કોઈ પણ સભ્યતા, કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશના જે બે મુખ્ય કાર્યો હોય છે તે છે લોકોની સુખાકારિતા, વધુમાં વધુ લોકોને માટે સુખ, અને દરેક ક્ષેત્રોમાં વિકાસ; આ બંને વાતો એ સમાજ-દેશના શિક્ષણ ઉપર આધાર રાખે છે, અને એ સંદર્ભમાં આપણે આપણી ભારતની શિક્ષણ વ્યવસ્થા ઉપર વિચાર કરી રહ્યા હતા.

પાશ્ચાત્ય ઓપવાળી આજની શિક્ષણ વ્યવસ્થા આપણા જીવનને અને સમાજ જીવનને જે રીતે એક દિશા આપી રહી છે એ આખી વ્યવસ્થા તો માત્ર ૨૦૦-૨૫૦ વર્ષોની જ છે, એની શિક્ષણ વ્યવસ્થા જે રીતે આજની સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરી રહી છે એમાં બધાં માટે શિક્ષણ સહજ રીતે સુલભ હશે એવું નહીં રહેશે. આવનારા દિવસો અને પરિસ્થિતિમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું ઘણા માટે અઘરું થતું જશે. આજે કોઈએ મેડિકલ સાઈન્સમાં mastersની ડિગ્રી મેળવવી હોય તો એણે રૂ. બે કરોડથી-અઢી કરોડની વ્યવસ્થા પહેલા જ કરી લેવાની હોય છે.

આજે ઘણા એવા દેશો છે જે વિકસિત કહેવાય, ત્યાં ખૂબ વિકાસ થયો છે તે છતાં ત્યાં પણ ઉચ્ચ શિક્ષણ (higher education) મેળવવું બધાં માટે સુલભ નથી કારણ કે એ ખૂબ જ મોંઘુ છે, અને તેથી શક્ય જ નથી કે એવું શિક્ષણ બધાં લઇ શકે. અને માનો કે જે કોઈ આવું મોંઘુ શિક્ષણ પૂરું કરીને નીકળે છે, તો એ એની સાથે એવા શિક્ષણ માટે લીધેલી લોનનો બોજો પણ સાથે લઈને જ નીકળે છે – અમેરિકાની વાત કરીએ તો ત્યાંના ઉચ્ચ શિક્ષણવાળા દરેક વિદ્યાર્થી ઉપર ૫-૧૦ લાખ ડોલર જેટલી લોનનો બોજો, દેવું માથે હોય છે. આ વિદ્યાર્થી જયારે સમાજમાં પગ મૂકે છે ત્યારે એ આટલો મોટો બોજો લઈને સમાજમાં આવે છે; તો, આવી વ્યક્તિનો સૌથી પહેલો વિચાર શું હશે? કે, મારે તો સૌથી પહેલા મારી લોન ભરવાની વ્યવસ્થા કરવી પડશે, એ આ જ વિચારશે.

કોઈ વિદ્યાર્થી વકીલનું ભણ્યો હોય, ડોક્ટરનું ભણ્યો હોય, એન્જિનિયરનું ભણ્યો હોય… તો આવા દરેક વિદ્યાર્થીઓ પોત-પોતાને માથે મોટા દેવાનો ભાર લઈને જ આવશે. એક સર્વેક્ષણ મુજબ, અમેરિકાના લગભગ ૪.૪ કરોડ વિદ્યાર્થોએ ૨૦૧૭ સુધીમાં લીધેલી લોનોનો આંકડો અમેરિકાની સરકારને માથે લગભગ USD૧.૩ trillion જેટલો થઇ ગયો છે. સરેરાશે દરેક વિદ્યાર્થીને માથે ૩૭,૧૭૨ ડોલર છે – જે એક અમેરિકન ડોલરના રૂ.૬૬ના ભાવે રૂ.૨૪.૫૫ લાખ થાય. વિદ્યાર્થીઓ આટલી બધી લોન પરત ન કરી શકતા હોવાથી, આ આંકડો ત્યાંની સરકાર માટે, એ સમસ્ત સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે.

હવે તમે વિચાર કરો કે જે ડોક્ટરને માથે આટલું મોટું દેવું હોય, એ સવારે ઉઠીને શું પ્રાર્થના કરશે? એ જ ને કે, હે! ભગવાન, મારું દવાખાનું સારી રીતે ચાલે, મારી હોસ્પિટલ સારી ચાલે, કોઈ બેડ ખાલી ના હોય; જો કોઈની pathological laboratory હોય તો એ પણ એવી પ્રાર્થના કરશે કે એની લેબ ધમધોકાર ચાલે…કારણ કે એ લોકોએ મોંઘા શિક્ષણ ઉપરાંત દવાખાનું, હોસ્પિટલ કે લેબ ઉભી કરવા માટે પણ લાખો રૂપિયા નાંખ્યા હોય, એ શું પ્રાર્થના કરતા હશે? દવાની કંપનીવાળા કે દવાના સ્ટોરવાળા શું પ્રાર્થના કરતા હશે?

હવે, સમાજના સ્વાસ્થ્યના ક્ષેત્રના આટલા બધાં લોકો એવી પ્રાર્થના કરતા હોય કે એમના ધંધા સારા ચાલે, એ તો ત્યારે જ શક્ય બને કે જ્યારે મારા-તમારા જેવા માંદા પડે, લોકો બીમાર થાય અને સારવાર માટે એમની પાસે જાય. તો, એ સમાજમાં પ્રજા કઈ રીતે સ્વસ્થ રહેશે? એવા સમાજમાં લોકો સ્વસ્થ રહે એ શક્ય જ નથી, કેમ કે લોકો સ્વસ્થ રહે એમાં એ લોકોને નુક્શાન થાય, એમાં એ લોકોનું અહિત થવાનું છે, હિત નથી થવાનું; એ ક્ષેત્રના લોકોનું હિત તો ત્યારે જ છે કે જ્યારે પ્રજા ખૂબ બીમાર થાય, બીમાર રહે.

ભૌતિકતા અને નકરા પ્રોફિટ ના મૂળ આધારે જ જે સમાજ ઉભો થયો છે, એ સમાજમાં તો ગુનેગારોને માટેની જેલો પણ પ્રાઈવેટ સેક્ટરમાં હોય છે, નિજી ક્ષેત્રના ધંધાર્થીઓના હાથમાં હોય છે, સરકારના હાથમાં નહીં તેથી એ જેલોએ પણ પ્રોફિટ કરવા જોઈએ. એટલે, જેલો પણ અંદરખાને જજોને influence કરતી હોય છે કે ગમે તેમ પણ વધારે કેદીઓને મોકલો, કેમ કે પોતાનું કામ બીજા પાસે કરાવવું હોય તો બીજાને પૈસા તો આપવા પડે, તેથી ત્યાંની સરકાર જે લોકો જેલો ચલાવતા હોય એને હજારો ડોલરો આપે છે! આમ, અમેરિકામાં તો જેલનો ધંધો પણ પ્રોફિટેબલ બિઝનેસ છે. હવે, જ્યાં જેલો જ આવી પ્રાર્થના કરતી હોય ‘કે એને ત્યાં વધારે કેદીઓ આવે’ તો ત્યાંની પોલીસોને પણ લાભ થાય, કેમ કે એ સમાજમાં કોઈ ઝગડો ના કરે એવું કેમ બને?

આવું તો ત્યાં દરેકે-દરેક ક્ષેત્રમાં છે. આવી બધી ‘પ્રાર્થનાઓ’થી સમાજને સુખ ના હોય, એ સમાજના લોકોના કર્મો, પ્રયત્નો સુખાકારી માટેના ના હોય. એટલે, જે સમાજની વ્યવસ્થા બહારથી આમ એકદમ ચટક-ભટકવાળી દેખાતી હોય એ બધી વ્યવસ્થાઓ આમ અંદરથી ડરામણી/ બિહામણી હોય છે, એવી વ્યવસ્થાથી એ સમાજના લોકો હચમચી ગયા છે. આમ તો હવે ત્યાં દરેકે-દરેક ક્ષેત્રોમાં થતું જાય છે કે વધતું જાય છે.

થોડા દિવસો પહેલાં હું એક ડોક્ટરના પ્રવચનનો વિડીયો જો’તો હતો; એ ડોક્ટર કહેતા હતા કે ભારતમાં ૧.૧૦ કરોડ લોકો ડાયાબિટિક છે, અને આજની પરિસ્થિતિ, જીવન-શૈલી, ખાન-પાન વિગેરેથી દર વર્ષે એટલા જ કે એથીય વધારે નવા ડાયાબિટિસવાળા દર્દીઓ તૈયાર થતા જાય છે. કઈ રીતે? એ ડોકટરે ડાયાબિટિસની એક દવા ‘સ્ટેટીન’ (statin)નું નામ લીધું, અને જણાવ્યું કે લોહીમાં કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેની આ દવા જે ડાયાબિટિસના દર્દીઓ લે છે એમાંથી ૧૦ ટકા લોકોમાં ૬-૧૨ મહિનામાં type-2 ડાયાબિટીસની રિસ્ક (risk) વધી જાય છે, પછી એને હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવવાની વાત થવા માંડે. કહેવાય છે કે statinની દવા બનાવતી કંપનીઓનું આયોજન છે કે સમાજમાં ૧૦૦ ટકા લોકો એમની આ statin દવા લેતા થાય.

