આપણે દુનિયાની સૌથી પ્રાચીન અને જીવંત સંસ્કૃતિ ઉપર વિચાર કરી રહ્યા છીએ, એનું એક મુખ્ય કારણ એ છે કે આ સંસ્કૃતિ જેટલી પ્રાચીન સંસ્કૃતિ વિશ્વ આખામાં બીજી કોઈ જ નથી; બીજું મુખ્ય કારણ એ પણ છે કે એ પ્રાચીનતમ હોવા છતાં હજારો વર્ષો પછી આજે પણ આ સંસ્કૃતિ જીવિત છે, અન્ય સંસ્કૃતિઓની જેમ એ મૃત નથી થઇ – હા, કાળના ભીષણ પ્રવાહો દરમિયાન આ સંસ્કૃતિ થોડી ઘવાયેલી હશે, એના કલેવર, શરીરને થોડું નુકશાન થયું હશે, તે છતાં એ જીવંત છે. આ સંસ્કૃતિને, એના આત્માને, એને આધારે ઉદ્ભવેલા જીવનને જો આપણે સમજીશું તો ઘવાયેલું શરીર તો વહેલું-મોડું ફરી સાજુ થઇ જશે… પણ જો આ સંસ્કૃતિનો આત્મા, એના હૃદયને નહીં સમજીશું, તો આપણે એના ‘શરીર’ને પણ નહીં બચાવી શકીશું.

કોઈ પણ સંસ્કૃતિનું હાર્દ અને પાયો હોય છે એની શિક્ષણ વ્યવસ્થા. આપણી સંસ્કૃતિની આ અતિ મહત્ત્વની વ્યવસ્થા ઉપર આપણે વિચાર કરી રહ્યા હતા, અને એમાંની ઘણી વિશેષતાઓ પણ જોઈ, જેમ કે એ વ્યવસ્થા પૂર્ણ વ્યવસ્થા હતી, એ વ્યવસ્થામાં વિદ્યાર્થીને એના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણ મળતું હતું.

મને એક વિચારકનું વાંચેલું વાક્ય યાદ આવે છે કે તમારે કોઈ પણ ક્ષેત્રમાં પારંગત થવું હોય તો એ એક વિદ્યાની બાબતમાં બની શકે એટલું બધું (ખૂબ) જ જાણવું જોઈએ, અને સાથે-સાથે એની લગતી બીજી વિદ્યાઓની બાબતમાં થોડું-થોડું જ્ઞાન પણ હોવું જોઈએ. કોઈ આઈ સ્પેશ્યાલિસ્ટ હોય તો એને માણસની આંખની બાબતમાં સારું એવું લટેસ્ટ જ્ઞાન તો હોવું જ જોઈએ, એ સાથે એને શરીરના બીજા અંગો વિષે, બીજી આવશ્યક બાબતોનું પણ એને જ્ઞાન હોવું જોઈએ. જો એને શરીરના બીજા અંગો વિષે સારી માહિતી કે જ્ઞાન ના હોય તો એ આંખની સારવાર માટે પૂરેપૂરો ન્યાય નહીં આપી શકશે.

તમે એક ગુરુ અને એના બે ચેલાની તો વાત સાંભળી જ હશે કે બે ચેલાઓ હતા, અને બંનેને ગુરની સેવા કરવી હતી. હવે આ મુદ્દે એ બંને ચેલાઓમાં વિવાદ થયા કરે, છેવટે બંને સંમત થયા અને ગુરુજીના પગની સેવા વહેંચી લીધી – એક શિષ્યે કીધું કે ડાબો પગ મારો, અને જમણો પગ તારો. એક દિવસ ડાબા પગ માટેનો શિષ્ય વહેલો આવ્યો, જોયું તો ગુરુજીનો જમણો પગ ડાબા પગ ઉપર છે, તો એને તો બહુ ગુસ્સો આવ્યો કહે કે ડાબો પગ તો મારો છે, એ (જમણો પગ) ‘મારા’ પગની ઉપર કેમ આવી ગયો… અને એણે તો લાકડી લીધી અને જમણા પગ ઉપર મારી!! બિચારા ગુરુજી, કણસતા કણસતા માંડ ઉભા થયા. હવે જમણા પગવાળા શિષ્યને ખબર પડી કે પેલાએ ‘એના’ પગને લાકડી મારી છે… તો એણે પણ લાકડી લીધી અને માંડ્યો ડાબા પગને ફટકારવા!! બિચારા ગુરુજી…???

એટલે, દરેકને પોતાની મુખ્ય એક વિદ્યાનું તો જ્ઞાન હોવું જ જોઈએ, સાથે સાથે બીજા અંગો વિષે પણ યોગ્ય માહિતી હોવી જોઈએ જેમ કે આ બે શિષ્યોને ગુરુજીની સેવા તો કરવી છે, સાથે એ પણ ખબર હોવી જોઈએ કે બંને પગ તો આખરમાં ગુરુજીના જ છે ને – પગ જમણો હોય કે ડાબો. એવી જ રીતે કોઈ પણ એક અંગના નિષ્ણાત ડોક્ટરને શરીરના અન્ય અંગો વિષે, અન્ય આવશ્યક બાબતો વિષે પણ થોડી માહિતી તો હોવી જ જોઈએ, નહીં તો એ ‘એના’ શરીરના ભાગને ન્યાય નહીં આપી શકે.

ભારતના એક ડોક્ટર છે ડો. બિમલ છાજેર, મેડિકલ ક્ષેત્રે તેમનું સારું એવું નામ છે. દિલ્લીની ઓલ ઇન્ડિયા મેડિકલ સાઈન્સ (AIMS)માં હૃદય રોગના નિષ્ણાત હતા; ત્યાં  રહી હૃદયનું ઓપરેશન કર્યા વગર (નોન-ઇન્વેઝીવ પદ્ધતિ દ્વારા) હૃદયરોગને જીવન-પદ્ધતિમાં (લાઈફ-સ્ટાઈલ, ખાણી-પીણી, વ્યવહાર, વિગેરેમાં) આવશ્યક બદલાવ કરી મટાડવાની ખાસ ટ્રીટમેન્ટની શોધના આગેવાન પણ છે. અમુક કારણોસર AIMS છોડી તેઓ પોતાની સ્વતંત્ર પ્રેક્ટીસ કરે છે. એક વખત એમણે એમના જીવન અંગે વાત કરી કે એમને આ રીતે કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળી.

ડો. બિમલ છાજેર કહે છે કે તેઓ જયારે AIMSમાં હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર હતા ત્યારે ‘‘મારી પાસે એક દર્દી એન્જાઈનાની તકલીફ લઈને આવ્યો. મેં એને અમુક દવા લખી આપી અને એને રાહત થઇ. એકાદ અઠવાડિયા પછી એ ફરી એ જ ફરિયાદ લઈને આવ્યો, કહે મને દુઃખાવો થાય છે; તો, મેં એ જ દવા લખી આપી, પણ ડોઝ થોડો વધાર્યો. એને સારું લાગ્યું, પણ ફરી થોડા દિવસો પછી પાછો આવ્યો અને ફરી એ જ ફરિયાદ. મેં ફરી ડોઝ વધાર્યો… અને એ થોડા મહિનાઓ પછી massive હાર્ટ એટેકને કારણે AIMSમાં દાખલ થયો; એને ICUમાં દાખલ કર્યો, ત્યાં એની સારી રીતે ટ્રિટમેન્ટ કરી, પણ એને બચાવી ના શક્યા.

આમ કેમ થયું એની તપાસ કરતા મને ખબર પડી કે એ માણસને મીટ ખાવાની અને દારુ પીવાની ખૂબ જ ટેવ હતી. આ વાત જાણી, ત્યાર પછી મને એકદમ થયું કે normally આપણે તો માત્ર દર્દીની વ્યાધિના ચિન્હો (symptoms) જ જોઈને દવા લખી આપીએ છીએ, એ દર્દીના જીવનની બીજી વાતો ઉપર તો ધ્યાન જ નથી આપતા જેમ કે એની રહેણીકરણી કેવી છે, એની ખાણી-પીણી કેવી છે, એના વ્યવહાર, માનસિક સ્થિતિ કેવા છે, એ વ્યાધિ માટેના કારણો શું છે, એને કોઈ સ્ટ્રેસ છે કે નહીં, પારિવારિક સમસ્યાઓ છે કે કેમ, કોઈ આર્થિક કે સામાજિક સમસ્યાઓ તો નથી ને… દર્દીની આવી બધી વાતો તો આપણે જોતાં-કે-વિચારતાં જ નથી, માત્ર અમુક ચિન્હોને ધ્યાનમાં રાખીને દવા લખી આપીએ છીએ.’‘

એમણે આગળ કહેતા જણાવ્યું, “મેં મારા સીનીયરને કહ્યું કે, ‘સર, મારે તમને વાત કરવી છે’. તેમને આ દર્દી વિષેની બધી વિગતો જણાવી, પછી મેં કહ્યું, ‘મને તો આવી-આવી શંકાઓ થાય છે. તો મારા સીનીયરે સલાહ આપી કે ‘જો, બિમલ, આપણું કામ છે દર્દીને જે વ્યાધિ છે એની દવા લખી આપવાની, આપણે બીજી બધી માથાકૂટમાં પડવું નથી.’

