નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૪મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે.

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशूनम् |
दयाभूतष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् || १६:२

ભગવાન શ્રીકૃષ્ણ જે દૈવી સંપત્તિઓનું વર્ણન કરી રહ્યા છે એમાંની કોઈ પણ સંપત્તિની બાબતમાં આપણે જો થોડો વિચાર કરીએ તો એ ખરેખર, એકદમ અમૂલ્ય લાગે છે; વળી, કોઈ પણ સંપત્તિને  આપણે ઊંડાણમાં સમજવાનો પ્રયત્ન કરીશું તો એ પણ સમજાશે કે એ સંપત્તિ અંતે તો બોધમાં પૂર્ણ થતી હોય છે, એ જ્ઞાનમાં પૂર્ણ થતી હોય છે, જે પરમ જ્ઞાનની સ્થિતિ છે. જ્યારે કોઈ જ્ઞાની બોધની સ્થિતિમાં હોય તો અનાયાસે આ બધી સંપત્તિઓ એનામાં વ્યક્ત થતી હોય છે, પ્રકટ થતી હોય છે. એટલે, બધી સંપત્તિઓ એ જ્ઞાનની સ્થિતિ સુધી જવા માટેનો દ્વાર હોય શકે. આપણે ‘ત્યાગ’ ઉપર વિચાર કર્યો હતો, તો એ ત્યાગ જેમ-જેમ વધતો જાય છે, અને પૂર્ણ સ્થિતિએ પ્હોંચે છે ત્યારે એ આત્મામાં જઈને અટકી જાય છે, એ જગ્યાએ અટકે છે કે જ્યાં એ વસ્તુનો ત્યાગ નથી થઇ શકતો. ત્યાગ બધાનો થઇ શકે છે, પરંતુ સ્વ-નો, આત્માનો ત્યાગ નથી થઇ શકતો, આત્મા સિવાય દરેક વાત, વસ્તુનો ત્યાગ થઇ શકે છે, આત્માનો ત્યાગ નથી થઇ શકતો. એટલે જ્યાં ત્યાગ કરતા-કરતા અટકી જઈએ છીએ, ‘नेति-नेति-नेति’ કરતા જ્યાં અટકી જઈએ છીએ એ સ્થિતિ આત્મા છે. અને તેથી ભગવાને ગીતામાં અન્ય જગ્યાએ કીધું છે ‘त्यागाच्छान्तिरनन्तरम्’ (१२:१२) કે ત્યાગ કર્યા પછી શાશ્વત સુખ મળે છે, શાશ્વત શાંતિ મળે છે.

તો, આજે આપણે શાંતિની બાબતમાં થોડું વિચારીશું. શાંતિ એક એવી સુંદર દૈવી સંપત્તિ છે કે જેની પૂર્ણતા બોધમાં તો છે જ, સાથે-સાથે એ આપણા રોજીન્દા જીવન સાથે પણ સંકળાયેલી છે. આપણા જીવનમાં જે શુભ વસ્તુઓ છે, જે કાંઈ સારું છે એ બધાના પાયામાં, મૂળમાં શાંતિ છે. કોઈ એક અતિ ગુસ્સાવાળી વ્યક્તિ હશે એ પણ કોઈ-ને-કોઈ ક્ષેત્રમાં સારું કરી શકે છે; પરંતુ, જો કોઈ વ્યક્તિ અશાંત હશે તો એ કોઈ પણ ક્ષેત્રમાં કશું પણ સારું નહીં કરી શકે.

આજના સમય અને સમાજમાં જે સૌથી મોટી સમસ્યા છે એ અશાંતિની છે, અશાંતિ આજના સમય માટે સૌથી મોટી ચેલેન્જ છે. આજે બધે અશાંતિ એટલી બધી વધી ગઈ છે, એ ચેલેન્જનું પ્રમાણ એટલું બધું છે કે આ પહેલા લોકોમાં અને સમાજમાં આટલી અશાંતિ ક્યારે)*ય ન્હોતી. આપણે જોઈએ તો આજે અશાંતિ વ્યક્તિગત જીવનથી લઇ સમસ્ત વૈશ્વિક જીવનને ગ્રસી જશે એટલી ભયાનક રીતે વધી રહી છે. આપણે જાતે અનુભવીએ છીએ કે આપણને આપણા વૈયક્તિક જીવનમાં શાંતિ નથી, અને આપણી દૃષ્ટિને વિસ્તારીને જોઈશું તો દેખાશે કે દુંંનિયામાં ઘણા માણસો જાત-જાતની શારીરિક અને માનસિક બિમારીઓથી પીડાય છે – ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, હાર્ટ-પ્રોબ્લેમ્સ, કેન્સર, સ્ટ્રેસ, અનિદ્રા, … આ ઉપરાંત નવી-નવી બિમારીઓ પણ આવતી જાય છે. આજે વિકસિત દેશોમાં લગભગ ૧૦ ટકા જેટલા લોકો ઉંઘની ગોળી લીધા વગર સુઈ નથી શકતા. આજની આરોગ્યની જે મોટી ચેલેન્જ છે એના મૂળમાં બે કારણો મુખ્ય છે – સ્ટ્રેસ અને પ્રોપર ઉંઘનો અભાવ. આજે દરેક વ્યક્તિ જીવન-વ્યાપન અને ધનોપાર્જન માટે કાંઈ-ને-કાંઈ તો કરતી જ હશે, કોઈ જોબ કરતું હશે, કોઈ નાનો-મોટો વ્યવસાય-ધંધો કરતા હશે… પણ આખી અર્થવ્યવસ્થામાં જે પાસું વધી રહ્યું છે એ છે જોબ-ઓરીએન્ટેડ વ્યવસ્થા, અને આ વ્યવસ્થા વિવિધ કારણોસર તદ્દન અનિશ્ચિત, અન્સર્ટન થઇ ગઈ છે!!

આપણા એક સાધક છે, એ મને ક્યારેક-ક્યારેક ફોન કરે છે, કહે કે ‘સ્વામીજી, બહુ ચિંતા રહે છે.’ હવે એમનો પગાર મહીને અઢી લાખનો હતો, તો મેં કહ્યું, “તને આટલો સારો પગાર છે તો સારી રીતે જીવતો કેમ નથી?” એ કહે, “સ્વામીજી, જે રીતનો પગાર હોય, એ રીતની અમારી લાઇફ-સ્ટાઈલ પણ ઉભી કરી હોય – બંગલો, રાચ-રચીલું, ગાડી… એ બધું મોટે ભાગે લોન પર લીધું હોય; બાળકો પણ એ પ્રમાણેની સ્કુલમાં ભણતા હોય, ઉંચી ફીસ હોય. ઉંચો પગાર આપતી કંપનીએ અમને ત્રિમાસિક ઉંચા ટાર્ગેટ આપ્યા હોય, વળી, એમાં પણ કંપનીને ઈમ્પ્રુવમેન્ટ, વધારો જોઈએ. કોઈ પણ કારણસર જો અમે એ ટાર્ગેટ અચીવ નથી કરી શકતા તો કંપની અમને બે-ત્રણ ક્વોર્ટર (છ-નવ મહિના) બાદ કાઢી મૂકે…આવા વિચારોથી, પરિણામની કલ્પનાથી ઉંઘ નથી આવતી.”