મને એક ભાઈ મળેલા, એ ભાઇ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેની દવા લેતા હતા. મેં પૂછ્યું ‘‘કેમ દવા લો છો?’’ કહે, ‘‘ડોકટરે કીધું છે કે તમારે દવા લેવી જોઈએ.’’ ‘‘તમને કોલેસ્ટ્રોલ આવ્યું છે? કેટલું છે?’’ એ એ કહે, ‘‘૧૮૦ની આજુબાજુ છે; ડોકટરે કીધું છે કે તમે બોર્ડરલાઈન પર છો, તેથી તમે દવા લો તો સારું, નહીં તો ૨-૩ વર્ષે પછી લેવી જ પડશે, કોલેસ્ટ્રોલ વધી જાય, તમે ક્યાંક અચાનક કોલેપ્સ થઇ જાવ (બેભાન થઇ પડી જાવ), એકદમ ઈમરજન્સી આવી પડે, તમારું હાર્ટ ફેલ થઇ જાય,એના કરતા અત્યારથી આ દવા લેવી સારી.’’

હવે, પેલા વિડીયોવાળા ડોકટરની વાત કરીએ, તો (વિડીયોમાં) એ કહેતા હતા કે મને સમજાતું નથી કે કોલેસ્ટ્રોલ જેવી વસ્તુ જ શું છે? (નોંધ -કોલેસ્ટ્રોલ વિષેની સમાન્ય સમજ માટે જો ઇન્ટરનેટ પર તપાસ કરીએ, તો ત્યાં મળતી માહિતી મુજબ શરીરના કોશો ફરતે રહેલા જે મેમ્બ્રેન્સ છે એ સ્વસ્થ રહી સારી રીતે કાર્યરત રહી શકે એ માટે એમાં કુદરતી રીતે જ બનતું એક પ્રકારનું જે સ્ટેરોઈડ છે, તેને મેડિકલ ભાષામાં કોલેસ્ટ્રોલ કહે છે. (સ્રોત – https://www.medicinenet.com)

સામાન્ય ભાષામાં સમજીએ તો કોલેસ્ટ્રોલ એ કુદરતી રીતે શરીરમાં બનતું તત્ત્વ છે, એ આપણા શરીર માટે સારું છે; પરંતુ એ કોલેસ્ટ્રોલ શરીરમાં કુદરતી રીતે કેવી રીતે, કેટલું બને છે, કેટલું હોવું જોઈએ, તેથી કોલેસ્ટ્રોલ વધારે એટલે શું…એ બધી આવશ્યક માહિતી મહદંશે કોઈને ભાગ્યે જ ખબર હશે. ડોકટરો એમના પેશન્ટોને ડરાવવા માટે કોલેસ્ટ્રોલ વિષે જાત-જાતની ડરામણી વાતો કહેતા હોય છે,એ બધું એમના ફાયદા માટે, અને ડોક્ટરો આ માટે statin જેવી દવા વધુ-ને-વધુ પેશન્ટોને prescribe કરે, લખી આપે; એમાં એવી દવા બનાવતી કંપનીઓનું પણ હિત છે.

પેલા ભાઈ મને કહે, ‘‘ડોકટરે મને કીધું કે તમે પહેલા તો નિશ્ચિંત થઇ જાવ, તમે આ દવા લો.’’ મને એક ડોકટરે કહેલું કે સફળમાં સફળ ડોક્ટર કોણ? તો કહે, જે ડોક્ટર પેશન્ટને વધારે બિવડાવી, ડરાવી શકે એ ડોક્ટર સૌથી વધું સફળ ગણાય. તમે વિચાર કરો, ડોકટરો હવે કેટલા બધા હોંશિયાર હોય છે કે માત્ર એન્જાઈના (angina)ની (કોઈ કારણસર હૃદયમાં ઓક્સીજન-યુક્ત સારાં લોહીના થોડા ઓછા થયેલા પ્રવાહને કારણે થતી બેચેની, હૃદયમાં કે શરીરમાં થતા દુ:ખાવાની) નાની ફરિયાદ લઈને ડોક્ટર પાસે ગયો હોય… અને એ દાદરો ઉતરે તો બાયપાસનું ઓપરેશન કરાવીને આવ્યો હોય!!!

તમે કલ્પના તો કરો, સમાજમાં લોકો કેવા હોશિયાર બની ગયા છે? ડોક્ટર કારણ-અકારણે દોડાવે એટલે એક જ દિવસમાં રૂ.બે લાખથી અઢી લાખની વ્યવસ્થા થઇ જાય છે; બીજું જે ‘આવશ્યક’ હશે, એ પણ થઇ જાય… આવું, આટલું પ્રોફિટેબલ બીજો કોઈ બિઝનેસ હોઈ શકે?

આપણા એક સાધક ડોક્ટર છે, સમીર નામ છે એમનું, એ endocrinologist (શરીરમાં હોર્મોન્સને લગતી ચિકિત્સા, નિદાન માટેના ડોક્ટર) છે; એક દિવસ મેં એમને પૂછ્યું કે ‘‘ભાઈ, સમીર, ડોકટરો કોલેસ્ટ્રોલના ૧૮૦ના આંક પર કેમ દવા આપે છે?’’ એણે કીધું, ‘‘સ્વામીજી, દવા બનાવતી કંપનીઓ અને ડોકટરોની એવી સહ-યોજના છે કે ૧૦૦% લોકો કોલેસ્ટ્રોલના દાયરામાં આવે, અને એને લગતી બધી દવાઓ લેતા થાય.’’

ડો.સમીરના કહેવા મુજબ, થોડા વર્ષો પહેલા ડોક્ટરોએ કોલેસ્ટ્રોલનો આંક ૨૫૦ unit રાખ્યો હતો, જે એની બોર્ડેરલાઈન પણ રાખેલી; પછી એ આંક ઘટાડીને ૨૦૦ કર્યો; હવે, ડોકટરો ૧૭૦-૧૮૦ નો આંક દેખાય એટલે દવાની શરૂઆત કરી ‘દે છે. હવે, ૧૭૦-૧૮૦ સુધીનું કોલેસ્ટ્રોલ લેવલ તો નોર્મલ વ્યક્તિને પણ હોય છે; અને, આટલા જ આંકમાં કોઈ વ્યક્તિ દવા લેતો થઇ જાય એટલે, એમાંથી ઘણા ખરાં લોકો એકાદ વર્ષમાં જ ડાયાબિટીક થઇ જવાના. આવી દવાની આડઅસરને લીધે થતા ડાયાબિટીસથી એ લોકોને જાત-જાતની બીમારીઓ થવા માંડે – કિડની ફેલ થાય, લીવર ખરાબ થાય, BPની બીમારી, આંખની બીમારી, હૃદયની બીમારી બધી વારાફરથી થવા માંડે.

એટલે, તમે કલ્પના કરો કે સામાન્ય માણસ આ લોકોના (દવા બનાવતી કંપનીના, ડોક્ટરોના) બિઝનેસનો કેવો ‘હાથો’ સાધન, means બની ગયો છે. આ પરિસ્થિતિ આજના શિક્ષણની કહી શકાય, તેમ છતાં ૧૦૦% વાંક, દોષ કાંઈ બધાં ડોકટરોનો નથી, કારણ કે એમને એવું જ ભણાવવામાં આવે છે, તેથી એ લોકો આ દિશા અને આવી વાતો સિવાય બીજું વિચારતા જ નથી.

આ શિક્ષણ વ્યવસ્થા ૨૦૦-૨૫૦ વર્ષની પશ્ચિમી સંસ્કૃતિ અને એની બધી વ્યવસ્થાને અનુસરે છે. પશ્ચિમના ભૌતિકવાદની જે બધી વ્યવસ્થાઓ ઉદ્ભવી છે એ તો માંડ ૨૦૦ વર્ષ, કે એથીય ઓછા વર્ષની હશે, જયારે આપણી ભારતીય સંસ્કૃતિ તો હજારો વર્ષોની છે, એમાં લાખો લોકોના અનુભવો છે અને એ એવા લોકો જે માત્ર પરાર્થનો જ વિચાર કરતા હતા, લોકોના હિતનો જ વિચાર કર્યો છે એમણે, નહીં કે સ્વાર્થનો. એ લોકો સાદું જીવન જીવતાં હતા, જંગલોમાં રહીને, ફળ-ફળાદિ ખાઈને, તપસ્યા કરીને, જાત-જાતની વનસ્પતિઓની સમજ, ઓળખ, ઉપયોગિતા મેળવી… આવા લોકો, આવા ઋષિઓ આપણા ખરા વૈજ્ઞાનિકો હતા, એ લોકો આપણા વૈદ્ય અને ડોકટરો હતા.

આપણે, આપણી વિશાળ, બૃહદ સંસ્કૃતિની મહત્ત્વની એવી શિક્ષણ વ્યવસ્થા ઉપર વાત કરતા હતા. એ વ્યવસ્થા ગુરુકુળ પધ્ધતિની હતી, એમાં વિદ્યાર્થી ગુરુકુળમાં જ રહેતો હતો, એને શિક્ષણ નિ:શુલ્ક અપાતું હતું, અને સૌથી મહત્ત્વની વાત તો એ કે એ વ્યવસ્થા કોઈથી પણ પ્રભાવિત ન્હોતી, કે કોઈના પણ દબાણમાં ન્હોતી – ના તો ધનપતિઓના, ના તો રાજશાસનના. આનું એક મહત્ત્વનું કારણ એ હતું કે જો શિક્ષણ વ્યવસ્થા કોઈ ધનપતિઓથી પ્રભાવિત હોય તો એ વ્યવસ્થાએ એમના જ ફેવરમાં એમને અનુકૂળ આવે એવું જ શિક્ષણ ભણાવવામાં આવે; જો સરકારના-રાજતંત્રના પ્રભાવમાં હોય તો એ લોકોની વિચારધારા પ્રમાણે જ ભણાવવામાં આવે. આજના ચીનની વાત કરીએ તો એ સામ્યવાદી દેશમાં અધ્યાત્મ, ભગવાન, પરમાર્થ જેવી વાતો નહીં ભણવા દે, કેમ કે આવી વાતો, આવા વિચારો તો communismની તદ્દન વિરુદ્ધ છે.