મેં ફરી એમને કીધું, કે મને તો શંકા થાય છે… તો તરત જ મારા સીનીયરે પૂછ્યું કે ‘‘તને મેડિકલ સાયન્સ ઉપર શંકા થાય છે? મેં કીધું, હા, મને તો મેડિકલ સાયન્સ ઉપર જ શંકા થાય છે.’’

પછી તો એમણે એમના અંતરાત્માનો અવાજ સાંભળીને AIMSમાંથી રાજીનામું આપી દીધું, એમની જે માતબર પ્રેક્ટિસ હતી એ છોડી દીધી. એમણે પોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે રિસર્ચ ચાલુ રાખી કે આવા કેસોમાં દર્દીને કયા, કેવા કારણોથી આ તકલીફ થઇ, એ વ્યાધિ મટાડવા દવા ઉપરાંત એણે એના જીવનમાં શું અને કેવા ફેરફારો કરવા જોઈએ… અને સર્જરી વગર કઈ રીતે દર્દીને એના જીવલેણ વ્યાધિમાંથી બહાર લાવવો; આવા પેશન્ટ બાય-પાસ વગેરેમાં ના જાય અને લાઈફ-સ્ટાઈલ ચેન્જીસ કરી વ્યાધિ મટાડી શકે એ માટે એમણે પુસ્તકો પણ લખ્યા છે, અને એમના ક્લિનિક દેશભરમાં અને વિદેશોમાં પણ છે.

તો, જીવન અને વ્યાધિને માત્ર એક જ આંખે કે આયામને જોઈએ, અને બીજી આવશ્યક બાબતો, બીજા પાસાંઓને ના જોઈએ તો આપણે જીવનને ન્યાય નહીં આપી શકીશું.

આ જ સંદર્ભમાં હાલનો એક તાજો જ કિસ્સો કહું છું. એક ભાઈને પોતે ઉંઘી જાય પછી ગુંગણામણ થતી, સૂઈ ગયા પછી એને શ્વાસ લેવામાં તકલીફ થતી, બેચેની થવા લાગે. એ ભાઈ ડોક્ટર પાસે ગયા તો ડોકટરે એમનો એ પ્રોબ્લેમ મટાડવા માટેની દવા આપવાની શરૂઆત કરી; પરેશાની ઓછી ના થઇ, બીજા બે-ત્રણ ડોકટરો પાસે ગયા, ફરી એવી જ શ્વાસની દવા આપી, પણ કોઈ ફેર ના પડે, વર્ષો આવું ચાલ્યું, તો પણ કાંઈ ફેર ના પડ્યો. ત્યાર પછી એ ભાઈ એક નાના, હોમીઓપેથીના બેક્ગ્રાઉન્ડવાળા ડોક્ટર પાસે ગયા, એ ડોક્ટર આપણા સાધક છે. આ ડોકટરે એ ભાઈની વ્યાધિની હિસ્ટરી માંગી, તપાસતા જણાયું કે એ ભાઈને રોજે સૂતા પહેલા મચ્છર ભગાડવા માટેની કોઈલ સળગાવવાની ટેવ હતી. સૂવાનો રૂમ નાનો હશે, તેથી રૂમમાં એ કોઈલનો ધુમાડો રહેતો હતો. ડોકટરે એમને કીધું કે તમે કોઈલ સળગાવવાનું બંધ કરો; એ ભાઈએ કોઈલ સળગાવવાની બંધ કરી દીધી, અને દવા વગર એમની વર્ષોની શ્વાસની તકલીફ મટી ગઈ.

આપણે બધાં જ મહદઅંશે એવું જ કરીએ છીએ કે આપણા ક્ષેત્ર સિવાય બીજી દિશામાં કોઈ પણ વિચાર કર્યા વગર બધે ફરી રહ્યાં છીએ. આ વિષે આપણી ઘણી વખત વાતો થઇ છે કે આધૂનિક વિજ્ઞાનની વાત કરીએ તો એ તો માત્ર એક જ દિશા પદાર્થની બાબતમાં જ જાણે છે, એથી આગળ જે સૂક્ષ્મ સત્તા છે, ચૈતન્ય છે એ બાબતમાં વિજ્ઞાન કશું પણ જાણતું જ નથી. બીજું એ કે આજના વિજ્ઞાનનો જે વિકાસ છે એ માત્ર-ને-માત્ર એક જ દિશા અર્થ-પૈસાને જ કેન્દ્રમાં રાખીને થતો આવ્યો છે. આ વિજ્ઞાનનું પણ એક દર્શન-ફિલોસોફી છે કે માણસને વધુમાં વધુ ભૌતિક સુખ પહોંચાડવું – માણસ પાસે જેટલા પૈસા હશે તેટલા અને તેવા સુખ-સુવિધાના સાધનો એ મેળવી શકશે; સુખ-સુવિધાઓ એટલે ભોગ-ઐશ્વર્યની સામગ્રીઓ, ઈચ્છા પ્રમાણે એ વધશે, માણસ એટલો સુખી થશે, એવું આજનું વિજ્ઞાન માને છે.

પુરાતન ભારતમાં પણ આવી જ એક નાસ્તિક અને ભૌતિકવાદી માન્યતા હતી, જે વૈદિક કાળ પછીના સમયમાં (વૈદિક કાળના લગભગ ૨,૦૦૦ વર્ષો પછી, અને ખાસ કરીને ઈતિહાસવિદો કહે છે તેમ, વેદો-વિરુદ્ધ જૈન અને બૌદ્ધ સંપ્રદાયોના ઉદ્ગમ પછી) ઉદ્ભવી હોવાનું મનાય છે. આ માન્યતા પછી એક જુદા દર્શન તરીકે ઉદ્ભવી – ચાર્વાક દર્શન; વેદો-આધારિત આસ્તિક સમાજમાં આ નાસ્તિક દર્શનનું આકર્ષણ થોડા સમય સુધી રહ્યું, પછી એ દર્શન ફેલ થઇ ગયું. તે છતાં, આ ‘દર્શન’નું એક સૂત્ર પ્રસિદ્ધ છે – यावत् जीवेत् सुखं जीवेत्, ऋणं कृत्वा घृतं पिबेत्, કે જીવો તો સુખેથી જીવો, મોજથી જીવો, ઋણ કરીને પણ ઘી પીવો; પછી કહે છે भस्मीभूतस्य देहस्य पुनः आगमनं कुतः’, કે મરી ગયા પછી ફરી ક્યાં આવવાનું છે, મરી જઈશું તો, કોને ખબર કાલે શું થવાનું છે, કાલ કોણે દીઠી?

લગભગ ત્રણ હજાર વર્ષો પછી આજે ભારતમાં ફરી આવા જ નાસ્તિક અને ભૌતિકવાદી દર્શનનું ચલણ ખૂબ વધ્યું છે; એમાં વળી નવી, આકર્ષક પાશ્ચાત્ય વિચારધારાનો સપોર્ટ, કે One life to live, આ જ એક જીવન છે, અને એ જીવનનો હેતુ મોજ-શોખ કરી લેવાના. જેમ-જેમ મોજ-શોખના સાધનો બજારમાં આવતા, અને મોંઘા પણ થતાં જાય, તેમ-તેમ વ્યાજે પૈસા ધીરવા માટે બેંકો અને ધિરાણકારો પણ વધતા જાય. તેઓ કહે ‘તમે લોન લો, મોજ-શોખ કરી લો’, તો, વિચારો, તમારા મરી ગયા પછી કઈ બેંક પૈસા ફરી લેવા આવવાની છે? આપણે ત્યાં પહેલાના જમાનામાં બાપની ઉધારી દીકરાને માથે આવતી, દીકરો બાપનું ઋણ ચુકવતો, તો લેણદાર પાસે દીકરાની વ્યવસ્થા હતી. આજે એવું નથી, તમે લોન લીધી, અને માનો કે તમે ‘ઉપડી ગયા’, પછી બેંકનું જે થવાનું હોય એ થાય, તમે બસ લોન લો, બંગલો ખરીદો, ગાડી લાવો, એકદમ લેટેસ્ટ TV, ફર્નીચર બધું લો… એ બધાં માટે એક સાથે પૈસા હોવા જ જોઈએ એવું જરૂરી નથી, સરળ હપ્તેથી બધું મળે છે.