આજે સારી, મોટી કંપની હોય એ સ્ટોક એક્સચેન્જ પર લીસ્ટેડ હોય, અને એના શેરના ભાવમાં ઉતાર-ચઢાવ થતો રહેતો હોય. હવે જો એ કંપનીના શેરના ભાવ ઓછા થાય, તો એ કંપની સૌપ્રથમ અમૂક માણસોની છટણી કરી, ખર્ચો ઓછો કરે, તો શેરના ભાવ થોડા ઉપર જાય. આ પ્રથા IT કંપનીઓમાં સૌથી વધુ જોવા મળે છે, સૂચના આપ્યા વગર જ કેટલાક માણસોને કાઢી મૂકે, કારણ કે સૂચના આપીને કાઢે તો એ એના ડેટાથી, એ માહિતી સાથે ચેન-ચાળા કરી શકે, એને  ડિસ્ટર્બ પણ કરી શકે. તો, કંપની કોઈ પણ સૂચના આપ્યા વગર કાઢી મૂકે. એવું પણ બને કે રોજની જેમ એ ઓફિસે જાય, ત્યાં એના બોસ તો એના રેઝિગ્નેશન લેટર સાથે બેઠા હોય, આવે કે તરત એની સહી લઇ શકે. કેટલી કંપનીઓમાં બોસ તો આવા સમયે સાથે બે-ત્રણ માર્શલ ઉભા રાખે કે બરતરફ કરાયેલ વ્યક્તિ ત્યાં કોઈ ધમાલ ના કરે, ક્યારેક તો ત્યાં એક ડોક્ટર પણ હોય, કે એને ચક્કર, કે હાર્ટ-એટેક આવે તો એની ટ્રીટમેન્ટ માટે હાજર હોય; અને નીચે ટેક્સી પણ તૈયાર હોય, એને ઘરે લઇ જવા માટે, એને જાતે ડ્રાઈવ કરીને ઘરે જવા ના દે. કંપનીબધું જાણતી હોય, તો પણ કંપનીએ આવું કર્યા વગર છૂટકો જ નથી.

દરેક માણસને જીવનમાં શાંતિ જોઈએ – અંદરની અને બહારની પણ, સાથે-સાથે બહારની વ્યવસ્થામાં એક પ્રકારની સુરક્ષા પણ જોઈએ, અને જો એ સુરક્ષા ના હોય તો શાંતિ નથી મળી શકતી. બીજી બાબતોમાં તો ઠીક, પણ આજીવિકા અને ભોજન માટે સુરક્ષા હોય તો શાંતિનો વિચાર થઇ શકે. સાથે ફેમિલી માટેની સુરક્ષા, પોતાના અને ઘરના લોકોના આરોગ્ય માટે પણ સુરક્ષા જોઈએ. આજે સંયુક્ત કુટુંબ ને બદલે વિભક્ત કુટુંબો થઇ ગયા છે, તેથી મા-બાપ સાથે છોકરો રહેશે કે કેમ એ મોટો સવાલ છે. અરે, પતિ-પત્ની પણ આખું જીવન સાથે ગાળશે કે કેમ  એ પણ શંકાવાળી વાત છે. તો, આજે સુરક્ષા ક્યાં’ય નથી દેખાતી, નથી પરિવારમાં, નથી સમાજમાં; આગળ જોઈએ તો દેશ પણ સુરક્ષિત નથી… અને તેથી બધે અશાંતિ પ્રસરતી જાય છે.

આ અશાંતિ જે છે એ માનવતાનું કેટલું  બધું નુકશાન કરે છે; અને આજથી નહીં, હજારો વર્ષોથી આપણે શાંતિથી નથી રહ્યા – ક્યાંક ધાર્મિક વિચારધારાને લઈને સંઘર્ષ હોય, ક્યાં’ક રાજકીય વિચારોને કારણે – કમ્યુનિઝમ, સોશિયલીઝમ, લોકશાહી કે કેપિટાલિઝમ ને કારણે – અશાંતિ હોય. ઓગણીસમી સદીમાં એક સમય એવો હતો કે આખી દુનિયા બે વાદોમાં – કમ્યુનિઝમ અને કેપિટાલિઝમમાં – વહેંચાઇ ગઈ હતી, ત્યાં સુધી કે બંને એક-બીજાના દુશ્મનો ના હોય! આજે જોઈએ છીએ તો ધાર્મિક વિચારો, મૂલ્યો- માન્યતાઓને લઇ વિશ્વમાં વધતા સંઘર્ષોને કારણે કેટલી બધી અસુરક્ષા અને અશાંતિ ફેલાઈ છે? હવે તો અમુક સંપ્રદાયને માનાનારાઓમાં અસહિષ્ણુતા એટલી હદે વધી ગઈ છે કે એ લોકો અન્ય વિચાર-ધર્મ-સંપ્રદાયના લોકો ઉપર સીધી ટ્રક જ ચઢાવી દે છે, માત્ર આપણી વિચારધારા એ લોકો કરતા જુદી છે એટલા માટે! અને હવે આવું તો વિશ્વમાં અનેક સ્થળોએ થતું જાય છે, લાખો લોકો મરી રહ્યા છે, જે બચ્યા છે એવા લાખો લોકોએ નિરાશ્રિતોની જેમ કેમ્પોમાં રહેવું પડે છે જ્યાં ખાવા કે રહેવાનું ઠેકાણું નથી હો’તું. આવી માનસિકતાને લીધે કેટલાક વિકસિત દેશોમાં અમુક મોટા-સારા નગરોમાં જ્યાં વૈભવ હતો, આજે ત્યાં ખંડેર જોવા મળે છે.

માણસ અને સમાજની આવી અશાંત પરિસ્થિતિમાં ભગવાન નિર્દેશ કરે છે શાંતિ તરફ, કહે છે કે શાંતિ એ દૈવી સંપત્તિ છે. માણસ આમ તો હોંશિયાર છે, બુદ્ધિમાન છે, તે છતાં પણ એ શાંતિથી જીવી નથી શકતો, હજારો વર્ષો થયા, એના જીવન અને સમાજમાં બધે સંઘર્ષ-અશાંતિ વધતાં જ રહ્યાં છે. જીવનમાં ક્યાં’ય પણ તકલીફો હોય તો એને સમજવી છે, અને દૂર પણ કરવી છે, અને આ વિશ્વ-વ્યાપી અશાંતિ છે એને પણ સમજવી છે, કારણ કે મનુષ્યના જીવન માટે શાંતિ ખૂબ આવશ્યક છે, અનિવાર્ય પણ છે, તે ત્યાં સુધી કે જીવનમાં અન્ય કોઈ પણ વાત આટલી અનિવાર્ય નહીં હોય. માણસ હિંસા, ક્રોધ, ઘૃણા, રાગ-દ્વેષ બધા સાથે જીવી લેશે, પરંતુ અશાંતિથી નહીં જીવી શકે, શાંતિ તો જીવનનો મુખ્ય આધાર-સમ પાયો છે, અને તેથી અનિવાર્ય છે.