શિક્ષણ વ્યવસ્થા રાજ-તંત્રથી વેગળી, અલગ વ્યવસ્થા હતી, અને આપણને એના ઘણા બધા ફાયદાઓ પણ થયા છે જે તરફ આપણું ધ્યાન ક્યારે’ય જતું નથી. આપણા ઋષિઓએ સમાજમાં એવી વ્યવસ્થા કરી હતી કે શિક્ષણ, ધનોપાર્જનના કાર્યો, ધર્મ અને અધ્યાત્મની વ્યવસ્થાઓ બધી અલગ-અલગ રાખેલી, એ બધી વ્યવસ્થાઓને ભેગી ન્હોતી કરી.

સમાજમાં એવી પણ વ્યવસ્થાઓ હતી કે જે-તે સમુદાયો હોય, કાર્યોને અનુરૂપના સમુદાયો હોય એ સમુદાયનો એક વડો (chief) હોય જેમ કે પટેલ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, ક્ષત્રિયોનો સમાજ હોય, એ વડો પોતાના સમાજની દેખરેખ રાખતો, કોને ક્યાં પરણાવું, કઈ રીતે પ્રસંગો પાર પાડવા, સમાજમાં કોઈને અડચણ-દુઃખ આવે તો એને મદદ કરવી, વિગેરેના નિર્ણયો વડા લેતા હતા.

રાજ-તંત્રની જવાબદારી હતી લોકોમાં અનુશાસન રાખવું, લોકોની, સમાજની રક્ષા કરવી, આવશ્યક કર ઉઘરાવવો, રાજ્યની સમસ્ત વ્યવસ્થા રાજા સંભાળતા, એ બધી જવાબદારી રાજા પાસે હતી; જ્યાં સુધી કોઈ એક વ્યવસ્થા બીજી વ્યવસ્થાને નુક્શાન ના કરે ત્યાં સુધી રાજા એમાં દખલ ન્હોતા કરતા, રાજા કોઈને એવું ન્હોતા કહેતા કે તમારે આ જ વિચારધારા અપનાવવી, આ જ ધર્મનું પાલન કરવું, અમુક કરવું, અમુક નહીં કરવું એવું કશું નહીં કહેતા. સમાજમાં લગ્ન વિગેરેની બાબતો પુરોહિતોનું કામ હતું, ઋષિઓનું કામ હતું, ના કે રાજાનું.

 અધ્યાત્મની વ્યવસ્થા અને એની જવાબદારી સંન્યાસીઓ પાસે હતી, એ પણ અલગ જ હતી. આ બધી વ્યવસ્થાઓ અલગ-અલગ હોવાથી કોઈ એક વ્યવસ્થામાં કાંઈ ઉથલ-પાથલ થઇ હોય, તો બીજી વ્યવસ્થાઓમાં કોઈ ખાસ અસર ન્હોતી થતી. આવી જુદી-જુદી વ્યવસ્થાઓને કારણે દરેક વ્યવસ્થાઓનો વિકાસ એની રીતે ચાલુ રહેતો. આ જ મુખ્ય કારણ છે કે આપણા દેશમાં કેટ-કેટલા હુમલાખોરો આવ્યા તો પણ ઘણા સૈકાઓ સુધી આપણે ટકી શક્યા હતા… પરંતુ, જયારે રાજ-તંત્ર અને ધર્મ-તંત્ર એક થયાં ત્યારે આપણી સઘન-સબળ સમાજ વ્યવસ્થા નબળી પડી, આપણે શક્તિ-વિહીન જેવા થયાં, કમજોર થયા, જેને કારણે પછીના સૈકાઓમાં હુમલાખોરો આપણા ઉપર રાજ કરતા થયા, આપણે બીજી સત્તાઓના ગુલામ બની ગયા હતા.  

 

સુવ્યવસ્થિત સમાજ વ્યવસ્થા અને રચનાને કારણે એક સમયે ભારત દેશ એટલો સક્ષમ હતો કે આ દેશે સિકંદર જેવા આતતાયીને મા’ત આપી, હરાવી પાછો મોકલ્યો હતો. ત્યારે રાજ અને ધર્મ તંત્રો જુદાં-જુદાં હતાં. ત્યાર પછીના સૈકાઓમાં આ જ સક્ષમ દેશ એવો વિભાજીત અને નબળો બની ગયો હતો કે માત્ર ૩,૦૦૦ ઘોડેસવારો સાથે આવનાર બાબર છેક દિલ્લી સુધી પ્હોંચી ગયો!! આ દેશને ત્યારે નબળું બનાવનારું જે સૌથી મોટું અને નબળું કારણ હતું રાજા અશોક. આ જ રાજા અશોક એક મહાન ક્ષત્રીય રાજા હતો જેણે અમુક યુદ્ધો પછી એનો પોતાનો ધર્મ બદલી નાંખ્યો, એણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો – રાજ-તંત્ર અને ધર્મ-તંત્ર ભેગાં થઇ ગયા, જેને કારણે એનું અડધાથી પણ વધારે સૈન્ય, એની જે સશક્ત સેના હતી એ પણ બુદ્ધ-અનુયાયી બની ગઈ, અડધાથી પણ વધારે સૈનિકો બૌદ્ધ ભિક્ષુક બની ગયા. રાજ-તંત્ર અને ધર્મ-તંત્ર એક થવાના દુષ્પરિણામો  એ હજારો વર્ષો પછી પણ આપણે પ્રત્યક્ષ જોઈએ અને અનુભવીએ પણ છીએ. આજના તિબેટમાં જે ધર્મગુરુ છે એજ ત્યાંનો રાજા પણ છે. હવે, વિચાર કરો, રાજ તંત્ર અને ધર્મ તંત્ર એક થયે કઈ રીતે ચાલે?

ધર્મગુરુનો હાથ એ અભય વરદાન હોય, અને રાજાના હાથમાં સમાજના સંરક્ષણ માટેનો ડંડો. હવે જો ધર્મગુરુ જ આ સંરક્ષણનો ડંડો લઇ લે, હાથમાં તલવાર લઇ લે, બંદુક લઇ લે, તો પછી ત્યાં એ સમાજના ધર્મનું શું થશે? એ જ થશે જે અત્યારના સમયમાં સિરિયા અને ઈરાકમાં થઇ રહ્યું છે. રાજ-તંત્ર પાસે ગન અને સાથે-સાથે ધર્મ પણ જો આવી જાય તો પછી એ જ રાજા એવું કરતા થઇ જાય કે જે એમનો ધર્મ નથી પાળતા તો એને ખતમ જ કરે, એમના ધર્મના વિરોધીઓને મારતા જાય, કાપતા જાય; અને પછી જે લોકો મરણથી બચવા આવી રીતે બળજબરીથી વટલાઈ જાય છે એમને પછી રાજ્ય તરફથી અભય વરદાન પણ મળે!! જો આવું થાય તો પછી રાજ્યનું શું થશે?

સૈકાઓથી તે છેક વીસમી સદી (૧૯૫૦) સુધી તિબેટ એક સ્વતંત્ર દેશ હતો; ત્યાં પહેલાં મંગોલ લોકોનું રાજ હતું, ત્યાર પછી ત્યાં બૌદ્ધ લામાઓએ પણ ઘણા વર્ષો સુધી શાંતિપૂર્ણ ધર્મ અને રાજકારભાર ચલાવ્યો હતો. હવે, જે સમાજના લોકો અને એમના રાજ્યકર્તા બંને લામા, બધાં જ બૌદ્ધ ધર્મ પાળે, તેથી ત્યાં કોઈના હાથમાં કોઈ શસ્ત્ર જ ન્હોતું, ત્યાં બધાં જ લામા થઈને બેઠાં છે તેથી ત્યાંના મઠો, ધર્મ વિગેરેનું રક્ષણ કઈ રીતે કરી શકે? બસ, આ જ કારણે ૧૯૫૦થી ચીનના રાજકારણીઓ તિબેટ ઉપર પોતાનો હક્ક છે કહી તિબેટને ધમકાવતું આવ્યું છે. બૌદ્ધ તિબેટને સામ્યવાદી ચીન પોતાના હસ્તક લેવા ખૂબ દબાણ કરે છે. સામ્યવાદી ચીન તરફથી પોતાની જાતને બચાવવા માટે ત્યાંના બૌદ્ધ સમાજ અને એમના ધર્મગુરુ આજના ૧૪મા દલાઈલામા છેક ૧૯૬૦થી ભારતમાં શરણ લઇને આવી ગયા છે, અહીંથી જ તેઓ તિબેટને ચીનના દમનથી બચાવવાના અથાક સામાજીક, રાજકીય, વૈશ્વિક પ્રયત્નો કરતા જ રહ્યા છે, તો પણ ચીન પોતાની સત્તાનું દબાણ વધારતું જ જાય છે.

બસ, આ જ કારણે આપણા ઋષિઓએ ધર્મ-સત્તા અને રાજ-સત્તા બંને જુદી-જુદી રાખેલી; જો બંને એક થાય તો ક્યાં તો રાજ્યનો નાશ થાય, અથવા તો ધર્મનો નાશ થાય. બંને સત્તાઓ જુદી રાખવાથી એક બીજો પણ ફાયદો એ થાય છે કે કોઈ કારણસર રાજતંત્ર જો બગડે છે, નબળું બને છે તો પણ ધર્મનું જે તંત્ર છે એ સ્વતંત્ર હોઈ એનો જે વિકાસ થવો જોઈએ એ સ્વતંત્ર રીતે ચાલુ રહી શકે છે. આ જ કારણે આપણે ત્યાં કેટ-કેટલાં રાજાઓ આવ્યા અને ગયા, ઘણી વખત રાજ્યતંત્ર બગડ્યું પણ હતું, તો પણ ધર્મ અને અધ્યાત્મનો વિકાસ ચાલુ રહી શક્યો હતો. વિદેશી સત્તાઓ પણ આવી એ અરસામાં પણ આપણે ત્યાં કેટલા મહાન સંતો, આત્મસાક્ષાત્કારી લોકો થયા છે; ઘણા કપરા કાળમાં આખી દુનિયાને દિશા આપી શકે એવા અધ્યાત્મનો વિકાસ ભારતમાં થઇ શક્યો હતો, કેમ કે એ સાધુ-સંત સમાજના લોકો બીજી સત્તાઓથી સ્વતંત્ર અને અલિપ્ત રહ્યાં હતાં જેને કારણે તેઓ ધર્મ અને અધ્યાત્મના વિકાસનું કાર્ય કરતા રહ્યા.

