ભારતીય સંસ્કૃતિ – પ્રવચન પુષ્પ ૩૫ – સંન્યાસ –
(પરમ પૂજ્ય સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

વેદો આધારિત આપણી શાશ્વત સંસ્કૃતિએ સંન્યાસને સૌથી ઊંચું સ્થાન તો આપ્યું જ છે, સૌથી વધુ આદરનું સ્થાન પણ આપ્યું છે, કેમ કે મનુષ્ય જીવનની પૂર્ણતા સંન્યાસમાં છે. આપણા ઋષિઓએ ચતુરાશ્રમના રૂપમાં જે વ્યવસ્થા આપી છે એ વિષે હું જેટલું વિચારું છું, એટલું મને આશ્ચર્ય થાય છે કે આ સમસ્ત વાતો કેટલી અદ્ભુત છે, કેટલી ગજબની વાતો છે! આ સંસ્કૃતિ હજારો-લાખો વર્ષોથી એમ-ને-એમ જ ટકી નથી રહી, એની પાછળ આપણા વંદનીય ઋષિઓની સમાધિ સુધીની સાધના, એમાંથી પ્રાપ્ત થયેલું દિવ્ય જ્ઞાન, એમાંથી ઉદ્ભવેલા જીવનના મૂલ્યો, એ બધાં પર એમનું ગહન ચિંતન… અને એમના આવા ગહન અને બૃહદ્ જ્ઞાનના નિષ્કર્ષરૂપે એમણે આપણને જે સહજ રીતે ગોઠવાયેલી હોય એવી વ્યક્તિથી સમાજ સુધીના જીવનની વ્યવસ્થા પણ આપી! ખરેખર, અદ્ભુત છે!

આપણે જ્યારે કોઈને બહુ સન્માન આપીએ ત્યારે એને લાખો રૂપિયા આપીએ, કોઈ પુરસ્કાર આપીએ, ગાડી આપીએ, ઘર આપીએ, બંગલો આપીએ… પરંતુ આ વ્યવસ્થાએ જેને સૌથી વધુ સન્માનવાળું સ્થાન આપ્યું છે એ સંન્યાસીને કશું જ નથી આપ્યું – એને નથી ઘર આપ્યું, નથી પરિવાર આપ્યો, નથી પૈસા આપ્યા, નથી કોઈ અધિકાર કે કોઈ પાવર આપ્યો. બીજું બધું તો ઠીક, એના હાથમાં આ વ્યવસ્થાએ માત્ર ભિક્ષાપાત્ર આપી દીધું છે, સંન્યાસી માટે વ્યવસ્થિત ખાવાનું પણ નથી, એણે ભિક્ષા માંગીને ખાવાનું હોય છે. એટલે, આ વ્યવસ્થાને ઉંડાણથી વિચારીને સમજવાનો પ્રયત્ન કરશું, તો સમજાશે કે એ ખરેખર ગજબની વ્યવસ્થા છે.

આ વ્યવસ્થાએ  સમાજને જે ચાર વર્ગોમાં વહેંચ્યો હતો, એમાં એક વર્ગ મજૂર-કામગારોનો વર્ગ છે જે થોડાં પૈસા લઇ બીજા બધાં માટે સેવા આપે છે, બીજાને માટે સેવા કરવી એ જ એમનો ધર્મ; અને આ વ્યવસ્થામાં આ વર્ગને વધુ પૈસા પણ નથી આપ્યા કેમ કે બહુ પૈસા થઈ જાય તો પછી કોણ કોનું કામ કરશે? એ બીજાના કામ કરવા શું કામ જાય? આજના જમાનામાં જે દેશોના લોકો પાસે બહુ પૈસા છે એ દેશોમાં મોટે-ભાગે માણસોએ પોતાના કામ તો જાતે જ કરવા પડે છે, કેમ કે ત્યાં કોઇના કામ કરવા માટે લેબર સહેલાઇથી મળતા નથી. એટલે, આપણે ત્યાં મજૂર-કામગાર વર્ગ પાસે વધુ પૈસા નથી, કે નથી પાવર.

વીસમી સદીના પ્રથમ બે-ત્રણ દાયકાઓમાં communism (સામ્યવાદ)ની વિચારધારા હેઠળ કામગારોના હાથમાં પાવર આપી સામાજીક પ્રયોગ કરી જોયો હતો. શરુઆતના એક-બે દાયકાઓની સફળતા છતાં, એ વિચારધારા વિશ્વમાં ધાર્યા પ્રમાણે સ્વીકૃત નથી થઇ શકી.

રશિયામાં 1917માં થયેલી પરિવર્તનકારી લોહીયાળ સામ્યવાદિ ક્રાંતિ પછી વીસમી સદીના મધ્ય સમય સુધીમાં વિશ્વમાં અડધી દુનિયા કમ્યુનિસ્ટ થઈ ગઈ હતી, અને એવો ડર પણ હતો કે આખી દુનિયા કમ્યુનિસ્ટ થઈ જશે. પણ પ્રાયોગિક રીતે એ વિચારધારા માત્ર સિદ્ધાંતમાં જ રહી, એ દેશોમાં સાચા અર્થમાં સામ્યવાદ સ્થાયી ના થઈ શક્યો.

સામ્યવાદ મજૂરોને સત્તા અપાવવા માટે ઉદ્ભવ્યો હતો અને રશિયાથી આ વિચારધારા બીજા દેશોમાં ગઇ હતી. આજ-સુધી રશિયામાં કામગારોને સત્તા નથી મળી, ત્યાં માત્ર ૫૦-૧૦૦ ફેમિલીઓએ જ શાસન કર્યું છે. ઉત્તર કોરીયા, ચીન અને બીજા 4-5 કમ્યુનિસ્ટ દેશો છે, પરંતુ આ બધા જ દેશોમાં પણ મજૂરો નહીં, માત્ર ધનાઢ્ય, પાવરફૂલ ફેમિલીઓ શાસન કરી રહ્યાં છે. ચીનમાં ૧૯૪૯ની લોહીયાળ ક્રાંતિ પછી પણ મજૂરો પાસે કોઇ સત્તા નથી. સાત દાયકા પછી પણ ત્યાં માત્ર 20-25 ફેમિલીઓનું જ લોખંડી વર્ચસ્વ રહ્યું છે.

આમ, કમ્યુનિસ્ટ ક્રાંતિની એક સદી પછી પણ આ દેશોમાં કામગારો, મજૂરો પાસે આજે પણ સત્તા નથી, અને પહેલાંના વિશાળ પાવરફૂલ રશિયાની કેવી આર્થિક સ્થિતિ થઈ ગઈ હતી એ તો સુવિદિત છે, એ કેવી રીતે તૂટ્યો એ પણ જાણીતી વાત છે.

બીજી બાજુ, શીત યુદ્ધ (Cold War)ના સમયમાં જર્મનીના બે ભાગ કરવા પડ્યાં હતા – સામ્યવાદિ ઇસ્ટ જર્મની અને કેપિટલીસ્ટ વેસ્ટ જર્મની.. ત્યાર પછીના દાયકાઓમાં બંનેના વિકાસમાં જમીન આસમાનનું અંતર હતું, એટલે પછી છેવટે 1990માં સામ્યવાદિ જર્મનીનું કેપિટલીસ્ટ જર્મનીમાં વીલિનીકરણ કરવું પડ્યું હતું.