મારે જો સ્વસ્થ રહેવું છે તો મને શાંતિ જોઈએ, એના વગર હું સ્વસ્થ નહીં રહી શકું, અને જો સ્વસ્થ ના રહું તો પણ મને શાંતિ ના મળે. આપણે જોઈએ-જાણીએ છીએ કે કોઈની પાસે ધન-વૈભવ-પરિવાર બધું જ હોય તો પણ એને શાંતિ નથી, એ અશાંત હોય છે, એને અનિદ્રા સતાવે છે, ખાવાનું ભાવતું નથી. આવું જીવન આપણને ગમે? શાંતિ તો જીવનનો પાયો છે, અને તેથી જીવનમાં શાંતિ અનિવાર્ય છે.

માણસના જીવનમાં જે પણ કાંઈ સારું, શુભ થશે, કલ્યાણકારી થશે એના મૂળમાં શાંતિ હશે તો જ થઇ શકશે. હું કોઈ પણ કર્મ કરતો હોઉં, ભણતો હોઉં, ગીત-સંગીત શીખતો હોઉં, કળા-નૃત્ય હોય કોઈ પણ કર્મ-કાર્ય હોય એ દરેક કાર્ય શાંતિ હોય તો વધુ સારી રીતે થઇ શકે છે; (Please use this matter for Block) હું જો અશાંત હોઈશ તો મારું કોઈ પણ કામ સારું નહીં થાય. મન અશાંત હોય, બીજે હોય ત્યારે રસોઈ બનાવતા-બનાવતા મીઠું ઓછું-વધતું પડશે, ભૂલાઈ પણ જશે, મરચું ભૂલાઈ જશે, ખાંડ ભૂલાઈ જશે… કશું’ક ભૂલાઈ જશે. આમ, હું કાંઈ પણ કરતો હોઉં, મન-ચિત્ત જો અશાંત હશે તો મારા કાર્યમાં કુશળતા આવી જ નથી શકતી, અને જો મન શાંત અને પ્રફુલ્લિત હશે તો મારા દરેક કામો સારા જ થશે.

વિજ્ઞાનની કોઈ પણ નવી શોધ-ડિસ્કવરી હોય, કોઈ પણ ક્રિએટીવ કાર્ય હોય એ શાંતિ વગર શક્ય નથી; માણસ કોઈ પણ ક્ષેત્રમાં બે ડગલા આગળ વધ્યો હશે તો એ શાંત મનમાં જ શક્ય થયું હશે – સંગીતની કોઈ પણ સુંદર રચના હશે, સારું ગીત લખાયું હશે, કવિને કોઈ સારી રચના સ્ફૂરી હશે તો એ શાંત મનમાં જ આવી હશે, શાંતિ વગર આનંદ ના હોય, શાંતિ હોય તો જ આનંદ હોય, અને શાંતિ, આનંદ હોય તો જ માણસ વ્યક્ત થાય છે, અને તો જ માણસ મુક્ત પણ થાય

માણસની મુક્તિ માટે પણ, માણસની સ્વતંત્રતા માટે પણ શાંતિ અનિવાર્ય છે. માણસ ત્યારે સ્વતંત્ર હોય જયારે એ દરેક લાગણીઓથી, દરેક વિચારોથી, દરેક ભાવોથી સ્વતંત્ર હોય એ માટે એને શાંતિ જોઈએ. મનની થોડી પણ અશાંતિ હોય તો એ માણસને મુક્ત ના થવા દે. આ વાતને થોડી  સમજજો.

નદીમાં તરતા હોઈએ અને અચાનક વમળ જેવું આવી જાય અને તરતો માણસ એમાંથી નીકળવાનો ખૂબ પ્રયત્ન કરે, અને જો વમળ ભારી હોય તો એમાંથી એ નીકળી નથી શકતો, વમળ એને ડૂબાડી દે છે. એવી જ રીતે મને જો કોઈ વાતની ચિંતા છે, ખૂબ  ચિંતા છે, અને હું એ ચિંતાના વમળમાં ફસાઈ જઉં છું, એમાંથી નીકળવાનો બહુ પ્રયાસ કરું છું પણ નીકળી શકતો નથી… વિચારો મનમાં તરંગો ઉત્પન્ન કરે છે, અને એ ચિંતામાં પરિણમે તો વમળ જેવામાં ફસાઈએ પણ ખરા; વમળ જો નાનું હોય, તો એક-બે કલાકમાં એમાંથી નીકળી જવાય, ક્યારે’ક એકાદ-બે દિવસો પણ લાગે, પણ પછી નીકળી જવાય… પરંતુ જો વિચારો ઉંડી ચિંતામાં લઇ જાય, વમળ મોટું અને ભારે હોય તો હું એમાંથી નીકળી નથી શકતો. મનની અશાંતિ – નાની કે મોટી – મન-મગજમાં એક પ્રકારનું વમળ પેદા કરે છે, અને એ મને એમાં  બાંધે છે. કોઈ પણ પ્રકારે હું જો એમાંથી છૂટું તો જ મને શાંતિ મળે, હું એ વિચારો-ચિંતાના વમળમાંથી મુક્ત થઉં. તો, શાંતિ વગર સ્વતંત્રતા શક્ય નથી, શાંતિ વગર મુક્તિ પણ શક્ય નથી, શાંતિ એ મનુષ્યના જીવનના પાયાની વાત છે.

આમ, શાંતિની આવશ્યકતાની વાતને કારણે જ ભગવાને દૈવી સંપત્તિઓમાં શાંતિનો સમાવેશ કર્યો છે, અને જો મને શાંતિ જોઈએ છે તો જે પહેલી વસ્તુ એ છે કે મારે મારી અંદર જાગરૂકતા કેળવવી જોઈએ, મારે માટે શાંતિનું કેટલું મહત્ત્વ અને શું મૂલ્ય એ પણ મને સમજાવું જોઈએ; શાંતિથી મૂલ્યવાન કશું જ નથી, અને જો અશાંતિ છે તો બધું બે કોડીનું થઇ જાય. જો જીવનમાં અશાંતિ ઉભી થઇ રહી છે તો એ કયા-કયા કારણોને લીધે છે એ જાણવા-સમજવાની તૈયારી ત્યાં સુધી મારી અંદર ઉભી થતી નથી, જ્યાં સુધી જાગરૂકતા નથી આવતી, જ્યાં સુધી સભાનતા આવતી નથી અને એ કારણોને જીવનમાંથી કાઢવા જ છે એવો ભાવ જાગતો નથી ત્યાં સુધી હું એ દિશામાં આગળ વધી નહીં શકું.