તમે વિચાર કરો કે જો રાજ્યની ઉથલ-પાથલને કારણે દેશના સંશોધન કેન્દ્રો બંધ થઇ જાય, કોઈ પણ ક્ષેત્રોમાં કોઈ જ રિસર્ચ જ ના થાય, તો એ દેશનું શું થશે? એ દેશમાં કોઈ પ્રકારનું સંશોધન થવું ખૂબ અઘરું થઇ જાય, ક્યારે’ક નહીંવત થઇ જાય. (નોંધ: વિદેશી સત્તાઓથી સ્વતંત્ર ભારતમાં પાંચ-છ દાયકાઓ થયા છતાં અહીં જોઈએ એટલી રિસર્ચ, સંશોધનો કરવાનું સરળ નથી બન્યું; બીજી તરફ, બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૧૯૪૫) દરમિયાન હારેલા જાપાન અને જર્મનીમાં વિવિધ ક્ષેત્રોમાં ખૂબ સંશોધનો થયાં હતાં; ત્યાંના કથળેલા સમાજ બે-ત્રણ દાયકાઓમાં તો ફરી ઉભા થઇ ગયા તાં; અને પાંચેક દાયકાઓમાં તો વિશ્વમાં ઘણા આગળ પણ આવી ગયા હતા)

મહદંશે, રાજતંત્રની ઉથલ-પાથલ છતાં આપણે ત્યાં અધ્યાત્મ અને ધર્મના ક્ષેત્રનો વિકાસ સ્વતંત્ર હોવાને કારણે ચાલુ રહી શક્યો હતો. સત્તરમી સદીના મુસલમાનોના ભારતના છટ્ઠા રાજા ઔરંગઝેબ (૧૬૫૮-૧૭૦૭) જેવા ક્રૂર શાસક કે જેને માટે કહેવાય છે કે એને રોજે અમુક મણ જનોઈ જોઈતી હતી, એટલે કે એટલી જનોઈ પહેરવાવાળા લોકો ક્યાં તો મુસલમાન થઇ જવા જોઈએ અથવા તો એમની કતલ થઇ જવી જોઈએ. ઔરંગઝેબ અને એના જેવા ક્રૂર મુસલમાન રાજાઓના સમયમાં પણ બંગાળમાં ચૈત્યન્ય મહાપ્રભુ (૧૪૮૬-૧૫૩૪) થયા હતા; અલ્હાબાદ નજીક સંત કબીર (૧૫મી સદી) અને તુલસીદાસજી (૧૬મી સદી) થયા, પંજાબમાં ગુરુ નાનકજી થયા (૧૫-૧૬મી સદી), દક્ષિણમાં વૈષ્ણવ અને ભક્તિ સંપ્રદાયના પ્રણેતા રામાનુજાચાર્યજી (૧૨મી સદી) થયાં; મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર (૧૩મી સદી), સંત તુકારામ (૧૭મી સદી), સંત એકનાથ (૧૬મી સદી) જેવા ભક્ત-સંતો થયા… કેમ કે એ લોકોએ બધાથી અલિપ્ત રહીને પોતાનું, પોતાના ક્ષેત્ર ધર્મ-અધ્યાત્મના વિકાસનું કામ ચાલુ રાખ્યું હતું. આનાથી જે એક મોટો ફાયદો થયો તે એ કે ‘આપણું શરીર’ – ભારતના આર્થિક, ઔદ્યોગિક, અને સામાજીક વ્યવસ્થાઓ – એ સમયમાં બગડ્યું તો હતું, પરંતુ ‘આપણો આત્મા’ – આપણો ધર્મ – બચી ગયો, જળવાઈ રહ્યો.

સમાજના સર્વાંગીણ વિકાસ માટે આવી સુંદર વ્યવસ્થા આપણા ઋષિઓએ આપણને આપી હતી. આપણે શિક્ષણ-વ્યવસ્થાની વાત કરી અને એ સમજ્યા કે આ વ્યવસ્થા તદ્દન સ્વતંત્ર હતી, કોઈના પણ દબાણમાં ન્હોતી અને આ વ્યવસ્થા ઋષિઓના હાથમાં હતી, એવા ઋષિઓ કે જેમને માત્ર માનવતાનું હિત જ મહત્ત્વનું હતું; એ ઋષિઓને જીવનની સમજ હતી, કે જીવન શું છે, અને એમનું પોતાનું જીવન દર્શન (philosophy) પણ હતું. એ ઋષિઓ પોત-પોતાની સાધના દ્વારા સમજ્યા હતા કે જીવનના મૂળમાં આત્મા છે, શાશ્વત ચૈતન્ય છે એનું એમને જ્ઞાન હતું. જ્યાં સુધી વ્યક્તિને શાશ્વત આત્માનો સાક્ષાત્કાર નહીં થશે, ત્યાં સુધી એના જીવનની પૂર્ણતા નથી, એમને આ વાતનો પાકો અનુભવ હતો.

આવાં ઘણા કારણોને લીધે એ લોકોનું શિક્ષણ જ એ પ્રકારનું હતું કે ધીમે-ધીમે માણસને શાશ્વત સુખ તરફ લઇ જાય, શાશ્વત શાંતિ તરફ લઇ જાય. આની સરખામણીમાં આજનું શિક્ષણ તદ્દન વિપરીત કહી શકાય એવું છે, આજની શિક્ષણ વ્યવસ્થામાં જીવન પ્રત્યેની કોઈ સમજ જ નથી, આત્મા, એના જ્ઞાન વિગેરેની કોઈ સમજ જ નથી. આ વ્યવસ્થામાં માણસની અંદર અસંતોષ કઈ રીતે ઉત્પન્ન કરી વધારવો, એને કઈ રીતે બહેકાવતા રહેવું, એ જ મહત્ત્વનું છે. આજનું ઔદ્યોગિક તંત્ર પણ એ જ પ્રકારનું છે કે બે-ચાર વરસમાં તો વસ્તુ નકામી જ થઇ જાય – પછી એ ગાડી હોય, ફ્રિજ હોય, ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય બધું જ બે-ચાર વરસમાં જૂના અને નકામા થઇ જાય.

મારી પાસે એક જુનું iPad હતું; એક દિવસ એમાં youtube આવતું અચાનક બંધ થઇ ગયું. મેં એક સાધકને કીધું કે એને સરખું કરાવો, તો એ કહે ‘‘સ્વામીજી, હવે આ નહીં ચાલે, આ તો 2nd જેનરેશનનું છે અને હવે તો 7th જેનરેશનના iPad આવી ગયાં છે.’’ આમ જોઈએ તો એ iPadને બીજું કશું થયું ન્હોતું, તો પણ મારે હવે એને કચરામાં ફેંકી જ દેવું પડે, બીજો કોઈ જ ઉપાય ન્હોતો. હવે, જે વસ્તુ જૂની થાય, કામમાં ના આવે તો નવું તો ખરીદવું જ પડે. આમ તો લાખો લોકોએ કરવું પડે, અને જેને માટે ખાસ જરૂરનું હોય એણે તો પછી નવું ખરીદવું જ પડે. બસ, આવી જ રીતે લોકોમાં વિના કારણે આવશ્યકતા ઉભી કરવી, ‘‘નવું જોઈએ, નવું શું છે’’નો એક પ્રકારનો અસંતોષ ઉભો કરવો એ જ આજની વ્યવસ્થાના લોકો કરતા હોય છે.

તમે વિચાર કરો, કેટલા બુદ્ધિશાળી લોકો છે!! કોઈ નવા ઉપકરણ કે નવી ગાડી માટે મારી અંદર અસંતોષ ઉભો કરવા માટે કેટલા લોકો લાગ્યા છે? માત્ર આ જ વાત – મારી અંદર અસંતોષ ઉભો કરવાની વાત – એમણે માંડ ૩૦ સેકન્ડમાં કરવાની હોય; એ માટે આકર્ષક ડોકયુમેન્ટરી તૈયાર કરે, અને એ ૩૦ સેકન્ડમાં મારી અંદર એવી ઈચ્છા જગાડે કે મને તો એમ જ થાય કે હા, મારે આ વસ્તુ તો લેવી જ છે. તમને ખબર જ હશે કે એ ૩૦-સેકન્ડની ડોકયુમેન્ટરી માટે કંપનીવાળાઓએ કરોડો રૂપિયા ખર્ચ્યા હોય; કેટલા intelligent લોકો લાગેલા હોય જે ૨૪ કલાક આ જ કામ કરતા હોય, જાત-જાતની રીતે લોકોમાં અસંતોષ ઉભો કરવાનો, એમને બીજું કોઈ કામ જ ના હોય.

