21 જૂન ‘વિશ્વ યોગ દિવસ’ પર સૌને અભિનંદન ! સૌનાં શરીર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે તેવી પ્રાર્થના.

યોગનો અર્થ આપણે માત્ર યોગનાં આસનો કે પ્રાણાયામના અભ્યાસથી જ સીમિત ન કરવો જોઇએ. યોગનો અર્થ ‘સમત્વ’ પણ છે. જીવનમાં સંતુલન હોય, રાગ-દ્વેષ, કામ-ક્રોધ, લોભ અને મહનો દ્વન્દ્વ ન હોય ત્યાં જ યૌગિક જીવનની સાર્થકતા. યોગનો બીજો અર્થ છે – ‘યોગઃ કર્મસુ કૌશલમ્’. આપણે આપણા પ્રત્યેક કર્મમાં કુશળ બનીએ. કર્મમાં કૌશલ એટલે ખામી વગરના, દોષ મુક્ત કર્મો. જીવન એક સરળ સાદી રેખા નથી. અનેક પ્રકારના આરોહ અને અવરોહથી ભરેલા જીવન વચ્ચે આપણે સમત્વ કે સંતુલન જાળવી શકીએ, નાસીપાસ ન થઇએ. મનોજથી બનીએ અને પ્રત્યેક કર્મને સારી રીતે કરીએ એમાં જ યોગનું સાર્થક્ય છે.

યોગની વ્યાખ્યા મહર્ષિ પતંજલિ એ જે કરી તેમાં કહ્યું ચિત્તની વૃત્તિઓનો નિરોધ એટલે યોગ. મનની ચંચળતાનું શમન થાય, ઇન્દ્રિયોનું દમન થાય, મનુષ્ય ખરા અર્થમાં ઋષિઓના ઉપદેશને સમજે. મારું-તારું, ઊંચ-નીચના ક્લેશોથી મુક્ત થાય ત્યારે યૌગિક જીવનનો પ્રારંભ થયો કહેવાય.

યોગમય જીવનનો અર્થ છે – મનને ચેતના સાથે, આત્મા સાથે જોડવું. જ્યારે મનનું જોડાણ, મનનો યોગ આત્મા સાથે થાય ત્યારે ઇચ્છાઓનું શમન થાય છે. કામનાઓ અને વાસનાઓનો ક્ષય થાય છે. વાસના ક્ષયથી જ મનોનાશ થાય અને મનોનાશ એટલે જ મોક્ષ.

આ બધી જે વાત કરી તે યોગનું ખૂબ જ ગહન તત્ત્વ છે. અત્યારે જે આવશ્યકતા છે એ કે માણસ, માણસને ચાહતો થાય. માણસ માણસને માણસની જેમ જુએ. અનેક જાતની ભેદ રેખાઓ લઇને આપણે બેઠાં છીએ. એનો વિચ્છેદ થાય. એકમેકનાં હૃદય, એક-બીજાને જોઇને હરખાવવું, એક-બીજાની દેખ-ભાળ રાખવી. બધા સાથે ખૂબ આનંદથી રહેવું. આનંદમાં રહીએ અને આનંદ આપીએ. દુઃખી થઇએ નહીં – દુઃખી કરીએ નહીં અને પરમાત્માની સત્તા એમનો પ્રેમ હંમેશા યાદ રહે તેમનું કદી વિસ્મરણ ન થાય એ જ વાસ્તવિક યોગ છે.

યોગનો અર્થ ‘જોડવું’ એવો થાય. હું, તમે અને આપણે સૌ આ દેશના સંતાનો છીએ. ઋષિ-મુનિઓ અને વેદ આપણી છે. આપણે આપણી સંસ્કૃતિનું જન કરી સંસ્કારથી સબળ બનીએ. એની વાતોથી વાચાળ જ નથી થવું પરંતુ તે પ્રમાણે જીવવું છે. દરેક આચરણમાં આવે. વ્યષ્ટિમાંથી સમષ્ટિ સાથે જોડાવું એમાં ભળી જવું યોગની સાર્થકતા છે.

યોગ માટે મંડલનું લક્ષ્ય ‘ધ્યાન’ છે. માત્ર આસન કરીને બેસવું નથી. સાથે સાથે પ્રાણાયામ પણ જરૂર કરવા છે. જે મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે અને આપણા શરીરની અશુદ્ધિઓ તથા પ્રાણિક અશુદ્ધિઓ દૂર કરે છે અને ધ્યાન સદ્ગુણોનું કરે છે. આ પ્રમાણે આસન, પ્રાણાયામ તથા ધ્યાનનાથી આપણા સૌના જીવન ઉન્નત બને, ઉદ્દાત્ત બને, ધન્ય ને સાર્થક બને એ જ આ વિશ્વ યોગ દિવસની સાર્થકતા છે. આપણી અંદર રહેલી આંતર-ચેતના જાગૃત થાય. વીરતા ઓજસ – તેજસ અને પ્રાજ્ઞથી સૌ પૂર્ણ થાય એવી પરમ પિતા પરમાત્માને પ્રાર્થના. વિશ્વના તમામ યોગીઓ ઋષિઓ અને ગુરુજનોના ચરણોમાં પ્રણામ.