મૂળમાં આ ચાર્વાક દર્શન અધૂરું હતું, એનું ચિંતન સમગ્ર ન્હોતું, એટલે એ બહુ ચાલ્યું નહીં; પહેલાંના સમયમાં આપણે ત્યાં દરેક ક્ષેત્રમાં ચિંતનની સમગ્રતા હતી – holistic approch હતો. એક મકાનની વાત કરીએ તો માત્ર હવા-ઉજાસનો જ વિચાર ન્હોતો, એ પણ વિચારતાં હતા કે મારે માટે એ કઈ દિશામાં યોગ્ય રહેશે, કેવા વાતાવરણમાં સારું રહેશે. આજે તો બસ આકર્ષક, શક્ય હોય તો આખે-આખું મકાન કાચનું જ હોય એ પસંદ કરે!! ગ્લાસ, ગ્લાસ અને ગ્લાસ!! હા, પશ્ચિમી દેશો જ્યાં ખૂબ ઠંડી પડતી હોય ત્યાં આવા મકાનો ફાયદાકારક હોઈ શકે, ત્યાં વાતાવરણને કારણે એર-ટાઈટ મકાન, ઓફીસ હોય તો સારું, પણ ભારત જેવા વિષુવવૃત્ત નજીકના ગરમ દેશમાં એવા મકાનો યોગ્ય ના હોઈ શકે.

અમે સાધુઓ જયારે ઋષિકેશ હતા, ત્યાં અમુક મહિનાઓ સુધી ખૂબ ઠંડી પડતી હોય, ત્યારે રૂમના બારણામાં નાની અમસ્તી પણ તિરાડ જેવી જગ્યા હોય તો એમાંથી ઠંડો પવન રૂમમાં આવતો; એનાથી બચવા સાધુઓ પાસે બીજું કશું ના હોય, કપડાની ચિંદડી બનાવીને એ તિરાડ પૂરી દે’તા, સહેજે’ય ઠંડો પવન અંદર ના આવે. આજે પશ્ચિમમાં ઘર, ઓફીસ, બધું એર-ટાઈટ જોઈએ, કારણ કાતિલ ઠંડીની મોસમમાં સૂર્ય નીકળે તો એની ગર્મી અંદર સચવાઈ રહે અને જોઈતો ગરમાટો મળી રહે. વળી, ત્યાં ઠંડા પ્રદેશોમાં ફળ-ફૂલ ઉગાડવા માટે green housesનું ચલણ વધ્યું છે, કેમ કે એ પ્રદેશોમાં કુદરતી સૂર્ય પ્રકાશ ના મળે, અને જયારે નીકળે ત્યારે એનો તાપ એ ગ્લાસના બનેલા green houseમાં જળવાઈ રહે; સાથે, બીજી તર્કીબોને આધારે એવા green housesમાં નિશ્ચિત ફળ-ફૂલ ઉગાડી શકાય.

પશ્ચિમના વાતાવરણ માટેના મકાનો વિગેરે આપણા દેશમાં નહીં ચાલે, ગ્લાસ હોઉસ હોય તો એ તો ગરમીના વાતાવરણમાં ઘર ભટ્ટો થઇ જાય! એમાં આપણે શેકાઈ જઈએ; અહીંના મકાનોમાં તો હવા-ઉજાસ સરખાં જોઈએ. પોશાકની બાબતમાં ત્યાં એ દેશોમાં જીન્સ યોગ્ય પોશાક હોઈ શકે, આપણે ત્યાંના ગરમ વાતાવરણ માટે જીન્સ યોગ્ય નથી; આપણે ત્યાં તો natural fibers કુદરતી રેસાવાળા પોષક જ સારા – કોટન, ખાદી કે સિલ્ક જે ગરમીમાં પરસેવો શોષી લે, અને ઠંડીમાં થોડો ગરમાટો પણ આપે. પરંતુ આપણને તો પશ્ચિમની નકલ જ કરવી છે, અને તેથી આપણી દૃષ્ટિ એકાંગી છે.

પશ્ચિમી દેશોમાં દરેક ક્ષેત્રના પ્રોડક્ટ્સ ડીઝાઇનની રિસર્ચ ખૂબ થાય છે, એવી જ રીતે હવે બાંધકામના ક્ષેત્રે પણ છે; એમાં માત્ર બારી-બારણા, હવા ઉજાસ વિગેરે સારા હોવા ઉપરાંત એ મકાનનો સર્વાંગીણ આકાર પણ રિસર્ચનો વિષય બનતો જાય છે. પિરામિડો માત્ર ઈજીપ્તમાં જ હતા કે છે એવું નથી, અને એ માત્ર ત્રિકોણાકારના જ હોય એવું પણ નથી. વિશ્વભરમાં ઘણાં દેશોમાં જુદી-જુદી જાતના પિરામિડો હોવાનું જાણવા મળ્યું છે, તેથી વૈજ્ઞાનિકો અને ઈતિહાસકારો મળીને એ પિરામિડોના આકાર અને એની ઉપયોગિતાનું સંશોધન કરે છે. એ આકારની કોઈ પણ વસ્તુના જીવનને (આવરદાને) વધારી દેતી હોય છે, એની પ્રાણશક્તિને વધારી દેતી હોય છે; એની ઉપર નક્ષત્રોનો અમુક પ્રકારનો પ્રભાવ પણ હોય… આવી બધી વાતોનો અત્યાર સુધી કોઈ વિચાર જ ના થયો હોય, એટલે એ અધૂરું વિજ્ઞાન હોય શકે, એનું શિક્ષણ પણ અધૂરું જ હોય.

પાશ્ચત્ય વિજ્ઞાનની સરખામણીમાં આપણે ત્યાં દરેકે-દરેક ક્ષેત્રોનું વિજ્ઞાન એ પૂર્ણ વિજ્ઞાન હતું, એનું શિક્ષણ પણ પૂર્ણ હતું પછી એ આધ્યાત્મ હોય, ધર્મ હોય, ગણિત, વિજ્ઞાન ભૌતિક કે રસાયણ કે ખગોળ, સંગીત, ગાયન, કળા, દરેકે દરેક ક્ષેત્રનું વિજ્ઞાન અને શિક્ષણ બંને પૂરાં હતાં.

પાંડવો અને કૌરવો બધાં ક્ષત્રિયો, યોદ્ધા હતાં, તેઓ શસ્ત્રવિદ્યા ભણ્યા હતા, ઉપરાંત, એમને ધર્મ અને આધ્યાત્મનું જ્ઞાન પણ શીખવવામાં આવ્યું હતું, હા, એ જ્ઞાનનું પાલન થાય કે ના થાય એ જુદી વાત હતી. પાંડવોએ ધર્મનું પાલન કર્યું હતું, પણ કૌરવોના આગેવાન એવા દુર્યોધને એવું ન્હોતું કીધું કે હું ધર્મને નથી જાણતો, ના, એણે એમ કીધું હતું કે जानामि धर्मं न च मे प्रुवृत्तिः, અર્થાત, ‘‘હું ધર્મને જાણું છું, પણ એમાં પ્રવૃત્ત નથી થઇ શકતો, હું ધર્મનું પાલન નથી કરી શકતો, અને जानाम्य जानाम्यधर्मं न च मे निवृत्ति:, કે હું અધર્મને પણ જાણું છું, પણ એને છોડી નથી શકતો.’‘ રાવણ છે, તમને ખ્યાલ હશે કે ભગવાન રામચંદ્રજીએ ભાઈ લક્ષ્મણજીને ધર્મ વિશેના જ્ઞાન/શિક્ષણ લેવા માટે રાવણ પાસે મોકલેલા!! રાવણને પણ ધર્મનું જ્ઞાન હતું.

એટલે, પુરાતન ભારતની શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીને એના ક્ષેત્ર સાથે આધ્યાત્મનું જ્ઞાન પણ સાથે મળતું. જયારે આજે? આપણે બાળકોને આપણા ધર્મની વાતો, જીવનની નાની-મોટી વાતો, કશું જ નથી શિખવાડતા. આજના બાળકો વિવિધ ક્ષેત્રની ડીગ્રીઓ મેળવશે એન્જિનિયર, ડોક્ટર, વકીલ, એ MTech થશે, PhD કરશે, ટેક્સટાઈલના ક્ષેત્રે યાર્ન, કે પછી ડાઈંગમાં માસ્ટરી કરશે… પણ એ લોકોને એમના ક્ષેત્ર સિવાયના ક્ષેત્રોની કશી જ ખબર ના હોય. જીવન શું છે? એનું રહસ્ય શું છે? સંસ્કારિતા એટલે શું? જીવનમાં પૈસા ઉપરાંત સુખ-શાંતિ કેવી રીતે મેળવી શકાય? જીવનમાં વિવિધ પ્રકારની જવાબદારિઓ આવે ત્યારે શું કરવાનું? કુટુંબ, સમાજમાં અરસ-પરસના સંબંધો કેવા હોવા જોઈએ, એ માટે શું આવશ્યક છે… આવી જીવનોપયોગી વાતોની એને કોઈ સમજ ના હોય, કારણ એ બધાનું કોઈ શિક્ષણ જ નથી આપવામાં આવતું.