આવા ઘણા કારણોને આપણા ઋષિઓએ હજારો વર્ષો પહેલા જાણી-સમજીને આ વ્યવસ્થામાં મજૂરોને સત્તા કે પૈસા ન્હોતા આપ્યા. બિઝનેસ છે, વેપાર છે, એ વૈષ્યોના હાથમાં આપ્યો, પરંતુ વૈષ્યોને પણ સત્તા ન્હોતી આપી, એને પણ પાવર ન્હોતો આપ્યો, એમની પાસે કોઈ પાવર કે કોઈ સત્તા ન્હોતી, કે ના તો શિક્ષણનું સંચાલન.

આજે દરેક દેશોમાં જોઈએ તો દેખાય છે કે અત્યારે સીધી કે આડકતરી રીતે વૈભવી, પાવરફૂલ બિઝનેસ વર્ગનું જ શાસન છે, પૈસાવાળાઓનું જ, મોટી multinational companiesના owners, એ લોકોનું જ શાસન ચાલે છે. પૈસા હોય, અને નવો બિઝનેસ કરવો હોય, નવી ફેક્ટરી નાંખવી હોય, કોઈ વ્યવસ્થિત મોટો ધંધો કરવો હોય તો તમે કોઈ પોલીસ સ્ટેશનને કે રાજકારણીને સાથે લીધા વગર કરી ના શકો, બધી સત્તા એમની પાસે છે. સમાજના દરેક ક્ષેત્રો ધીમે-ધીમે એમના સકંજામાં આવતા જાય છે – હોસ્પિટલ, ખેતી, વૈજ્ઞાનિક શોધો, રાજકારણ, દેશનું શાસન પણ.

હવે તો વિદ્યા કે શિક્ષણ નથી રહ્યા, આ બંને હવે એજ્યુકેશન કહેવાય છે, એ પણ હવે ધીકતી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે, અને આ આખું ક્ષેત્ર ધનપતિઓના હાથમાં ઝડપથી જતું જાય છે. એટલે, એજ્યુકેશન ક્ષેત્ર પણ હવે નવો વેપાર થઇ ગયો છે. આપણે ત્યાં પહેલાં વિદ્યામંદિરો હતાં, એ હવે નથી રહ્યાં, તેથી વ્યાપારીઓ જે એજ્યુકેશન આપશે એ કાંઈ સુખ, શાંતિ આપે એવું કોઈ દિવસ ના હોઈ શકે, એ તો માત્ર પૈસા, અર્થની ગેરેન્ટી આપવાવાળું જ હશે, કે તમે આ યુનિવર્સિટીમાં એડમિશન લેશો તમને આટલાનું પેકેજ મળવાની ગેરંટી છે. તો વિચાર કરો, કઈ યુનિવર્સિટી કે એજ્યુકેશન આપવાવાળા સારા કહેવાય?

હવે યુનિવર્સિટીઓ વિદ્યાનું ધામ નથી રહી, એ માત્ર પૈસા કમાવાની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. જે કેમ્પસમાંથી જેટલા વધારે સ્ટુડન્ટ્સ કેમ્પસ ઇન્ટરવ્યૂમાંથી મોટી કંપનીઓમાં જતા રહેતા હોય એ યુનિવર્સિટી સારી ગણાય. આવી યુનિવર્સિટીઓમાં જીવનનું સુખ કે સુખાકારીની વાતો સાથે કોઈ સંબંધ નથી, એનો સંબંધ માત્ર પૈસા સાથે જ છે – આપણે બધાં જોઈ રહ્યાં છીએ કે આજની સિસ્ટમ ધીરે-ધીરે દુનિયાને ક્યાં લઈ જઈ રહી છે.

આજની કેપિટલિસ્ટ સિસ્ટમમાં બધી જ વાતો વેપારની રીતે જ થઈ રહી છે, તે ત્યાં સુધી કે આખી દુનિયામાંના દરેક દેશોમાં એક પ્રકારની ઉઘાડા ભયાનક સંઘર્ષની ભૂમિકા ઊભી કરી દીધી છે (ચીનની લોખંડી પકડથી બચવા માટે હોંગ-કોંગના યુવાવર્ગ વયસ્કો અને નાગરીકો સાથે મળીને સપ્ટેમ્બર 2019થી ચીન સામે જીવના જોખમે આઝાદીની લડત લડી રહ્યાં છે).

વિશ્વ આખામાં દેશો-દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે. આજે, બધાં જ દેશો લડવાની તૈયારીમાં તો છે, પરંતુ બધાંને ખબર છે કે યુદ્ધ થશે તો બધાંને ખૂબ તકલીફ થવાની છે એટલે યુદ્ધ નથી થઈ રહ્યું, બાકી બધાં જ દેશો યુદ્ધ માટે સજ્જ તો છે જ.

ભારતની પુરાતન વ્યવસ્થાની વાત કરીએ તો એની ખૂબી એ હતી કે દરેક વર્ગ એક-બીજા ઉપર નિર્ભર હતો – જેની પાસે પૈસા છે એને ના તો શિક્ષણ કે એજ્યુકેશન આપ્યું, કે ના પાવર આપ્યો. એવી જ રીતે, જેને શાસન અને પાવર આપ્યાં હતા (રાજાને) એને વ્યાપાર નથી આપ્યા, રાજા પહેલાં વેપારી ન હતા, એ વેપાર ન્હોતા કરતાં કેમ કે કહેવત છે કે ‘જ્યાંનો રાજા વેપારી ત્યાંની પ્રજા ભિખારી’. જો શાસન કરનાર જ બિઝનેસમેન થઈ જાય, બિઝનેસ કરતા થઈ જાય તો પ્રજાના હાથમાં પછી કશું આવવાનું જ નથી; અને જેની પાસે શિક્ષણ, જ્ઞાનનું કાર્ય આપ્યું હતું એને નથી તો પૈસા, કે નથી પાવર, એને માટે માત્રને માત્ર શિક્ષણ, જ્ઞાનનું કાર્ય જ આપ્યું હતું. એટલે, ભૂદેવો પાસે પહેલાં કોઈ દિવસ પૈસા નહીં હતા. આપણે ત્યાં કોઈ કથા શરૂ થતી તો ‘એક દરિદ્ર બ્રાહ્મણ હતો…’ એમ કરીને કથા શરૂ થતી હતી. બ્રાહ્મણોનો વૈભવ એનું જ્ઞાન હતું, ત્યાગ એનો વૈભવ હતો, તેથી દરિદ્રતા પણ એનો ‘વૈભવ’ ગણાતો હતો.

સંસ્કૃત વ્યાકરણના જગતમાં એક કૈયટ નામના ખૂબ મોટા વિદ્વાન હતા, તેમની રચનાઓમાં શંકરાચાર્યજીના ભાષ્ય ઉપર કૈયટ ટીકા પણ છે. આવા વિદ્વાનને ઘરે ખાવાની પણ કોઈ વ્યવસ્થા ન હતી, તેઓ એટલા મોટા વિદ્વાન હોવા છતાં એમના પત્ની જંગલમાં જતાં, લાકડા કાપી લાવતાં, એને વેચતાં, એનાથી એમનું ઘર ચાલતું હતું.

