આપણા ઋષિમુનિઓનો શાશ્વત સંદેશ એ સમસ્ત માનવ જાતિની આધ્યાત્મિક પૈતૃક સંપત્તિ છે. આ સંપત્તિને પ્રાપ્ત કરવી એ દરેકે-દરેક મનુષ્યનો અધિકાર છે, જન્મસિદ્ધ હક્ક છે.

પરંતુ જ્યારે અધિકારની વાત આવે છે ત્યારે આપણે એકદમ તુચ્છ નશ્વર વસ્તુ પાછળ દોડી રહ્યાં છે જેમ કે “આપણને પદ-પ્રતિષ્ઠા મળે, સુખ-સુવિધા ƒÉ³à,’ ક્યારેક તો વિચારીએ આ બધુ મળે તો ટકે છે કેટલું? બહારથી મળેલી સંપત્તિની અવધિ બીજા ઉપર જ આશ્રિત હોય છે. સમાજ આપે પણ છે અને એ પદવી, પ્રતિષ્ઠા ક્યારે પાછી ખેંચી લે ખબર પડતી નથી. અને જ્યારે એ જતી રહે ત્યારે મનુષ્ય દુઃખી થઇ જાય છે.

આપણા ઋષિમુનિઓ એ આપેલ સંપત્તિ છે, “તત્ત્વમસિ’. તું તે જ છે. તું પોતે સુખ છે, આનંદ છે. સુખ બહાર નથી, તારી અંદર છે. શાંતિ તારી અંદર છે, તું એને બહાર શોધે છે માટે અશાંત થાય છે. જ્યાં છે ત્યાં શોધ. મળી જાય તો તેમાં લીન થા, ડૂબકી લગાવ. એમાં ડૂબીને પણ તું તરી જઇશ. કારણ કે તે તું જ છે.

આ સમજ પછી તું ક્યાંય પણ જશે બધે જ આ સુખ, શાંતિ, અને આનંદની સુવાસ તું ફેલાવતો રહેશે. આજે બધાને આ જ જોઇએ છે પરંતુ બધા સોધી રહ્યા છે વ્યક્તિમાં, વસ્તુમાં, પદ અને પ્રતિષ્ઠામાં. અને જેમણે મેળવ્યું છે એ આ બધાથી મુક્ત થઇ ગયા છે. એમની શાંતિને કોઇ ડહોળી શક્યું નથી. આજે એ મહાપુરુષો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત હોય પણ અને ના પણ હોય છતાં તેમના નામથી પણ શાંતિનો અનુભવ થાય છે.

વૈશાખસુદ પાંચમ જગદ્ગુરુ ભગવાન શંકરાચાર્યજીનો જન્મદિવસ છે. લગભગ 1250 વર્ષ થયા છે છતાં એમનું જીવન આપણને પ્રેરણા આપતું રહ્યું છે. આ દિવ્ય વિભૂતિને આપણા સૌના કોટિ કોટિ વંદન.