શાંતિ શું છે, એ શું કહેવા માંગે છે એ સમજતા પહેલા, અશાંતિની બાબતમાં થોડું સમજીએ. આપણને અશાંત કરતા કારણોમાં સૌથી મોટું કારણ છે જે આપણી અંદર પરસ્પર અને આખા સમાજમાં, આખા દેશમાં જે અશાંતિ ઉભી કરી છે, જે વિચાર એના મૂળમાં છે, એ છે જુદાપણાનો ભાવ છે, કે બધું જુદું છે – આ જુદું, આ પણ જુદું, પેલું જુદું… હું જુદો, બીજા જુદા… આ જે જુદાપણું છે, જે નાનાત્વનો ભાવ છે એ આપણી અશાંતિનું મૂળ કારણ છે. પણ શું સાચે જ બધું, હું, બીજા બધાં જુદા છીએ? બધું જુદું-જુદું છે? સમસ્ત પ્રકૃતિ એક છે, તેમાં વૃક્ષો છે, નદીઓ છે, પર્વતો છે, પ્રાણીઓ છે, માણસો છે એ બધા’ય જુદા-જુદા છે? ખરેખર એવું છે? એ બધાને જોડનારુ કોઈ તત્ત્વ જ નથી? ના, એ બધું ભલે દેખાય જુદું-જુદું, પરંતુ એ બધું જુદું નથી, બધું એક જ છે, એક તત્ત્વથી બધું જોડાયેલું છે, તેથી બધું એક જ છે. આ જુદાપણાનો જે ભાવ છે એ માટે શ્રુતિ કહે છે ‘मृत्यो: स मृत्युमाप्नोति य इह नानेव पश्यति’ કે, જે બધું જુદું-જુદું જુએ છે, જુદું છે એવું સમજે છે એ જન્મ-મૃત્યુના ચક્કરમાં, દુઃખ-પીડામાં રહ્યા જ કરે છે.

હવે શાંતિની બાબતમાં થોડું સમજીએ. આપણે યોગ-સાધના દ્વારા જેમ-જેમ અસ્તિત્વના ઊંડાણમાં જઈએ છીએ, સૂક્ષ્મમાં ઉતરીએ છીએ, ત્યારે ત્યાં એક એવી ઉચ્ચતમ સ્થિતિનો અનુભવ થાય છે કે જ્યાં આખું અસ્તિત્વ એક થઇ જાય છે, એક સિવાય બીજું કશું જ હો’તું નથી, ત્યાં કોઈ દ્રષ્ટા નથી, કોઈ દૃશ્ય નથી, કોઈ જ્ઞાતા નથી, કોઈ જ્ઞેય નથી, કોઈ અનુભવ કરનાર નથી, કે નથી ત્યાં કોઈ અનુભવ કરવાની  વસ્તુઓ જેનો અનુભવ કરી શકાય એવી કોઈ વસ્તુ પણ નથી… જ્યાં બધું એક થઇ જાય છે એને જ શાંતિ કહેવામાં આવે છે, એ જ શાંતિ છે, જે જુદું ભાસતું હતું એ બધું અહીં એક થઇ જાય છે, બધું એકમાં વિલીન થઇ જાય છે, અને જ્યાં સુધી એ પરમ ઐક્યની સ્થિતિ સુધી આપણે પહોંચતા નથી, ત્યાં સુધી શાંતિને સાચી રીતે સમજી નથી શકતા, અને તેથી એ શાંતિને પૂર્ણતાથી માણી પણ નહીં શકીશું.

આને જ શ્રુતિ કહે છે ‘नित्योनित्यानां चेतनस्चेतनानांं एको बहूनां यो विदधाति कामान् तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः तेषां शान्तिः शाश्वती नेतरेषां)’ (कठ-उप – २:२:१३). આપણને જે બધું દેખાય છે એ બધું નષ્ટ થવાવાળું છે, એ બધું અનિત્ય છે. આપણુ શરીર, આપણી આજુબાજુ જે બધી વસ્તુઓ દેખાય છે એ આજે છે, કાલે નથી રહેવાની, જે કાલે ન્હોતી એ આજે છે… પરંતુ, આ બધાની પાછળ એક નિત્ય સત્તા વિલસી રહી છે, એક પરમ, નિત્ય સત્તા એ બધાની પાછળ છે; જે જડ વસ્તુઓ છે, એ સિવાય જે બધી ચેતન વસ્તુઓ દેખાય છે, માણસ દેખાય, પ્રાણીઓ દેખાય, એ બધાંની ચેતનતા જેને લીધે છે એ અસ્તિત્વ આખું એક જ છે; જ્યાં બધાં’ય ના ભાવો, સંસ્કારો, બધાં’ય ના કર્મો જ્યાં સંગ્રહિત રહે છે, જે સત્તા આ બધું સાચવે છે, બધાનું નિયમન કરે છે, એને જે પોતાની અંદર રહેલા આત્મામાં જાણે છે એને જ એ શાશ્વત શાંતિ મળે છે, એ સિવાય કોઈને નહીં.

તો, શાંતિ આખા અસ્તિત્વની, એક એવી ઉચ્ચતમ સ્થિતિ છે જ્યાં બધું એક થઇ જાય છે; ઘરમાં પણ જે બે જુદા લાગતા હતા એ એક લાગવા માંડે છે; એક જ પરિવારના સભ્યોનો જો એવો ભાવ  છે કે આપણે બધાં’ય એક જ છીએ, તો ત્યાં કોઈ સંઘર્ષ જ નથી. જયારે જુદાપણાની વાત, અલગ-અલગ હોવાની જ સમજ હોય તો ત્યાં સંઘર્ષ શરૂ…પછી આપણા એકાઉન્ટ અલગ હોવા જોઈએ, હિસાબ-કિતાબ જુદા હોવા જોઈએ; ચોઈસ અને વસ્તુઓ અલગ-અલગ હોવા જોઈએ, બધું અલગ-અલગ, જુદું-જુદું હોવું જોઈએ. અને જ્યાં આ અલગતા, જ્યાં આ જુદાઈની વાત આવી ત્યાં સંઘર્ષ, ઝઘડા શરુ, કારણ કે ત્યાં અસુરક્ષાનો ભાવ પણ જાગે છે, અને ત્યારે બીજાની સુરક્ષા કરતા મારી સુરક્ષા વધારે મહત્ત્વની બની જાય.