એક વખત બનારસના વિદ્વાન બ્રાહ્મણો કૈવટ રહેતાં હતાં એ રાજ્યમાં ગયાં અને ત્યાંના રાજાને મળ્યા. એ વિદ્વાનોનું રાજાએ બહુ સન્માન કર્યું. તે વખતે બનારસ એટલે ધર્મ વિશેની વિદ્વત્તાના ક્ષેત્રમાં સુપ્રીમ કોર્ટ જેવું હતું, ત્યાંના વિદ્વાનો જે નિર્ણય આપી દે તે આખા દેશમાં માન્ય રહતો. તો, આ વિદ્વાનોએ કૈયટની બાબતમાં રાજાને પૂછ્યું, ત્યારે રાજાએ કીધું કે “મને તો કૈયટનો કોઈ ખ્યાલ જ નથી, હું એવા કોઈને નથી જાણતો”. ત્યારે એ વિદ્વાનોએ રાજાને ઠપકો આપ્યો, “તમે કેવા રાજા છો, તમારા રાજ્યમાં આટલા મોટા વિદ્વાન રહે છે એની તમને ખબર જ નથી, તમારો રાજા હોવાનો મતલબ શું?” આવું સાંભળીને રાજાને થોડો ક્ષોભ થયો, તેમણે તપાસ કરાવી, અને પછી પોતે કૈયટને મળવા ગયા. તો, કહેવાય છે કે કૈયટ પાસે ગયા તે વખતે કૈચટ કોઇ ગ્રંથ લખી રહ્યા હતા, રાજા બારણે ઉભા રહ્યા; થોડી વારમાં કૈયટની એમના ઉપર નજર પડી, તો પ્રશ્ન કર્યો કે તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો? તેમણે પરિચય આપ્યો કે હું આ રાજ્યનો રાજા છું, મને તમારી સેવા કરવાની તક આપો. કૈયટે એટલું જ કીધું કે “કૃપા કરીને અત્યારે તમે અહીંથી જાવ, મને લખવામાં વિક્ષેપ પડે છે…” આમ કહી એ વિદ્વાન કૈયટે રાજાની કોઇ મદદ ના લીધી, કેમ કે ત્યાગ એ વિદ્વાનનો ‘વૈભવ’ હતો.

હવે, આપણી વ્યવસ્થામાં જેને સૌના ગુરુ બનાવ્યા એ છે સંન્યાસી, બ્રાહ્મણના પણ ગુરુ છે એમ કહ્યું છે जगतगुरु ब्राह्मण, ब्राह्मण का गुरु संन्यासी और संन्यासी का गुरु अविनाशी, એવી કહેવત હતી. જે સૌના ગુરુપદે બિરાજે છે એ સંન્યાસીને નથી પૈસા આપ્યા, ન પાવર આપ્યો કે ન કોઈ ઘર, ના પરિવાર કશું જ નહીં, એને તો માત્ર ભિક્ષાપાત્ર જ આપી દીધું.

એટલે, આ વ્યવસ્થા જલદી સમજાય એવી ન હતી, પણ એને સમજવા માટે મેં શરૂઆતમાં જ એક વાત કરી હતી કે ધ્યાનમાં રહે કે મનુષ્ય જીવનની અંતિમ સ્થિતિ છે ‘બોધ’, મનુષ્ય જીવનની પૂર્ણતા ‘બોધ’, ‘બોધ’માં જ જીવનનું સમાપન થવું જોઈએ, એ દિવ્ય અને મૂળ જ્ઞાન સાથે આ વ્યવસ્થા ઊભી થઈ છે.

एको वशी सर्वभूतान्तरात्मा
एकं रूपं बहुधा यः करोति
तमात्मस्थं येऽनुपश्यन्ति धीरा
स्तेषां सुखं शाश्वतं
नेतरेषाम्
                              — कठोपनिषद् 2-2-12

એક જ ચેતના સંપૂર્ણ ભૂતો (જીવો)નો અંતરાત્મા છે, જે પોતાના એક જ રૂપને અનેક રૂપો ધારણ કરી લે છે, અનંત રૂપોમાં વ્યક્ત થઈ સૌને વશમાં કરી દે છે,

એ ચૈતન્યને જે ધીર, વિવેકી, જ્ઞાની પુરુષો પોતાની અંદર આત્મસ્થ કરીને જોઇ લે છે,

એમને જ માત્ર શાશ્વત, નિત્ય સુખ પ્રાપ્ત થાય છે, બીજા કોઇને નહીં.

ભક્ત કવિ નરસિંહ મહેતાએ તેમના ભજનમાં કહ્યું છે કે ‘જૂજવે રૂપે અનંત ભાસે’ તે આત્માને જે સાધક, જે ભક્ત પોતાના હૃદયમાં ઉતરીને એનો સાક્ષાત્કાર કરી લે છે – तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां शान्तिः शाश्वती नेतरेषाम्…. (कठोपनिषद् 2-2-13)  એમને જ શાશ્વત સુખ મળે છે, એના સિવાય કોઈને શાશ્વત સુખ મળતું નથી’. આ વાતને ધ્યાનમાં રાખીને આપણી સનાતન વ્યવસ્થા ઊભી થઈ છે.

આ વાતને સમજવી છે – કોઈ પણ સમાજની વ્યવસ્થા એ સમાજમાં વસતા લોકોના શરીરની આવશ્યકતાઓને લઇને જ ઊભી થઈ હોય છે; એટલે, જો આપણને આપણું શરીર અને એની આવશ્યકતાઓ સમજાઈ જાય તો એ પણ સમજાય કે સામાજીક વ્યવસ્થા કેવી હોવી જોઈએ.

શરીરની વાત કરીએ તો સૌથી પહેલાં તો ચેતના સૌથી જરૂરી વસ્તુ છે, શરીરમાં ચેતના જ જો નહીં હોય તો બીજું કશું જ કામનું નથી. સ્થૂળ શરીર છે, હાથ પગ દેખાય છે, શરીરમાં મન છે, ઇન્દ્રિયો છે… તો, શરીરની જરૂરિયાતો છે કપડાં છે, એ જોઈએ, રક્ષણ માટે, રહેવા માટે ઘર જોઈએ, ખાવાનું જોઈએ, અને જે બીજી બધી જરૂરિયાતો છે એને લઈને સમાજનું આખું structure ઉભુ થતું હોય છે. મને કપડાં જોઈએ તો કપડાંની જરૂરિયાત પૂરી કરવા માટે બહુ મોટું infrastructure જોઈએ, જાતજાતની ટેકનોલોજી જોઈએ, વિવિધ વ્યવસ્થાઓ જોઇએ, ત્યારે એક કપડું આપણા સુધી પહોંચે છે. તો, એ પ્રમાણે કપડાંની આખી એક સિસ્ટમ ઊભી થાય છે. મને રહેવા માટે ઘર જોઈએ તો એ ઘર બનાવવા માટેની જરૂરિયાતોનું આખું માળખું ઊભું થાય છે. એવી જ રીતે માણસને જે બધી વસ્તુઓ જોઈએ એ પ્રમાણે આખી સિસ્ટમ ઊભી થાય છે.

હવે, આધુનિક વ્યવસ્થાથી આપણી પુરાતન વ્યવસ્થામાં મૂળભૂત ફરક એ છે કે આપણી વ્યવસ્થામાં એક માણસ એ જ્ઞાન સાથે રહે છે કે ચેતના જ સર્વસ્વ છે, ચેતના જ સૌનું મૂળ છે, ચેતના સિવાય બધું જ નકામું છે, જ્યારે આધુનિક વ્યવસ્થા એવી છે કે એ ચેતનાના સંદર્ભમાં કશું જાણતી જ નથી, એ માત્ર શરીરને જ જાણે છે.

એટલે, ટેક્સટાઇલની આખી વ્યવસ્થામાં કપડાં મને ફાવે, ગમે એવા, અને મારા અનુરૂપ હોવા જોઈએ; ઘર મને ગમતું હોવું જોઈએ મને અનુકૂળ આવવું જોઈએ એ વાતને કેન્દ્રમાં રાખીને જો હું જીવું છું, તો આખું તંત્ર એ પ્રમાણે જ આપસમાં સંકળાયેલું હોવું જોઈએ આખી સિસ્ટમ એ પ્રમાણે સંકળાયેલી હોવી જોઈએ, માત્ર ઘરની કે કપડાંની જ વાત નથી, દરેક ક્ષેત્રોની વાત છે – જેવી રીતે આપણા શરીરમાં દરેક અંગો એકબીજા સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે.

