‘લાલ, પીળો અને વાદળી મુખ્ય રંગ કહેવાય બાકીના બીજા બધાં એકબીજાથી થાય.’ તમને આમાંથી કયો રંગ ગમે છે ? રંગ ગમવાના કોઇ કારણો હોતાં નથી. બસ તે ગમે છે પરંતુ જે રંગ નથી ગમતા તે રંગ સ્વીકારવાની તૈયારી પણ હોવી જોઇએ. જીવન એકરંગી નથી. જીવન અનેકરંગી છે. ગમે કે ના ગમે દરેક રંગ જીવવા પડતા હોય છે. જે જીવનના રંગને જાણતા નથી એ જિંદગીના રંગને માણી શકતા નથી.
હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર. રંગને ઉમંગ સાથે સીધો સંબંધ છે. પ્રકૃતિએ કણેકણમાં રંગ પૂર્યા છે. દરેક સૌંદર્ય રંગીન છે. પ્રકાશ ઉજળો છે અને અંધકાર કાળો છે, સંધ્યા ખીલે ત્યારે આકાશ સુંદર રંગોથી ભરાઇ જાય છે, વળી ચોમાસામાં મેઘધનુષ્ય રચાય છે. આ બધું કોણ કરે છે? વાદળા કાળા હોય પરંતુ વરસી ગયા પછી સફેદ ઉજળા બની જાય છે. તે આપણને કહે છે, ‘વરસતાં શીખો, પ્રેમ, દયા અને કરૂણાથી વરસતા શીખશો તો તમે પણ ઉજળા થઇ જશો.’
જળ નિર્મળ છે એટલે જ પાણીને જે રંગ સાથે ભેળવો એવા રંગનું થઇ જાય છે. પાણીની પ્રકૃતિ લીન થવાની છે. જે લીન થઇ શકે એ જ વિલીન થઇ શકે. પરમાત્માએ માણસને બધા જ રંગો આપ્યા છે. આપણે નક્કી કરવાનું છે આપણા જીવનમાં ક્યા રંગ પૂરવા.
સફેદ રંગને કોઇ પણ રંગમાં ભેળવીએ તો બીજો રંગ પણ ઉજળો થાય અને કાળા રંગને કોઇ પણ રંગમાં ભેળવીએ તો બીજા રંગને પણ તે કાળો કરી દે. એ પ્રમાણે સારા અને ખરાબ રંગનું છે. સારી સોબત સારા રંગ આપે છે, ખરાબ સોબત ખરાબ રંગ આપે છે.
આપણે એવા રંગથી રંગાઇએ જે જીવનમાં પ્રેમ, ઉત્સાહનો વધારો કરે, જીવન રંગીન થાય તો જે કોઇ સંગમાં આવશે તેને પણ આ સાત્ત્વિક રંગની સુવાસ મળશે. હોળી – ધૂળેટીની શુભકામના…