હવે આટલા બધા લોકો, અને હોંશિયાર લોકો આપણને દુઃખી કરવા લાગેલા હોય તો આપણે સુખી કઈ રીતે થઈશું? આપણા જીવનમાં સંતોષ કઈ રીતે આવશે? અને આપણે તો જાણીએ છીએ કે સંતોષ નહીં તો સુખ નહીં – सन्तोषात् अनुत्तमसुखलाभ:, ઋષિ કહે છે કે સંતોષથી જ સુખ મળે છે, તમને સંતોષ હોય છે ત્યારે જ સુખ મળે છે. સંતોષનું જ નામ સુખ છે. તમે કોઈ નવી વસ્તુ લાવો છો, તો એનું નાવીન્ય થોડા સમય પુરતું જ હોય છે, તમને સુખનો અનુભવ થાય. તો, સંતોષ વગર સુખ કઈ રીતે મળે?

આજની ઉદ્યોગ જગતની વ્યવસ્થા જ એવા લોકોના હાથમાં છે કે જે સતત આપણને અસંતુષ્ટ જ કરવા અને રાખવા માટે ખૂબ મથી રહ્યા છે; તો, આવા વાતાવરણમાં આપણે સુખી થઈ શકીશું?

આપણી પુરાતન શિક્ષણ વ્યવસ્થા સ્વતંત્ર હતી, ઋષિઓના હાથમાં હતી એટલે એ ગજબની અને અદ્ભુત વ્યવસ્થા હતી. એ વ્યવસ્થા ચાતુરવર્ણ વ્યવસ્થાનું હાર્દ કહી શકાય, કે ગુરુકુળમાં જે વિદ્યાર્થીને જે શિક્ષણ અપાતું હતું એ એના પૈત્રિક વ્યવસાયને, એના કુળને અનુરૂપ જ અપાતું હતું; એના બાપ-દાદાઓનું કામ હોય એ એને શિખવાડાતું હતું. આ વિષય ઉપરની ચર્ચામાં આપણે એ પણ જોયું હતું કે આવું શિક્ષણ genetically ખૂબ ઉપયોગી છે; આ એવું શિક્ષણ હતું કે એના આધારે વિદ્યાર્થી ૧૭-૧૮ વર્ષની ઉંમરમાં તો એનો પૈત્રિક ધંધો હોય એને એ સંભાળી શકતો.

તમે કલ્પના કરો કે તમે જો નક્કી કર્યું હોય કે તમારા બાળકને તમારે ડોક્ટર જ બનાવવો છે તો એ બાળક પાંચ વર્ષથી જ કોઈ ડોક્ટરના દવાખાને ભલે બેસતો હોય, જતો-આવતો હોય, કોઈ વખત ત્યાં રહેતોય હોય; ત્યાં એક-બે કલાક રહી એ કોઈ નાનું-મોટું કામ પણ કરતો હોય; બાકીના ૪-૬ કલાક એને આપણે બીજું આવશ્યક હોય એ પણ ભણાવતા હોઈએ, તો વિચાર કરો કે તમારું બાળક કેટલા વર્ષમાં ડોક્ટર થઇ જાય?

થોડાં દાયકાઓ પહેલા આપણે ત્યાં એવું હતું કે જો કોઈ વ્યક્તિ ૨-૩ વર્ષ સુધી કોઈ ડોક્ટરને ત્યાં રહીને કામ કરતી, તો એને RMPનું સર્ટીફીકેટ આપવામાં આવતું હતું, એ વ્યક્તિ પછી registered medical practitioner (RMP) થઇ રીતસરના ડોક્ટર બની જતી. આવી વ્યવસ્થામાં હવે જો નક્કી જ હોય કે બાળકને ડોક્ટર જ બનાવવું છે તો એ બાળક ૧૮-૧૯ વર્ષમાં તો ડોક્ટર થઇ જતો, અને જો એના પિતા જ ડોક્ટર હોય તો કોઈ ખર્ચા વગર એ ડોક્ટર થઇ જતો, એણે બીજાને ત્યાં જઈ ફીસ કે પૈસા આપીને ભણવાનું ન્હોતું. અને આવું તો વ્યવસાયના દરેક ક્ષેત્રમાં શક્ય હતું, અને તેથી સમાજના લગભગ બધાં જ બાળકો ૧૭-૧૮ વર્ષમાં તો પોત-પોતાના job, પોત-પોતાનાના ધંધા-વ્યાપાર સંભાળી લેતા થઇ જતાં, કમાતા થઇ જતાં હતાં, ત્યારે સમાજમાં બેરોજગારીનો પ્રશ્ન ન્હોતો.

આજે જો કોઈ વિદ્યાર્થી ડોક્ટર બનવાનો વિચાર કરે તો ૩૦-૩૦, ૩૫-૩૫ વર્ષો સુધી તો ભણે છે, અને તે પણ મસમોટી ફીસ આપે ત્યારે; અને આપણે ત્યાં તો હજુ ૩-૪ વર્ષ ઓછાં છે, અમેરિકા જેવા દેશોમાં તો વિદ્યાર્થી graduation કરે, પછી મેડિકલમાં બેચેલર થાય પછી, ૨-૩ વર્ષ રેસિડેન્સી કરે, ત્યાર પછી કોઈ ક્ષેત્રમાં specialization કરે… ત્યાર પછી એ ડોક્ટર થઇને નીકળે, અને  આ ભણવા માટેની ફીસ જે વ્યાજ-સહીત બેંકની લોન દ્વારા જ શક્ય બને અને આમ, બધું મળીને લગભગ ૧૦ લાખ ડોલર ખર્ચો કરે ત્યાર પછી એ ડોક્ટર બની શકે. અને આવું તો ત્યાં દરેક ક્ષેત્રમાં હોય છે. અમેરિકામાં દરેકે-દરેક વિદ્યાર્થીને માથે બેંકની લોનનું મોટું દેવું હોય જ, ભણવા માટે બેંકો પાસેથી લીધેલી લોનનો ભાર લઈને જ નીકળે.

આપણે ત્યાં પહેલાની વ્યવસ્થામાં બાળક ૧૮-૨૦ વર્ષમાં તો લગભગ કમાતો થઇ જતો, એ જયારે ૫૦ વર્ષનો થાય ત્યાં સુધીમાં તો એ પિતા તરીકે એના બાળકો પ્રત્યેની જવાબદારીઓથી મુક્ત  પણ થઇ ગયો હોય, અને મહદંશે એના બાળકો પછી એનો વ્યવસાય સંભાળી લેતા; એ પોતે ધનોપાર્જનના બોજથી મુક્ત થઇ જતા. આવી સારી વ્યવસ્થા હોય ત્યારે એ એના હૃદયની બાબતમાં વિચારી શકે, આત્માની બાબતમાં વિચારી શકે, બીજી અન્ય પ્રવૃત્તિઓ કરી શકે, કેમ કે પેટ જ જીવન નથી. અને જો એવું નથી થતું, ધનોપાર્જનનો ભાર એનું બાળક નથી લઇ લે’તું તો એણે છેક સુધી, જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી એણે એના કાર્ય સાથે ઘસડાવું પડે છે.

અમેરિકામાં અને અન્ય પાશ્ચાત્ય દેશોમાં સોશિયલ સિક્યુરિટી હેઠળ રીટાયરમેન્ટ બેનીફિટ્સ મળતી હોય છે. તો હવે ત્યાં સરકાર શું કરે છે કે રીટાયર થવાની ઉંમર જે ૬૫ની હતી તે વધારીને ૬૭ કે ૭૦ કરવા માંગે છે, કેમ કે આ યોજના પહેલા જયારે અમલ કરવામાં આવી હતી ત્યારે માણસનું સરેરાશ આયુષ્ય ૬૦-૬૫ વર્ષનું હતું; અને તેથી સરકારને એવું હતું કે માણસ ૫૮-૬૦ વર્ષમાં તો રીટાયર થશે, અને ત્યાર પછી સરકારે એને માટે એકાદ-બે વર્ષ સોશિયલ સિક્યુરિટી હેઠળ પૈસા આપવાના રહે. પરંતુ, હવે જયારે લોકોની આવરદા લાંબી થઇ ગઈ છે, સરેરાશ આયુષ્યનો આંક ૮૦-૮૫ જેટલો થઇ ગયો હોવાને કારણે ત્યાંની સરકારની સમસ્યા વધી ગઈ છે, કેમ કે વૃદ્ધ વ્યક્તિ બીમાર તો થવાની જ, અને વધારે બીમાર થાય તો તાત્કાલિક દવાખાનામાં ભરતી કરવા પડે જે કામ ત્યાં એ દેશમાં ખૂબ જ મોંઘુ છે; વૃદ્ધ ઘરે હોય તો પણ સરકારે એને સોશિયલ સિક્યુરિટી હેઠળ દર મહીને ૫૦૦૦-૧૦,૦૦૦ ડોલર આપવા પડે, સરકારે આ ખર્ચ કરવો પડે. હવે, વધારે ઉંમરવાળા વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે તો એ બધાં માટે સરકાર પૈસા લાવે ક્યાંથી; અને જો આપતા જ રહે તો આખી અર્થવ્યવસ્થા ખોરવાઈ જાય.

આપણે ત્યાં વડીલો સરકાર પાસે ના હોય, એમના ઘરે બાળકો પાસે અને સાથે હોય. આ વ્યવસ્થા થોડાં દાયકાઓથી ખોરવાઈ ગઈ છે, તેમ છતાં જો સંકલ્પ હોય તો આજે પણ આવી વ્યવસ્થા ફરી આપણા સમાજમાં લાવી શકાય છે. આજે જો પતિ-પત્ની જુદાં થાય અને એમના બાળકો મોટા ના થયા હોય તો એમને માટેનો ખર્ચ સરકાર અપાવે છે – કે ભઈ, પત્ની માટે આટલા આપવા પડશે, બાળકો માટે આટલું આપવું પડશે. જો પતિ-પત્ની અને બાળકો માટે આવા કાયદા છે, તો પછી એવું કેમ ના થઇ શકે કે જો વયસ્ક, પરણેલા બાળકો જુદા રહેવા માંગતા હોય તો એમણે મા-બાપને પણ પૈસા આપવા પડશે, વડીલોએ સરકાર પાસે શું કામ જવાનું, અને જો અમેરિકાની જેમ અહીં પણ વડીલોનો ખર્ચ સરકારના પાસે લેવાનું આવે તો અહીં પણ એમ જ કરાવશે, અહીં પણ સરકાર વૃદ્ધો પાસે ૭૦-૭૫ વર્ષ સુધી કામ કરાવશે.