જે પ્રમાણે બહાર સામાજીક સિસ્ટમ જે ઊભી થઇ રહી છે એમાંના દરેક ભાગો, એક બીજા સાથે જોડાયેલા હેવા જોઇએ. આપણે શરીરની વાત કરીએ છીએ તો શરીરમાં ચેતના મુખ્ય છે એ વાત નક્કી, આ ચેતના જ શરીરમાંના દરેક અંગોને એકબીજા સાથે જોડી કાર્યરત રાખે છે. હવે, આ વાત જો ધ્યાનમાં ના હોય તો દરેક અંગો અલગ અલગ થઈ જાય.

માનો કે શરીરમાં કિડનીની કોઈ તકલીફ થઈ, તો તમે કિડનીના સારા ડોક્ટર પાસે ગયા અને એણે કિડની સરખી કરી આપી, પણ કિડની સરખી કરતાં એણે તમારું લીવર બગાડી દીધું હોય. હવે એ કહેશે કે ‘મારું કામ તો માત્ર કિડની જ સરખું કરવાનું છે, લીવર મારે સાજું કરવાનું નથી, તમારું લીવર જો બગડ્યું લાગતું હોય તો તમે લીવર માટેના ડોક્ટર પાસે જાવ’. હવે, લીવરના ડોક્ટર એ ઠીક કરશે; જો એ બીજું બગડ્યું તો પછી મોકલી દે’શે બીજી જગ્યાએ, તમે ત્યાં જાવ… તો આમ, આજની સિસ્ટમમાં કોઈ ક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલા નથી હોતા.

એટલે, આપણી વ્યવસ્થાએ એવી હતી કે સમાજના દરેક વર્ગને એકબીજા સાથે સાંકળીને રાખ્યા હતા. હવે, સમાજના જુદાં-જુદાં ભાગો વચ્ચે સંકળાવાનું ક્યારે થાય? કે જ્યારે વ્યવસ્થાના દરેક ભાગો થોડાં, થોડાં અપૂર્ણ હોય. આ વાતને સમજશો, જો બે ભિન્ન વસ્તુઓ ભેગી કરવી હોય તો સામાન્ય રીતે એક મેલ(male) ભાગ જોઈએ, અને એક ફિમેલ (female) ભાગ જોઈએ તો જ જોડાણ શક્ય બને, એક ભાગમાં ગેપ અને બીજામાં એટલો જ સરખો કટ હોય, ત્યારે જ આખી રીંગ થઈ શકે.

સમાજમાં વેપારી છે એને પોતાના શિક્ષણ માટે બીજા કોઈની પાસે જવું પડે, એણે ગુરુકુળમાં જવું પડે, એણે ગુરુકુળ પર નિર્ભર રહેવું પડે. તેવી જ રીતે એને જો રક્ષણ જોઈએ છે તો એણે રાજા પાસે જવું જ પડે. રાજાને પૈસાનો કારભાર નથી આપ્યો, તથી એણે પોતાને જોઇતા પૈસાની વ્યવસ્થા વૈશ્યો પાસેથી કરવાની વાત હતી, રાજાની પાસે પૈસા ના હોય તો એણે પૈસાની આવશ્યકતા માટે વૈશ્યો પર આધાર રાખવો પડતો હતો. આવી રીતે સમાજના દરેક ભાગો એકબીજા પર નિર્ભર રહીને એકબીજાની જરૂરિયાતો પૂરી પાડતા હતા, એકબીજાને સપોર્ટ કરીને રહેતા હતા.

આ વ્યવસ્થામાં એક તો સમાજના દરેક અંગો થોડાં-થોડાં અધૂરા રાખેલાં જેનાથી એકબીજાને સપોર્ટ મળી રહેતો, સમાજમાં એકતા રહેતી, અને સાથે-સાથે એ વ્યવસ્થા દરેક વર્ગની વ્યક્તિને ધીમે-ધીમે એમના પરમ લક્ષ્ય ‘બોધ’ તરફ પણ લઈ જાય એવી હતી; પરમ લક્ષ્ય ‘બોધ’ માટે પણ એ વ્યવસ્થા પૂરી રીતે સજાગ હતી. એ વ્યવસ્થા એ પ્રમાણે બનાવાઈ હતી કે જેમાં દરેક વર્ગની વ્યક્તિને – વૈશ્યને એની રીતે, ક્ષત્રિયને એની રીતે, બ્રાહ્મણને એમની રીતે, કામગારને એની રીતે, સાધુને એની રીતે દરેકને પોતાની જગ્યાએ स्वे-स्वे कर्मण्यभिरत: संसिद्धिं लभते नर: (ભ.ગી.૧૮:૪૫) પોતપોતાના કર્મ કરતાં-કરતાં સંસિદ્ધિને પણ પામે, એ જાતની આખી વ્યવસ્થા હતી.

આપણે ત્યાં અતિથિઓ માટેની પણ વ્યવસ્થા ગજબની હતી. મેં ઘણી વખત વાત કરી છે કે પહેલાં ચારે’ય ધામની યાત્રા કરવી બધા માટે લગભગ compulsory હતી, દરેક વ્યક્તિએ ચારધામની યાત્રા કરવાની હતી ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના યાત્રાના સ્થળોએ જવાનું જ હતું. આ જે વ્યવસ્થા હતી એમાં લોકો તીર્થયાત્રા કરવા પગપાળા જતા હતા, જે ગામમાં જતાં તો ત્યાં એ ગામના લોકો બધાં એમની સેવા કરતા હતા કેમ કે તેઓ યાત્રીઓની અંદર ભગવાનને જોતા હોય, ભગવાનનો એમને અહેસાસ પણ થતો હોય.

આ યાત્રા કરવા જતા ત્યારે કોઈ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ લઇને જતા ન હતા, કે ના તો એટીએમમાંથી પૈસા કાઢવાની કોઈ વ્યવસ્થા હતી, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાને આવશ્યક એવી વસ્તુઓ, સામાન લઈને યાત્રા કરવા નીકળી પડતા, પછી રસ્તામાં આવતા કોઇ એક ગામમાં એમને રહેવાની જમવાની વ્યવસ્થા પણ થઇ જતી હતી. હજુ એવા નાનાં ગામો છે, જે ગામમાં હું રહું છું એ ગામમાં એક હજારથી-પંદરસોની વસ્તી હશે. પહેલાં આવા ગામોમાં, આજુબાજુમાં પણ મોટી ધર્મશાળા હતી, એવી ધર્મશાળા લગભગ બધા ગામોમાં હતી, ત્યાં રોકાવાની, જમવાની વ્યવસ્થા મફત હોય.

ત્યારે, આપણે એવા ભાવ સાથે નીકળતા હતા કે આપણે તો ભગવાન માટે યાત્રા કરવા નીકળ્યા છીએ, ભગવાનના દર્શન માટે નીકળ્યા છીએ, એક ચેતના જે આપણને બધાંને જોઈ રહી છે, તે ચેતનાના દર્શન કરવા માટે આપણે નીકળ્યા છીએ… એટલે, સમાજમાં એકબીજા સાથે જોડાવાનો જે ભાવ છે એ ચેતનાનો અહેસાસ કરાવે છે, ભગવાનના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે, ભક્તિનો અહેસાસ કરાવે છે.