એક વખત હું એક સાધકને ત્યાં રોકાયો હતો; સાંજે ઈચ્છા થઇ કે નર્મદા કિનારે એક આશ્રમ છે ત્યાં જઈએ. તો, એ પરિવાર સાથે હું ગયો, ત્યાં જે સંત હતા એમની સાથે અમે બેઠા, સત્સંગ થયો, થોડી વાતચીત પણ થઇ. પાછા ઘરે જવા અમે ઉભા થયા, ત્યારે એ પરિવારના બહેને એ સંતને આમંત્રણ આપ્યું કે આપ પણ અમારે ઘરે આવો. આ સાંભળીને સંતે મારી તરફ જોયું, કેમ કે સંત-સમાજમાં એવો પ્રોટોકોલ હોય છે કે કોઈના ઘરે જો કોઈ સંત રોકાયા હોય તો બીજા સંતે ત્યાં નહીં જવાનું, આ એક સામાન્ય પ્રોટોકોલ હોય છે, જેનો અર્થ એ પણ થાય કે બે ભિક્ષુક ભિક્ષા લેવા નીકળ્યા હોય તો એક ઘરે એક જ ભિક્ષુક ભિક્ષા લેવા જાય, બીજાએ એ ઘરમાં ભિક્ષા લેવા નહીં જવાનું, તેથી એ સંતે મારી સામે જોયું અને મલકાઈને બોલ્યા ‘द्वीतियाद् वै भयं भवति’, કે બે હોય પછી અસુરક્ષાનો ભાવ હોય, ભય લાગે. એ સંત તો વડીલ હતા, તેથી મેં હંસતા-હંસતા કીધું કે બીજું કોઈ છે જ નહીં, મહારાજજી…एकमेवाद्वितीयं ब्रह्म, એક જ છે, બે છે જ નહીં.” આ સાંભળીને એ સંત હંસી પડ્યા, અને એ સંત પણ મારી સાથે આવ્યા, એ પરિવારને પણ ખૂબ સારું લાગ્યું.

જ્યાં એકત્વનો ભાવ છે, જ્યાં એક છે ત્યાં ભય નથી, બે થયા (જુદાપણું આવ્યું) કે ભય જાગે. એ એકતા, એ ઐક્યની જે સ્થિતિ છે, એ સ્થિતિને ધીમે-ધીમે, સભાનતા પૂર્વક, ગમે તેમ પણ કરીને આપણી અંદરથી લાવવી છે; એને માટે એટલો પ્રયત્ન કરવો છે કે કોઈ પણ ઉપાયે એ શાંતિની જે ઉચ્ચતમ સ્થિતિ છે એ આપણી અંદર આવવી જોઈએ.

સાથે-સાથે આપણે એ પણ સમજવાનું છે કે મને ક્યાં શાંતિ મળે છે, થાય છે, અને હું ક્યાં અશાંત થઇ જઉં છું, તો મને અશાંત કરનારા કયા-કયા કારણો છે. આપણે જે આત્મનિવેદનની વાત કરીએ છે એ આ શાંતિ-અશાંતિની વાતને સમજવા માટેના સજાગ પ્રયત્નોમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આત્મનિવેદન માટે રોજ રાતે સૂતા પહેલા હું રોજ બેસું છું અને એ દિવસની સવારથી લઈ રાત સુધીમાં જે જે બધી ક્રિયાઓ કરી – શારીરિક, માનસિક બધી જ ક્રિયાઓનું નિરીક્ષણ  કરું છું. આમ નિયમિત કરવાથી આપણા દરેક કાર્યો-વિચારો પ્રત્યે આપણી પોતાની સભાનતા વધે છે; આ સભાનતા જે વધે છે એ ત્વરિત નથી વધતી, એ ધીમે-ધીમે ધ્યાનથી થવા લાગે છે.

એટલે, આપણે જો શાંતિની દિશામાં આગળ વધવું છે તો સૌથી પહેલા આપણા દરેક વિચાર-ક્રિયાઓ માટે આપણી જાગરૂકતા, સભાનતા અને ધ્યાન (રાખવાની વાત) વધારવું, એવું નહીં કે રાતે અડધો કલાક ધ્યાન કરવા બેઠા, અને આત્મનિવેદન કરી લીધું, દરેક ક્રિયાઓમાં, દરેક કાર્યમાં, દરેકે-દરેક ક્ષણ તરફની આપણી સભાનતા વધારવી.

એટલે, એક સંતની બહુ સરસ વાત છે કે માત્ર ધ્યાન કરવાનું નથી હો’તું, ધ્યાન રાખવાનું હોય છે. ધ્યાન રાખી શકાય એ માટે અભ્યાસ કરવો, અને જો ધ્યાન નથી થતું, એ સ્થિતિ નથી થતી તો અભ્યાસ કરવાનો. ચિત્તને શાંત કરવા માટે કોઈ-ને-કોઈ પ્રયત્ન-અભ્યાસ કરવાનો.

तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः।। (यो-सू १:३२) – મહર્ષિ પતંજલિ કહે છે કે આપણી અંદર જે અશાંતિ છે, જે અજ્ઞાન છે, બોધ નથી, એકત્વનું જ્ઞાન નથી એને કાઢવા માટે એકત્વનો અભ્યાસ કરવો. આ અભ્યાસની શરૂઆત કરવા તેઓ તરત જ બીજા શ્લોકમાં કેટલી સરળતાથી કહે છે કે मैत्रीकरुणामुदितोपेक्षणां सुखदु:खपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् || (यो-सू १:३३). પહેલા એ કીધું કે બીજાના સુખે સુખી થાવ. કેટલી અગત્યની વાત છે; આપણી અશાંતિમાં આ એક બહુ મોટું કારણ છે, કે બીજાનું સુખ હોય એ આપણા માટે દુ:ખનું વધારે મોટું કારણ હોય છે.

એક  ભાઈ કહે કે આપણને પાડોશીની ગાડી અને સાડી કાયમ દુ:ખી કરતા હોય છે. આમ તો આપણે શાંતિથી જીવતા હોઈએ, આપણે રહેતા હોઈએ એ સોસાઈટીમાં કોઈ પાસે ગાડી ના હોય, અને તેથી આપણને એ વિષે બહુ વિચાર ના આવે. એક દિવસ પાડોશીને ત્યાં એક ગાડી આવી…બસ, આપણી સમસ્યા શરુ. હવે તો આપણી પણ ગાડી આવવી જ જોઈએ.

તો, બીજાના સુખે સુખી થવું એ શાંતિ મેળવવા માટેનું સૌ પ્રથમ શુભ પ્રયાસ છે. સંતના લક્ષણ માટે તુલસીદાસજી કહે છે કે બીજાના સુખે સુખી થાય, બીજાના દુ:ખે દુ:ખી થાય; પરંતુ આપણું સુખ તો બીજાને દુ:ખી કર્યા વગર ઉભું થતું જ નથી, એને સ્ટેન્ડ જ નથી મળતું; બીજાના દુ:ખના પ્લેટફોર્મ પર જ આપણું સુખ ઉભું થાય છે. મારી પાસે સારી ગાડી હોય અને જો ૧૦ જણા એને જોઇને દુ:ખી ના થાય તો મને સુખ જ ના મળે. મારું સુખ કાયમ બીજા પાસેથી અપ્રીસિએશન માગતું હોય છે. તમારો જંગલમાં બંગલો હોય, મર્સિડીસ ગાડી હોય તો એમાં કાંઈ આનંદ ના આવે; કોઈ ઘરે જ બેઠું હોય, તો શૃંગાર કરે ખરું? ના કરે, શૃંગાર એટલા માટે કરવામાં આવે છે કે એ જોઈ બીજા ‘વાહ! વાહ!)’ અને ‘હાય, હાય…’ ના કરે ત્યાં સુધી આપણું સુખ ઉભું થતું જ નથી.