થોડાં વર્ષો પહેલાં ઓસ્ટ્રેલિયાની સરકારે એક નવો સરસ પ્રયોગ કર્યો હતો. ત્યાં ધર્મ-શિક્ષણ સ્કૂલોમાં કમ્પલસરી કરવામાં આવ્યું હતું; અલગ-અલગ ધર્મના બાળકો એક જ સ્કૂલમાં જતાં હોય, અલગ-અલગ ધર્મના બાળકોને શાળા દ્વારા નિયુક્ત કરાયેલા વિવિધ ધર્મના વોલન્ટિયરો જે-તે ધર્મ વિષેની વાતો શિખવે – ખ્રિસ્તી વોલન્ટિયરો ખ્રિસ્તી ધર્મની વાતો શિખવે; શીખ સમુદાય એમના ધર્મની વાતો બાળકોને શિખવે; ઇસ્લામ એના ધર્મની વાત, હિંદુ એના ધર્મની વાત બાળકોને શીખવે. આમ, ત્યાં રહેતાં ઘણા હિંદુઓ જે માત્ર પુજારીઓ જ હતાં અને બેકાર પણ હતાં, એમને ધર્મ-શિક્ષણનું પણ કામ મળી ગયું, એ લોકો અગલ-અલગ સ્કુલોમાં જઈને ધર્મ-શિક્ષણ આપે.

જરૂરી નથી કે સ્કૂલો બધાં ધર્મોની વાતો શિખવે કે માત્ર એક જ ધર્મનું શિક્ષણ આપે, મુખ્ય હોય એવા થોડા ધર્મોનું શિક્ષણ બાળકોને આપો; એવું શિક્ષણ બાળકોને સંસ્કારિતા, પરસ્પર સમભાવ, નૈતિકતા શિખવે, રિસ્પોન્સિબિલિટી શીખવે, જીવનના ઉતાર-ચઢાવ વિષે, એમાં કઈ રીતે જીવવું એ બધું પણ શિખવે.

ભારતમાં આપણી કમનસીબી એ છે કે અહીં ધર્મની વાત આવે તો રાજકીય વિરોધના વંટોળનું વાતાવરણ સર્જાઈ જાય, અમુક ખાસ વિચારધારાવાળા લોકો હો-હો કરીને એને બંધ કરાવી ‘દે છે – ખાસ તો હિંદુ ધર્મની વાતો પરત્વે જ અણગમો અને વિરોધ છે, બીજા ધર્મો પ્રત્યે એટલો વિરોધ નથી, કારણ કે ખ્રિસ્તી કોન્વેન્ટ સ્કુલોમાં એમના ધર્મનું શિક્ષણ આપવામાં આવે જ છે, મુસ્લિમો એમના બાળકોને મદરસા અને ઇસ્લામી સ્કુલો/કોલેજોમાં એમના ધર્મનું શિક્ષણ આપે જ છે; જૈનો પણ એમના બાળકોને એમના ધર્મનું શિક્ષણ ઉપાશ્રયોમાં આપે છે. જો કોઈ ધર્મ પ્રત્યે રૂચિ નથી, તો હું કહું કે સંપ્રદાય પ્રમાણે શિખવો, પણ એજ્યુકેશન સાથે એને ધર્મની શિક્ષા તો મળવી જ જોઈએ, તે છતાં હિન્દુઓના જ દેશમાં આપણે ત્યાં હિંદુ ધર્મનું શિક્ષણ ક્યાંય પણ આપવામાં નથી આવતું.

થોડા વર્ષો પહેલાં ફ્રાન્સમાં પ્રાયમરી એજ્યુકેશનમાં યોગ કમ્પલસરી કરવામાં આવ્યું હતું; ખ્રિસ્તી-બાહુલ્ય ઇંગ્લેન્ડની અમુક સ્કૂલોમાં સંસ્કૃત શિખવવાનું શરૂ કરાયું હતું અને શરૂઆત સંસ્કૃત-ચેન્ટિંગથી કરાઈ હતી; આજે પણ આ શિક્ષણ ચાલુ છે; ત્યાંના શિક્ષણવિદો અને ભાષાવિદોએ જોયું કે સંસ્કૃત ભાષા બોલવાથી વિદ્યાર્થીના મોઢાના દરેક ભાગો અને અંગોનો ઉપયોગ થાય છે – સંસ્કૃત બોલતી વખતે જીભને જેટલો વણાંક મળે છે એટલો બીજી ભાષામાં મળતો નથી; સંસ્કૃતમાં બધાં પ્રકારની ધ્વનિઓ સમાયેલી છે; તેથી ઇંગ્લેન્ડના આગેવાનોએ અમુક સ્કૂલોમાં સંસ્કૃત શિખવવાનું શરૂ કર્યું. જયારે સંસ્કૃતની જ ધરતી ભારતમાં સંસ્કૃતનું નામ આવે તો રાજકારણ ચગાવિ વિરોધ થાય છે, સંસ્કૃત સાંપ્રદાયિક છે તેથી એ શાળાઓમાં નહીં શિખવાડવાનું.

ભારતમાં ધર્મનિરપેક્ષતાનો અર્થ છે કે આ દેશમાં જે સારુંસારું છે એવું કશું જ કરવાનું નહીં, અને બીજા દેશો પાસેથી ઉધાર અને અધકચરું, અધૂરું મળ્યું છે એ જ કરવાનું. વાસ્તવમાં, આ દેશમાં તો આધ્યાત્મ, સનાતન ધર્મ, સંસ્કૃતિ એ બધું કમ્પલસરી હોવું જોઈએ, પછી શિક્ષણની કોઈ પણ શાખા સાથે આપણે જોડાયેલા હોઈએ. આ વાતને થોડું સમજીશું.

કઠોપનિષદ્-માં એક મંત્ર છે જે બધાએ યાદ કરી લેવો જોઈએ, એટલો સુંદર મંત્ર છે. એ મંત્ર દ્વારા જીવનની મહત્ત્વની વાતો સરળતાથી સમજાય જાય છે, અને એ મંત્રને થોડું પણ સમજીશું તો જીવનને સમજવા માટે રસ્તો ઘણો સાફ પણ થઇ જશે. કઠોપનિષદ્-ની તૃતીય વલ્લીનો મંત્ર આ પ્રમાણે છે:

आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु। बुद्धिं तु सारथिं विद्धि मन: प्रग्रहमेव च।।।।
इन्द्रियाणि हयानाहुर्विषयान्स्तेषु गोचरान्। आत्मेन्द्रिय मनोयुक्त भोक्तेत्याहुर्मनीषिण:।।।।

આ શ્લોકમાં માનવ-શરીરની કલ્પના એક રથના રૂપમાં કરવામાં આવી છે – જેમ એક રથ હોય, એનો રથી હોય, સારથિ હોય, ઘોડાઓ હોય, એમને કાબુમાં રાખવા માટે લગામ હોય; આ શ્લોકમાં આત્મા એ રથી છે, મહાભારતના મુખ્ય બે પાત્રોની પણ આ રથ સાથે કલ્પના કરવામાં આવી છે કે અર્જુન એ રથી (રથનો માલિક) છે, રથનો માલિક નક્કી કરે કે એણે ક્યાં જવું છે; રથીની બુદ્ધિને આધારે રથી કહે એ પ્રમાણે જે લઇ જાય એ સારથિ; મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથિ બન્યા હતાં; માણસનું મન જે છે એ લગામ છે मन: प्रग्रहम છે, ઇન્દ્રિયો એ ઘોડા છે, અને જે તે ઇન્દ્રિયોના (ઘોડાના) વિષયો છે – જીભનો વિષય છે સ્વાદ, ભોજન ઈત્યાદી; કાનનો વિષય છે શબ્દ, ધ્વનિ; આંખનો વિષય દૃશ્ય, નાકનો વિષય ગંધ …આ વિષયો બધા જે છે એ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓના રસ્તાઓ છેआत्मेन्द्रियमनोयुक्तम् भोक्तेत्याहु:.

આત્મા, ઇન્દ્રિયો અને મન આ ત્રણ મળીને ભોક્તા હોય છે; સામાન્ય રીતે આપણે શરીરને જ ભોક્તા માનીએ છીએ, પણ શરીર ભોક્તા નથી, એ તો ભોક્તા માટેનું માત્ર એક વાહન, રથ છે. તેવી જ રીતે, જીભ જાતે સ્વાદ નથી લેતી, પણ જીહ્વાની ઇન્દ્રિયના માધ્યમથી જે ભોક્તા છે એ સ્વાદ લે છે. આપણે ઉંઘી જઈએ છીએ ત્યારે ભોક્તા ત્યાં નથી હોતો; હા, કાન એમના એમ હોય છે, તો પણ એ સાંભળતા નથી, કારણ કાનથી જે સાંભળનાર છે એ ત્યારે ત્યાં નથી હો’તો. તમે જોયું હશે કદાચ કે કેટલાંક લોકો આંખ ખુલ્લી રાખીને પણ ઉંઘી જતા હોય છે, એમની આંખ ખુલ્લી હોય તો પણ એ ત્યારે કશું જોતાં ના હોય, કેમ કે આંખની ઇન્દ્રિય ત્યાં નથી, એ ત્યારે કશું જોતી નથી.

તો, આંખની ઇન્દ્રિયના માધ્યમથી ભોક્તા બધું જુએ છે; કાનની ઇન્દ્રિય (શ્રવણેન્દ્રિય)ના માધ્યમથી ભોક્તા બધાં ધ્વનિ સાંભળે છે; જીભની સ્વાદેન્દ્રિયના માધ્યમથી ભોક્તા સ્વાદના વૈવિધ્યનો આનંદ લે છે.