આજની જે નવી વ્યવસ્થા છે એમાં તમે તમારી જાતે બધું કરી લો, એ જ વાત મુખ્ય છે. હું એક વખત મારા ગુરુજીને ત્યાં ગયો તો ગુરુજી મુંગેરથી રિખિયા રહેવા જતા રહેલા. હું ગુરુજીના દર્શન માટે મુંગેર ગયો તો ગુરુ ભાઈઓએ કીધું કે ‘થોડા ફોરેનર્સ આવ્યાં છે એટલે ગુરુજી ત્યાં જઈને રહ્યા છે, તમે આ લોકો સાથે ગાડીમાં જતાં રહો’. તે વખતે ત્યાં આશ્રમ તૈયાર ન્હોતો થયો, સ્વામીજી પણ એક નાના તંબુ જેવી વ્યવસ્થામાં રહેતા હતા. તો, ત્યાં રિખિયામાં અમે એક હોટલમાં રોકાયા; જમવા બેઠા, અને હું જમીને હજુ તો ઊભો થાઉં છું, ફ્રી થયો એટલામાં એક બેન ત્યાં આવ્યા અને બધાંનું જમવાનું જે બિલ હતું, એમાં મારો જેટલો ભાગ હતો એટલું બિલ મને આપી દે’વામાં આવ્યું, “આ પૈસા તમારે આપી દે’વાના છે”, (તમે ખાધું છે, તો તમે તમારું કરી લો.)

આ આજની વ્યવસ્થા, એમાં માણસ-માણસને જોડનારું તત્ત્વ નથી. એટલે, પુરાતન વ્યવસ્થા એવી હતી કે બધાંને થોડાં-થોડાં અધૂરાં રાખ્યા હતાં, દરેકને એકબીજાનું કામ પડે એકબીજાના સથવારે જીવતા હતા, અને એમાં જ સંન્યાસ છે, એ વ્યવસ્થાને આપણે સમજવાનો થોડો પ્રયાસ કરી રહ્યા છીએ

સંન્યાસની બાબતમાં આપણે વાત થયેલી કે આપણા અસ્તિત્વમાં મનુષ્ય શરીરમાં જે સ્થાન ચેતનાનું છે એ સ્થાન સમાજમાં સંન્યાસીઓનું છે, કેમ કે સંન્યાસી ચેતના સાથે કામ કરી રહ્યો છે, એ ચેતના સાથે જીવી રહ્યો છે. આ વાતને આપણે વ્યવહારિક સમાજમાં જોઈએ તો આંખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એ માત્ર આંખ સાથે જ કામ કરે ને જીવે છે, ENT સર્જન હોય તો એ પ્રમાણે જીવે છે, હાર્ટના સ્પેશિયાલિસ્ટ હોય તો એ હાર્ટ સાથે જીવે છે, ટેક્સ્ટાઇલ ક્ષેત્રનો કોઈ નિષ્ણાત હોય તે કપડાંના જે-તે ક્ષેત્ર સાથે જીવે છે, લુહાર લોખંડ સાથે જીવે છે… એમ, સંન્યાસી જે છે એ માત્ર અને માત્ર ચેતના સાથે જ જીવે છે, એણે હવે બીજા કશા’ય માટે કશું કરવું નથી, માત્ર ચેતનાને જ એણે explore કરવી છે.

આગળ વધીએ એ પહેલા અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે આપણે જે વાત કરી રહ્યા છીએ, જે આદર્શ વ્યવસ્થા હતી એની, આજે શું પરિસ્થિતિ છે એની વાત નથી કરતાં, પણ એ વ્યવસ્થાની પાછળનો મૂળભૂત જે આદર્શ છે, જે ચિંતન છે, એ વ્યવસ્થાનું જે રહસ્ય છે, એને સમજવાનો આપણે થોડો પ્રયત્ન કરી રહ્યા છીએ.

સંન્યાસ માટેની આપણી જે આદર્શ વ્યવસ્થા હતી એને આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો હમણાં એવા ઘણા પ્રશ્નો ઊભા થતા જાય છે કે જ્યારે કોઈએ સાધુવેશમાં કાંઈક ભૂલ કરી હોય, કોઈ સંન્યાસીએ ભૂલ કરી હોય… એટલે, સમાજમાં એક વર્ગ એવી વાતો કરતો થઈ ગયો છે કે એ બધા સંન્યાસીઓ હોવા જ ના જોઈએ, આપણે આવા આશ્રમો, મઠો અને સાધુ-બાધુ તો ના જ જોઈએ.

મને એક જૂની વાર્તા યાદ આવે છે કે એક રાજ્ય હતું, ત્યાંનો રાજા પોતાના એકા’દ વિશ્વાસુ માણસને લઈને ક્યારે’ક વેશપલટો કરીને રાત્રે રાજ્યમાં ફરતા, રાજ્યના સમાચાર જાણવા કે એના રાજ્યમાં કેવું ચાલે છે. એક વખત એ રાજા એવી રીતે ફરવા ગયા તો એમને સંભળાયું કે થોડાક લોકો વાત કરતા હતા કે હવે છોકરાઓ છે એમને કશું આવડતું નથી, આપણા સમયમાં તો વિદ્યાલયો વગેરેમાં કેટલું સારું શિક્ષણ મળતું હતું, જ્ઞાન મળતું હતું, અને હવે તો છોકરાઓને કશું જ શિક્ષણ મળતું નથી, અને એવું ભણીને આવ્યો પછી આપણું કોઈ કામ પણકરતાં નથી, તો વિદ્યાલયોની ક્યાં જરૂર છે? બાળકોને વિદ્યાલયમાં મોકલીને આપણે માત્ર સમય ખરાબ કરીએ છીએ, એવું શું કામ કરવાનું?

આજે આપણે જોઇએ છીએ કે કેટલા’ક ગામડાઓમાં રહેતાં બાળકો આઠમાં ધોરણમાં હોય તો પણ એમને ગુજરાતી વાંચતા પણ નહી આવડતું હોય. તો, પેલા રાજ્યના લોકોની વાતો સાંભળી રાજાને પણ લાગ્યું કે છોકરાઓને જ્ઞાન નથી મળતું તો વિદ્યાલયોનો મતલબ શું? આવીને સવારે રાજાએ ઘોષણા કરી કે બધાં વિદ્યાલયો બંધ કરી ‘દો, તો, થોડા જ દિવસોમાં બધાં વિદ્યાલયો બંધ થઇ ગયાં.

થોડા દિવસો પછી એક રાતે રાજા ફરી નિકળ્યા, જોયું તો થોડા લોકો ઉભા-ઉભા વાતો કરતા હતા કે હવે રાજ્યમાં કેટલી બધી ચોરીઓ થવા લાગી છે, જો આટલી બધી ચોરીઓ થતી હોય તો પોલીસ રાખવાનો મતલબ શું છે? પોલીસ શું કામ જોઈએ પોલીસ નહીં જોઈએ, આપણે એ લોકોને ખોટો પગાર આપવાનો, શું કામ ખોટા ખર્ચો કરવાનો? આ વાત રાજાએ સાંભળી, રાજાને પણ લાગ્યું કે વાત તો સાચી છે ચોરીઓ થતી જ હોય તો પોલીસ રાખીને શું મતલબ? રાજાએ પોલીસની વ્યવસ્થા બંધ કરાવી દીધી. થોડા દિવસમાં આવું બીજા ક્ષેત્રોમાં પણ બધું રાજાએ બંધ કરાવ્યું.