એક વખત હું લંડનમાં એક પરિવારને ત્યાં રોકાયો હતો; પતિ-પત્ની બંને ડોક્ટર. એમને ત્યાં એ દિવસે મહેમાનો આવવાના હતા, તેથી થોડો સામાન ખરીદવા માટે એ લોકો નજીકના સ્ટોરમાં ગયા. ઘરમાં હું એકલો જ હતો, અને ઘરની પાછળ બગીચો હતો એમાં આંટા મારતો હતો. મને એમ કે ત્યાં કોઈ નહીં હોય, કે કોઈ આવશે નહીં; પણ મને ત્યાં એક માણસ દેખાયો. મને વિચાર આવ્યો કે એ ત્યાં કેવી રીતે આવી ગયો? મેં એ માણસને પૂછ્યું, તો મને કીધું, કે હું અહીં માળી (gardner)નું કામ કરું છું; હું અહીં જોવા આવ્યો હતો કે છોડવાઓ, વાડ વિગેરે બધું બરોબર તો છે ને. એ માણસે બધું આમ તેમ જોયું, અને શાંતિથી જતો રહ્યો.

ઘરના લોકો જયારે આવ્યા ત્યારે મેં એમને વાત કરી કે એક ભઈ અચાનક ગાર્ડનમાં આવી ગયા હતાં. તો એમણે કીધું કે હા, અમે એને ચાવી આપી રાખી છે, પાછળથી એ આવી શકે છે. વાત કરતા એ લોકોએ કીધું કે એ માણસ ૮૦ વર્ષની ઉંમરના છે, ગાર્ડનિંગ કરે છે, થોડું કમાઈ લે છે, કેમ કે સરકાર જેટલું આપે છે એટલામાં એને પોસાતું નથી.

એટલે, એ સમાજમાં માણસ ૭૦-૮૦ વર્ષનો થાય તો પણ એણે કામ કરવું પડે, જો એના બાળકો એની જવાબદારી નથી ઉપાડતા તો, અથવા એમના પુત્રો એનો જે પણ કોઈ ધંધો-વ્યવસાય હોય તે આગળ નથી ચલાવતા તો. જો આવું થાય તો એ માણસે મોટી ઉંમરે પોતાના ખર્ચા-પાણી માટે કોઈ પણ કામ શોધી લેવું પડે. પરંતુ, ત્યાંની વ્યવસ્થા જ એવી છે કે બાળકનું મન હોય, ભાવ હોય તો પણ મા-બાપને સાથે ના રાખી શકે, એમની સાથે ના રહી શકે, એમની સેવા ના કરી શકતો હોય. બાપની ખેતી હોય, ઘર પણ હોય, એમનો વ્યસાય જુદો હોય, દીકરા-દીકરીને બીજે ક્યાં’ક દૂર જોબ મળી હોય તો એ લોકોએ ના-છૂટકે રહેવા બીજે જવું જ પડે, સાથે ના રહી શકે.

પરણેલા પુત્રોને પણ મા-બાપની જરૂર હોય, કાંઈ નહિ તો baby-sitting માટે તો જરૂર હોય જ, અને સાથે-સાથે બાપને પણ જરૂર હોય, બાળકોના બાળકો સાથે રહેવાનું ગમે, વડીલોને પણ હૂંફ જોઈએ, પ્રેમ જોઈએ, સાજા-માંદા થાય ત્યારે એમની કાળજી લેનાર કોઈ તો જોઈએ… આમ, વડીલો અને એમના સંતાનોને એક-બીજાની જરૂર તો પડે જ છે, અને ઘણી વખત બંને મજબૂર છે, ઈચ્છા હોય તો પણ સાથે નથી રહી શકતા.

હું એક વખત USAમાં રહેતા એક પરિવારમાં ભિક્ષા માટે ગયો હતો. એ ભાઈના ૮૦ વર્ષના પિતા અહીં ભારતમાં પથારીવશ છે, અને તેથી એ ભાઈ રડી પડ્યા, કહે, ‘‘હું નથી એમને અહીં લાવી શકતો કે નથી હું ત્યાં જઈ રહી શકતો. મેં બાપુજી પાસે ત્રણ માણસો રાખ્યા છે, રોજે ફોન કરું છું, એમની સાથે રોજ અડધો કલાક વાત કરું છું.’’

હવે, માણસનો પોતાનો ધંધો-વ્યવસાય હોય, બાળકો મોટા થઈને એ સંભાળી લેતા હોય તો આવું ના થાય; પૈત્રિક વ્યવસાય બાળકો સંભાળી લેતા હોય તો બાપ વેળાસર free થઇ શકે; અને જો પુત્ર જો એ ધંધો નથી સંભાળી લેતા તો પછી વડીલોએ જે એક-બે પેઢિથી નામ કમાવ્યું હોય, goodwill મેળવી હોય એ બધું જતું રહે, ધંધો ખોરવાઈ જાય, દીકરાએ નવેસરથી બધું કરવું પડે.

સુરતમાં એક સાધક છે, એ પોતે બિલ્ડર હતા. એમના એકના-એક દીકરાને થયું કે મારે આ બિઝનેસમાં નથી જવું, એણે તો CA થવું હતું. પિતાએ એને બહુ સમજાવ્યો; હું એમને ત્યાં ગયો હતો ત્યારે મેં પણ એને બહુ સમજાવ્યો. એ દીકરો CA તો ના થયો, પણ એણે BCom કર્યું, અને નોકરી કરે છે. હવે બધાં જાણે છે કે BCom, MCom-વાળાને કેટલું મળે. બાપનો આટલો સારો ધંધો, એમણે ૪૦-૫૦ વર્ષોથી મહેનત કરીને જે બધું ઉભું કર્યું હોય, goodwill મેળવી હોય, સમાજમાં, એમના વ્યવસાયમાં નામ મેળવ્યું હોય, બધું જ સંકેલાઈ જાય, કહો કે પાણીમાં જાય. સ્વાભાવિક છે કે એ પિતાને પછી એટલું બધું માનસિક તાણ થવા માંડ્યું, હાર્ટ-એટક આવ્યો, બાયપાસ સર્જરી પણ કરાવવી પડી, એમાં વળી ઇન્ફેક્સન નીકળ્યું, ઓપરેશનના ટાંકા ફરી ખોલવા પડ્યા… અને આમ કરતા-કરતા માંડ બચ્યા, એ બચી શક્યા, અને છેવટે એમણે એમનો ધંધો બંધ કરી દેવો પડ્યો. જો પુત્ર પિતાનો ધંધો સંભાળી લેતો હોય તો આવું ના થાય, આવી પરિસ્થિતિ ઉભી ના થાય.

આપણા ઋષિઓએ એવી વ્યવસ્થા ઉભી કરી હતી, કે ઉંમર થયે વડીલ free થઇ ગયો હોય, તેમ છતાં એ ઘરને માટે એટલો જ ઉપયોગી હોય, પુત્રના બાળકોની સાથે આનંદથી રહે, એમને વાર્તા કરે, સારા સંસ્કારો આપે, બાળકોને એમના અનુભવનો પણ ફાયદો થાય. વહુ નવી અને એકલી હોય એને બાળકોનો અનુભવ ના હોય, અને જો કોઈ વડીલ ઘરમાં ના હોય તો એણે ના-છૂટકે નર્સિંગ હોમમાં જવું જ પડે, બીજો કોઈ રસ્તો જ નથી. 

હવે તો એ સમય પણ જતો રહ્યો કે આપણે ગર્વથી કહી શકીએ કે મારો જન્મ અહીં થયો હતો, આ મારું જન્મસ્થાન છે. ગાંધીજીના જન્મસ્થાન જોવા જઈએ તો કહે કે આ રૂમમાં, આ ખૂણામાં એમનો જન્મ થયેલો; સરદાર પટેલનો જન્મ અમુક જગ્યાએ, અમુક ઘરમાં થયેલો… હવે એવા દિવસો ગયા, હવે તો આપણને હોસ્પિટલની પથારી જોવા-બતાવવા ‘ય ના જવા દે, કે આ પથારીમાં, અહીં જન્મ થયેલો. હોસ્પિટલવાળા જ જવા ના દે, કેમ કે તો પછી એવું જોવા કેટલા બધાં visitors આવતા થઇ જાય, અને આવું થાય તો પછી ત્યાંના દર્દીઓનું શું થાય!! એ દિવસો જ જતા રહ્યા; હવે તો ઘરમાં કોઈ અનુભવી વ્યક્તિ જ નથી હોતી, અને તેથી નવી વહુને બાળક કઈ રીતે ઉછેરવું એ ખબર જ ના પડે. બાળક બે-ચાર વર્ષનું થાય એટલે ના-છૂટકે મા-બાપે એને નજીકના કોઈ baby-care સેન્ટર હોય ત્યાં મૂકી દેવું પડે, બીજો કોઈ રસ્તો જ નથી…અને આવા સેન્ટરો પણ છેવટે તો બીઝનેસમેનના હાથમાં હોય.

