સુંદર બગીચો હોય, એમાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય, આ બધા જ ફૂલોમાં એવી ક્ષમતા છે કે એ વ્યક્તિને પોતાની સુગંધથી, સૌંદર્યથી પ્રભાવિત કરી દે. આવનાર વ્યક્તિ ભલે પહેલીવાર આવી હોય, તે કઇ જ્ઞાતિની છે, પૈસાવાળી છે, ગરીબ છે, ભણેલી છે, અભણ છે, સુંદર છે કે પછી કદરૂપી છે. આ જાતની કોઇ જ ઓળખ બગીચાને કે ફૂલોને સ્પર્શ કરતી નથી. તેનો તો સ્વભાવ જ છે કે સુગંધ અને સૌંદર્ય અર્પણ કરવું. આપણે બગીચાની નજીકથી પસાર થઇએ, તેની નોંધ પણ ના લઇએ છતાં તે આપણને પ્રભાવિત કરે છે, પ્રસન્નતા આપે છે.
નદીમાં પણ એવું સાર્મથ્ય છે કે એના જળમાં સ્નાન કરનારને એ પ્રસન્ન કરી દે છે. માણસ ભલે થાકેલો હોય, મલિન હોય, અશુદ્ધ હોય છતાં નદીના જળમાં સ્નાન કરવાથી તે નિર્મળ, સ્વસ્થ અને પ્રસન્ન થઇ જાય છે.
એક નાનો સરખો દીવો પણ એની સામે શું પડ્યું છે, કઇ વસ્તુ છે એ બધુ કંઇ જ જોતો નથી અને પોતાના તેજથી તે બધી જ વસ્તુને પ્રકાશિત કરી દે છે. ભલે પછી કોઇ વસ્તુ ખૂણામાં હોય, નાની હોય કે મોટી હોય પણ દીવાના અજવાળામાં તે પ્રકાશિત થઇ જાય છે.
આ પ્રમાણે સદ્ગુરુના સાંનિધ્યમાં કોઇ પણ વ્યક્તિ આવે છે તેને સદ્ગુરુ પોતના આધ્યાત્મિક પ્રકાશથી પ્રકાશિત કરી દે છે, આચરણથી સૌને પ્રભાવિત કરી દે છે અને કરૂણાથી સૌને
પ્રસન્ન કરી દે છે.
આજના પાવન દિવસે પ.પૂ. ગુરુદેવના ચરણોમાં કોટીશઃ વંદન.