આમ, આત્મા, અહંકાર, બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને શરીર આ બધું મળીને એક માણસ, એક વ્યક્તિ કહેવાય છે, અને તેથી માત્ર આ બાહ્ય દેખાતું શરીર જે છે એટલું જ આપણું અસ્તિત્વ નથી, કે નથી આપણું વ્યક્તિત્વ.

હવે, શરીરના વિવિધ ભાગોને અલગ કરીએ – આત્માને અલગ કરીને, મન, બુદ્ધિ, વિગેરેને જો જુદાં કરીએ તો શરીરને ન્યાય નહીં આપી શકીએ; માત્ર શરીરને જ ધ્યાનમાં રાખીએ, અને મન અન્વેષણના પરિઘમાં ના હોય, કે પછી આત્મા ના હોય, બુદ્ધિ ના હોય … તો આપણે શરીરને ન્યાય નહીં આપી શકીશું.

શરીરના બધાં ભાગોમાં સૌથી વધારે મહત્ત્વનો ભાગ, મુખ્ય ભાગ, છે આત્મા, પરંતુ આજના ભૌતિક જગતમાં આ મુખ્ય ભાગ અને એનું અસ્તિત્વ તદ્દન વિસરાઈ ગયું છે. આજના ભૌતિક જગતમાં જ્ઞાનની જેટલી પણ શાખાઓ છે એ બધી જ શાખાઓ માત્ર શરીરની જરૂરિયાતોને જ કેન્દ્રમાં રાખીને ઉભી થઇ છે. રોટી-કપડા-મકાનથી માંડીને બીજી બધીજ વસ્તુઓ જે જીવન-વ્યાપન કરવા આવશ્યક-અનાવશ્યક છે એ દરેકે-દરેક વસ્તુ માટે નાની-મોટી ઇન્ડસ્ટ્રીઓ ઉભી કરવામાં આવે છે – ખાવાના દરેક પદાર્થો માટે ખેડૂત અને ખેતરથી માંડી બિયારણ, ખાતર અને એની ફેકટરીઓ, સીડ-બિયારણ રિસર્ચ, ટેકનોલોજી, ટ્રેક્ટર, સ્ટીલ-લોખંડ-રબ્બરની કંપનીઓ, શણ/પ્લાસ્ટિકની ગુણોની ફેકટરીઓ, વેપારી બજારો, ટ્રક-ગાડી, રસ્તાઓ, થાળી-વાટકી-ચમચા, જાત-જાતની વસ્તુઓથી બનેલા લંચ-ડીનર સેટ, નાની-મોટી રીટેલ દુકાનો, શોપિંગ મોલ્સ, હોટેલો, રસ્તા પરની લારીઓ… બેંકો, ફૂડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ, હોટેલ મેનેજમેન્ટની કોલેજો, આ બધાં માટે અલગ-અલગ સરકારી ખાતાઓ… કેટ-કેટલી વાતોને ભેગી કરીએ ત્યારે બને છે એક મુખ્ય ભૌતિક વસ્તુ – રોટી-ખોરાક, પેટ ભરવાનું સાધન. ખોરાક સાથે જોઈતા પેય પદાર્થોની વળી મસ-મોટી, અટપટી દુનિયા!!

આવું તો દરેકે-દરેક વસ્તુઓ માટે છે, કાપડ જોઈએ તો એને માટે કેટલું વિસ્તૃત, વિશાળ ઔદ્યોગિક માળખું, દેશ અને વિદેશોમાં પણ, પછી આયાત-નિકાસનું માળખું; ઘડિયાળ માટે પણ એક જમાનામાં મોટું માળખું હતું, આજે મહદઅંશે મોબાઈલોમાં ઘડિયાળની વ્યવસ્થા થઇ ગઈ છે; મોબાઈલ ફોન રિસર્ચ, ઇન્ડસ્ટ્રી અને માર્કેટ કેટલા વિશાળ, ધીકતા અને વૈશ્વિક બની ગયા છે. એવી જ રીતે મકાન માટે અધધ કહી સહાય એવી કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી!

શરીર, આરોગ્ય, સ્વાસ્થ્ય માટેની વળી એક જુદી જ અટપટી દુનિયા કહી શકાય – મેડિકલ જગત, એલોપેથી, યુનાની, આયુર્વેદિક, હોમીઓપેથીક કોલેજો, યોગા અને હેલ્થ સેન્ટર્સ, જીમ, નાના ઘરગથ્થું વૈદો અને ડોકટરોથી માંડી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો, દવાની કંપનીઓ, રીટેલ દુકાનો. પછી અમુક જ અંગોના નિષ્ણાતો અને કન્સલ્ટન્ટ્સ; આંખમાં કાંઈ ગરબડ થાય તો એકલી આંખ માટે જ અલાયદું માળખું; કાન માટે જુદું માળખું, દરેક અંગોના instruments હોય એની ટેકનોલોજી, રિસર્ચ, એના સ્પેશિયાલિસ્ટો, મિકેનિકો; દાંતના ડોકટરોને જુઓ? ૨૦-૨૫ વર્ષો પહેલાં એમની પાસે કેવા મશીનો હતાં? અને આજે? અત્યાધુનિક!!

હવે વિચારો કે એ દરેક અંગોના ક્ષેત્રના ટેકનોલોજીવાળાને બીજા અંગો વિષે કશી જ ખબર નથી હોતી; દાંતવાળાને કાનની આવશ્યકતા ખબર ના હોય, શરીરની ખબર ના હોય… તો દાંતના ડોક્ટર કે ટેકનીશિયન દાંતને કઈ રીતે ન્યાય આપશે?

ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીવાળાને એ ના ખબર હોય કે માણસ કેવો છે, એની પ્રાદેશિક જરૂરિયાતો શું હોઈ શકે, માણસનું સ્વાસ્થ્ય શું હોય? આરોગ્ય શું હોય? આવું કશું ખબર નહીં હોય તો એ એની (ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને) કઈ રીતે ન્યાય આપશે?

આજની વિદ્યાની કોઈ જ શાખાઓમાં એક-બે જે-તે ક્ષેત્રોના જ્ઞાન સિવાય આવા સંલગ્ન (associated) વિષયોનો કોઈ જ વિચાર નથી હોતો, કે એનું કશું જ જ્ઞાન નથી અપાતું. પહેલાં માણસ માંદો પડતો તો એક ડોક્ટરની દવાથી સાજો થઇ જતો હતું; હવે દશ ડોકટરોમાં પણ ના પતે – પહેલા તો દરેક પ્રકારની ટેસ્ટ કરાવવાની, પછી વારાફરથી દરેક અંગોના નિષ્ણાતોની સલાહ લેવાની, ફલાણા-ઢીકણા સ્પેશિયાલિસ્ટને બોલાવો… આ બધાં મળીને કોઈ ઠોસ, પાકો નિર્ણય ના લે’તા હોય…मुण्डे-मुण्डे मतिर्भिन्ना. હૃદયવાળા માટે હૃદય ખરાબ, લોહીવાળા માટે લોહી ખરાબ, કિડનીવાળા માટે કિડની ખરાબ…બિચારો દર્દી ક્યાં-ક્યાં જાય? શું-શું કરે? એ તો બાઘો જ રહી જોયા કરે, પૈસા ગમે ત્યાંથી કાઢે, ઉછીના લે,… તો પણ બધાં મળીને વ્યાધિ-રોગનું મૂળ શોધી ના શકે કારણ કે આ બધાંનું મૂળ જે ચેતના છે એની જ ખબર ના હોય, તો એ વૈદકીય, મેડિકલ વિજ્ઞાન અધૂરું જ રહેશે.

પુરાતન ભારતની શિક્ષણ વ્યવસ્થાની એક વિશેષતા એ હતી કે વિદ્યાર્થીએ જે કોઈ પણ શાખાનું અધ્યયન કરવાનું હોય તો એને આધ્યાત્મનું જ્ઞાન, આત્માની સમજ, પ્રાણની સમજ અને સરેરાશ બધાં જ ક્ષેત્રોની એને થોડી-થોડી પણ ખબર હોય, એક-બે મુખ્ય ક્ષેત્રના જ્ઞાન સાથે એને આ બધું શિક્ષણ પણ આપવામાં આવતું.

બીજી વિશેષતા એ હતી કે વિદ્યાર્થી ૫-૭ વર્ષનો હોય ત્યારથી ૨૪ કલાક ગુરુકુળમાં ગુરુ પાસે જ રહેતો, કેમ કે આત્માનું જે જ્ઞાન છે, એ સૌથી અગત્યનું જ્ઞાન છે. આત્મા છે તો બીજું બધું છે, તેથી આ શરીરમાં આત્મા જ સૌથી વધારે મૂલ્યવાન છે. રથરથીની વાતમાં સૌથી વધારે મૂલ્યવાન કોણ? રથી જ મૂલ્યવાન, આત્મા રથી છે, તેથી એનું જ્ઞાન બહુ કિંમતી હોય, અને તેથી એનું જ્ઞાન હોવું પણ જોઈએ.

