવના નથી. આ દિશામાં શરૂઆત આપણાથી જ કરવી પડશે.
હિન્દુઓએ પોતાના વિશાળ ‘ઘર’ને પહેલા તો સમારવું પડશે, હિન્દુ ધર્મના ભિન્ન-ભિન્ન સંપ્રદાયોએ પરમ સનાતન સત્યને પૂર્ણરૂપે સમજીને, સ્વીકારીને આપસમાં એકતા વધારી, એક થઈ બૃહદ્ હિન્દુ ધર્મને મજબૂત કરવા કાજે માર્ગ-દર્શન પણ આપવું પડશે. वसुधैव कुटुंबकम्-ની સંભાવનાને સાર્થક કરવી હશે તો ईशावास्यमिदं सर्वं-ની સમજને શુદ્ધરૂપે સ્વીકારવી જ પડશે, અને તેને અનુરૂપ ચાલવું પણ પડશે, અને તો જ માનવજાત પરસ્પર સુખ-શાંતિપૂર્વક જીવી શકશે, અન્યથા, ધર્મના નામે મહાભયંકર વિનાશ માટે તૈયાર રહેવું પડશે.
આ પરિપ્રેક્ષ્યમાં દુર્ભાગ્ય તો એ વાતનું છે કે ભારત જે વિશ્વને માર્ગદર્શન આપવા સમર્થ છે, ત્યાં જ બિન-સાંપ્રદાયિકતાને નામે જે રીતે હિન્દુ ધર્મ, હિન્દુ ચિંતનની ઉપેક્ષા ઉઘાડેપણે થઈ રહી છે, કરાઇ રહી છે, અને જે રીતે એને રાજનૈતિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે તે માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વને માટે પણ ઘાતક છે, કેમ કે દરેક મતવાળા લોકોને સમજવાની, સ્વીકારવાની, પોતાની સાથે અને અંદર સમાવી લેવાની શક્તિ માત્ર એક વૈદિક સનાતન ચિંતન પાસે જ છે.