તો, સ્વાભાવિક રીતે રાજ્યમાં અરાજકતા શરૂ થઈ ગઈ. પછી રાજાએ એ પણ સાંભળ્યું કે રાજ્યમાં એટલી બધી બીમારી થાય છે તો દવાખાનાનો મતલબ શું? તો પછી રાજાએ દવાખાના બંધ કરાવી દીધા. પછી રાજાએ સાંભળ્યું કે આ જ લોકો હવે એ વાત કરતા હતા કે રાજાએ આપણા વિદ્યાલયો બંધ કરાવી દીધા, ભણવા માટે કોઈ જગ્યા રહી નથી એટલે બધાય અભણ અને મૂર્ખ જ રહેવાના, પોલીસ પણ નથી તો હવે બેફામપણે  ચોરીઓ થશે, કેટલા બધા લોકો બીમારીથી મરી રહ્યા છે અને રાજાએ દવાખાના બંધ કરાવી દીધા… તો હવે રાજ્યમાં આવા રાજાનો અર્થ શું છે? રાજા તો પ્રજાના હિત અને રક્ષણ માટે હોય છે, તો હવે, એને પણ કાઢો. એટલે, રાજાને બધી વાત સમજાઈ ગઈ.

આજે આવા જ પ્રશ્નો સંન્યાસ અને સંન્યાસીઓની બાબતોમાં ઊભા થવા લાગ્યા છે. હવે તમે જ કહો કે સમાજના કયા ક્ષેત્રમાં ખોટા લોકો નથી? પોલીસની વાત કરો, વેપારી-ઉદ્યોગપતિઓની વાત કરો, ડોક્ટર જુઓ, વકીલ જુઓ, પોલીસ જુઓ, શિક્ષકો જુઓ… કયા ક્ષેત્રમાં તમને ખોટું કરનાર લોકો નહીં મળે? તો, શું એ માટે એ બધી વ્યવસ્થાઓ સમાજમાં બંધ કરી દેવાની?

સંન્યાસી છે એ તો સમાજની ચેતના છે જે આત્મા માટે કામ કરી રહ્યો છે, સંન્યાસી સમાજનો આત્મા છે, પણ આપણી ટેવ કેવી છે કે સમાજના બીજા વર્ગોમાં મુશ્કેલી કે ગરબડ થઇ હોય તો એને આપણે universalise નથી કરતા.

માનો કે કોઈ ડૉક્ટરે કોઇ મોટી ગરબડ કરી હોય, તમે એક ડૉક્ટર પાસે જાઓ ત્યાં કહો છો કે બધાં ડૉક્ટરો બગડી ગયા છે? જે ડૉક્ટરે ગરબડ કરી હોય એને પૂછો છો કે કેમ એવું થયું? રાજકારણના ક્ષેત્રોમાં કેવી-કેવી ગરબડો થાય છે, કેમ પોલિટિશ્યનોને નથી પુછતાં કે જે કરી રહ્યાં છે તે શું કામ કરી રહ્યાં છો? કેવા કેવા કૃત્યો થઇ રહ્યા છે? બીજા પોલિટિશ્યનો આવે છે તો એની તમે સરભરા કરો છો, તમે બધું મૂકીને કેવા ફુલ-હારમાળા લઈને દોડો છો? તો, તમે આવી બધી વાતો કેમ યુનિવર્સલાઇઝ નથી કરતા? કોઇને પણ કહેવાની હિંમત કરો છો કે બધાંય પોલીટિશ્યનો આવા ખરાબ થઇ ગયા છે?

ના, સમાજના અન્ય ક્ષેત્રોમાંની ગરબડો સામે બધાં આંખ-આડા-કાન કરે છે, પરંતુ સાધુ સંન્યાસીઓની વાતોને આપણે યુનિવર્સલાઇઝ કરીએ છીએ. કેમ એવું કરીએ છીએ? કેમ કે આપણને સમજાય છે કે ડૉક્ટર વગર આપણને ચાલવાનું નથી, પોલીટિશ્યનો વગર આપણને ચાલશે નહીં, શિક્ષકો વગર નથી ચાલવાનું.

મને એવા ઘણા ડૉક્ટરોનો ખ્યાલ છે કે જે ડૉક્ટરો એકદમ ખરાબ ચરિત્રના છે, છતાં લોકો એવા ડૉક્ટરો પાસે પણ જાય છે, અંદર-અંદર વાતો કરે છે કે તમે જાઓ તો સાચવીને જજો, પરંતુ એ લોકો કોઈ જાહેરમાં કશું બોલતા નથી, કશું બોલી શકતા નથી, કેમ કે ડૉક્ટર વગર તમને ચાલવાનું નથી. એવી જ રીતે ભોજન વગર તમને ચાલવાનું નથી, દવા વગર ચાલવાનું નથી, ઘર વગર ચાલવાનું નથી. આ બધા વગર આપણને ચાલશે? નહીં ચાલશે. પણ મંદિર વગર ચાલી જશે, ભગવાન વગર ચાલી જશે, મંદિરે નહીં જશો તો ચાલશે પણ દવાખાને નહીં જવું એ ના ચાલે, છોકરાઓ સ્કૂલે નહીં જશે તો નહીં ચાલે, પણ મંદિરે નહીં જશે તો ચાલશે. એટલે, આપણને ભગવાનનો ડર જરા પણ નથી, ભગવાનને ગાળ પણ આપતા ડર નથી લાગતો, કેમ કે આપણને એની જરૂર નથી લાગતી.

હકીકત તો એ છે કે આપણને બીજા બધાં વગર ચાલી શકે, પણ આત્મા વગર ચાલશે? આપણને આંખ વગર ચાલી શકે, કાન વગર ચાલી શકે, હાથ વગર ચાલી શકે, પગ વગર ચાલશે, પાણી વગર ચાલી જશે, પણ ચેતના વગર નહીં ચાલશે, કેમ કે ચેતના આપણા અસ્તિત્વનું મૂળ છે, ચેતના આપણું અસ્તિત્વ છે, એટલે ચેતના આપણને છોડી શકતી નથી, આંખ પણ છોડી દેશે, કાન છોડી દેશે, હાથ છોડી દેશે, કપડાં છોડી દેશે, પણ ચેતના આપણને છોડી શકતી નથી, ભગવાન આપણને છોડી શકતા નથી. એમ સાધુ છે, જ્ઞાની પુરુષો છે એ આપણને છોડી શકતા નથી, આપણે એને ગાળ આપીશું, કે જે કરશું, પણ એમની કરુણા આપણને છોડી શકે નહીં. એટલે, આપણને સાધુ-સંતો, સંન્યાસીઓની બીક નથી લાગતી, આપણને એમ નથી લાગતું કે એમના વગર નહીં ચાલશે, પણ જેને થોડું પણ સમજાય છે કે ચેતના વગર નહીં ચાલે એમને સંતો જ સર્વસ્વ છે.

ખરેખર જોઇએ તો, કોઇ પણ વર્ગનું (ડોક્ટર, વકીલ, શિક્ષક વગેરે) મુલ્યાંકન એમાં જે ભલા લોકો છે એમનાથી થાય, જેમ કોઇ આંબાના વૃક્ષનું મુલ્યાંકન એના પર ઉગેલી સારી કેરીઓથી થાય, ન કે નાની-નાની, નીચે પડી ગયેલી કેરીઓથી થાય.. એવી રીતે, સંન્યાસની વ્યવસ્થાનું મુલ્યાંકન બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, રામકૃષ્ણ, રમણ જેવા સંતોથી થાય.