શાંતિ માટેના શરૂઆતના પ્રયત્નો માટે પતંજલિજીએ તો એ પણ કીધું છે કે બીજાના સુખમાં મૈત્રી, દુઃખમાં કરુણા, કોઈને દુઃખી જોઈએ તો એ જે કરુણા છે એને માટે, કોઈને દુઃખી જોઇને કરુણા ઉત્પન્ન થાય એ ભાવ અશાંત ચિત્તને શાંત કરે છે. કોઈ કામ સારું કરે છે તો એને એપ્રીસિએટ કરીએ, ‘વાહ! તમે બહુ સારું કર્યું છે,’ એને એપ્રીસિએટ કરો…અને જો ખરાબ હોય તો એની ઉપેક્ષા કરવી. આવી વાતો સારી વ્યક્તિઓ સાથે બહુ મોટી મુશ્કેલી ઉભી કરે છે એ જેને ખોટી વ્યક્તિ સમજતા હોય એની સાથે પછી કોઈ દિવસ પ્રેમ કે લાગણીના સંબંધો, આત્મીયતાવાળા સંબંધો એમની સાથે થઇ જ ના શકે.

કોઈ વ્યક્તિ લસણ-ડુંગળી નથી ખાતી, દારુ નથી પીતી તો લસણ-ડુંગળી ખાનાર, દારુ પીનાર તો એને રાક્ષસ જ દેખાશે. એક વખત હું ટ્રેનમાં આવતો હતો, સામે કોઈ બીજા સંપ્રદાયના બહેન બેઠા હતા. મને પૂછ્યું કે ‘તમે કેવું પાણી પીવો છો?’ ત્યારે હું ગમે તેવું પાણી પી લેતો હતો, ફરી પૂછ્યું, ‘તમે ઉકાળેલું પાણી નથી પીતા?’ મેં કહ્યું ‘ના’. ‘તમે સાધુ છો, ઉકાળીને પાણી નથી પીતા?’ ‘ના’…તો એ બહેને મોઢા પર હાથ મૂકીને એવો આશ્ચર્ય, અણગમો વ્યક્ત કર્યો કે જાણે હું કેટલો મોટો પાપી હોઉં, પાણી પણ ઉકાળીને નથી પીતો! પોતે સારું કરે છે એનો અહંકાર, અને બીજો એ પ્રમાણે નથી કરતો તો એને માટે તિરસ્કાર, ઘૃણા, નફરત આવતી જ હોય છે. આવો ભાવ જ આગળ વધીને વ્યક્તિની પ્રકૃતિમાં વિકૃતિ  લાવતો હોય – બીજાને માટેનો જે તિરસ્કાર છે, બીજાને જે ખરાબ સમજીએ છીએ એને માટેની જે નફરત છે, એવા લોકો જ અત્યારે પોતાના શરીર પર બોમ્બ બાંધી જાતે તો મરે જ છે, સાથે બીજા પાંચ-દશ લોકોને પણ મારી નાંખે છે – એના મૂળમાં નફરત છે, એક પ્રકારનો સાત્ત્વિક અહંકાર આવતો હોય. આવી રીતે બીજાને તામસિક અહંકાર પણ આવતો હોય, પોતાને બીજા કરતા શ્રેષ્ઠ માને, બીજા કનિષ્ઠ છે, ખરાબ છે તો એવી વ્યક્તિ જેને આપણે ખરાબ સમજતા હોઈએ એના પ્રત્યે મહર્ષિ કહે છે કે ઉપેક્ષાનો ભાવ રાખવો. ઓફિસમાં કોઈ એક અધિકારી ઈમાનદારીથી કામ કરતો હોય તો એ બીજા કલીગ્સ સાથે ભળી જ નથી શકતો – બસ, આ જ ફેર છે સામાન્ય માણસમાં અને સંતમાં.

ગુરદેવ પરમ પૂજ્ય સ્વામી શિવાનંદજી હતા, એમને મળવા જાત-જાતના લોકો આવતા એ બધાને ગુરુજી એકસરખો પ્રેમ કરતા – અપરાધીઓ આવે, જુગારી આવે, દારુડીયા’ય આવે, ગુરુજી એમને પણ એટલો જ પ્રેમ કરતા. બીજા સાધકો કહે અરે! આ તો ગુંડાઓનો બોસ છે, દારુડીયાઓનો સરદાર છે… ગુરુજી કહેતા, એની અંદર પણ એ જ ચેતના છે, એ જ પરમાત્માનો અંશ એની અંદર પણ છે… તો આમ, એક સંત જ બધામાં એક ચેતના જોઈ શકે છે.

બુદ્ધ પાસે અંગુલિમાલ જઈને ભિક્ષુક થઇ જાય છે, સાધુ થઇ જાય છે. જે માણસોને મારી-મારીને એ લોકોની આંગળીઓની માળા કરીને પહેરતો એવો, રાક્ષસ જેવો માણસ બુદ્ધ પાસે આવીને સુધરી તો જાય છે, પછી સાધુ પણ થઇ જાય છે, કેમ કે સંત એની અંદર રહેલી ચેતનાને, ત્યાં રહેલા પરમાત્માને જોઈ શકે છે, કહે, એની અંદર પણ પરમાત્મા તો છે જ ને!

એટલે જ ગુરુજી કહેતા કે આવા સમાજમાં તિરસ્કૃત લોકો ભગવાન પાસે નહીં જશે, સાધુ-સંત પાસે નહીં જશે, તો એ જશે ક્યાં? દારૂડીયાને પણ ભગવાન પાસે જવાની તક તો મળવી જોઈએ, એમને પણ ભૈરવજી જેવો જોઈએ ને જે એમની સાથે ભળી જાય… તો એવા લોકોને પણ એમના જેવા ભગવાન જોઈએ અને આપણા ઋષિઓએ આવા લોકો માટે પણ તક આપી છે.

પતંજલિજી પણ વિકલ્પો જણાવે છે, તેઓ કહે છે કે મન-ચિત્ત શાંત રાખવા માટે સંતની જેમ બધા પ્રત્યે એક સરખી કરુણા નથી રાખી શકતા તો પછી પ્રાણાયામ કરીને ચિત્તને શાંત કરો. प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य || (यो-सू १:३४) કુંભકથી મનને શાંત કરો, પ્રાણાયામ કરો, પ્રાણાયામ કરીને ચિત્તને શાંત કરો, કપાલભાતિ, ભસ્ત્રિકાથી પણ મન થોડી વાર માટે એકદમ શાંત થઇ જાય છે.