બિઝનેસમેન તો બિઝનેસમેન જ હોય, એને દરેકમાં નાના બાળકમાં પણ ગ્રાહક, કસ્ટમર જ દેખાય, તેથી baby-care સેન્ટરમાં પણ એ બાળકને એની રીતે તૈયાર કરે કે ભવિષ્યમાં એનો સારો કસ્ટમર થાય. તમે પણ જોયું હશે કે મોટા ભાગની જાહેરાતોમાં હવે બાળકો જ હોય છે, કે નાનપણથી જ બાળકોને અમુક વસ્તુઓનું આકર્ષણ ઉભું કરે, અમુક જ વસ્તુઓ ખાવાની, એ પણ બ્રાન્ડેડ maggi, pizza, બર્ગર, ઓરીઓ બિસ્કીટ જેવી જ વસ્તુઓ બાળકોને જોઈએ… આ બધી વસ્તુઓ ખાતાં-ખાતાં બાળકોની immune સિસ્ટમ (રોગ-પ્રતિકારક શક્તિ) જ નબળી પડતી જાય. ભવિષ્યમાં આ જ ‘ગ્રાહકો’ પછી ડોકટરોના, દવા બનાવતી મોટી-મોટી કંપનીઓના નવા ‘ગ્રાહકો’ દ્વારા ફાયદો થવાનો. તેથી, લાગતા-વળગતા લોકો ‘હળી-મળી’ને આમ બધાં રાહ જોતાં જ હોય. કેમ? કારણ કે ઘરમાં મહદંશે બાળક એકલું જ હોય, ઘરમાં એને સારી વાત કહેવાવાળું કોઈ ના હોય, વડીલ રહ્યાં નથી કે સાથે રહેતા નથી; જો હોય તો એ બાળકની સાથે રમતા હોય, વાર્તા કહેતા હોય, સરસ ગીતો સંભળાવે, દાદા-દાદી સાથે રહેતા હોય તો બાળક કહે, ‘ચાલો, મને વાર્તા કહો.’ વડીલ એને પુરાણોની વાર્તા, ધાર્મિક, સંસ્કારની વાર્તાઓ કહેતા હોય, એ સાથે એને બીજા પણ સારા સંસ્કારો મળતા હોય.

અત્યારના બાળકોને જોઉં છું તો એમના હાથમાં રમતો રમવા માટે કોઈ-ને-કોઈ ગેજેટ-ઉપકરણ હોય, iPad, કે પછી નાનું ટેબલેટ, સ્માર્ટ ફોન હોય, અને એમાં જાત-જાતની રમતો હોય એ જ લઈને એ આખો દિવસ ફરતા હોય. હવે, બધા બીઝનેસમેન એમાં અપાતી જાહેરાતો દ્વારા પોત-પોતાની રીતે child-psychologyને પોતાની ફેવરમાં કરતા હોય.

આપણે ત્યાં તો એવું જ શિક્ષણ આપવામાં આવતું હતું કે મા-બાપ તો મોટા થયેલા બાળકો સાથે જ એક પરિવારની જેમ પ્રેમ અને આનંદથી રહે, બાળકોને ઉછેરવાની જવાબદારી મા-બાપની હોય, તેવી રીતે બાળકો મોટા થાય ત્યારે મા-બાપને સાથે રાખી, એમની સંભાળ રાખવાની જવાબદારી એ બાળકોનો ધર્મ ગણાતો – मातृ देवो भव, पितृ देवो भव, શિખવાડવામાં આવતું હતું. વડીલો તો ઘરમાં જોઈએ જ, પરિવાર માટે પણ જોઈએ. પરંતુ હવે તો એવું થઇ ગયું છે કે પરદેશ ગયેલા બાળકોને ત્યાં નવું બાળક આવે ત્યારે માને બોલાવે, નવા બાળકને ઉછેરવામાં સહાય કરવા માટે; એ જ નાનું બાળક જયારે મોટું થવા માંડે, ત્યારે એ લોકો જ કહેતા હોય કે હવે તમે જઈ શકો છો, હવે તમે જાવ, વાંધો નહીં.

આજના ભૌતિકવાદ, કેપિટાલિઝમની વ્યવસ્થામાં દરેક ક્ષેત્રમાં વેપાર-ધંધા જ પ્રસર્યા છે, તેથી સમાજનું આખું માળખું, સિસ્ટમ જ ખોરવાતું જાય છે. આવા સમાજમાં શિક્ષણ અને સમાજ વ્યવસ્થા જ એવી થતી જાય છે કે મા-બાપ પણ નથી ઈચ્છતા કે એમનો ૧૭-૧૮ વર્ષનો છોકરો હોય તે એમની સાથે રહે, એમને એ નડતો હોય તેથી એમને જ એવું થાય કે હવે છોકરો મોટો થઇ ગયો તેથી, એ ઘરમાંથી જાય તો સારું, એ લોકો પોતાની રીતે મોજ-શોખ કરી શકે. પરિવારની આવી સ્થિતિને અમેરિકામાં empty-nest કહે છે; ચકલા-ચકલીનો માળો હોય, બચ્ચાંઓને પાંખ આવે એટલે ઉડી જાય, માળો ખાલી થઇ જાય, nest empty થઇ જાય; તો, હવે કેરેવાન જેવું વાહન લેવાનું, ઈચ્છા થાય ત્યાં જવાનું, હોટલમાં રહેવાનું, જુદી-જુદી, નવી-નવી જગ્યાઓએ ફરવાનું.

પરિવારમાં મા-બાપની જરૂર છે, એ લોકો સાથે હોય તો બાળકોને વ્હાલ કરે, આપે, વાર્તાઓ કરે, સારું પૌષ્ટિક ખાવાની આદત પાડે, સારાં સંસ્કારો આપે… આનંદમાં રહેતા-રહેતા બાળકોનું સ્વાસ્થ્ય સારું થતું જાય; વડીલો હોય તો ઘરમાં કોઈને પણ નાની-નાની વ્યાધિઓ થઇ હોય તો એ મટાડવા માટે ઘરગથ્થું ઈલાજ માટે દવાઓ હોય, એનાથી જ વ્યાધિ મટી જતી હોય, એ વ્યાધિ પછી મોટું સ્વરૂપ ના લે.

હવે જ્યારે સમાજના મોટા-ભાગના બધા જ ક્ષેત્રો કંપનીઓના હાથમાં આવી ગયા છે, ત્યારે કંપનીઓ જ એમના લોકોને એવી રીતે તૈયાર કરે કે એ લોકો એવી ખાવાની વસ્તુઓ બનાવે જે ખાવાથી લોકોની immune સિસ્ટમ જ ખરાબ થઇ જાય, અને પછી દવાઓ લેવી જ પડે.

હું એક દિવસ એક ડોક્ટરને સાંભળતો હતો, એ કહેતા હતા કે આપણા અને બેક્ટેરિયાના genes સરખાં જ હોય છે; વળી એમણે એ પણ કીધું કે બધાં બેક્ટેરિયા એ આપણા દુશ્મન નથી, ઘણા બેક્ટેરિયા મિત્રો છે, એ આપણને warrior બનાવે છે, નબળાઈ કે વ્યાધિઓ સામે લડવા માટે યોદ્ધા બનાવે છે, લડતા શિખવાડે છે, કેટલાક બેક્ટેરિયા તો આપણું immune સિસ્ટમ મજબૂત પણ કરે છે, નહીં તો જાત-જાતના વેક્સીન્સ લેવા પડે. Vaccination એટલે ડોક્ટર ઇન્જેક્શન દ્વારા મારી-તમારી અંદર સારા કહેવાય એવા બેક્ટેરિયા ઉમેરે છે જેનાથી આપણી સિસ્ટમ જો નબળી થતી હોય તો એ જાગીને સબળી બને. સામાન્ય રીતે આપણા ખાવા-પીવામાં જ થોડાં’ક બેક્ટેરિયાઓ આપણી અંદર જતાં હોય છે જેને કારણે આપણામાં self-immunisation ડેવલપ થતું હોય છે.

પરદેશોમાં લોકોને બધું ‘પ્યોર’ જ જોઈએ, બધું બેક્ટેરિયા-વગરનું જોઈએ, અને તેથી એ લોકો જયારે ભારતમાં આવે છે ત્યારે એમની digestive સિસ્ટમ અહીંના બેક્ટેરિયા વિરુદ્ધ લડવા સક્ષમ નહીં હોવાને કારણે અહીં આવ્યાના ૨-૪ દિવસોમાં જ એમને gastroenteritis (ઝાડા વિગેરે) થઇ જાય છે.

ડોકટરોના કહેવા મુજબ બેક્ટેરિયા સારા અને ખરાબ બંને પ્રકારના હોય છે. મહદંશે, આપણે ત્યાંના વડીલોને સામાન્ય વ્યાધિઓ માટેની ઘરગથ્થું દવાઓની માહિતી હતી, તેથી, ‘દાદીમાનું વૈદું’ નામનું પુસ્તક લગભગ બધાંના ઘરમાં હતું, જેને કારણે બાળકોને પૌષ્ટિક ખોરાક અપાતો. મધ્યપ્રદેશમાં તો સત્તુ દૂધમાં ઘોળીને બાળકોને રોજ આપવામાં આવે, બાળકનું સ્વાસ્થ્ય સારું હોય, એ સ્ફૂર્તિલું હોય, તેથી દાદીને કહે ‘‘મને સત્તુ બનાઈ આપોને!’’ સત્તુ એકદમ શુદ્ધ પ્રોટીન, સરસ પૌષ્ટિક ખોરાક છે. આજે કંપનીઓ જાત-જાતના બેબી-ફૂડસ બનાવી જાહેરાતોના માધ્યમથી આપણને ખરીદવા લલચાવે છે, પણ એ બધાં આપણને છેતરે છે, અને ત્યાર પછી એવા બેબી ફૂડસ ખાવાથી શું-શું થાય છે એ તમને બધી ખબર છે.