સંન્યાસીઓ તો એવા પુરુષો છે જેમણે ભગવાનને પોતાના હૃદયમાં પ્રકાશિત કર્યા છે, અથવા એ પરમોચ્ય અવસ્થા મેળવવા માટે પ્રયત્નશીલ છે, તેથી એમના વગર સમાજ મડદા જેવો હશે, જેમ શરીર હોય પણ એમાં જો ચેતના ના હોય તો એ શરીર મડદું જ હશે, એવી જ રીતે સંન્યાસી વગર બધું જ મડદા જેવું હશે.. હા, કોઇ કારણસર આપણે મડદાને અંત્યેષ્ઠી પહેલા થોડા દિવસ રાખવાનું હોય તો એને સુગંધીવાળુ કરીને રાખીએ છીએ એને સેન્ટ વગેરે નાંખીને, અમુક કપડાં પહેરાવીને રાખીએ છીએ તો પણ એ ધીમે-ધીમે બે-ત્રણ દિવસ પછી એ ગંધાતું થઈ જ જાય છે.

એવી જ રીતે, ભૌતિક જગતમાં તમારી પાસે બધું હશે, સારું હશે, મકાન સારું હશે, ગાડી હશે, શરીરની સુંદરતા પૈસા હશે, વૈભવ ઘણું બધું હશે પણ ધીમે-ધીમે એ બધું જ ગંધાતું જશે જો એ બધા સાથે ચિત્તની, હ્રદયની શાંતિ નહીં હશે, હ્રદયમાં આનંદ નહીં હશે, હ્રદયમાં સમાધાન નહીં હશે, તો બધું ધીમે-ધીમે ગંધાતું જ જશે. એટલે સંન્યાસીને ઋષિઓએ, આપણી વ્યવસ્થાએ શિખર પર મૂક્યા છે.

આપણી સંસ્કૃતિની એક વિશેષતા એ પણ સમજવાની છે કે એ એવી વ્યવસ્થા છે જે કોઈ પણ દૃષ્ટિકોણથી જોઈએ, કોઈ પણ રીતે જોઈએ તો એ પરફેક્ટ જ હશે. આ પરિપ્રેક્ષ્ય સાથે આપણે સંન્યાસને સમજીએ – સંન્યાસની વ્યવસ્થામાં એક સંન્યાસી માટેની એવી વ્યવસ્થા આપી છે કે એનું જે ધ્યેય છે એ માટે આ એકદમ યોગ્ય વ્યવસ્થા છે. મને તો એટલું સમજાય છે કે સંન્યાસને સાચી રીતે સ્વીકારીને જો વ્યક્તિ જીવી જાય, તો જ્યારે એનો સંન્યાસ થાય ત્યારે એની જોડે-જોડે બોધ પણ આવીને ઊભો રહે, જ્ઞાન આવીને ઊભું રહે એવી ગજબની સંન્યાસની વ્યવસ્થા છે, પછી એનો પૂરેપૂરો સંન્યાસ થઈ જાય એ જ ઉપલબ્ધિ છે. જે બીજું બધું છે એ સૌ છૂટી જાય, પરમાત્મા પ્રકાશિત થઈ જાય प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान्…(भ.गी. 2-55) બધું છૂટી જાય, પરમાત્મા પ્રગટ થઈ જાય! તો, સંન્યાસની આવી વ્યવસ્થા છે, એની એક એક વાતોને આપણે થોડી-થોડી સમજીશું.

પહેલી વાત કે સંન્યાસની જે આદર્શ વ્યવસ્થા છે એ ભલે એ કુટીચકથી શરૂ થતી હોય, ત્યાંથી પણ સંન્યાસ શરૂ થાય છે, ઘરમાં રહીને પણ બોધને મેળવવા માટેની તૈયારી થાય છે. એ આદર્શ વ્યવસ્થા કેવી છે કે જે માને છે કે સંન્યાસ એટલે સર્વ ત્યાગ, સમ્યક રીતે ન્યાસ, સમ્યક ત્યાગ; એમાં ચેતના સિવાયની બીજી બધી જ વસ્તુઓનો ત્યાગ છે – પૈસાનો ત્યાગ, ઘરનો ત્યાગ, અધિકારનો, પાવરનો જે બધું હોય એ બધાનો ત્યાગ છે.

આ માર્ગ પર ચાલનારાઓમાં કેવા ગજબના સંતો થઈ ગયા છે;આ માર્ગમાં આવ્યા પછી એકદમ ભિખારીની માફક એ લોકો રહેતા થયા… તપાસ કરતાં પછી ખબર પડે છે કે પૂર્વાશ્રમમાં એ કોઈ ડોક્ટર હતા, કોઈ આઈએએસ (IAS) અધિકારી હતા, રાજા-મહારાજા હતા… એવો કયો વર્ગ હશે જે પોતાનું ક્ષેત્ર છોડીને અને પૂરેપૂરી રીતે અકિંચન થઈને સંન્યાસના માર્ગમાં ના આવ્યા હોય?

સંન્યાસમાં તમારી પાસે જે છે એ બધાંનો તમારે ત્યાગ કરવાનો છે કેમ કે સંન્યાસી એવા માર્ગનો રાહી છે જે एकमेवाદ્વિतीयं ब्रह्म (આખા અસ્તિત્વમાં એકમાત્ર બ્રહ્મ જ છે) ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’, અને, ‘એ બ્રહ્મમાં અને મારામાં કોઈ ભેદ જ નથી’ એવા જ્ઞાન સાથે પુરું થાય છે. એટલે જ એણે આત્મા સિવાય સર્વનો ત્યાગ કરવાનો હોય છે. જો મારી પાસે બીજું પણ કશું છે તો એ વસ્તુ, એ વિચાર મને એટલામાં જ સીમિત કરી દે છે.

કોઇ દિવસ વિચાર્યું છે કે બધાં’ય ઘર તમારા હોઇ શકે? તમે એક ઘરની અંદર રહો છો એની અંદર જે આકાશ, સ્પેસ છે એટલી સ્પેસ તમારી છે, ઘરની બહાર નીકળી જાવ બધું છોડીને તો એ આખી સ્પેસ જે છે એ તમારી છે, આખું આકાશ તમારું છે – આ ત્યાગનું રહસ્ય છે. એવી જ રીતે, જે એક પરિવારને છોડે છે તો બધાં’ય પરિવાર એના હોય, આને જ ‘વસુધૈવ કુટુંબકમ્’ કહ્યું છે, આખી પૃથ્વી એક પરિવાર છે. એટલે, સંન્યાસીએ એવા તત્ત્વનો અનુભવ કરવો છે.

સંન્યાસી એ માર્ગનો પથિક, રાહી છે જે પરમાત્માનો માર્ગ છે, જે એવા તત્ત્વનો માર્ગ છે જે બધી જગ્યાએ છે, સૌની અંદર છે, એવી કોઈ જગ્યા નથી જ્યાં એ પરમાત્મા નથી. એને આ વાતનો વિશ્વાસ કઈ રીતે બેસે જો એ પોતાના ઘરને જ પકડી રાખે, ઘર છોડીને નહીં નીકળે તો?