કઠોપનિષદના એ શ્લોકની બીજી વાત યાદ આવે છે કે જો રથ સુંદર છે, ઘોડાઓ પણ છે, એ પણ પાણીદાર, પરંતુ એ ઘોડાઓ જો રથીના વશમાં નથી તો એ સુંદર રથનું શું થશે? એક-એક ઘોડાઓ એના મનમાં આવે તે દિશામાં જાય… આંખ કહે મારે આમ જવું છે, આ જોવું છે; કાન કહે ના આ સાંભળવું છે, જીભને જ કેન્દ્રમાં રાખીએ તો? જીભ કહે કે મારે આ-આ અને-આ પણ ખાવું છે તો? તો એ ‘સુંદર રથ’નું શું થશે?

હમણાં જ એક ભાઈ કહેતા હતા કે અમે એક ફંકશનમાં ગયા હતા; ત્યાં તપાસ કરતાં જણાયું કે માત્ર ૬૫ જુદી-જુદી વાનગીઓ હતી!! હવે રાતના ૧૨ વાગ્યે ૬૫ વાનગીમાંથી થોડી-થોડી પણ ચાખે તો ખાનારનું શું થશે, તમે કલ્પના કરો. હવે ઈડલી હોય, ઢોસા હોય, ચાઈનીસ વેરાઈટી હોય, ડ્રાયફ્રુટ કઢી હોય, પંજાબી તડકાની વાનગી હોય… એ બધું પણ તો ચાખવું પડે ને? અને પેલી ખીર? એ પણ તો ખાવી પડે ને? આમ ઘોડા-રૂપી ઇન્દ્રિયો વશમાં ના હોય તો ‘રથ’, ‘સારથી’ અને ‘રથી’નું શું થશે?

એટલે, અમેરિકામાં હવે બીઝનેસ મેનેજમેન્ટના શિક્ષણમાં શ્રીમદ્-ભગવદ્ગીતા ભણાવવાની શરૂઆત કરી છે, કેમ કે જે વ્યક્તિ મેનેજમેન્ટ ભણે છે એને તો મોટી કંપનીની જુદાં-જુદાં દેશોમાંની શાખાઓને મેનેજ કરવી પડશે, પણ એ પોતાની જાતને મેનેજ કરી શકે છે ખરો? એ વ્યક્તિ એના જીવનમાં આવતી મનની ચંચળતાને, આકર્ષણોને, ચિંતાઓને, ક્રોધને, ઈર્ષ્યાને, રાગ-દ્વેષને, સ્ટ્રેસને મેનેજ કરી શકે છે ખરો? અને એ લોકો મોડે-મોડે પણ સમજ્યા છે કે જે વ્યક્તિ પોતાને મેનેજ ના કરી શકે એ કંપનીની દુનિયામાં ફેલાયેલી શાખાઓને કઈ રીતે મેનેજ કરી શકશે?

આવા ઘણા કારણોને લીધે હવે ઘણી અમેરિકન કંપનીઓ ખાસ કરીને IT કંપનીઓ પોતાના સ્ટાફને રોજે દિવસના પહેલાં એક કલાક યોગાભ્યાસ કરાવે છે, થોડું ધ્યાન પણ કરાવે છે પછી એ લોકો જોબ શરૂ કરવા દે છે.

તો, હવે થોડું સમજાય છે કે ના, દરેકને માટે અધ્યાત્મનું, ધર્મનું શિક્ષણ પણ જરૂરી છે. આત્મા કેન્દ્રમાં છે, આધ્યાત્મ વિદ્યા સૌથી અગત્યની છે. विभूतियोगમાં ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં કહ્યું છે કે ‘अध्यात्मविद्या विद्यानां (अहं) (भ.गी.१०:३२) કે દરેક વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા હું છું.’ અધ્યાત્મવિદ્યા એટલે આત્માને લગતી વિદ્યા, એ વિજ્ઞાન જે આત્મા વિશેની બધી વાતોનું ચિંતન કરે છે કે આત્મા શું છે? એની શોધ કઈ રીતે થાય? આત્માની શોધ કરવાથી  શું થશે? જીવનની પૂર્ણતા જ આત્માની શોધ અને પ્રાપ્તિમાં છે.

ગુજરાતી ભાષાનું એક સુંદર ભજન આ વાતને સરસ રીતે સમજાવે છે – આત્માને ઓળખ્યા વિના રે લખ-ચોરાસી નહીં તો ટળે રે…જી. અધ્યાત્મ વિદ્યા વગર બધું અધરું છે. આપણે બધા જ જાણીએ છીએ કે આ શરીરમાં આત્મા નથી રહતો તો શરીર શું કહેવાય છે અને એ શરીરનું પછી શું થાય છે. આત્મા વગર શરીરનો શો અર્થ? મનનો શો અર્થ? આત્મા નહીં હોય તો મન પણ નહીં હોય, તો પછી ભોક્તા તો હશે જ નહીં. અને જો આ બે નહીં હોય તો શરીરનો શો અર્થ છે? એટલે આત્માના જ્ઞાન વગરની બધી જ વિદ્યાઓ મડદા જેવી છે. જેમ આત્મા વગર શરીર મડદું છે, એવી જ રીતે આત્માના જ્ઞાન વગરનો બધો જ વિકાસ મડદા જેવો છે.

આજે તમે જુઓ કે વિવિધ યત્નો કરીને માણસનું શરીર સુંદર થતું જાય છે, ખૂબ સુંદર થતું જાય છે, પણ એમાંનો આત્મા મરતો જાય છે. બીજી વાત, કે જે પ્રમાણે આપણું પોતીકું શરીર છે, એ જ પ્રમાણે બાહ્ય જગતનું પણ દેખીતું એક જાતનું ‘શરીર’ છે જ્યાં તમે ‘વિકાસ’ને નામે, સમૃદ્ધિને નામે ઘર-મકાનો અને ઓફિસો બધું સ્માર્ટ થતું જાય છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશાળ, ટેકનોલોજી, મોબાઈલ, ગાડી (હવે તો ડ્રાઈવર વગરની, અને પેટ્રોલ-ડીઝલ ને બદલે બેટરી પર ચાલતી ઇલેક્ટ્રિક ગાડી આવે છે) વિગેરે બધું ખૂબ જ અત્યાધુનિક થતું જાય છે… પણ એ બધાંમાં માણસ ક્યાં છે? એ તો આ બધામાં ખોવાતો જાય છે.

આપણે પહેલા પણ એક-બે વખત વાત કરેલી કે હવે માણસ માલેતુજારોની મૂડીવાદી દુનિયામાંની ઇન્ડસ્ટ્રીઓ માટે એક નાનું સાધન-tool બની ગયો છે. ૧૯૩૬માં ચાર્લી ચેપલિને એ જમાનામાં માસ્ટરપીસ કહી શકાય એવું સુંદર મૂવી બનાવ્યું હતું – Modern Times, The Story of Industrial Revolution. આ મૂવીમાં પણ માણસ મૂડીવાદના મોટ્ટી મશીનરીમાંનો એક નાનો અમથો પુરજો, સ્ક્રુ જેવો થઇ ગયો છે; અમેરિકાની એ સમયની ઔદ્યોગિક ક્રાંતિ અને ત્યાર પછીની આર્થિક તંગદિલીમાં એક માણસ જીવવા માટે કેટલો ઝઝૂમે છે એની કથળતી સ્થિતિ સામે એક વ્યક્તિ કેવો બળવો કરે છે, બીજા નાના ‘પુરજાઓ’ પણ સાથે જોડાય છે…, એ વાત રમૂજી, પણ ખૂબ અસરકારક રીતે કહી છે.

આજે આ વાતને ૮૦-૮૨ વર્ષો વિતી ગયા છે, આ સમય દરમિયાન ઘણા સારા અને અણગમતા ફેરફારો થયા છે, પરંતુ અમુક સુખ-સુવિધાના સાધનો ઉપલબ્ધ થયા  સિવાય માણસની મૂડીપતિઓ માટે માત્ર સંસાધન કે toolની સ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો નથી. અને આ સંસાધન કે tool તૈયાર કરે છે આપણી અને વિદેશની આકર્ષક અને મોંઘી ફીવાળી સ્કૂલો, કોલેજો, યુનિવર્સીટીઓ. મૂડીપતિઓ અને કોલેજો વિગેરે બંને મળીને કહે છે કે ‘અમે જોબ માર્કેટ ક્રિએટ કરીએ છીએ!!’ વાસ્તવમાં એ લોકો ઉત્તીર્ણ થયેલા યુવા ‘ટૂલ્સ’ની હરાજી કરે છે (જુના જમાનામાં હબસીઓ, નોકરો, સ્ત્રીઓની બોલી બોલાતી હતી એમ) આ મોડર્ન હરાજીમાં ‘tool’ માટે પણ બોલી બોલાય છ-લાખ, આઠ લાખ, દશ લાખ એમ બોલી બોલાય! જે કંપની વધારે આપે એના નામનો બેજ-પટ્ટો પછી એ ‘tool’ ગળામાં ખૂશી-ખૂશી પહેરીને ફરે છે. ત્યાર પછી પણ એ વધારે પૈસા કઈ કંપની આપે છે એ માટે જ્યાં સુધી ૪-૫-૧૦ બીજી કંપનીઓમાં જમ્પ ના કરે ત્યાં સુધી એને સંતોષ જ ના થાય.