કોઈ પણ સુખ જયારે પણ મળે વિષયથી સુખ જયારે મળે ત્યારે ત્યાં રોકાવું, અને એ સુખને દ્વાર બનાવી એની અંદર જવાનો પ્રયાસ કરો, જુઓ, સમજો કે સુખ ક્યાંથી આવી રહ્યું છે. સુખ બહાર વિષયોમાંથી નથી આવતું, સુખ તો અંદરથી પ્રકટ થઇ રહ્યું છે, તો એ જે સુખ છે એ ભલે જે કોઈ પણ નિમિત્તે પ્રકટ થયું એને દ્વાર બનવો, એની અંદર જાવ. મહર્ષિ એટલે કહે છે विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धनी || (यो-सू १:३५) કોઈ શાંત પુરુષ હોય, ત્યાગી પુરુષ હોય એનું ધ્યાન કરો, એની લીલાઓનું ચિંતન કરો.

અને છેલ્લે, મહર્ષિ કહે છે, તમને જે અભિમત હોય એ રીતે ધ્યાન કરો, તમે ગમે-તેમ પણ ધ્યાન કરીને મનને શાંત કરો, કેમ કે શાંતિ નહીં હશે તો જીવનમાં કશું પણ શુભ નહીં આવશે. જીવનમાં સૌથી પહેલા શાંતિ જોઈએ, પ્રતિપક્ષની ભાવના કરો. वितर्कबाधने प्रतिपक्षभावनम् || (यो-सू २:३३) તમને ગુસ્સો આવતો હોય તો તમે કોઈ શાંત પુરુષનું ધ્યાન કરો, શાંત પુરુષનો વિચાર કરો, તમે કયારે’ક  સાચે જ શાંત રહ્યા હોય તો એ ક્ષણોનો પણ વિચાર કરો. હવે, આનાથી ઉંધુ, ઉલ્ટું પણ વિચારો કે તમને કોઈ વાત પ્રત્યે બહુ આસક્તિ હોય તો એમાં દોષ દૃષ્ટિ રાખો, એનાથી દુઃખ આવશે એ સમજો;  दु:खाज्ञानानन्तफ़ला इति प्रतिपक्षभावनम् || (यो-सू २:३४) કે અસત્ય-ક્રોધ-રાગ-દ્વેષ-હિંસા વગેરે જે છે એ બધા અનંત દુઃખ આપનારા ભાવ-કર્મો છે… એ પ્રતિપક્ષના વિચારો છે એ માણસના મનને ખોટી દિશામાં જતા વારી લે છે.

આપણે જે-તે કર્મો કરતા હોઈએ તો એના ફળ વિષે બહુ વિચારવાનું  નહીં, કારણ કે ફળના વિચારો, એની કલ્પના કરીને માણસો ઘણા દુઃખી થતા હોય છે.

મને યાદ છે એક વખત હું મુંબઈમાં એક પરિવારના ઘરે રોકાયો હતો, તો એના ૧૨માં ધોરણમાં ભણતા બાળકના પરીક્ષામાં થોડા પર્સન્ટ-માર્ક ઓછા આવ્યા એટલે જે ક્ષેત્રમાં જવાની એની ઈચ્છા હતી એમાં એડ્મિશન લેવાનું થોડુ અઘરું લાગ્યું. મેં જોયું તો એના પિતા રાત્રે સૂઈ તો ગયા, પણ વચ્ચે-વચ્ચે જાગીને બેસી જાય, ઉભા થઇ જાય, બેસી જાય… એમને પૂછ્યું કે *શું થયું?)* તો કહે *બોબીનું શું થશે?)* બોબીનું શું થશે?)* આમ, ફળની ચિંતા કરી-કરીને માણસ દુઃખી થયા કરે છે, આપણે કોઈ કામ કરતા હોઈએ પણ એનું ધાર્યું રિઝલ્ટ નહીં આવશે એના ડરથી દુઃખી થયા કરીએ છીએ.

મેં નાનપણમાં એક વાર્તા વાંચેલી, એ મને બહુ પ્રેરણા આપતી રહી છે – એક માણસ ઘોડા પર બેસીને જતો હોય છે, અને એણે એનું પોટલું પોતાને માથે મૂક્યું છે. લોકોએ જોયું તો નવાઈ લાગી, પોટલું મુકવા જેટલી જગ્યા તો ઘોડા ઉપર હતી, તો પણ એણે પોતાને માથે પોટલું રાખ્યુ છે. એક જણથી રહેવાયું નહીં, પૂછ્યું, ‘તેં પોટલું કેમ માથે મૂક્યું છે?’ એ કહે, ‘મારો ઘોડો આજે માંદો છે, એટલે એને ભાર ના પડે તેથી મેં પોટલું મારે માથે મૂક્યું છે. એને એટલી સમજ નથી કે મારો આખો ભાર ઘોડા ઉપર છે…’

વિચાર કરો, શું હું મારું હૃદય જાતે ચાલવું છું? મારું ખાધેલું હું પચાવું છું? શું હું મારા મનને ચલાવું છું ? મારા શરીરની ક્રિયાઓ, મારું મન હું ચાલવું છું? મારા મનની બધી જ ક્રિયાઓનો ભાર એની  ઉપર છે અને બીજો બધો ભાર હું માથે લઈ લઉં છું… મારી સાથેની બધી વસ્તુઓનો ભાર પણ ત્યાં જ જવાનો છે, બીજે ક્યા’ય નથી જવાનો. ચિંતાથી આપણું મન બગડશે, હૃદય બગડશે તો એનો ભાર ભગવાન (મન-હૃદય) ઉપર જ આવવાનો… તો કર્મ કરતી વખતે  બહુ મોડેથી પાકનારા ફળની ચિંતા નહીં કરવાની. ચિંતાને બદલે એક બહુ સરળ ઉપાય છે કે શાંત રહેવાનું; અશાંતિની પળો આવે ત્યારે વિપરીત વિચારો કરવાના, શાંતિના વિચારો કરવાના, શ્રદ્ધા નહીં ગુમાવવી કે એમાં મારુ કાંઈ-ને-કાંઈ હિત છુપાયેલું છે, એને એ દુ:ખની વિપરીત પરિસ્થિતિને સમજવાની કોશિશ કરવી, પ્રયત્ન કરવો, અને આવું કેમ થઇ રહ્યું છે એને મૂળમાંથી કાઢવાનો પ્રયાસ કરવાનો. આ વાતને જરા સમજજો.