એટલે, આમ જોઈએ તો એવું લાગે કે આ વ્યવસ્થા કલ્પનામાં પણ ન આવે કે એમાં સંન્યાસીએ બધું જ છોડી દે’વાનું, અને બધું જ લઈ પણ લેવાનું. હજુ ઉત્તર ભારતના પ્રદેશોમાં સંન્યાસી એના ગામમાં જો પાછો જાય તો એ સારું નથી ગણાતું, લોકો એવું વિચારે કે “એ તો સાધુ થઈ ગયો, હવે શું કરવા પાછો આવ્યો?” એટલે, પહેલી શરત એ છે કે એણે બધું જ છોડવું; જે પરિવારને છોડે છે એને ડર લાગે છે કે હવે આપણું કામ નથી, માતા-પિતા કહે કે આપણે એને જન્મ આપ્યો, આપણો છોકરો છે, એને ઉછેર્યો, મોટો કર્યો, એટલું બધું કર્યું, ભણાવ્યો-ગણાવ્યો અને પછી છેવટે સાધુ થઈ ગયો? ‘આ આપણો નહીં થાય’, એવો ડર લાગે છે, પણ ખરેખર એવું નથી, કેમ કે એ સાધુ થશે, તત્ત્વને જાણશે, તો એ પરિવારને સાચો પ્રેમી મળશે, સંન્યાસી થાય તો તમને સાચો પ્રેમ કરનાર મળશે.

જેણે ત્યાગ્યું નથી, જેણે છોડ્યું નથી એનો પ્રેમ સાચો ના હોઈ શકે, કેમ કે એની અંદર કોઈ-ને-કોઈ સ્વાર્થ છે. એટલે, આપણા બધાં’ય સંબંધો કોઈ-ને-કોઈ સ્વાર્થ સાથે જોડાયેલા હોય છે, નહીં તો દસ વર્ષથી પ્રેમ કરતા હોય, સાથે રહેતા હોય અને પરણ્યા પછી એક મહિનામાં છૂટા થઈ જાય? સ્વાર્થમાં કંઈક નડતર આવી જતું હોય, તે દસ વર્ષ પ્રેમ ન્હોતા કરતાં, કોઈ-ને-કોઈ સ્વાર્થ સાથે ભેગા થયા હતા, નહીં તો લગ્નના એક-બે મહિનામાં જ કેમ છૂટા થઈ જાય? પતિ-પત્નીનો પરસ્પરનો પ્રેમ કોઈ-ને-કોઈ સ્વાર્થ સાથે હોય છે. બાપ દીકરાને પ્રેમ કરે છે, કોઈ સ્વાર્થ છે, દીકરો બાપને પ્રેમ કરે છે, કોઈ સ્વાર્થ છે. દરેક સંબંધોમાં કોઈ-ને-કોઈ સ્વાર્થ હોય છે. નિ:સ્વાર્થ પ્રેમ કોને હોય? કે જેને કોઈ જ નથી એ જ કરી શકશે, એ જ ઈમાનદાર હશે જેને પોતાનું કોઈ નહીં હોય.

આપણે જોઈએ છે ને કે દીકરાઓ હોય, દીકરીઓ હોય એવા લોકોને બેઈમાની કરવી જ પડે છે. હમણાં કેટલા એવા સીએમ બિચારા એમના પદેથી ગયા એમના છોકરાઓને કારણે, દીકરીને કારણે, વહુ ને કારણે, કેમ કે એને એ લોકો છોડી નથી શકતા, ક્યાંય ને ક્યાંય જોડાયેલું હોય છે. આપણને ઈમાનદાર વ્યક્તિ ના મળે. આપણા એક ગૃહમંત્રી હતા એ કેટલા વર્ષો એમના પદ પર રહ્યા… અને મુશ્કેલી થઈ ગઈ છોકરા ને હિસાબે. હવે જો છોકરો નહીં હોય તો એણે આવું ના કરવું પડે. એટલે, જેને કશું-ના- કશું હોય એ આપણને સાચો પ્રેમ નહીં કરી શકે, એમાં કોઈ-ને-કોઈ સ્વાર્થ હશે જ હશે.

એટલે, આપણને જો નિ:સ્વાર્થ પ્રેમી જોઈએ તો જેણે બધું જ છોડ્યું હોય, એ જ નિ:સ્વાર્થ પ્રેમ કરી શકે નહીં તો એનું કોઇ આવ્યું તો ત્યાં પક્ષપાત થઈ જાય, અને ખાસ કરીને પૂર્વાશ્રમના લોકો માટે. એટલે જ, સંન્યાસીના પૂર્વાશ્રમમાં જે સંબંધીઓ હોય છે એમને પણ સાચો પ્રેમ કરનાર મળશે ક્યારે? જ્યારે એ બધું છોડશે ત્યારે.

મને ખ્યાલ છે ગુરુજીના આશ્રમમાં એક વખત એમના ભાઈ આવી ગયેલા તો ગુરુજીએ કીધું કે “જુઓ, હું તમને બધી જાતની હેલ્પ કરીશ, તમને માર્ગદર્શન આપીશ, તમને આગળ વધવામાં મદદ કરીશ, પણ આ આશ્રમમાં તમારે નહીં રહેવાનું, તમે બીજી કોઈ જગ્યાએ રહો, કેમ કે મેં એવું જોયું છે કે કદાચ સાધુનો એવો ભાવ ના પણ હોય, તો પણ બીજા લોકોનો તો એવો જ ભાવ હોય કે આ તો સાધુનો ભાઈ છે એટલે એનું બધું સહન કરી લે છે, એમની સામે કશું બોલતાં નથી, કેમ બોલી શકાય? એવું વિચારશે. હા, વ્યવહારિક સંસ્થાઓમાં થાય છે તેમ સાધુઓની સંસ્થાઓમાં પણ એમના સંબંધીઓ આવી જતાં હોય છે, એ ‘સંન્યાસી’ઓ પછી બધાંને સરખો ન્યાય, સરખું વર્તન નથી કરતા, એટલે, સંન્યાસીના પૂર્વાશ્રમના પરિવારને લીધે એના પર્સનલ, વ્યક્તિગત ફાયદાઓ પણ ક્યારે’ક આવી જતાં હોય છે.

સંન્યાસીએ એવા તત્વને સમજવાનું છે કે ‘એ’ પરમ તત્ત્વ સૌની અંદર છે, ક્યાં’ય વધારે છે કે ક્યાં’ય ઓછું છે એવું નથી; એટલે આ વાતને વ્યક્તિગત રીતે પોતાની મેળે સમજવી હોય તો એણે એની સીમાઓમાંથી બહાર નીકળી જવું પડે.

એટલે, ભારતે એવી વ્યવસ્થા આપી કે સંન્યાસમાં સર્વ ત્યાગ હોય – આવી વ્યવસ્થા દુનિયામાં બીજી કોઇ સિસ્ટમે નથી આપી, દુનિયામાં આ વ્યવસ્થા બીજે ક્યાંય નથી, મિશનરીઝ હોય છે, એ ઘર ભલે છોડી દે છે પણ એ બધાંને પગાર મળે છે, અને સારો એવો પગાર હોય છે, અને એના સંબંધો એના પરિવાર-મિત્રો જોડે પણ હોય છે. એટલે, આવી વ્યવસ્થા ભારત સિવાય બીજે ક્યાં’ય નથી, અને ભારતની બહાર પણ સાધુ-સંતોની જે વ્યવસ્થાઓ છે એ અહીંથી જ ગઈ છે બુદ્ધિઝમમાં અને જૈનીઝમમાં જે વ્યવસ્થા ગઈ છે એ પણ ભારતમાંથી જ ગઈ છે.

એટલે, સંન્યાસમાં સૌથી પહેલી જરૂરી વાત છે સર્વ ત્યાગની, એનું આ મહત્વ છે. આવી જ રીતે આપણે દરેક વ્યવસ્થાને ધીમે-ધીમે થોડું સમજીશું, દરેક વ્યવસ્થાની પાછળ આપણા ઋષિઓની ગજબની સમજ છે.

ઓમ તત્ સત્