એટલે, આજની આત્મા વિનાની મૂડીપ્રધાન વ્યવસ્થામાં (capitalist systemમાં) માણસ એક પુરજો બની ધીમે-ધીમે ખોવાતો જ જાય છે, હા, બદલામાં એનું શરીર રૂપાળું થતું જાય છે, સાથે એના ઘર, ગાડી વિગેરે પણ રૂપાળા થતાં જાય છે.

આપણી પુરાતન સિસ્ટમમાં આત્મા કેન્દ્રબિંદુ છે, અને એમાં આત્માનું જ્ઞાન પહેલાં અપાતું હતું. આ વાતને થોડું સમજજો કે આત્મા મૂળ છે, અને તેથી આપણે ત્યાં વિજ્ઞાનની કોઈ પણ શાખા હોય એ ધીમે-ધીમે, અંતત:, છેવટે આત્મા સુધી જ જતી હતી, તેથી એ સિસ્ટમ પૂર્ણ કહેવાતી હતી. અને આવા આત્મા-કેન્દ્રિત વિજ્ઞાનમાં એક અજબ-ગજબની અલૌકિકતા આવતી હોય છે.

સંગીત ક્ષેત્રના શાસ્ત્રીય ગાયકીની વાત કરીએ તો આમાં પણ વિજ્ઞાન છે, અધ્યાત્મ વિજ્ઞાન. આ પથપરનો સાધક પહેલા તો માત્ર બહારના અભ્યાસ ઉપર નિર્ભર હોય; પછી આકરા રિયાઝ કરતા-કરતા, ધીમે-ધીમે-ધીમે એ ગાયન/ગાયકી સાધકને એના દેહની સીમાઓથી આગળ લઇ જાય છે. જયારે સાધનાની આ સ્થિતિ આવે છે ત્યારે, સાધક દેહની સીમાઓને તોડવા લાગે છે ત્યારે એ બધું જ ભૂલી જાય છે – એના શરીરને, એને એના દેહનું પણ ભાન નથી રહેતું, એની આજુ-બાજુના વાતાવરણને એ ભૂલી જાય છે… ત્યારે એના ગાયનમાં એક અલગ જ દિવ્યતા આવતી હોય છે. આ વાત જાણીતા શાસ્ત્રીય ગાયકો જેમ કે પંડિત ભીમસેન જોશી, પંડિત જસરાજ, કુમાર ગંધર્વ, કિશોરી અમોનકર, ગિરીજા દેવી વિગેરેને સાંભળો તો સમજી શકાશે.

આવી અલૌકિક, ઉચ્ચ સ્થિતિમાં બે જ વાતો લઇ જતી હોય છે – એક તો ભક્તિ, ભાવ, સમર્પણ, નિ:સ્વાર્થ ભાવ, નિષ્કામ ભાવ કે હું માત્ર ને માત્ર મારા પ્રભુ માટે જ આ કરું છું. આપણે ત્યાં ગીત-સંગીત મોટેભાગે પોતાના ઇષ્ટદેવની ભક્તિ માટે જ થતું હતું. હરિદાસના ગાયનમાં જે દિવ્યતા હતી એ આ ભક્તિ અને સમર્પણને કારણે જ હતી.

બીજી વાત છે નશો. નશો થોડી વાર માટે દેહભાવ ભૂલાવી દે છે. આવી સ્થિતિમાં પછી ભક્તિનો જે અંશ હોય છે એ ખોવાવા લાગે છે, ભક્તિની અતૂટ દોર જે હોય છે એ પકડીને પછી એ આગળ વધી નથી શકતા. એટલે જ ઘણા કલાકારો એમની ઉચ્ચતમ સ્થિતિએ પહોંચ્યા બાદ નશામાં સરી પડતા હોય છે. કમનસિબી કહો કે જે પણ, પણ ગીત-સંગીત સાથે જોડાયેલા ૮૦-૯૦ ટકા લોકો કેફી પીણા (hard-drinks) લેતા થઇ જાય છે, કેમ કે અમુક ઉચ્ચ સ્થિતિ બાદ એ જ્યાં સુધી ‘ડ્રિંક’ ના લે ત્યાં સુધી એ એમનો દેહભાવ ભૂલી નથી શકતા, અને દેહથી આગળની સ્થિતિમાં જઈ શકતા નથી કે જ્યાંથી એ અલૌકિક ગાયન-સંગીત પ્રગટ થતું હોય. અનાયાસે, પછી એને માટે નશો જ એક રસ્તો હોય, અને નશાની આડ અસરો એના જીવનને બરબાદ કરી દેતી હોય. તો, એક વાત તો પાકી કે ગીત-સંગીતમાં ખરેખર ભક્તિ જ સાધકને સાચી રીતે આગળ લઇ જઈ શકે છે.

આપણી સ્થિતિ ધીમે-ધીમે આત્મા સુધી જતી હોય; આત્મા સુધી જવાનો અર્થ છે કે એક એવા કેન્દ્રબિંદુ ઉપર આપણી સાધના પ્હોંચતી હોય કે જ્યાં બધાંયનું origin ઉદ્ગમ છે. આત્માનો અર્થ છે જ્યાંથી બધાં’યનું ઉદ્ગમ છે. જેવી રીતે સોનાના આભૂષણોનો ‘જન્મ’ સોનાથી જ છે; એટલે, હું જો સોના-સુવર્ણ સુધી પ્હોંચી શકું, શુદ્ધ સુવર્ણ મેળવી શકું તો હું કોઈ પણ આભૂષણ નિર્માણ કરી શકું છું. હું જો સુવર્ણકાર હોઉં તો મારી અંદર આભૂષણો ક્રિએટ કરવાની પોસિબિલિટી અગણિત થઇ જાય છે.

મને કોઈ એક મૂર્તિ બનાવીને આપી દે, અને એના આકારમાં ફેરફાર કર્યા વગર મારે જો કોઈ વેરિએશન કરવું હોય તો એની એક સીમા હશે; સુવર્ણના આભૂષણોની બાબતમાં પણ આ જ નિયમ લાગુ પડશે. મને કોઈ મધ્યમ કદનો પત્થર મળી જાય અને જો હું મૂર્તિકાર હોઉં તો મારે માટે એમાંથી નવી મૂર્તિ બનાવવાની પોસિબિલિટી અનંત થઇ જાય છે.

શાસ્ત્રીય ગાયનમાં ધ્યાન આપશો તો સમજાશે કે એનું મૂળ છે ‘अ’ સ્વર. અને ગીતાના વિભૂતિયોગમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે अक्षराणाम् अकारोऽस्मि (१०:३३); એટલે, એ ગાયક ગાતો હોય ત્યારે પાછળ બેક્ગ્રાઉન્ડમાં તાનપૂરા જેવા વાજીંત્ર ઉપર ‘સા……..’ વાગતું હોય. જે ગાયક ‘આ……’માં સ્થિર રહી શકતો હોય તો એનું ધ્યાન ‘અ’માં હોય, પછી એ બીજા બધાં સ્વરોને સરખી રીતે ગાઈ શકતો હોય.

સોના-ચાંદીના આભૂષણોનું મૂળ જે છે એ છે આત્મા, જ્યાંથી બધાંયનું ઉદ્ગમ-સ્થાન છે. એટલે જયારે કોઈ પણ કલાકાર, કોઈ પણ વિજ્ઞાન, વિજ્ઞાનની કોઈ પણ શાખા, વિદ્યાની કોઈ પણ શાખા એ મૂળ – આત્મા – સુધી પ્હોંચવા લાગે છે ત્યારે એ બધાં જ ક્ષેત્રમાં ક્રિએટીવિટીની શક્યતાઓ અનંત થઇ જાય છે.

પુરાતન ભારતની જે અનંતાનંત વિદ્યાઓ હતી, કળા-કારીગરી, વિજ્ઞાન-વિદ્યાનું જે વૈપુલ્ય હતું એ બધાંનું મૂળ આ આત્મા અને એનું અધ્યાત્મ વિજ્ઞાન હતું. એટલે જયારે કોઈ પણ કલાકાર, કોઈ પણ ક્ષેત્રના વૈજ્ઞાનિક, ગણિતજ્ઞ, વિજ્ઞાન કે વિદ્યાની કોઈ પણ શાખાના સાધક એ મૂળ સુધી પ્હોંચવા લાગે છે તો એમના કાર્યમાં ઇન્ફાઈનાઈટ અનંતાનંત શક્યતાઓ ઉદભવતી હોય છે.