એક વાત સારી રીતે યાદ રાખજો કે આપણી પ્રાણશક્તિ, આપણી ચેતના આપણા શરીરની વિરુદ્ધ ક્યારે’ય નહીં જાય, ક્યારે’ય નહીં. આપણી ચેતના આપણી આંખનું નુકશાન ક્યારે’ય નહીં કરે, આપણી કિડનીનું નુકશાન ક્યારે’ય નહીં કરશે, એ છેક સુધી એને સાચવવાનો પ્રયાસ કરશે. શરીરમાં કોઈ વ્યાધિ-બીમારી પણ આવતા પહેલા સૂચના આપે છે કે આપણે કાંઇક ગરબડ કરી રહ્યા છીએ, આપણા ખાવા-પીવામાં રહેણી-કરણીમાં વિચારોમાં કાંઇક ગરબડ થઇ છે. એ ગરબડને લીધે બીમારી થઇ છે.  ખાવા-પીવામાં ગરબડ થઇ, શરીરમાં બેક્ટેરિયા વધી ગયા, તાવ આવ્યો, કોઈ ઇન્ફેકશન થઇ ગયું…તો, તાવ આવે એ સિગ્નલ છે, સિગ્નલ કાંઈ શત્રુ નથી, પણ મિત્ર છે, બીમાર થઈને પણ એ આપણને ચેતવે છે. પણ આપણે નાની વાત સમજીને એ સિગ્નલને ગણકારતા નથી… પરંતુ જયારે ડોક્ટર કહેશે કે ડાયાબિટીસ થઇ ગયું છે, આ કે એવું બીજું થઇ ગયું છે… ત્યાર પછી આપણે થોડું યોગ કરીએ, કાંઈ’ક ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ, કશું કરીએ, પણ શરૂમાં ગણકારતા નથી.

આવી જ રીતે વ્યવહારમાં પણ છે, કે યુનિવર્સલ કોન્સિયસનેસ, વિરાટ ચેતના જે છે એ કોઈ દિવસ આપણી સાથે ગરબડ નહીં કરે, આપણું નુકશાન ક્યારે’ય નહીં કરે. વ્યવહારમાં ક્યાં’ક આપણે અસફળ થઇ રહ્યા છીએ, અસફળ દેખાઈએ છીએ કે કોઈ કારણસર આપણને દુઃખ થાય છે તો એ ચેતના ઈશારો કરે છે, બીમારીમાં આવતા શરૂઆતના સિગ્નલની માફક એ આપણને ચેતવે છે કે કાંઇક ગરબડ છે, આપણી દિશા ખોટી છે, આપણે બીજી દિશામાં જવાનું છે.

હું એક વખત અમિતાભ બચ્ચનનો એક ઇન્ટરવ્યુ વાંચતો હતો, એ ઇન્ટરવ્યુ લારા દત્તાએ લીધો હતો. એણે બચ્ચનને એ જણાવવા કહ્યું કે તમે તમારા જીવનમાં જે તમને બહુ સારી વાત લાગી હોય એવી એક વાત કહો એ જેનાથી અમને પણ જીવનમાં પ્રેરણા મળે.

અમિતાભ બચ્ચને પણ આ જ વાત કરેલી કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં કશું પણ થતું હોય તો એમાં પોતાની શ્રદ્ધા અડગ રાખવી, ગુમાવવી નહીં, સાથે એમ પણ વિચારવું કે એમાં મારું કાંઇક હિત છે. આ એક એવી વ્યક્તિ છે જેના જીવનના મોટા ભાગની વાતો જાણીતી છે – ભઇ પોલિટિક્સમાં ગયા તો ત્યાં કેવા હાલ થયા એમના? પછી બિઝનેસ શરુ કર્યો, તો એટલું બધું દેવું થઇ ગયું કે કલ્પના જ ન્હોતી કે આ માણસ દેવાના કણણમાંથી ઉગરી શકશે. એમને પેપ્સીકોલા બહુ ભાવતું, તેથી બહુ પીતા હતા, અને એનાથી એમના આંતરડા એટલા બધા સડી ગયા હતા કે ડોક્ટરોએ ઓપરેશન કરી સડેલા ભાગને કાપવો પડ્યો… માંડ-માંડ મરતા-મરતા બચ્યા… આ બધામાંથી બહાર આવી એમણે ફરી ખૂબ મહેનત કરી, અને આજે ફરી એમના ક્ષેત્રમાં એ ઉચ્ચતમ સ્થાને છે, ટોપ-સ્ટાર આજે પણ છે.

તમે સ્ટીવ જોબ્સને વાંચો, એમનું એક વક્તવ્ય છે, જે એમણે એક યુનિવર્સિટિના કોન્વોકેશનમાં આપ્યું હતું. ઈચ્છા તો ખૂબ હતી યુનિવર્સિટિમાં જઈ ભણવાની, જાતે તો કોલેજમાં નહોતા જઈ શક્યા પિતાની શક્તિ હતી નહીં, તો પણ કોલેજમાં એડ્મિશન લીધું, વચ્ચે જ છોડવી પડી… પોતાની નાની કંપની ઉભી કરી, સારું કમાતી પણ કરી, તે છતાં, એને એની જ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. બીજી કંપની ઝીરોમાંથી ઉભી કરી. બીજી કંપનીને પહેલી કંપનીએ ટેકઓવર કરી, એ હિસાબે એ પહેલી કંપનીમાં પાછો આવ્યા અને એ કંપનીને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ કંપની બનાવી દીધી. છેલ્લે-છેલ્લે એને પેન્ક્રિએટિક કેન્સર થયું, પણ જીવનના આવા બધાં ઉતાર-ચઢાવમાં એણે ક્યારે’ય શ્રદ્ધા નથી ગુમાવી.

અબ્દુલ કલામના જીવનમાં જોશો, તો એમણે તો બનવું હતું પાયલટ, અને બની ગયા વૈજ્ઞાનિક, અને એ પણ કેટલા મોટા?

એટલે, આ શ્રદ્ધા ક્યારેય ગુમાવવી નહીં, સ્વીકારવું કે જે થઇ રહ્યું છે એમાં મારુ કાંઈ હિત છે, એમાં કદચ જો મૃત્યુ પણ આવે… પણ પરમાત્મા એ શક્તિ આપી રહ્યા છે તો એક નવી આશા, નવો જન્મ, નવું જીવન, નવી દિશા, નવી રાહ માટે આપે છે. પોતાની શ્રદ્ધા એટલી અડગ રાખવાની કે જે ઈચ્છા છે એ મળશે જ, કોઈ પણ હિસાબે મળશે, કોઈ પણ ઉપાયે મારે સજાગ, જાગરુક થવું જ છે, મારે જાણવું છે, સમજવું છે, અને મારે પ્રયત્ન કરવો છે કે કોઈ પણ હિસાબે મને શાંતિ મળવી જ જોઈએ… અને એ શાંતિ એક વ્યવહારુ શાંતિ હોય… અને શરૂઆતમાં તો એવું થાય કે અશાંતિના અભાવે જે હોય છે એને જ શાંતિ સમજતા હોઈએ.

તડકામાં કામ કરીને, ફરીને માણસ છાયડામાં બેસે, અને જે હાશકારો અનુભવે આપણે એને શાંતિ સમજીએ છીએ, કે કોઈ દુઃખ નથી એટલે શાંતિ છે… ના, શાંતિ તો બહુ જ ગહન વિષય છે… એ પૂર્ણતા તરફની યાત્રા છે. તેથી, ભલે એવી ગહન શાંતિની શરૂઆત ધીમે-ધીમે થાય. અશાંતિ હશે તો કશું શુભ નહીં કરી શકીએ, પણ સાચી શાંતિ જો આપણને મળશે, તો જીવનમાં આપણને વૈભવ પણ મળશે…

ॐ तत् सत्