ૐ | વાક્પુષ્પ
શક્તિ આસુરી હોય કે દૈવી, વિજય તો સદા સત્યનો જ થાય છે
દર વર્ષનો ફાગણ સુદ પૂનમનો દિવસ જે હોલિકા-દહનના દિવસ તરીકે જાણીતો છે, આ દિવસ પણ પુરાણોમાંની આવી જ એક વાર્તા સાથે જોડાયેલો છે.
દૈત્ય-અસુર રાજા હિરણ્યકશ્યપુના મનમાં એક ભૂલ ભરેલી વાત ઠસી ગઈ હતી, કે વિષ્ણુએ જ મારા નાના ભાઈ હિરણ્યાક્ષને માર્યો છે, તેથી મારે પણ વિષ્ણુને મારવો જોઈએ. પુરાણોની વાર્તા અનુસાર, આ કાર્ય કરવા હિરણ્યકશ્યપુએ છત્રીસ હજાર વર્ષ ઘોર તપ કર્યું; તપ કરતાં-કરતાં તેણે અન્ન-જળનો પણ ત્યાગ કરી દીધો; પરંતુ જ્યાં સુધી તપસ્વીની ભાવના કે હેતુ શુદ્ધ ન હોય,ત્યાં સુધી આવા ઘોર તપનો કોઈ જ અર્થ નથી હો’તો.
પૂ. સ્વામીજી કાયમ એક વાત કહે છે કે, નૌકાને નદીના એક કિનારે બાંધી રાખીએ અને પછી ભલેને આખી રાત હલેસા મારતાં રહીએ, નૌકા ત્યાં જ રહેશે,એમાં બેસી સામે કિનારે જઇ જ નહીં શકાય, કેમ કે એ નૌકાના બાંધેલા લંગરને છોડવું જ પડે!
જ્યાં સુધી મનમાંથી રાગ-દ્વેષ, ઈર્ષ્યાની કલુષિતતા નહીં જાય ત્યાં સુધી અનેક વ્રત, તપ, જપ ધ્યાન બધું જ હોલિકા જ છે, અને જે રીતે હોલિકા એના જ ભાઈ હિરણ્યકશ્યપુના દીકરા પ્રહ્લાદને જ નષ્ટ કરવા માટે એને મળેલા વરદાન પ્રમાણે અગ્નિ ઉપર બેસી જાય છે,તો પણ અંતે તો તેણે જાતે જ નષ્ટ થવું પડ્યું;
જ્યારે જે મન નિર્મળ, શાંત, પરમાત્મા માટે પ્રેમ-શ્રદ્ધાથી ઓતપ્રોત છે એવા પ્રહ્લાદના શરીરની રક્ષા તો સ્વયં પરમાત્મા કરે છે– આમ હોલિકા ભસ્મ થઈ જાય છે, પ્રહ્લાદ બચી જાય છે. હોળીના શુભ દિવસે લોકોની અંદર રહેલી આસુરી વૃત્તિઓનો નાશ થાય અને દૈવી વૃત્તિઓનો વિજય થાય તેવો દૃઢ સંકલ્પ કરીએ.
ધર્મની રક્ષાર્થે જો દૈવી જીવો સૌ સંગઠિત થશે તો જ આસુરી તત્ત્વોનો નાશ કરવામાં સફળ થવાશે. સૌ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રૂપે સબળ બને તેવી પરમાત્માને પ્રાર્થના.
વચનામૃત
अङ्गुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा
सदा जनानां ह्रदये सन्निविष्टः।
तं स्वाच्छरीरात्प्रवृहेन्मुञ्जादिवेषीकां धैर्येण
तं विद्याच्छुक्रममृतं विद्याच्छुक्रममृतमिति।।
– कठोपनिषद, २।३।१७
પદચ્છેદ अङ्गुष्ठमात्रः, पुरुषः, अन्तरात्मा,
सदा, जनानाम्, ह्रदये, सन्निविषटः।
तम्, स्वात्,शरीरात्, प्रवृहेत्, मुञ्जात्, इव, इषीकाम्, धैर्येण,
तम्, विद्यात्, शुक्रम्, अमृतम्, तम्, विद्यात्, शुक्रम्, अमृतम्, इति।।
શબ્દાર્થ – અંગુઠા જેવડા માપવાળો સર્વનો અંતર્યામી, પરમાત્મા, સર્વના હ્રદયમાં હમેંશા રહેલો છે
અંગુઠા જેવડા એટલે કે જે પૂર્ણ પુરુષ હોવા છતાં (મનુષ્યના) અલ્પ મન સાથે તાદાત્મ્ય કરીને જાતે અલ્પ થઈ ગયો છે – જેવી રીતે કોઈ વાસણમાં સૂર્યનું પ્રતિબિંબ પડે તો સૂર્ય એ વાસણ જેવડો લાગે અને જો એ વાસણમાંનું પાણી હલતું હોય તો સૂર્ય પણ હલતો લાગે. આ પ્રમાણે અંત:કરણમાં પ્રકાશિત થતું ચૈતન્યનું પ્રતિબિંબ અંત:કરણ અને એમાંની વૃત્તિઓ પ્રમાણે અનુભવાય છે.
ટૂંકમાં, આત્મા વિષે અલ્પતાના ખ્યાલો જે અનુભવાય છે તે શરીર, અંત:કારણ અને અહંભાવ-રૂપી ઉપાધીને કારણે છે. જેવી રીતે મુંજ નામના ઘાસમાંથી શલાકાને છૂટી પાડીએ છીએ તે પ્રમાણે આત્માને અંત:કારણથી અલગ જાણવો; તેને વિશુદ્ધ અને અમૃતસ્વરૂપ જાણવો, તેને વિશુદ્ધ અને અમૃતસ્વરૂપ જાણવો.