આત્મા અને અધ્યાત્મને કેન્દ્રમાં રાખીને જ આપણા દેશમાં વિજ્ઞાનની અગણિત શાખા-પ્રશાખાઓમાં એના ઉચ્ચતમ શિખરો સર કરાયા હતા; ભાષાના ક્ષેત્રમાં સંસ્કૃત અતુલનીય છે; ચિકિત્સાના ક્ષેત્રમાં કોઈ તુલના નથી;  યોગ પધ્ધતિ દ્વારા શરીર અને મનની સ્વસ્થતા માટે વિશ્વમાં બીજો કોઈ જ વિકલ્પ જ નથી; અને આજે યોગને માત્ર એક વ્યાયામ, exercise તરીકે પણ જોય કે કરે તો દુનિયામાં એની કોઈ તુલના નથી.

આવું તો જીવન અને વિજ્ઞાનના દરેકે-દરેક ક્ષેત્રમાં થયું હતું, કેમ કે એ વિજ્ઞાન, વિદ્યાના સાધકો બધાંનું જે મૂળ આત્મા છે ત્યાં સુધી પ્હોંચ્યા હતા.

 

‘‘અંતે તો હેમનું હેમ જ હોય’‘, ‘‘सर्वं खल्विदं ब्रह्म…’‘ એ જે જ્ઞાન છે એ આપણા દેશના શિક્ષણના મૂળમાં હતું. આ બધી વાતોને આપણે નહીં સમજીશું, અને માત્ર નકલ કરશું તો સફળ નહીં થઈશું

અમે નાના હતાં ત્યારે વડીલો અમને એક સૂત્ર સમજાવતા કે नकल + अक्ल = सफल. આપણે નકલ કરીએ છીએ, અક્કલને બાદ (minus) કરી દઈએ છીએ नकल – अक्ल = ? પશ્ચિમની બધી વાતોની આપણે નકલ કરીએ છીએ, અક્કલને નેવે, બાજુપર મૂકીને. આપણે અક્કલ નથી વાપરતા કે પશ્ચિમની વાતો મારે માટે કઈ, કેટલી સારી છે. કઠોપનીષદના શ્લોકના રથની જે વાત છે એ અક્કલની વાત છે. ધીમે-ધીમે જેમ વિજ્ઞાનને સ્પષ્ટ થતું જાય છે, તેમ તેમ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો આપણી અધ્યાત્મ, ધર્મની વાતોનો સ્વીકાર કરતા જાય છે.

ભૌતિકતા, મૂડીવાદના સમય-કાળમાં રહેતા આપણે પણ આપણા હૃદયને સમજવાની જરૂર છે. જીવનના મૂળમાં અધ્યાત્મ હોય, તત્ત્વજ્ઞાન હોય, અને લૌકિક જીવન વ્યવસ્થાનું લક્ષ્ય પણ આ મૂળ હોય તો એ વિચારધારા, એ દર્શનને આધારે પછી જીવન, શૈક્ષણિક, સાંસારિક, સામાજીક, આર્થિક વિગેરે બધી વ્યવસ્થાઓ ઉભી થતી હોય છે. ધંધાકીય કે ઔદ્યોગિકી વ્યવસ્થા, બિલ્ડીંગ, ફેક્ટરી, અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિગેરે  એના અંતિમ પ્રોડક્ટને આધારે ઉભી કરાય છે. મારે જો સુવર્ણનું ઉત્પાદન કરવું છે તો પછી એ માટે યથા-યોગ્ય ખાણ જોઈએ, બીજી આવશ્યક રચનાઓ અને સુવિધાઓ જોઈએ; કાપડ બનાવવું છે, કેવું, શે’માંથી એ બધું નક્કી હોય તો પછી એ માટેની આવશ્યક બીજી બધી બાબતોનું નિર્માણ થાય છે.

એ જ પ્રમાણે, સનાતન ધર્મમાં જીવનનું લક્ષ્ય, હૃદય એ આત્મા છે, નિરંતર સુખની જે અવસ્થા છે એ આત્માની અવસ્થા છે, અને જો નિજાનંદ અવસ્થા જોઈતી હોય, પૂર્ણ રીતે સ્વતંત્ર અને મુક્ત અવસ્થા એ જો જીવનનું લક્ષ્ય હોય, એ જો મનુષ્યનું લક્ષ્ય હોય તો એ આત્માના જ્ઞાનથી જ શક્ય બનશે, તો એવી સમજ કેન્દ્રમાં રાખીને, એને હિસાબે આપણી આખી વ્યવસ્થા ઉભી થઇ છે.

પાશ્ચાત્ય વિજ્ઞાન અને સમાજ-વ્યવસ્થા જે ઉભાં થયાં છે એના મૂળમાં, કેન્દ્રમાં તો ઐન્દ્રિય સુખ છે, ભોગ-ઐશ્વર્યનું સુખ છે. એટલે ત્યાનું આખું ચિંતન છે કે અર્થતંત્રને ઈકોનોમીને કઈ રીતે વધારતા, વિસ્તારતા રહેવું.

હવે, સવાલ એ ઉભો થાય કે તમે ઈકોનોમી વધારશો કોને માટે? માણસ માટે કે ભૌતિક સાધનો માટે? બહારથી સુખની જે શોધ છે એ તો ભૌતિક વસ્તુઓમાં જ હોય, અને જેની માંગ વધારે એનું જ ઉત્પાદન, વિકાસ વધારે હોય. એમાં માણસનો વિકાસ ક્યાં? બીજું, ભૌતિક સુખ-સુવિધા કાયમ બીજા પાસેથી વાહ-વાહ, appreciation માંગે છે; ત્યાં મૂળમાં appreciation છે, તેથી કોઈ એને કહેવાવાળું જોઈએ કે તમારી ગાડી, બંગલો, કપડા, TV વિગેરે બહુ જ સરસ છે; સારાં કપડાં, જોડા, આભૂષણો પહેરીને ક્યાંક જઈએ તો એને બીજા વખાણ કરે એની અપેક્ષા હોય. તમે ઘરમાં કે જંગલમાં એકલા હો ત્યારે સારાં કપડા કે આભૂષણો પહેરીને ફરો છો? ના, પણ કોઈના લગ્નમાં, ફન્કશન કે કોઈ પાર્ટી હોય ત્યારે જ સજી-ધજીને જવાનો આનંદ હોય કેમ કે ત્યાં બીજા તરફથી appriciation મેળવવાની અપેક્ષા હોય.

આ appreciationની અપેક્ષા સાથે એક પ્રકારનો છૂપો ભય પણ હોય કે આપણા કરતા કોઈ બીજું સારું, મોંઘુ, પહેરીને આવ્યું હોય તો આપણને appreciation ના પણ મળે. આપણા કરતા બીજું કોઈ વધુ સારી, મોંઘી, મોટી ગાડીમાં આવે તો appreciation તો એને જ મળે ને? આવી સ્થિતિમાં ભય સાથે એક પ્રકારની અસુરક્ષા સાથે, છૂપો સંઘર્ષ પણ આવશે.

ભય, અસુરક્ષા અને સંઘર્ષને વૈયક્તિક ક્ષેત્રથી વિસ્તારીને વૈશ્વિક ફલક પર જોઈશું તો સમજાશે કે આજે અમુક નાના દેશો એટોમિક પાવર મેળવવા, અને જો હોય તો એને વધારવાની હોડમાં લાગ્યા છે. કારણ? મોટા, વિકસિત દેશો પાસે અણુ-હથિયારોનો ગંજાવર સ્ટોક છે તેથી નાના દેશોને ભય, અસુરક્ષા કાયમ રહે છે કે અમને મોટા દેશો મારશે તો સ્વરક્ષણ માટે અણુ-હથિયારના ઢગલા વિશ્વમાં ખડકાયા છે.

હવે વાત કરીએ ભારતીય તત્વજ્ઞાનની, કે જયારે વ્યક્તિ નિજમાં જ આનંદિત છે, એને કોઈનો ભય જ નથી; અને ભય કોનો હોય? બીજો હોય તો ભય હોય… બધે જ જો ‘હું’ (પરમ ચેતના) જ હોઉં, બધે મારો જ આત્મા છે, તો ભય કોનો?

તો, વૈશ્વિક ભયમુક્ત શાંતિ માટે અધ્યાત્મ વિજ્ઞાન જ એકમેવ ઉપાય છે જે વિશ્વને નિર્ભય બનાવશે, તેથી અધ્યાત્મનું શિક્ષણ મૂળ શિક્ષણમાં હોવું જોઈએ. આપણા દેશમાં આ અધ્યાત્મ શિક્ષણ, જ્ઞાન હતું, એ સમાજમાં સુવ્યવસ્થિત રીતે વિસ્તરે, સ્વીકૃતિ પામે એ માટે આખી સમાજ વ્યવસ્થા એ પ્રમાણે ઉભી કરવામાં આવી હતી – પરિવારની ભાવના, સર્વાંગીણ ઊર્ધ્વગામી શિક્ષણ, ચતુરાશ્રમ, વિગેરે. આ સમાજ આખાનું લક્ષ્ય મોક્ષ હતું, આત્માનું જ્ઞાન, એનો બોધ લક્ષ્ય હતું, સ્વતંત્રતા લક્ષ્ય હતી. એમાં જ જીવનની પૂર્ણતા છે.

આ બધી વાતોને આપણે બીજા ક્ષેત્રોમાં પણ સમજવાનો આગળ પ્રયત્ન કરીશું.

ॐ तत् सत