પહેલાં વડીલોના સાદા જીવન, સાદા પણ પૌષ્ટિક ખોરાકને કારણે એમનું સ્વાસ્થ્ય ઘણું સારું રહેતું હતું, એ લોકો સામાજીક પ્રવૃત્તિમાં પણ જોડાયા હોય, સમાજનું કામ કરતા હોય, એટલે, આજે પણ જે સમાજમાં વડીલો free થઇ જતા હોય એમના બાળકો એમના વડીલોનો ધંધો સંભાળી લેતા હોય છે. આવું કરતા રહેવાથી એમના ધંધા તો સારા ચાલે, સાથે સારા સ્વાસ્થ્યને કારણે એમના સામાજીક કાર્યો, સેવા કાર્યો પણ સારી રીતે થતાં હોય; એ સમાજની વિવિધ કમિટીઓ હોય, એ કમિટીના લોકો અલગ-અલગ સેવા કાર્યો પણ કરતા. આજે પણ કચ્છી, જૈન, સિંધી સમાજોમાં મોટે ભાગે બાળકો એમના વડીલોનો જ બિઝનેસ સંભાળી લેતાં હોય, અને વડીલો સમાજ સેવાની જવાબદારી લઇ લે છે.

વૈયક્તિક ઉત્કર્ષ માટે સમાજ વ્યવસ્થા પણ સારી અને સક્ષમ હોય એ આવશ્યક છે, સામાજીક વ્યવસ્થા, structure જળવાઈ રહે. આપણે ત્યાં જે સમાજ વ્યવસ્થા – ચાતુર્વર્ણ વ્યવસ્થા – હતી એ એવી વ્યવસ્થા હતી. આ વાતને થોડું સિરીયસ થઇ સમજજો. આ વ્યવસ્થામાં બાળકોની અને વડીલોની સંભાળ જે-તે સમાજના લોકો જ કરતા હતા; જો કોઈ આર્થિક રીતે નબળા હોય તો એના પરિવારના અન્ય લોકો – ભાઈ, મામા, કાકા, ફુવા – જવાબદારી લઇ લે’તા, આવશ્યક મદદ પણ કરતા; જો કોઈ જાતે અમુક કાર્ય ના કરી શકતા હોય તો સમાજ એવા લોકોને મદદ કરે, સમાજમાં એક-બીજા માટે હૂંફ રહેતી, લોકો નિશ્ચિંત રહી શકતા હોય.

આવી વ્યવસ્થાઓની સામે પાશ્ચાત્ય સમાજની જે ભૌતિક વ્યવસ્થા આવી રહી છે એ આપણને બહુ સરસ લાગે છે, કેમ કે ત્યાં સરકાર બધાં માટે બધું સારું કરે છે, કે જો બાળક માટે પાંચ વરસ બધું મફત આપે છે, ખાવાનું, પુસ્તક, ભણતર વિગેરે ઘણું બધું free આપે છે; વડીલો માટે પણ સરકાર ઘણું કરે છે, free આપે, ઘર બેઠાં મેડિકલ બિલ પણ આપે, બધું સારું લાગે છે, પણ આવું બધું સારું નથી, કારણ કે એ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, પરિવારના સભ્યો માટે અરસ-પરસ જે પ્રેમ-ભાવ હોવો જોઈએ, જેનાથી સામાજીક વ્યવસ્થા સુમેળથી જળવાઈ રહે, આપસમાં જે ભાવ હોય, અરસ-પરસની ભાવનાઓ હોય એ બધી વાતોને આ નવી સિસ્ટમને ધીમે-ધીમે તોડે છે.

આ નવી સિસ્ટમને કારણે બાળકોને મા-બાપ પર વિશ્વાસને બદલે સરકાર પર વધુ વિશ્વાસ હોય, આમ પારિવારિક structureને તોડે છે. બાળકોને ઉછેરવાની જવાબદારી મા-બાપ પણ લે’તા હોય, પરંતુ બાળકો મોટા થયા પછી એ જાણે છે કે પોતે નહીં કરશે તો સરકાર તો કરશે, સરકાર આપશે. આને કારણે પરસ્પરની લાગણી, વિશ્વાસ, એ બધું તૂટતું જાય, એક જ પરિવારના લોકો એક-બીજાથી ધીમે ધીમે દૂર થતા જાય… અને, છેવટે, એ સમાજની દરેક વ્યક્તિ પોતાને એકલી-અટૂલી જ મહેસુસ કરે, લોકોને એકલતા બહુ લાગતી હોય, દરેક માણસ આ જગતમાં એકલો ઉભો હોય.

આવા સમાજમાં જ્યાં તમારી પાસે પૈસા હોય, પણ કોઈ સાથે જોઈએ એવો પરિચય ના હોય, તો તમે કોઈ પણ માણસ ઉપર વિશ્વાસ મૂકી શકશો કે કોઈ મારું હિત જોશે? ના, એવું કોઈ ના હોય. અને ના કરે નારાયણ, અને તમે જો માંદા પડો, તમે કોઈ તકલીફમાં હો, તમારે માટે અચાનક કોઈ ગંભીર પરિસ્થિતિ ઉભી થાય તો વિચાર કરો કે એવા સમાજમાં તમારે સ્થિતિ કેવી હોય?

એક વખત,અહીં આશ્રમ નજીક હેરંજ ગામના એક સાધક ભાઇ વડોદરાની GSFC કંપનીમાં નોકરી કરતા હતા; એક દિવસ એમને તાવ આવ્યો. એ ભાઈ તો ગાડી કરીને એમના ગામ હેરંજમાં આવી ગયા. મેં પૂછ્યું, ‘‘તેં આમ કેમ કર્યું? અહીં તો કોઈ સારા ડોક્ટર કે દવાખાનું પણ નથી; ત્યાં વડોદરામાં તો કેટલા સારા ડોકટરો, દવાખાના છે, અહીં ગામડામાં કેમ આવી ગયો?’’ માણસને માટે ઘર એ ઘર જ હોય, એને લાગે કે ભલે ગામ હોય પણ ત્યાં જ એમનો તાવ મટશે.

ભૌતિક સમાજમાં, શહેરોમાં ભલે લાખો લોકો હોય, તો પણ ત્યાંના માહોલમાં આવી પરીસ્થિતિમાં એને અજંપો થાય, એકલતા લાગે, એની માનસિક સ્થિતિ નબળી પડે…કોઈના ઉપર ભરોસો નહીં મૂકાય… તો આજનો ભૌતિક સમાજ દરેક વ્યક્તિને આવી પરિસ્થિતિમાં ધકેલતો જાય છે. આ સિસ્ટમમાંથી મા-બાપ તો જતાં રહ્યાં, હવે તો પતિ-પત્નીનો કોઈ ભરોસો નથી, ક્યારે મૂકીને જતાં રહે; પરણવાથી થોડી સલામતી ભલે હોય, સ્વતંત્રતા, એક-બીજા ઉપર અવિશ્વાસ કહો કે બીજું કાંઈ, પતિ-પત્નીના બેંક ખાતાં જુદાં-જુદાં હોય, ખર્ચાઓ અલગ-અલગ હોય. અને હવે તો નવો ટ્રેન્ડ આવી ગયો છે – live-in relationship – કે પારિવારિક જવાબદારીઓથી બચવા, આર્થિક રીતે પહોંચી ના વળી શકતા હોય કે બીજા કોઈ પણ કારણસર રહેવું સાથે છે, પણ લગ્ન નહીં કરવાના, પરણવાનું જ નહીં, હા, સાથે રહેવાનું ખરું, પણ પરણવાનું નહીં.

એક દીકરી હતી, એની એક ફ્રેંચ મહિલા મિત્ર હતી, એ દીકરી મને એક-બે વખત મળેલી. ફરી મળી ત્યારે મેં એને પૂછ્યું કે તારી ફ્રેંચ મિત્રના શું સમાચાર છે? તો એ કહે, હવે એ ઘર બનાવે છે, એની સાથે એના પતિ-બાળકો બધાં સાથે મળીને ઘર બનાવે છે. પછી, બીજા વરસે એ દીકરી ફરી મળી, ત્યારે કહે કે એ હવે લગ્ન કરવાની તૈયારી કરે છે!! મેં કહ્યું, ‘‘તું તો કહેતી હતી કે એનો પતિ હતો, એના છોકરાઓ હતાં…? તો કહે, હા, એ બધું સાચું, પણ ત્યારે એને લગ્ન ન્હોતા કર્યા.’’ વિચાર કરો, બે-ત્રણ છોકરાઓ થઇ ગયા હોય, અને તો પણ લગ્ન ના કર્યા હોય!!

આ વ્યવસ્થામાં તમે કોઈના ઉપર વિશ્વાસ જ ના મૂકી શકો કે એ આખું જીવન તમારી સાથે સુખ-દુઃખમાં સાથે રહેશે. તમારી શું સ્થિતિ થાય? આવા સમાજમાં એકલતા, અવિશ્વાસ જેવી વાતોને કારણે લોકોમાં સ્ટ્રેસ લેવલ ખૂબ જ વધી ગયું છે, લોકોમાં જાત-જાતના કેન્સરની તકલીફો વધી રહે છે, લોકો schizophrenic થઇ રહ્યા છે.

આવા ઘણા કારણોને લીધે પુરાતન અને આજની જે ભૌતિક સમાજની વ્યવસ્થાઓ, સિસ્ટમ હતી અને છે એ વ્યવસ્થાઓ માટે ગંભીરતાથી વિચારવા જેવું છે. આપણી જે પ્રાચીન, જૂની જે વ્યવસ્થા હતી, એમાં કઈ સારી વાતો હતી એ સમજીએ, અને આજની પરિસ્થિતિમાં ભલે એવું ને એવું નાં કરી શકીએ, તે છતાં એ સમાજ વ્યવસ્થામાં જે માનવીય મૂલ્યો હતાં એને જો સમજી જાળવી શકીશું, તો આપણે સાચી દિશામાં, સાચું સુખ મેળવી શકીશું.